29 - ઢેલ (એક કાલ્પનિક કથા) / નલિન રાવળ


રે
તે ભવ મહીં આપણે
વનરાવન સાથમાં સ્હેલતાં,
અમે
નાનેરી ઢેલ
તમે
હેતે છલંત મારા મોંઘેરા મોર;
રે સવાર
મંદિરનાં પ્રાંગણમાં
પગલાં ધરીને કેવા ચૂગતાતા દાણા !
રે બપોર ઢળે
ફૂલોનાં માંડવાની છાંય તળે
ઝરમરતા વરસાદી વાયરે
મીઠેરી નીંદ લઈ ફરુકતા
વનરાઈ કોર - ઝૂક્યા આંબાની ડાળ
ડાળ પર
ટહુકા મૂકીને જતા સરવરની પાળ;
મેઘધનું રંગના પીંછાં પ્રસારી
તમે નાચતા
અમે લ્હેકંતી ચાલમાં ફરતાં ચોફેર
તારક ઝગી ભીની આષાઢી રાતમાં
ઝાડીમાં દોડતાં હરણાં ને સસલાની સાથ
સૂણતાતા તમરાંનાં ત્રમત્રમ ગાણા
ઝળહળતા આભેથી
નીતરતી ચાંદનીમાં ઓળઘોળ
આવી નજદીક તમે કહેતા –
સોને મઢીશ તારી ચાંચુડી
દઈશ હીરાનો હાર તારે કંઠ...
વીત્યાં કંઈ વર્ષોને એક દિન
જાગ્યો વંટોળ ઘોર કારમો
ઝાડ તૂટ્યાની સાથે નીચે
પટકાયો મોર મારો રે ધૂળમાં
પીંછાના ઢગલા પર ઢાળીને ડોક
મોર ઊડ્યો એ આભનીય પાર
ભીની માટીમાં પડેલ પગલાં નિહાળી
કંઈ રોતી ચોધાર...
વર્ષો વીત્યે આજ આવી આ શ્હેર
જાઉં
ઊંચી અગાશીએ
બાંધેલ હીંચકે
હીંચી રહેલ મારો મોર - માનવના વેશમાં
ધીરે પગલે... આવી સન્મુખ
પાંખ ફફડાવી મૂક્યા જ્યાં ટહૂકા
ત્યાં
રોષમાં ઉગામ્યો હાથ...
કરગરતી કરગરતી ઊડી આકાશ
જઈ પહોંચી વનરાઈમાં
આજ
આષાઢી આભની ઝરમરતી વર્ષા
નિહાળું તહીં
ઝબકારે મન મહીં
આંબાની મંજરીથી મ્હેક મ્હેક
ઝૂકી વનરાઈમાં ટહેલતી
એકાકી ઢેલનાં
અંતરને વીંધતા
ટહુકારા સાંભળું.


0 comments


Leave comment