1 - કવિશ્વર દલપતરામ ઍવોર્ડ / નલિન રાવળ


અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્યકવિ, પિંગળકાર, શિક્ષણવિદ અને આપણા સંસ્કારજીવનના પ્રણેતા દલપતરામના નામથી વિભૂષિત એવોર્ડના પ્રથમ અર્પણ-સમારોહમાં મને પુરસ્કારયોગ્ય ગણી આમંત્ર્યો તેમાં તમારી સાહિત્યપ્રીતિ અને સૌહાર્દનો પરિચય થયો.

આ પ્રસંગે વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ અને કવીશ્વર દલપતરામ એવોર્ડ સમિતિના માનનીય સભ્યો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.

દલપરામ અને તેમના સમય વિષે કહ્યું તે પહેલાં અંગત બે શબ્દ કહેવા વિચારું છું.
લેખનનાં મારા અન્ય રસના વિષયો વાર્તા અને વિવેચન પણ મારો પ્રથમ પ્રેમ કવિતા. મારું પ્રિય પ્રયોજિત સૂત્ર ‘કાવ્ય આનન્દ રૂપમ’. રૉબર્ટ ફ્રોસ્ટની પ્રસિદ્ધ ઉક્તિ છે :
“It begins in delight and ends in wisdom. - કવિતા આનંદમાંથી ઉદ્ભવે છે અને દર્શનમાં પરિણમે છે.”

શ્રીધરાણી અને પ્રહલાદ પારેખે પુરસ્કારેલ અનુગાંધીયુગની સૌંદર્યલક્ષી કવિતા સાથે મારી કવિતાના તાર જોડાયેલા છે. ‘ધ્વનિ' અને ‘છંદોલય’માં સૌન્દર્યબોધ તેની પરાકાષ્ઠા સાધે છે. ‘પ્રવાલદ્વીપ'થી આરંભાયેલ નગરજીવનને સ્પર્શતી કવિતાની ગતિ પણ સમાંતર વહે છે. આધુનિક કવિતાશ્રેણીના સંગ્રહ ‘૩૩ કાવ્યો', ‘નમેલી સાંજ', ‘અશબ્દ રાત્રિ’ અમે ‘ઉદ્ગાર’ના ભાવકલ્પનો વચ્ચે વિલક્ષણ સામ્ય છે. આ સમયના કવિસ્વર સાથે એક અખંડ કાવ્યપરંપરા સંકળાયેલી છે. સામાજિક ચેતનાની પડછે આધુનિક નગરજીવનનાં સંકુલ મનોભાવો આ કવિતામાં ધબકી રહ્યા છે. કવિકર્મનું રહસ્ય સ્ફુટ કરતો બલવંતરાયનો આ શ્લોક પ્રેરણારૂપ છે :

“સાચો પરંતુ કવિ તે કરુણાર્દ્ર શાંત
જે લાગણી અગણ બંધુ તણી લહે છે
તેને ચગાવી ગગને ચમતી મૂકે છે
ને એ અભોમ દ્યુતિથી હૃદયો રસે છે.”

કવિ અને કવિતાને સ્પર્શતાં ત્રણ વિધાના ચિંત્ય છે. ડિલન ટોમસ કહે છે- “Man by my metaphor.” માનવી મારું રૂપક. ટી. એસ. એલિયટ કહે છે –
“Maturing as a poet means maturing as a whole man.” કવિ તરીકે નીવડવું એટલે આખાય મનુષ્ય તરીકે નીવડવું. ઉમાશંકર કહે છે :
“કવિની માનવ તરીકેની સાધનાનો ચરમ પુરુષાર્થ એના વ્યક્તિત્વની પૂર્ણ ખિલવણીમાં હોય.”
૧૯૬૨માં ‘ઉદ્ગાર'ના પ્રકાશન પછી પાંચ દશક દરમિયાન સમયાંતરે પાંચ અન્ય સંગ્રહ પ્રસિદ્ધ થયાં – ‘અવકાશ’, ‘લયલીન’, ‘મેરિ ગો રાઉન્ડ', ‘આહ્લાદ’ અને ‘આફ્રિકન સફારી કાવ્યો'. પ્રકૃતિ, નગરપરિવેશ અને વ્યક્તિ સંબંધોના સંદર્ભમાં અહીં નવાં કાવ્યો રચાયાં છે. મેં જોયું છે કે ક્યારેક એક કાવ્ય પાછળ એકાધિક કાવ્યના સંસ્કાર ધબકતા હોય.

