11 - જળચર / કિશોર જાદવ


   પગની ઠેસ લગાવી, રાત્રિના સૂનકારને રસ્તા પર કુદાવ્યે જતો વિનાયક આગળ વધ્યો. વળી એકાએક થંભ્યો. આગળ પાછળ, ચારે તરફ એણે નજર ફેરવી. રાત્રિની પાંખડીઓ વચ્ચે બીડાઈ ગયેલો અંધકાર. સહેજ પાછળ હઠ્યો. પોતાની આસપાસ, એની દૃષ્ટિનું એણે પરિઘ દોર્યું. એના ઘેરાવામાં રહીને જાળવીને એણે પગ ઉપાડ્યો. પણ પેલું પરિઘ, નીચેથી કશીક કૂમળી દાંડી પર ટેકવાઇ રહ્યું હોય એમ, એના ચાલવાનો થડકો લાગતાં હાલી ઉઠ્યું. ને એ પોતાની સમતુલા ખોઈ બેસશે, ક્યાંક લથડી પડશે એ બીકે ફરી ઊભો રહ્યો. એમ મજબૂતપણે ઊભા રહેવા છતાં, એ હજી નખશિખ અસ્થિર, ધ્રૂજી રહ્યો હતો – વિક્ષેપાયેલા જળમાં પોતાનો પડછાયો હિલોળાતો ધ્રૂજ્યા કરે એમ. ને એકાએક એના બંને પગે કશુંક બાઝી પડ્યું હોય એમ એને લાગ્યું. એ પેલો અંધકાર હશે ? અંધારાં જળ હશે ? ઠંડાં, ઘેરાં, નિશ્ચલ જળ ચોપાસ એને ઘેરી વળ્યાં હોય એમ લાગ્યું. એમાં જાણે એ ચત્તોપાટ – એને વળગી રહેલી, હરહંમેશ કઠ્યા કરતી આકાશની બરછટ ત્વચા તળે – ઉઝરડાઈ રહ્યો હતો. એ આકાશી ત્વચાને ફાડી નાખી શકાય તો કેવું સારું ? ને એક આંચકા સાથે એ ઊછળ્યો. એણે યાદ આવ્યું. નિરંતર એનાથી દૂર ને દૂર સરી જતી એક ક્ષણમાંથી બીજી ક્ષણને હાંસલ કરવા એ આવી જ રીતે ઊછળતો હતો. શ્વાસને રોકવા ફરીથી એ થોભ્યો. ટેકરી પાછળથી કપાઈને આવતા પ્રકાશમાં – કટાઈ ગયેલા પતરા જેવા પ્રકાશના ટુકડા પર જોયું તો, આજુબાજુ ઊંચા મકાનોની વચ્ચે – ભઠ્ઠાઈ ગયેલ હવસનાં મૂક ખંડિયેરો વચ્ચે – એ આવી ચઢ્યો હતો. પેલી ‘ઠંડી ધ્રુજારી’ ને સમાવવા, ક્ષણવાર ક્યાંક બેસી પાડવા એણે વિચાર્યું. દૂર બંધ થતી હોટેલનાં પાટિયાં વચ્ચે જાણે ભીડાઈ જવા એ લગભગ દોડ્યો.

   ‘બંધ કરવાનો સમય થઈ ગયો છે.’ અવાજ પેલી રાત્રિની પાંખડીઓ વચ્ચે બીડાઈ ગયેલ અંધકાર જેવો લાગ્યો. એ પાછો વળ્યો. ‘શું થઈ ગયું છે ? સમય થઈ ગયો છે !’ એ બબડ્યો. ‘હોટેલ બંધ કરવાનો.... કદી પણ સમયનો સમય થતો નથી. એણે કશું થવાપણું નથી. એના ચહેરા પર કશી વેદનાની બુઢ્ઢી કરચલીઓ વળતી નથી.; ને એ નંદીના ઘરમાં દાખલ થયો. અહીંની હવાના ઊંચા, સુક્કા ઘાસને ફેંદતો, ભેદતો, રસ્તો કાઢીને બીજા ખંડમાં આવ્યો. નદી, ભોંયતળિયાં પર ચટાઈ નાખીને આડેપડખે પડી હતી – તોફાનમાં તૂટી જઈને સમુદ્રકાંઠે ફેંકાઈ ગયેલી હોડીના ખોખા જેવી. અદબ વાળીને એ ખુરસીમાં બેઠો. છતની મધ્યમાં બત્તી જલતી હતી. એ આવ્યો હતો, એનો ખ્યાલ કદાચ નંદીને નહોતો. પણ બીજી ક્ષણે, એકાએક એ સડપ બેઠી થઈ ગઈ. ‘તું ? ક્યારે આવ્યો ?’ દૂર દૂર ધૂંધવાઈ રહેલો પવન, ક્યાંક હોડીમાં ફૂંકાતો, હિસકાઈ ઊઠ્યો હોય એમ એને લાગ્યું. નજદીક આવતાં, નંદીની પીઠ પર એનો હાથ સારી રહ્યો. લાગ્યું કે જાણે કશાક ઠંડાં, રેતાળ, પટ પર એ પોતાનો હાથ પસવારી રહ્યો હતો. રેત ! ચારે તરફ, રેતાળ પટ વિસ્તરી રહ્યો હતો. ને પવન પડી ગયો હતો. એણે ઉંચે જોયું. નદીની ઊંડી ખો જેવી નજર, એની તરફ મંડાઈ રહી હતી. કશું પણ વિચારે તે પહેલાં, શ્વાસને અદ્ધર ખેંચી લઇ એ ઊછળ્યો – સમુદ્રનાં મોજાંની જેમ. પેલી ખોને જાણે ઓળંગી જવા. એના એ ઉછળાટ સાથે નંદી દૂર ધકેલાઈ ગઈ. એનો નિરંતર ઉછળાટ; ઉછળાટના ધક્કાઓ સાથે દૂર ને દૂર સર્યે જતી નંદી- હજ્જારો ક્ષણમાંથી કદીય પ્રાપ્ત નહિ થતી એક ક્ષણ જેવી નંદી. ફરીથી એ ઊછળ્યો, પડછાયો, અફળાયો. નંદીને જાણે સમગ્રપણે આવરી લેવા નજદીક ઢસડી લેવા. પણ ઉલટાનું બન્ને વચ્ચેનું અંતર લંબાયે જતું હતું, ખૂટતું નહોતું. એક દિવસ દૂર ને દૂર, ધીમે ધીમે આમ એ દૂરતાની ય પેલે પાર ક્યાંક ધકેલાઈ જશે ત્યારે બન્ને વચ્ચે કશી દૂરતા નહિ હોય, સામીપ્ય લાવવાપણું નહિ હોય. એમની વચ્ચે જે કંઈ છે તે સઘળું સદંતર લોપાઈ જશે. છતાંય પોતે આમ વણથંભ્યો, અથાગ, સતત ઊછળ્યા જ કરશે ! અર્થહીન. એણે નિ:શ્વાસ નાખ્યો. પોતાનો એ નિ:શ્વાસ, નંદીને બાળીઝાળી રહ્યો હોય એમ એ બોલી : ‘શું થયું છે તને ?’

