3 - મળવું / કંદર્પ ર. દેસાઈ


   ફરીવાર જ્યારે બાલાછડી જવાની વાત આવી ત્યારે હું આનંદમય બની ગઈ. કેટલાય દિવસોની એકવિધતાની સાંકળ તૂટી પડશે એ વિચારે મારું મન હળવે થઈ ગયું. હંમેશની જેમ એ રાત્રે હું સૂઈ ન શકી પણ એનું કારણ તો અલગ જ રહ્યું. એનો તાપણાં ભીનો ચહેરો મારી બાજુમાં જ શ્વસી રહ્યો હતો ને મારા ઉશ્કેરાટનો પાર ન હતો. મેં વિચાર્યું, કદાચ આ વખતે પણ એ મળે તો – ? હું જાણું છું અકસ્માતો વારંવાર સર્જાતા નથી ને એમાંય આવા વૈચિત્ર્યપૂર્ણ.... ! મેં આંખ મીંચી કે તરત જ મારી આંખમાં શરદપૂનમની એ રાત આવી બેઠી.

   મેં પહેલીવાર દરિયાકાંઠે પગ મૂક્યો હતો. સુંવાળી રેતીનો સ્પર્શ મારા મનને પણ મુલાયમ બનાવી રહ્યો હતો. ઠંડી ઠંડી હવાની લહેરો મનને ચંચળ બનાવતી હતી. મેં મારા લાંબા વિશાળ કેશરાશિને મુક્ત કર્યો ને એની સાથે હું અને મારું મન લહેરાઈ ઊઠ્યાં. દૂરથી દરિયો ગાજી ગાજીને બોલાવતો હતો, જાણે એક સાથે અસંખ્ય નગારા વાગી રહ્યાં હતાં. મને ગીત ગાવાનું મન થયું પરંતુ દરિયાનાં સંગીતમાં વધુ રસ પડ્યો. કેટલો બધો લય ભર્યો પડ્યો છે આ કુદરતમાં ! થોડું ચાલી તો પગમાં ભીનાશ વ્યાપી. એકવાર દરિયો અહીં આવ્યો હતો ને એની નિશાની મૂકતો ગયો હતો. મેં દૂર સુધી નજર કરી તો કેટલાંક વહાણ-આગબોટની લાઈટ ઝબૂકતી હતી. કદાચ સામો કિનારો એટલો નજીક હશે એવો એક વિચાર આવીને ચાલી ગયો. એ ડીપ સી છે. કાંઠા સુધી આવી ન શકે તે ત્યાં જ અટકી જાય. તે સાથે એક ઊછળતી, એકદમ સફેદ રંગની લકીર દેખાઈ !

   અહીં કોઈ સામો કિનારો નથી. છે તો માત્ર આ એક જ કિનારો જ્યાં છું ઊભી છું ને એ પણ હવે ટૂંકાતો જાય છે. ભરતીનું પાણી જેમ જેમ આગળ ધસતું જશે એમ એમ કિનારો દરિયો બનતો જશે. ઓહ ! હું પણ એમ દરિયો બની જીવી હોત ? હંમેશા મનધાર્યું મળતું નથી ને ક્યારેક તો સમય વીત્યા પછી મળે છે ત્યારે એ અર્થ ગુમાવી ચૂક્યું હોય છે. મિતાલી મારી બાજુમાં આવી ઊભી છે. કશુંક કહેવા માટે એના હોઠ ઉત્સુકતાપૂર્વક ફફડ્યા છે પણ એ અવાજને પાછો ઉતારી ગઈ. એનો ચહેરો એકદમ સ્વચ્છ છે, જળ જેવો. કશુંય છૂપુંય રહી શકતું નથી. મેં કહ્યું, ‘ચાલ, હું પણ આવું છું.’ એને દરિયા કરતાં આકાશમાં વધારે રસ છે. પૂનમનો ચમકતો ચંદ્ર જોઈ એ ખુશખુશાલ છે. અને આનંદ વ્યક્ત કરવા શબ્દોની જરૂર નથી.