મનુજ ચિત્તસારંગીના તાર જે કવિસ્વરોએ રણકાવ્યા છે તે દર્શાવતી રચના ‘આનંદધારા’નું પઠન કરું છું.

આનંદધારા
ધ્વનિ
છંદોલય
આલાપ
પ્રતીક
નમેલી સાંજ
કાવ્યધારા
વહે
અહર્નિશ આનંદધારા.

મારી કાવ્યસિસૃક્ષાને પરિષ્કૃત કરનાર મારા પ્રિય વિવેચકો છે બલવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, સુન્દરમ્ અને ઉમાશંકર. - જેમણે અર્વાચીન વિવેચનની એક સમૃદ્ધ પરિપાટી રચી અને જેમની રસાસ્વાદમૂલક વિવેચનાએ પ્રજાનાં બૌદ્ધિક સંસ્કારનું સિંચન કરી પ્રજાના સંવેદનતંત્રનું નવઘડતર કર્યું.

કવિના જીવન અને કવન વિષે પરિચય મેળવીએ તે પૂર્વે વર્ધમાન નગરી વિષે જાણવું રસપ્રદ. સિદ્ધાર્થ અને ત્રિશલાના રાજપુત્રનું નામ વર્ધમાન - અષ્ટકર્મ વિદાર્યા પછી ૨૪માં તીર્થંકરપદને પામી બન્યા મહાવીર સ્વામી. વર્ધમાનનાં નામ પરથી આ નગરી વર્ધમાન નગરી તરીકે પ્રાચીનકાળથી પ્રસિદ્ધ છે. - દલપતરામે એક કાવ્યમાં વઢવાણને મહાવીર સ્વામીના વિચરણની પાવન ભૂમિ કહી છે. (એક કાળે તે ગુજરાતની રાજધાની હતી તેવો ઉલ્લેખ પણ છે.) અહીંના જૈન મંદિરો ધર્માચાર્યોના વિદ્યાવ્યાસંગથી ગુંજતાં. પ્રાચીન જૈન સાહિત્યની હજારો હસ્તપ્રત અહીંના ભંડારોમાં સચવાયેલી છે.

કવિ-વિવેચક રામપ્રસાદ શુક્લે ‘સરિતાઓના સાન્નિધ્યમાં’ નામના ગ્રંથમાં અહીંના વાવ-કૂવા-તળાવો અને ચોમાસામાં બેઉ કાંઠે વહેતી ભોગાવો નદીનાં સુંદર વર્ણનો આપ્યાં છે.

એ વર્ધમાન નગરી સ્મરણશેષ. પણ સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર સમું વઢવાણ આજે ઊભું છે અડીખમ.
કલ્પનાની વિહરતી કલમે લખું તો લાખુપોળના ભવ્ય દરવાજામાં પ્રવેશી આગળ ચાલીએ તો જૈન મંદિરને વળોટી જતા માર્ગની કોર પર આવે કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનું ઘર. પાસેના ખાંચામાં કવિ પ્રજારામનું રહેણાક અને મહાલક્ષ્મીપામાં અમારાં ઘર સામે વડના ઝાડ પર ઊતરતી સંધ્યાએ ઊડાઊડ કરતા મોરલાના ટહુકારા સંભળાય ને રાત્રિએ સહેજ હાથ અધ્ધર કરો તો તારાભર્યું આકાશ હાથમાં આવે.

