12 - વિક્ષિપ્ત / કિશોર જાદવ


   વળી એ જ પહેલાંની જગ્યામાં આવી હું પરોવાયો. લાંબો સમય દરમ્યાન અમે અહીં નહોતા. એથી ઓરડાની ઉજ્જડ હવા કઠવા લાગી. એક ખૂણાને ખંખેર્યો. આ નબાપા મકાનનું ડાચું જોઇને, ફરી પાછું અહીં આખરે આવવું પડ્યું એવી લાગણી થઇ આવી- અત્યારે તો એ મકાન નથી. ત્યાં એક બોડું મેદાન, જાણે માર ખાઇને હાંફતું ચત્તુપાટ પડ્યું છે. જોયું તો એ જ ઓરડામાં, મારી જેવા, મારા સહવાસીઓ આવી પહોંચ્યા હતા. અને એમને પોતાને અહી ગોઠવવામાં રોકાયા હતા યા તો ફરી અહીં આવવું પડ્યું હતું એ કારણે કે કેમ, અમે લાંબા સમય બાદ મળ્યા હતા એનો ઉમળકો, એકબીજાને ભેટી પડવાનો તરવરાટ ( એ હું અપેક્ષતો હતો) એક પણ સહવાસીના ચહેરા પર વરતાયો નહિ. જાણે એકબીજાને કશું લાગતું વળગતું નહોતું, કશો સંબંધ સરખો પણ નહોતો, એમ મારા એ ત્રણ સહવાસીઓ, સૂનમૂન, નિ:સ્પૃહીની જેમ, જેને કશું જ ન કહી શકાય, એવા કામમાં ગ્રસ્ત હતા. નિરર્થક સામાન યા તો પુસ્તકોને આડાંઅવળા ગોઠવતા હશે એમ મને લાગ્યું. છેવટે નજૂકમાં બેઠેલા એક મિત્રે કહ્યું: ‘ આજે હું મારા એક નિકટના સંબંધીને ત્યાં જઇશ.’ એથી ખીચોખીચ વસ્તીવાળાં ઊંચાંનીચાં મકાનોનો વિસ્તાર, દષ્ટિમર્યાદાની પેલે પાર ચાલ્યો જતો મેં જોયો. હું બહાર ચોગાનમાં આવ્યો. એટલામાં થોડાંક ફૂલછોડની લાલાશ-લીલાશ વેરાયેલી હતી. બાજુમાંથી, એક યુવતી નીકળી આવી. એણે ભાવપૂર્વક મને કંઈક ખાવાનું આપ્યું. જોયું તો એના ‘બોબ્ડ હેર’ પાંદડાંની જેમ ફર્ફરતા હતા.-એક ગર્જતી રાત્રે, મારા ટાઈ-કોટમાં હું, એ યુવતી અને એના પતિ, ત્રણેય એક સાથે કલાકો સુધી બેઠાબેઠા, દુનિયાના ખંડેખંડમાં ફરી વળેલાં, અમારાં એકબીજાનાં વ્યક્તિત્વની ફોરમને માણેલી. તે એ યુવતી સાથેની મારી એ પ્રથમ પરિચયક્ષણે, એને સહ્યદયતા મને સ્પર્શી ગયેલી. એથી વિશેષ કંઇ જ નહિ - ‘વધુ આપું’ એમ એણે આગ્રહભેર, અવારનવાર પૂછ્યા કર્યું. પણ એની સાથે પા પા પગલી માંડતી નાનકડી એની બાળકીને જોઇ હું વધુ ખીલી ઊઠ્યો.