   સૌ કૉફી પી રહ્યાં છે. માત્ર અમારા આવવાની રાહ છે. કૉફી સાથે નાસ્તાનો ને વાતોનો દોર ચાલુ છે. વાતોનો કોઈ ચોક્કસ વિષય નથી એટલે હળવાશ પ્રસરી ગઈ છે. વાત એક રંગ બદલતો દડો છે. ઘડીક અહીં ઊછળે છે ને ઘડીક ત્યાં. મારી પાસે આવ્યો તો ઉછાળીને મેં રજત ભણી ફેંક્યો. ઊછળતો દડો ક્યારે ગીત ગાવાના ખાનામાં જઈ પડ્યો તે સમજાયું નહીં. સૌ મારી સામું જુએ છે ને બોલે છે. ને અચાનક મારી નજર દરિયા ભણી જાય છે. ફસાયેલો દડો મેં ખેંચી કાઢ્યો ને ઉછાળ્યો તે પડ્યો દરિયાના પાણીમાં ! ભરતી નજીક આવી રહી છે ઓછામાં ઓછું સૌને પગ પખાળવાની ઇચ્છા છે જ.

   તો આ છે મારું સુખ. દરિયાના પાણીમાં પગ પખાળવા, ખારું પાણી ખોબામાં લઈ એકબીજાનાં મોં પર, શરીર પર ઉરાડવું, દરિયાનાં ઊછળતાં મોજાં, હાસ્યનાં ખળભળતાં મોજાઓ સામે ફિક્કા પડતાં જાય છે. હવામાં – વાતાવરણમાં ઠંડક વધી રહી છે તેથી બધાંથી અળગી થઈ કાંઠે આવી એક શાલ લપેટી લઉં છું. સુખ ! નાનું છતાંય પોતીકું એટલે અદભુત, અવર્ણનીય ! સુખ માટેની મારી અપેક્ષાઓ કદી મોટી નથી હોતી ને તોય એની ભવ્યતા ક્યારેય ઓછી થતી નથી. શરદની રાત્રીઓમાં ગરબે ઘૂમ્યા પછી અગાશીમાં જઈ બેસવામાં જે સુખ છે એ મને બીજે ક્યાંય મળતું નથી. કદાચ સુખ માટે જે મોટી ફાળ ભરવી પડે એ માટેનું પૂરતું સાહસ મારામાં નહીં હોય, હિંમત ઓછી હશે કદાચ એટલે હું નાની નાની વાતોમાં સુખ શોધતી હોઈશ ! એટલે થ્રીલ-રોમાંચનો અનુભવ નથી કરી શકતી. વારુ, શું આઇસક્રીમ ખાવાને બદલે સિગાર પીવી એ વધારે હિંમતનું કામ છે ? એમાં ક્યું સાહસ રહ્યું હશે ? મારી દૃષ્ટિએ કશું જ નહિ. ઇચ્છા, માત્ર ઇચ્છા જ જવાબદાર છે સુખ માટે, મારું સુખ મારી ઇચ્છા પર નિર્ભર છે. જે દિવસે મને ઇચ્છા થશે કે હું સિગાર પીઉં તે દિવસે... એમ તો સિગારેટનું તદ્દન નવું પેકેટ લઈ જ્યારે રજત આવે છે ત્યારે મને બહુ મઝા આવે છે. રેપર ખોલતી વખતે થતો કરકરો અવાજ મને સિતારથીયે વધુ પ્રિય લાગે છે ! હા, આ સુખ માત્ર ગમા - અણગમા પર આધારિત છે. જે મને પ્રિય હતું એ કુમારને નહીં. આહ ! કેવી છું હું ! આ કાંઠાની રેતી પર ચાલવાથી જે સુખ મળે છે એને માણવાને બદલે વીતેલાં દુઃખને યાદ કરું છે. પછી ઉદાસ થઈ ફરિયાદ કરું છું. કેવી જટિલ થઈ ગઈ છે મારી મનોવૃત્તિઓ ! નજર ફેરવું છું આજુબાજુ તો ખ્યાલમાં આવ્યું કે લોકોના કોલાહલથી ખાસ્સી દૂર આવી ગઈ છું ને છું તો ક્યાં છું ? બાજમાં એક તાપણું સળગી રહ્યું છે ને એનો ચહેરો દેખાઈ રહ્યો છે. તાપણાના પ્રકાશના કારણે થોડો થોડો રક્તિમ દેખાતો ચહેરો. એકીટસે એના સામું જોઈ રહી. પછી તો માત્ર એની આંખો સામે ને એ પણ મારી સામે, મારી આંખોમાં જોયા કરે છે ! માત્ર કોઈના જોવાથી જ આટલું બધું સુખ અનુભવાય ? ખબર નથી. હું ક્યાં છું ? ખબર નથી. આ કરકરો રેતાળ સ્પર્શ શાનો છે ? ખબર નથી. અત્યારે શો સમય થયો હશે ? ખબર નથી. આ કોણ મારા નામની બૂમ પાડી રહ્યું છે ? ખબર નથી.