આજથી ૧૫૦ પૂર્વે અમારા પૂર્વજ કવિશ્રી દલપતરામના સાખપાડોશી હશે તેવી મધુર ધારણા કરી શકાય.
દલપતરામનો જન્મ વઢવાણમાં વેદપાઠી પીતાને ત્યાં ૧૮૨૦માં અને અમદાવાદમાં અવસાન ૧૮૯૮માં. ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધર સમા આ પુરુષે ૭૮ વર્ષનું ભરચક આયુષ્ય ભોગવ્યું અને ‘દલપત ગ્રંથાવલિ'ના પાંચ ભાગનાં ૩OO૦ પૃષ્ઠો પર પથરાયેલું કવિતા, પિંગળ, અલંકારદર્શન, નાટક, નિબંધ આદિ વિપુલ સાહિત્ય રચ્યું.

(૨)
આઠ વર્ષની વયે ઉપવીત ધારણ કર્યા પછી દલપતરામે પિતા પાસે વેદાભ્યાસનો આરંભ કર્યો. - અધ્યયનમાં સહેજ ભૂલ અને પિતાનો ક્રોધ ભભૂકતો. થોડો સમય આમ ચાલ્યું પણ આખરે માતા અમૃતબા સંતાનોને લઈ પિયર રહેવા ચાલી ગયાં હતાં. મોસાળમાં દલપતરામ ખેલ્યા મહાલ્યા અને ગામઠી શાળામાં નામનું ભણ્યા. જ્યોતિષ અને સંસ્કૃતનું પ્રારંભિક જ્ઞાન પણ મેળવ્યું. - જે યજમાનવૃત્તિમાં ખપ લાગે. મામાની સાથે ગઢડા જવાનું થતાં ત્યાં સહજાનંદ સ્વામીના પ્રત્યક્ષ દર્શનનો અમૂલ્ય લ્હાવો મળ્યો જેની અસર જીવનના અંત લગી પહોંચેલી. ૧૪ વર્ષની વયે ભૂમાનંદ સ્વામીનાં પ્રવચનોથી પ્રભાવિત થઈ દલપતરામે સ્વામિનારાયણ ધર્મ અંગિકાર કર્યો. આ સમાચારથી પતિથી વિખૂટા પડેલા અમૃતબાને આઘાત લાગ્યો. ડાહ્યાભાઈને આ વાતની ખબર પડતાં સંન્યાસ ગ્રહણ કરી ગૃહત્યાગ કર્યો. ચોવીસ વર્ષની વયે પિતાનું અવસાન થયું. કેવી વિધિવક્રતા ! પિતા-પુત્રનો સંબંધ તૂટ્યો તે તૂટ્યો જ રહ્યો.

ભૂમાનંદ સ્વામી પાસે પંચ વર્તમાન ધારણ કર્યા પછી દલપતરામે કિશોરવયે રચેલી બે શૃંગારિક પદ્યવાર્તાઓ હીરાદન્તી અને કમળલોચની બાળી નાંખી. સ્વામિનારાયણ ધર્મ દલપતરામના જીવનનું વિધાયક પરિબળ. સંપ્રદાયના સંબંધને પરિણામે દલપતરામ અનેક સત્સંગીઓના ગાઢ પરિચયમાં આવ્યા. દેવાનંદ સ્વામીએ તેમને કાવ્યદીક્ષા આપી કાવ્યશાસ્ત્રનું, છંદશાસ્ત્રનું, અલંકારદર્શન સમેત સાચું જ્ઞાન આપ્યું. વ્રજભાષાનું કાવ્યશિક્ષણ પામી તેમણે આરંભમાં વ્રજભાષામાં જ કાવ્યો રચ્યાં. બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ અને દેવાનંદ જેવા સંપ્રદાયના કવિઓમાં દલપતરામ પણ સંપ્રદાયના કવિ તરીકે સ્થપાયા.

