1 - પ્રકાશકીય / કાંઠાનું જળ / રમેશ ર. દવે


   સદ્. બી.કે. મજૂમદારના વસિયતનામામાં પ્રગટ થયેલી, સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઇચ્છાના અનુસંધાનમાં રચાયેલી શ્રી બી.કે.મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી હેઠળ આ વાર્તાસંગ્રહ સત્તરમા સોપાન તરીકે પ્રકાશિત થઈ રહ્યો છે. વિદાય લેતી વીસમી સદીના છેલ્લા બે દાયકાનાં વર્ષોમાં ગુજરાતી ટૂંકી વાર્તાક્ષેત્રે સ્પષ્ટ પરિવર્તનો નોંધાયાં છે. રઘુવીર ચૌધરીએ આ સમયવિશેષમાં સર્જાયેલી વાર્તાઓ વિશે ‘ગુર્જર અદ્યતન નવલિકાસંચય'માં નોંધ્યું છે:
   “નવમા દાયકાના ઉત્તરાર્ધથી ગુજરાતી નવલિકામાં અવનવા સંચાર જોવા મળે છે. પ્રયોગો ચાલુ રહે છે પણ એના અતિરેકને બદલે બોલાતી ભાષા-ક્ષેત્રીય બોલીનો રણકો લાવવાનો પુરુષાર્થ આરંભાય છે. કલ્પન પરનો ભાર ઘટે છે. પ્રતીક પર વિશ્વાસ બેસે છે. પ્રતીકના વિનિયોગ પ્રત્યે ઝોક વધતો જાય છે.
   .... વૈવિધ્ય આવ્યું છે, સૂક્ષ્મતા વધી છે પણ સામાજિક નૈતિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથેનો અનુબંધ તૂટ્યો છે. કલા નીતિ-અનીતિથી પર છે એવું વારંવાર કહેવાયું છે પણ આ સંદર્ભમાં મને અજ્ઞેયજીનું વાક્ય વધુ અર્થ-સમર્પક લાગે છે : ‘દેખના બૂરા નહીં હૈ, અધૂરા દેખના બૂરા હૈ.’ "
   કંદર્પ ૨. દેસાઈની પ્રથમ વાર્તા ‘ટૂંકી લીટી – લાંબી લીટી’ ઈ.૧૯૮૭માં ‘સરવાણી’માં પ્રગટ થઈ છે અને આ સંગ્રહમાંની છેલ્લી વાર્તા ‘અંધારો ખૂણો’ ‘ગદ્યપર્વ’ના મે-જુલાઈ, ૨૦૦૦ અંકમાં પ્રકાશિત થઈ છે. આ હકીકત સૂચવે છે કે છેલ્લા બે દાયકાઓમાં પરિવર્તિત થતી રહેલી વાર્તાવિભાવના સાથે વાર્તાકારે મૂઠભેડ કરી છે. વળી, આરંભની વાર્તાઓને અહીં ગ્રંથસ્થ કરતાં પહેલાં વાર્તાકારે તેમની પરિવર્તન પામેલી વાર્તાવિભાવનાની સરાણે ચડાવી-ચકાસીને સાચા અર્થમાં પરિષ્કૃત પણ કરી છે. સંગ્રહમાં વાર્તાઓ તેના સામયિક-પ્રકાશન ક્રમે ગ્રંથસ્થ થઈ છે એટલે ઝીણું, જોનારાને બદલાતી રહેલી, વિકાસમાન એવી વાર્તાવિભાવનાનો આલેખ પણ જડશે.

   ‘અંતરિયાળ પડાવે' એવું મથાળું બાંધીને વાર્તાકારે કરેલા આત્મકથનમાં સ્વીકાર્યું છે : "અસલ વાત તો છે જાતને ઓળખવાની. આત્મઘૃણા અનુભવતા ડૉક્ટર, તળાવકાંઠે કાંકરા ફેંકતો નાનભૈ, હિમશિખરોની ટોચને તાકતો વિક્રમ, કોશેટો તોડવામાં નિષ્ફળ જતો ગિરીશ વિદ્યાર્થીઓના સ્નેહભાજન બનતા પ્રો. દેસાઈ અને અસંગી અમીતા – આ બધામાં કોઈએક ક્ષણે મને મારી ભાળ મળી હતી. ત્યારેય હતી અને આજેય છે : શું હું માત્ર કંદર્પ ર. દેસાઈ છું કે આ બધાં પાત્રો અને એમની નાનાવિધ જીવનસમસ્યાઓનો સરવાળો છે ? જે ક્ષણે આ અઘરા સવાલનો જવાબ સાંપડશે ત્યારે કદાચ જાતને જાણવા-પામવાની આ મથામણ – આ યાત્રા જ પૂરી થઈ જશે. પણ એ મથામણયાત્રા તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એના વિશે આ અંતરિયાળ પડાવે ઊભા રહીને શું કહું ?” ભાવક તરીકે આપણે પણ વાર્તાકારને શુભેચ્છા આપીએ કે એમની સૂચિત મથામણયાત્રા કદી ન વિરમે અને વાર્તાઓ સરજાતી રહે !
- રમેશ ર. દવે.


0 comments


Leave comment