   પણ વધુ એક બૂમ સંભળાઈ. પડી, ખબર પડી. આંખો ખોલી જોઉં છું. બાજુનું તાપણું ઠરી ગયું છે ને એ નથી. હું તો એકલી છું, હંમેશ જેવી. મનહર નજીક આવ્યો છે, પૂછે છે ‘સૂઈ ગયાં હતાં કોશા ?’ ‘હા, આંખો મળી ગઈ જરા. ચાંદો ખાસ્સો ઊતરી આવ્યો નહીં ? કેટલા વાગ્યા છે ?’ વાતનો કશો અર્થ નથી. હું ઊભી થઈ એની સાથે ચાલવા લાગી તો થાય છે કે મારી જિંદગીને અહીં છોડીને જઈ રહી છું, કદાચ એથી યે વધુ મહત્ત્વનું મેળવીને ! શું મેળવીને ? ખબર નથી...
*
   બાલાછડીથી જે પાછી આવી તે કોશામ્બી કોઈ અલગ જ હતી. જાણે કોઈ અપાર્થિવ તત્ત્વ પ્રવેશી ગયું હતું. મારામાં એક પ્રતીક્ષાભાવ ઊગ્યો. કોઈ રહસ્ય મને વીંટાઈ વળ્યું. એ કોણ હતો ? એનું નામ શું ? એ ફરીથી મળશે ? મેં એની સાથે કંઈ વાતો કરી હતી? સ્પર્શ જેવું કંઈ પણ ? ખબર નથી, કશી જ ખબર નથી. હું ચૂપ છું. બહારથી મૌન છું પણ અંદર તો ભીષણ વાર્તાલાપ ચાલી રહ્યો છે. અત્યંત અસહ્ય એવી ઘટનાઓ મનોમન આકાર લીધા કરે છે. એનો ચહેરો મને જરા પણ યાદ નથી. યાદ છે માત્ર એની ચળકતી બદામી આંખો. તાપણાના પ્રકાશમાં પ્રકાશતા એના ચહેરામાં હું મારી મરજી પ્રમાણેના રંગો આકારો પૂરું છું ને ઊભો કરું છું દરિયા જેવો એક લખલખતો પુરુષ. મન ફાવે એમ વર્તુ છું. મનમાં કશી પાપની લાગણી ઊગતી નથી. મારી પળેપળમાં – શ્વાસોચ્છવાસમાં એ વણાઈ રહ્યો છે. કૉફીના બે ગ્લાસ બનાવું છું. એક મારા માટે, એક એના માટે. પણ એ. ક્યાં છે ?

