19 - લય / કિશોર જાદવ


   દેહવિહોણો એ લય, અદૃશ્યપણે પસાર થાય છે- રાત્રિના વનમાં તેજ - ટપકા વેરતા આગિયાના લયની જેમ. પણ એને કશો આકાર નથી. જઇને ફૂલોના ઝુંડના સુગંધી નર્તન પર એ બેસે છે. થોડુંક નર્તન ચૂસે છે - ભ્રમરની જેમ. ને વૃક્ષ પરથી ખરી પડેલાં, હવામાં વહેતા પાંદડાની નાવમાં એ સફરે નીકળી પડે છે. ગ્રહમંડળની ગતિમાં લપેટાઈને કશીક રહસ્યમયતા પામે છે. ને એ પાછો ફરે છે. ક્યાંક મૃદંગની થાપ પર કળ ખાઈને રણકી ઊઠતા બે પગની મદહોશી અનુભવે છે. એમ રાત્રી અને દિવસના ગર્ભમાં એનો આકાર કંડારાય છે. ધરતીના અંધકારને ફાડીને બીજમાંથી નીકળી આવતા છોડના ફણગાની જેમ પેલા ગર્ભને તોડીને એ બહાર આવે છે. વિનાયક જુએ છે. એને હાથપગ ફૂટ્યા છે. એને એક મનુષ્ય દેહ છે. આકાર છે. ક્યાંક એના પ્રતિબિંબને એ ભેટી પડે છે. જુએ છે. એની બંને આંખોની પારદર્શક ત્વચા તળે અગાધ શાંતિ વિલસી રહી છે - પ્રશાંત જવાળામુખીની શાંતિ. એ શાંતિના ફલકમાં પેલા લયના સ્થાને, પ્રચંડ ગતિએ બ્રહ્માંડ થરકતું લાગે છે. કદાચ એથી જ, એની આસપાસની સઘળી સૃષ્ટિને એના સ્વરૂપે એ જોઈ શકતો નથી. એકબીજા પર ખડકાઈને વિસ્તર્યે જતાં મકાનોની વસ્તી તરફ નજર નાખે છે. રણમાં ભડકે બળતાં જળ... ચોપાસ લંબાતા રસ્તાઓ તરફ જુએ છે. રસ્તાઓની હાથગાડીઓમાં સૂર્યના મડાને ખેંચી જવામાં આવે છે - ક્યાંક અગ્નિદાહ દેવા. આકાશ પ્રતિ મીટ માંડે છે. આકાશની ડાળી પર કોઈ પક્ષી સારંગી ઉઠાવી જઈને, એને ભક્ષ સમજી કોચ્યા કરે છે... શહેરમાં ઉભરાતા મનુષ્યાકાર... હવાની રોગીષ્ટ ચામડી પર ઉબળતા રોગનાં ચાંદા... હવે એ આપમેળે ચાલી શકતો નથી. ઊભો રહી શકતો નથી. એ ગતિ કરે છે એમ પણ નથી; કારણ કે એને જ પોતાનું હોવા છતાં એ ગતિનું અવયવ એની આગવી રીતે, મુક્તપણે એની ઇચ્છા વિરુદ્ધ વર્તે છે. એથી એની આજુબાજુ એ ગતિનું, એક આભાસ - જગત સર્જાય છે - ચંદ્રના પ્રકાશના આભાસ – જગતની જેમ. આમ એ પહોંચવા ધારે છે એ ગન્તવ્ય-દિશાના બદલે, ભળતી જ જગ્યાએ અથડાઈ પડે છે.

   “ઘણા સમયથી દેખાતા નથી... ક્યાં હતા? " કોઈક પૂછે છે."
   “તારના થાંભલા તૂટી ગયા છે.” અસંબદ્ધ બોલી નાખે છે. પેલો ગુંચવણભરી નજરે, અવાક બની તાકે છે."
   “તમે છેક જ બદલાઈ ગયા...”
   “પડઘા ઝિલતા નથી.” એના આ અર્થહીન બોલવા પરથી એને ખુદને અચંબો થાય છે. પણ એના દૂધિયા દાંત તળે, કાપી નાખેલા વૃક્ષના થડનાં મૂળિયાં પથરાયેલાં લાગે છે. એ મૂળમાં વારંવાર એની જીભ ફસડાઈ પડે છે. અટવાય છે. અને કશુંક બોલવા જતાં થોથવાય છે."
   “હલ્લો...મિ.વિનાયક!” વળી થોડેક દૂર જતાં, એના પુરાણા મિત્રનો છલંગ ભરતો અવાજ સાંભળે છે. ભારે ઉમળકા સાથે, વિનાયક હાથ લંબાવે છે - હસ્તધૂનન કરવા. પણ એનો હાથ સીધો મિત્રના ગળાને જાણે બાઝી પડવા ધપે છે. ને ત્યાંથી દૂર દૂર ક્ષિતિજની બખોલમાં સરકી જાય છે. આમ ક્ષિતિજ અને એની વચ્ચે કશું અંતર રહેતું નથી. પણ એની આસપાસની સૃષ્ટિ, હસ્તક્ષેપ કરતાવેંત, એના બંને હાથમાંથી વહી જાય છે. પહોળા પટમાં ધસમસતા પાણીના વહેણ જેવા એના એ હાથ. એ વહેણમાં તણાતી, વહી જતી સુપ્રિયા."
 