ચોવીસ વર્ષની વયે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતના વધુ અભ્યાસ અર્થે આવ્યા. ભોળાનાથ સારાભાઈના પિંગળગુરુ તરીકેનો મોકો મળ્યો - નગરના શ્રેષ્ઠીજનોના પરિચયમાં આવ્યા અને પાછા ફરી ગયા – ફરી ભોળાનાથે તેમને આમંત્ર્યા – વઢવાણથી ચાલીને આવ્યા, એલેક્ઝાન્ડર કિનલોક ફોબર્સને મળવા. ર૩ વર્ષની વયે કિનલોક અમદાવાદમાં ન્યાયાધીશ તરીકે આવ્યા. દલપતરામને સનિષ્ઠ સહકાર્યકર તરીકે નીમ્યા. બંને વચ્ચે વિરલ મૈત્રીયોગ રચાયો. ૧૮૪૮માં ગુજરાતી ભાષાસાહિત્યના ઉત્કર્ષ અર્થે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના તેમને હાથે થઈ. કિનલોક-દલપતરામના સહપ્રયત્નથી રાસમાળા જેવા લોકકથાનકોનો ગ્રંથ રચાયો. કિનલોક-દલપતરામ ઠેરઠેર કવિમેળાનું આયોજન કરતા. ‘ફારબસવિલાસ' નામના દીર્ઘ કાવ્યમાં ઈડરમાં ભરાયેલ કવિમેળાનું રસિક વર્ણન છે.

સૌરાષ્ટ્રના રાજવી કુટુંબો સાથે દલપતરામને નિકટનો સંબંધ - શુભ પ્રસંગે તેમને આમંત્રણ. પ્રશસ્તિકાવ્યના વાચન દ્વારા અર્થપ્રાપ્તિ પણ સારી. કર્ટિસની પ્રેરણાથી ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઈ કાવ્યભાષણ આપનાર કવિ દલપતરામે આગવી ઓળખ આપતાં કહ્યું, ‘રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’ અને ઉપાલંભ દ્વારા સૂચવેલું કે ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ચલણ હોવું જોઈએ. હિમાભાઈ ઈન્સ્ટિટ્યૂટ ગ્રંથાલય, પ્રેમચંદ રાયચંદ ટ્રેઈનિંગ કૉલેજ આદિ સંસ્થાઓમાં સક્રિય. ફોર્બ્સ સુરત ગયા ત્યારે થોડો સમય દલપતરામ તેમની સાથે રહ્યા. દુર્ગાશંકર મહેતા સાથે સુરતની શેરીએ શેરીએ ફરી સામાજિક કુરૂઢી – અંધશ્રદ્ધા વિરુદ્ધ ભાષણો આપતા. સરસ્વતી મંદિરમાં યોજાયેલ કવિ સંમેલનમાં દલપતરામે કવિ નર્મદ પર રચેલું કાવ્ય રજૂ કરેલું. અનેક કાવ્યસ્પર્ધાઓમાં ભાગ લેતા દલપતરામને પ્રજાએ ઉમળકાથી બિરુદ આપ્યું – ‘કવીશ્વર'.

આરંભમાં દલપતરામ વ્રજભાષામાં કવિતા લખતા. કિનલોકે તેમને સ્વભાષામાં સર્જન કરવા પ્રેર્યા. ૧૮૪પમાં દલપતરામે ‘બાપાની પીપર’ નામું ગુજરાતી ભાષાનું પ્રથમ અર્વાચીન કાવ્ય રચ્યું.