   હું બેઠી છું. જોઉં છું. હમણાં કોઈ આવશે. આ આવ્યું જાણો. સતત રાહ જોઉં છું. એ આવશે. સવારમાં ઊઠું છું ને થાય છે આજે તો એ આવશે જ. બસસ્ટોપ પર લાઈનમાં ઊભા ઊભા બસની રાહ જોતાં થાય છે, એ અચાનક જ બસમાં મળી જશે અને આંખો ચમકી ઊઠશે, ચહેરા સ્મિતથી ઝિલમિલાઈ જશે ઓફિસમાં કામકાજની વચ્ચે ફાઇલોનો નિકાલ કરતી વેળાએ પ્યૂન આવીને કહેશે, ‘બૉસ બોલાવે છે.’ ત્યાં જઉં છું તો – ઓહ! તમે? બૉસની કેબિનમાં – જ્યાં હંમેશા ટેન્શન ટેન્શન લાગે ત્યાં – હાસ્યમજાનો તહેલકો મચી ઊઠશે. ઘરે પાછી વળું તો લોન પર ખુરશીટેબલની સાથે ચાનો સરંજામ અને છાપાની આડશે ચશ્માંથી વછૂટતાં તારી આંખોનાં દૃશ્યો ! બસ, આમ જ દરેક પરિસ્થિતિમાં મને એની રાહ હોય છે.

   પણ કોણ છે એ ?
   તે તો ખબર નથી. તો પછી કેમ એવું લાગે છે ? આવો વિચિત્ર અનુભવ કેમ થયા કરે છે? હું ઘરમાં આવીને મારી એકલતા વિશે વિશેષ સભાન થઈ જઉં છું. ક્યાંક બેસું છું, કશુંક જોઉં છું અને પછી એમ જ શરૂ થઈ જાય છે રાહ જોવાની. છેક સુધી કોઈ ન આવે. રસ્તા પરની અવરજવર નિઃશેષ બની જાય. એક ઊંડો નિઃશ્વાસ વહેતો મૂકી બેડરૂમમાં જઉં છું તો નાઇટડ્રેસ પહેરી તું ત્યાં બેઠો છે !

   હું ખુલ્લી આંખે સપનાં જોઉં છું ! એ સપનાં માત્ર જ હોય તો કેવું સારું ? પણ ક્યારેક તો એવું બિલકુલ નથી લાગતું. કોફીના બે ગ્લાસ ખાલી થયેલા જોઈ વિચાર આવે છે. ‘હું જ પી ગઈ હોઈશ.’ પણ એવું માનવું અજુગતું લાગે છે. મારા શરીર પર તારા હાથનો હૂંફાળો સ્પર્શ રેલાતો અનુભવું છું એય અસત્ય માત્ર હશે ? તે દિવસે તને બેડરૂમમાં બેઠેલો જોઈ હું ચમકી ઊઠી હતી અને રીતસર દોડીને ભાગી. ભય એ ક્ષણે મારું એકમાત્ર રૂપ હતું. દિવાનખંડમાં આવી સોફા પર પછડાઈ. પરસેવે નીતરતી હું વિચારતી હતી : તને આટઆટલો ઝંખું છું ને તું મળે છે ત્યારે કેમ દૂર ભાગું છું? જોર જોરથી ચાલતાં શ્વાસમાં કોઈનો ઉષ્માભર્યો શ્વાસ ભળ્યો. મારા હોઠ ભીના થયા ને એક મજબૂત આલિંગન ! વેલની માફક વીંટળાઈ વળી ત્યારે જ ખ્યાલ આવ્યો કે મેં ધારેલું તારું રૂપ એકદમ સાચું હતું. તું એવો જ પુરુષ હતો જેવો મેં ઇચ્છ્યો હતો ! તને મેળવી પ્રસન્ન હતી હું ને ભય તો ક્યાંય નહોતો ! સાગરની લહેરીઓ ઊઠતી હતી ને ફેલાતી હતી મારી ચારેકોર ! એ રાતની યાદથી રોમાંચ ઊમટે છે.