   એકાએક મિત્ર ખડખડાટ હસી પડે છે. ને પોતે પણ, તીવ્રેચ્છા છતાં વિશેષ વાતચીત થઈ શકતી નથી - પેલી ગતિ એને આગળ હડસેલે છે. ક્યાંક અજાણ્યા મકાન સામે આવી થોભે છે. ભીંતને અઢેલીને, એક જણ, એના શરીરમાં બારીઓ બેસાડવામાં આવી હોય અને એ બારીઓ જાણે ખુલ્લી રાખીને, હવા ખાતો બેઠેલો દેખાય છે. એની પહોળી વજ્ર-છાતી, ભીડી રાખેલા બંધ બારણા જેવી લાગે છે. એટલામાં એને ટહેલતો જતાં, ‘કોનું કામ હતું?' એમ વિનાયકને પૂછે છે.

   પેલાની છાતી સામે લાત ઉગામે છે. ‘બારણાં ખોલો... હું કહું છું કે બારણાં ખોલો...' એ હવે ઉત્તેજાઈ જઈને પેલાને હચમચાવે છે. ‘બારણાં ખોલો...' ટપાટપીમાં, બંને એકબીજાને રહેંસે છે. એના કપાળ પર મુક્કો ઊછળે છે. એ જીવ પર આવી જાય છે. ‘ખોલો.... ખોલો.... બારણાં ખોલો..’ બાજુમાંથી અરેરાટીભર્યો કોલાહલ આવતો સંભળાય છે. ત્યાંથી એ નાસભાગ કરે છે. એક ખૂણામાં આશરો લે છે. કેટલીક ક્ષણો એમ વીતે છે. સુપ્રિયાના કેશકલાપમાં પરોવી દેવા, ગજવામાં સાચવી રાખેલું ગુલાબ-ફૂલ ચૂંથાઈ ગયું છે. એની તૂટી ગયેલી પાંદડીઓનાં પીંછાને હવામાં ઉડાડી મૂકે છે - કેદ પકડેલાં પંખીઓને હવામાં છોડી મૂકતો હોય એમ. ઘડીભર ફૂલ વિનાની દાંડીને હાથમાં રમાડે છે. ને આકસ્મિક ત્યાંથી પસાર થતા, સુપ્રિયા જેવા લાગતા એક પુરુષ પર લપકે છે.

   “વાવાઝોડામાં ફસાયેલા એક શહેર સાથે વિનિમય” કહીને ઝડપભેર પેલાના કાન પર એ ગુલાબની દાંડીને ભેરવી દે છે. પુરુષ સૂનમૂન બની ખડો રહે છે. ને બાદમાં કંઇક કળી ગયો હોય એમ હકારમાં માથું ધુણાવે છે. “ટાપુ...?”
“હા...ના.. ના... હા...” કહીને વિનાયક “ટાપુ... ટાપુ...” સ્વગત બબડતાં, ટાપુને મનમાં ઠસાવે છે. એ ટાપુ પર રોનકદાર શહેર વસેલું છે. ત્સે ત્સે માખીના ડંખનું મોજાં એ ટાપુ પર ફરી વળે છે. વર્ષો લગી એ ડંખ શહેરને કરડયા કરે છે, ફોલ્યા કરે છે. ને આખરે ધરતીની હિલચાલમાં આખો ટાપુ હડપાઈ જાય છે. રમણીય ટાપુ...

   “ચાલો આપણે જઈએ.” પેલો પુરુષ સૂચવે છે. બન્ને નીકળી પડે છે. ક્યાંક ઊંચા ખડકની ટોચ પર આવીને બંને ખમચાય છે. ધરતીમાં પડી ગયેલી એક રાક્ષસી ફાટ તરફ આંગળી ચીંધતાં, પુરષ બોલે છે: “જો પેલો ટાપુ ત્યાં હતો..."

   પેલાના અવાજના ધક્કા સાથે ખડક પરથી વિનાયક લથડી પડે છે....
   “ઝંઝાવાતમાં ફસાયેલા શહેર સાથે વિનિમય.” વિનાયકના અવાજનો અભિનય કરતો એ પુરુષ ત્યાંથી પાછો ફરે છે.
* * *
   કશુંક ભૂલી ગયો હોય એમ, વળી વિનાયક પેલા પુરુષનો પડછાયો કરતો જણાય છે. એના કાન પર ભેરવેલી ગુલાબની દાંડીને ચૂપચાપ સેરવી લઇને એ ટાપુની શોધમાં ચાલ્યો જાય છે.
* * * * *


0 comments


Leave comment