23 - ફૂલ-મ્હેક-મોતી-યાદ / નલિન રાવળ


વહેલી સવારે
સરવટ તરે તાજું ખીલેલું ફૂલ
ઝીલે
આકાશની ઉષ્માસભર આભા,
ઝરતા સાંજના અંધારામાં
પંખી પાંખથી સરતી
પવનની લ્હેરમાં પ્રસરે સુખડની મ્હેંક,
દરિયાવની ભીતર છલકતા દરિયાવની
ભીતર રહેલી છીપમાં
ચળકતી ચાંદની જેવું ઝગે મોતી,
આષાઢની રાતે
ઝીણી ઝરમર મહીં
મોરના ટહુકારની સંગે વહી આવે
દૂરના એ દૂરના
નાના મજાના ગામની
અંતર છલકતી યાદ


0 comments


Leave comment