   સભાન છું મારી આ સ્થિતિથી, સમજું છું કે આ તો માત્ર તરંગ છે, પણ એ તરંગની પાછળ એક આખો દરિયો ઘૂઘવે છે એનું શું ? અંજલિ છેલ્લા એક કલાકથી મારી સામે બેઠી છે ને મેં એકપણ વાક્ય ઉચ્ચાર્યું નથી. કૉફીના બે ભરેલા કપ જોઈ પૂછવું હતું, ‘કોણ આવ્યું છે કોશા ?'

   મને નિરુત્તર જોઈ એણે પુનઃ પ્રશ્ન કર્યો: ‘કુમાર ?’
   નકારમાં માથું ધુણાવી એને કૉફી પીવા સૂચવ્યું. માત્ર આટલી જ ક્રિયા થઈ છે.
   અચાનક કહું છું ‘અંજલિ, તું મારી સાથે આવે છે ?’
   ‘ક્યાં ?'
   ‘કોઈ ડૉકટર પાસે. સાઈકાટ્રીસ્ટ પાસે.’

   મને હસવું આવ્યું, એનું મોં જોઈને. એને એવું લાગ્યું હશે કે જાણે પગ પાસે જ બૉમ્બ ફૂટ્યો – પણ આવ, અંજલિ, તને થોડી વાત કહું. હું કુમારને ભૂલી ગઈ છું. કેટલાય સમયથી એ મને યાદ નથી આવ્યો. એના ચહેરાની રેખાઓ પણ હવે સ્મૃતિમાંથી ભૂંસાવા માંડી છે. પણ લગભગ એટલા જ સમયથી હું એક ભ્રમણામાં જીવું છું. એક પુરુષ મારી સાથે જીવે છે. ઓહ ! અસહ્ય છે એ આખીય કથા. એ મારી સાથે વાતો કરે છે, અમે સાથે કૉફી પીએ છીએ. એક દિવસ મેં એનો અવાજ ટેપ કરવા પ્રયત્ન કર્યો, તો એણે સ્વીચ જ ઑફ કરી દીધી. એને કહું છું તારો ફોટોગ્રાફ તો મને આપ. તો એ વાતને હસવામાં ઉડાવી દે છે. હું ક્યાંય જઈ શકતી નથી. પરિચિતોમાં ક્યાંય એના વિશે કંઈક બોલાઈ જશે તો – ? એવો ભય. અસહ્ય ભય. પણ સામે મળે છે પ્રેમ. અસહ્ય પ્રેમ. આ ભ્રમણા એટલી તો સાચી લાગે છે જેટલો આ સાચો સૂર્ય ઊગે છે. પણ આપણે સૌ જાણીએ છીએ. સૂર્ય તો ક્યાંય ઊગતો નથી, ક્યારેય ઊગતો નથી. એ ભ્રમણા આપણે ચલાવી લઈએ છીએ તો પછી... એટલે તો કહું છું, ચાલ, મારી સાથે. એકલી જઈશ તો પાછો કહેશે, ગભરાઈશ નહીં, હું છુંને !
*
   હું તને શોધું છું. કઈ વાતમાં તને વાંકું પડી ગયું કે તું ચાલ્યો ગયો ? બાલ્કનીમાં ઊભાં ઊભાં સમય વિતાવું છું. આંખની કીકીઓ ક્ષણેક્ષણને ઝીલે છે ક્યાંકથી તો તું આવતો દેખાય ! રસ્તે ચાલતાં ચાલતાં અચાનક જ કોઈને કૉફી પીવાનું આમંત્રણ આપી બેસું છું. કેન્ટીનમાં જઈ પૂછું છું ‘તમે એને જોયો છે ? એ ક્યાંય મળ્યો ખરો ?’