   એણે જોયું તો નંદીની બન્ને આંખો એના ચહેરા પર ઝળુંબી રહી હતી – કાચનાં ઝુમ્મરોની જેમ એ ઝુમ્મરો તૂટી પડશે. ચૂરેચૂરા થઈ જશે પોતાની વાસનાની થઈ ગયેલી કચ્ચરોની જેમ.
   ‘શું થયું છે, વિના ?’
   ‘કશું જ નથી. શું થવાનું હતું ?’
   ‘તો પછી નિ:શ્વાસ શા માટે નાખે છે ?’

   એ ચૂપ થઈ ગયો. નંદી સર્વ કાંઈ જાણતી હતી. છતાંય પૂછતી હતી. ઘડીભર એની સઘળી હિલચાલ ને, પ્રવૃત્તિને સ્થગિત કરી દેવા, એણે પ્રયત્ન કર્યો. પણ હવે એ ક્યાંય થંભી શકતો નહોતો. કદી પણ એ આગળ વધતો નહોતો કે પાછળ ગતિ કરી શકતો નહોતો. જ્યાં હતો ત્યાં, એટલામાં જ એ આગળ પાછળ, પોતાની ઈચ્છા વિરુદ્ધ સ્વયં છોલાયા કરતો હતો. ને નંદી નિ:સહાય, એની સામે ખડી હતી. ક્યાંય, કશો આધાર નહોતો. ફરીથી એણે નંદી પ્રતિ દૃષ્ટિ ઊંચકી જોયું તો અચાનક એની બન્ને આંખોમાં પોતે બેસી ગયો હતો. એના ચહેરા પર સ્મિત ફેલાયું. નંદીની આંખો ભરાઈ આવી. ને એની બન્ને આંખોની ધાર પરથી વિનાયક દડી પડ્યો – ક્યાંક અનંત ઊંડા, ઘેરા, નિશ્ચલ જળમાં એનો રહ્યોસહ્યો નિ:શ્વાસ બહાર નીકળી આવ્યો – પાણીમાં બૂડતા ઘડાના બૂડબૂડાટની જેમ. ને એ સમુદ્રને તળિયે ઊતરી ગયો. જળચર ભેગો એક એ ય જળચર.
* * *
એનો એ નિ:શ્વાસમ વીજળી બનીને ક્યારેક કાળપર્યંતનાં ખડકોને ફાડી નાખવા ત્રાટકે છે. ક્યારેક ભૂગર્ભમાં જ્વાળામુખીની જેમ ઉકળતો, પૃથ્વીને હચમચાવે છે. પવનરૂપે આવીને સમુદ્રને જાણે ઉથલાવી નાખવા તાંડવ સર્જે છે. જીવવિહોણી થઈ ગયેલી પૃથ્વી પર નવેસર ઉત્ક્રાંતિકાળનો ઉદય થયો છે કે કેમ, એની ખાતરી કરવા, પેલું જળચર ક્યારેક પાણીમાંથી બહાર નીકળે છે. પણ પૃથ્વી પર સર્જાઈ રહેલાં પેલા ભીષણ યુદ્ધને જોઈને, ગભરાઈ જઈ એ સમુદ્રના પેટાળમાં ચાલ્યું જાય છે.
* * * * *


0 comments


Leave comment