૧૮પપમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું સુકાન દલપતરામે સંભાળી લીધું. ‘બુદ્ધિપ્રકાશ'નું સંપાદન કાર્ય પણ તે કરતા. આ મુખપત્રમાં દલપતરામના પિંગળશાસ્ત્ર પરના લેખ છ વર્ષ લગી પ્રગટ થતા રહ્યા. પુસ્તકાકારે પ્રગટ થયેલ દલપતપિંગળની આજ લગી ૩૦ આવૃત્તિઓ દ્વારા એક લાખ નકલો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે. કવિ બાલાશંકર નડિયાદથી અમદાવાદ કાવ્યશિક્ષણ પ્રાપ્ત કરવા દલપતરામ પાસે આવતા. ‘હરીપ્રેમ પંચદશી' કાવ્ય દલપત શૈલીમાં રચી બાલાશંકરે કાવ્યારંભૈ ગુરુનામનું સ્મરણ કર્યું છે – ‘ગુરુકવિ દલપતરામનો પદરજ સેવક બાલ'.

‘વનચરિત્ર', ‘હુનરખાનની ચડાઈ', ‘ફારબસ વિરહ’ આદિ દીર્ઘકૃતિઓ ઉપરાંત દલપતરામે બે હજારથી વિશેષ છંદોબદ્ધ કાવ્યો અનેક વિષયો પર રચ્યાં છે. બેથી સાત ધોરણના વિદ્યાર્થીઓને કાવ્યશિક્ષણ મળ તે અર્થે ‘હોપ વિચાનમાળા'માં દલપતરામે ૮૦ કાવ્યો પ્રગટ કર્યા. - બોધાત્મક, વાર્તાત્મક, પ્રકૃતિને લગતી આ રચનાઓ, ચોપાઈ, દોહરા, મનહર આદિ માત્રામેળ છંદોમાં છે. પ્રસિદ્ધ રચનાઓ છે – ‘ઊંટ કહે', ‘અટકચાળો છોકરો’, ‘શરણાઈવાળો', ‘ડોશી શું ખોળો છો ?', ‘સર્વવ્યાપક ઈશ્વર વિષે’, ‘પોપટ વિષે’, ‘ઘર વિષે', ‘ઋતુઓ વિષે', ‘અંધેરી નગરી’.

દલપતરામ અઠ્યાવીસ વર્ષની વયે સહકુટુંબ અમદાવાદ આવી વસ્યા. ન્હાનાલાલ દલપતરામના ત્રીજા પત્ની રેવાબાનું સંતાન - ૧૮૭૭માં તેમનો જન્મ. શૈક્ષણિક અભ્યાસ એલ્ફિન્સ્ટન કૉલેજમાં - મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક, ન્હાનાલાલનું સૂચક વિધાન છે : ‘જો મુંબઈ યુનિવર્સિટી છે તો ન્હાનાલાલ છે.’ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં વ્યાપી વળેલ રિનેસો – નવસર્જનની સમન્વયભાવના મૂર્ત સ્વરૂપે પ્રગટી ન્હાનાલાલ અને તેમના સમર્થ સમકાલીન સર્જકોમાં.

દલપતરામ ૧૮૯૮માં દિવંગત થયા. ત્રેવીસ વર્ષની વયે ન્હાનાલાલનો શકવર્તી સંગ્રહ ‘વસંતોત્સવ’ પ્રસિદ્ધ થયો. ન્હાનાલાલે પોતાનો પરિચય ‘મ્હોરેલા દલપતરામ’ તરીકે આપ્યો છે. પિતા-પુત્રની સાહિત્યસેવા એક સૈકાને આવરતી ચાલે છે. દલપતરામ-ન્હાનાલાલની કવિતા ગુજરાતી ભાષાની સુવર્ણ સિદ્ધિ છે.

કવિશ્રી દલપતરામના સારસ્વતબંધુ - સમાનધર્મા કવિશ્રી નર્મદને મારું આ વક્તવ્ય અર્પણ કરું છું.

કવિશ્વર દલપતરામ એવોર્ડ અર્પણ સમારોહમાં આપેલું વક્તવ્ય
વઢવાણ, ૪-૪-૨૦૧૦0 comments


Leave comment