   ‘કોને ? કોણ ?’ તદ્દન નિરુત્તર. સાવ અન્યમનસ્ક બની જઉં છું. તારું નામ તો હું જાણતી નથી. શી ઓળખ છે તારી ? ક્યારેક હું તને કોઈ અજાણ્યા સ્થળે દૂરથી જતો જોઈશ ત્યારે તને ક્યા નામે સંબોધું ? મારી બુમ તો ગળામાં જ અટવાઈ જશે ને મારો ચહેરો, મારી આંખો સમગ્ર ભાવે તને બોલાવવા અણુએ અણુથી તત્પર... પણ વાચા ગુમાવી બેઠેલા પક્ષાઘાતના રોગીની જેમ માત્ર મારો ભાવ ચહેરા પર પ્રગટશે. વાણીમાં નહીં, હવામાં નહીં. હવા-અવાજ પ્રસરવાનું આવડું મોટું માધ્યમ અર્થહીન બની ઊભું રહેશે. એક આશ્વાસન છે ખરું ! તને મળવાની મારી તત્પરતાની ગંધને એ હવા લઈ જશે ને ક્યારેક તને સ્પર્શી તારા અણુએ અણુમાં પ્રસરી જશે. તારા પ્રત્યેક ધબકારે નહીં તો એકાદ ધબકારે પણ તેને મળવાની મારી તીવ્ર ઝંખના ધબકી ઊઠશે. એ ક્ષણે મારો અવાજ તારા સુધી પહોંચી જશે. કોઈ મારો હાથ પકડી જોરથી હલાવી મને પૂછે છે ‘કેમ આમ હસો છો ?’ મારું હસવું રોકી ઉત્તર આપું છું ‘એમ જ જરા લહેરમાં આવી ગઈ હતી. પણ જુઓ, એક વાત કહી દઉં, તમે ભયભીત ન થશો કે મારા વિશે ગેરસમજ પણ ન કરતા. પણ જે વિશે મેં પૂછ્યું એનું તો હું નામ સુધ્ધાં જાણતી નથી. પણ એ મને એક ક્ષણે મળ્યો હતો ત્યારથી એ મારી સાથે છે, પણ મારી પાસે નથી. જ્યારે એના વિશે એટલી ઉત્તેજિત થઈ જાઉં છું કે તમારા જેવા કોઈકને પૂછી બેસું છું. મને લાગે છે તમને પણ એક ક્યારેક તો મળ્યો હશે. મળ્યો હતો ખરુંને ? પણ સારું છે તમે એનાથી ‘ડીસ્ટર્બ’ નથી થયા તે. નહીં તો..?

   અચાનક ખ્યાલ આવ્યો, સામે તો કોઈ નથી. ચાલ્યો ગયો. કૉફીના બંને ગ્લાસ હવે મારે પીવા પડશે. નક્કી કરું છું રસ્તામાં આમ કોઈને અટકાવી કૉફી પીવા નહીં કહું. પછી પાછી રસ્તા પર આવીને ભીડમાં ભળી જાઉં છું. કેટલું સરસ લાગે છે ! કોઈ આગવું વ્યક્તિત્વ કે ન કોઈ વ્યક્તિગત મહત્તામાં અટવાવાથી ઊભો થતો અહમ-સંઘર્ષ. ભીડમાં ભળ્યા પછી બધું જ વીસરી જવાય છે. લોકોની ધક્કામુક્કીમાં અનાયાસે આગળ ધપવું કેટલું સરળ સહજ ! આ ક્ષણોમાં હું મારી જાતને મુક્ત અનુભવું છું. તન મુક્ત- સ્વતંત્ર આમ સમૂહમાં ઓગળી ગઈ એમ કુમારમાં ઓગળી ગઈ હોત તો ? એક ધક્કે બસમાં ફેંકાઉં છું. થોડીવાર ઊભા રહ્યા પછી સીટ મળતાં બેસું છું. ધીરે ધીરે હું દરિયામાંથી બહાર નીકળી એક ટાપુ પર પહોંચી ગઈ જાણે. ભીડ, જેના માટે મમતા ઊપજી એના માટે તત્ક્ષણે ધૃણા ઊછળી આવી.

   આમ જ હું કેદ થઈ જઉં છું, મારા ગમાઅણગમામાં. કોઈ કિલ્લો તોડી આવી શકતું નથી. કેમકે બધા પોતપોતાના કિલ્લામાં કેદ છે ! એક તું આવ્યો હતો. કોણ છે તું ? તને શું એ વાતની ખબર પડશે ખરી કે મેં તને કેટલો ઝંખ્યો છે ? કેટલો ચાહ્યો છે ! મારી પળેપળ તારામાં જ ગૂંથાઈ, તારા કારણે જ જિવાઈ. જો આ વાતની તને ખબર ન પડે તો શો અર્થ એનો હં ? મારું આમ તારા માટે જીવવું એક અર્થહીન બાબત થઈ બેસે... કેટલું મોટું અપમાન છે એ મારું. આપણું ? શું આપણે એટલાં બધાં નિરાધાર ? મન ભડભડતા અગ્નિની જેમ લબકારા લે છે ને હું રાતે સૂઈ શકતી નથી. દિવસે કામ કરી શક્તી નથી. તારા હોવાના ભ્રમમાંથી તો બહાર નીકળી શકી પણ તારા અભાવમાં, તારી સાથે ગાળેલી ક્ષણોથી કેમ કરી મુક્તિ મેળવું ?

   ક્યારેક તો આપણે મળીશું. કાલે હું પાછી બાલાછડી આવું છું, ત્યારેય તું મળી જાય અથવા અચાનક જ ડોરબેલ રણકી ઊઠેને –
   પણ માન કે આ ક્ષણે હું ડૉક્ટરે આપેલી સ્લીપિંગ પીલ્સનો બૂકડો ભરી લઉં તો – ?

   થાક લાગ્યો છે. આંખમાં ઉજાગરાના કારણે જરાતરા બળતરા થાય છે. હવે સૂઈ જવું જોઈએ પણ ઉંઘ તો આવતી નથી. ક્યાંક આંખ મીંચાઈ ગઈ એ દરમ્યાન એ આવીને ચાલ્યો ગયો તો ? સામેના અરીસામાં મારું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. પહેલાં કરતાં ક્ષીણ થઈ ગઈ છું પરંતુ ચહેરા પર તેજ ઝળકતું લાગે છે. પ્રયત્નપૂર્વક પીડાનો ભાવ ચહેરા પર લાવું છું પણ આવે છે ઊલટું. મધુરું મલકી જવાય છે. આ મલકાટ શા માટે છે ? અથવા અંદર એવું તે શું પ્રાપ્ત થયું છે કે આ એક સ્મિત બચી ગયું છે? ક્યારેક થાય છે હું તો ઝગમગતા પ્રકાશમાં બળતી રહેલી મીણબત્તી છું. બળે તોય શું ન બળે તોય શું ? એકેય પતંગિયું જલ્યું નથી કે ક્યાંકથી કશો અંધકાર દૂર કર્યો નથી. શું થાય? ખોટી જગ્યાએ ખોટા સમયે સળગી જવાયું છે. હવે ખતમ થઈએ ત્યાં સુધી સળગતા રહેવાનું છે. આ એક ભૂલ, એક અપમાન બની ચોંટી ગઈ છે, મારી જિંદગી સાથે કુમાર. ન સહી શકાતી પીડાના ભાર હેઠળ જાણે દબાતી જાઉં છું. દબાતી જઉં છું. પાણીના ભર્યા ગ્લાસની સાથે હાથમાં સ્લીપિંગ પીલ્સ છે. આવતી કાલે બાલાછડી જઉં છું. કદાચ એ મળી આવશે જે પાછળ ખળભળતો દરિયો મૂકી ચાલ્યો ગયો હતો. એ મળે ત્યારે મારે એકદમ તાજા દેખાવું છે, ગુલાબનાં ખીલેલાં પુષ્પની જેમ, હવામાં વહેતી સુગંધની જેમ પણ જો હું સરખું સૂઈ ન શકી તો આમાંનું કશું નહીં હોય. જરાક પાણી પીઈને થોડું ચહેરા પર છાંટ્યું. અદ્દભુત શીતળતા સ્પર્શી જાણે. જળની એક વિશિષ્ટ ગંધ. એ ગંધ દ્વારા હું ઊતરી આવી દરિયાકાંઠે. કાંઠાની ભીની રેતાળ જમીન પર મારાં પગલાં પડે છે. સાવ ચૂપચાપ, આળસુ માણસની જેમ પડ્યો છે દરિયો. ક્યારેક થોડુંક પાણી મોજાંઓની જેમ ઊછળી આવે છે અને એ સાથે ઊછળતો તડકો આંખમાં આવી અંજાઈ જાય છે. આંખો ચકાચૌંધ, ક્ષણિક અંધત્વને પામી હોય તેવી પણ ના અંધત્વ એ સત્ય નથી. સત્ય તો છે ધોધમાર પ્રકાશ, દરિયાનું ઊછળતું, ચમકીલું જળ અને જળ મધ્યે ઊભેલો એ. જોઈને લજ્જા અનુભવું છું. હસું હસું થતા હોઠ સહિત સમગ્ર ચહેરાને બે હથેળીમાં સંતાડી દઉં છું. આ પણ એક કલ્પના જ છે. એ નથી, માત્ર એના હોવાની અપેક્ષા મને આ રીતે છેતરે છે. પરંતુ, ના એ છે. ચહેરા પર સસ્મિત નિમંત્રણ ભાવ છે. દરિયાની વચ્ચે ઊભેલું એ નક્કર પૌરુષ. સૂર્યનો પ્રકાશ એના ખુલ્લા શરીર પર પડે છે અને એ ચમકી ઊઠે છે. એ થોડો કાંઠા તરફ આગળ વધ્યો છે. અને પાણી હેઠળની જમીન પર ચાલી રહ્યો છે. કદાચ મારા નામની બૂમો પણ પાડે છે. ‘કોશા... કોશા...’ અદ્ભુત, અશ્રુતપૂર્વ અનુભૂતિ જાણે ! એનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. થોડો રોષ પણ તમતમે છે. જાણે કહે છે, આજ સુધી મને શોધતી રહી અને જ્યારે તને હું બોલાવું છું ત્યારે તું સાવ મૌન, પથ્થરની જેમ ઊભી છે ! આવ, આવ મારી પાસે અને હવે જો તું નહીં આવે તો હું ચાલ્યો જઈશ અને પછી તું મને શોધતી જ રહીશ.... હંમેશની જેમ, હંમેશને માટે. એના શબ્દે શબ્દે ખેંચાતી જઉં છું. પગને હવે રેતીનો ભીનો સ્પર્શ થવાને બદલે જળનો સહેજ ઉષ્માપૂર્ણ સ્પર્શ અનુભવાય છે. આગળ વધું છું ધીમે ધીમે એની તરફ. મારા પગમાં- શરીરમાં ગતિ ઊભરાઈ. નર્તન કરતી હોઉં એમ, જળ પર ચાલતી હોઉં એમ, અધ્ધર થઈ હું ખેંચાઈ, ઊછળી અને એના બાહુપાશમાં જઈ પડી.
[‘શબ્દસૃષ્ટિ' જુલાઈ, ૧૯૯૫]


0 comments


Leave comment