   આખરે હું, માણસોના એક જૂથમાં જોડાયો. એમની વચ્ચે તો વળી ક્યારેક મોખરે થતો હું આગળ વધ્યો. અત્યારે મારા સહવાસીઓ નહોતા. પણ મારા ધારવાનુસાર આ બધા મારા સ્વજનો હતા સૌએ, ખભા પર કંઈ ને કંઈ સરસામાન ગાંઠ્યો હતો. જ્યારે મેં મારા રમતિયાળ હાથને ખુલ્લા, રમતા રાખ્યા હતા. અમે પ્રયાણ આદર્યું-હેતુહીન. કઈ દિશામાં અમે જવા ઇચ્છતા હતા એ પણ નિશ્ચિત નહોતું. અમારા લક્ષને અમે જાણતા નહોતા. છતાં આમ અડસટ્ટે અમે ચાલ્યા જતા હતા-ટ્રેનના પાટાની લગોલગ. એકાએક, ટ્રેનના બે પાટાની વચ્ચે હું થોંભ્યો. અને મારા એક હાથને ઊંચો ઉઠ્યો. સિગ્નલના હાથાની જેમ આડો લંબાવ્યો ( સાંભળ્યું હતું કે આમ સિગ્નલ ધરવાથી ટ્રેન થંભતી હતી.) દૂરથી દેખાતી, સુસવાટા મારતી, જાણે રમકડાની ટ્રેન મારી તરફ ધસી આવે તે પહેલાં, અધવચ્ચેથી પૂરવેગે બીજી જ દિશામાં ફંટાઈ ગઈ. અમે બધા, દોડતા, પાછલા ડબ્બાઓ પર તૂટી પડ્યા. ક્ષણાર્ધમાં એક...બે...ત્રણ...ધડામ...ધડામ...ધડામ... ડબ્બાઓ પસાર થતા, અદશ્ય થઈ ગયા. વેરવિખેર થઇ ગયેલા અમે ફરી ટોળે વળ્યા. ખિસ્સામાંથી ‘ટોફી’ કાઢીને, લજ્જાના ભાર તળે જાણે સંતાતી એક બાળાના હાથમાં દાબી-એને કશુંક સાંત્વન આપવા. એની સાથે મારી સ્નેહ-માયા હતી. માત્ર એ ખ્યાલ જાણે મારી આસપાસ નિરંતર ભમ્યા કરતો હતો. એ ખ્યાલના રચાતા, મારી આજુબાજુ સળવળતા અંધારા કૂંડાળાને લીધે, એ બાળા, હોવા છતાં પણ મારી પાસે નહોતી એમ મને લાગ્યા કરતું. રણમાંના ‘ઓએસીસ’ સમી એક હોટેલ આગળ અમારા કાફલાએ ઉતારો નાખ્યો. હું મુગ્ધભાવે હોટેલની વ્યવસ્થા નિહાળવા લાગ્યો. ત્યાં ચુસ્ત સ્કર્ટ નીચે હસતા બે લાંબા ગૌર પગ, પક્ષીની જેમ ક્યાંક ફરસી જતા મેં જોયા. હું ત્વરાથી બહાર આવ્યો. ઊંચાણવાળા ભાગ પર. મારા સ્વજનો સ્ફૂર્તિ અનુભવતા ખડા હતા. બાજુમાં, ઝડપથી વસ્ત્રો બદલી નાખીને, લીલી રંગની સાડીમાં એક યુવતી, નીચા મોંએ ઊભેલી દેખાઇ. તાપને લીધે એનો લાંબો ચહેરો ઝંખવાઈ ગયો હતો. એના બન્ને ગાલ પર માંસની ઊભી પટ્ટીઓ નજીક તણાતા ખાડાઓ જોઇ ‘સુંદરતા ચિરકાળ ટકતી નથી’ એમ હું મનોમન બબડ્યો.-આ યુવતીનું લાવણ્ય અપૂર્વ હતું-છે. પેલી બાળાની કદરૂપતાના લીધે મને આમ લાગતું હશે એમ મેં વિચાર્યું-આ યુવતીનો પતિ, દૂર ક્ષિતિજ તરફ વિમાસતો. મવાલી જેવો, બેઠેલો હતો-હું જાણતો હતો કે એ અત્યંત સંપત્તિવાન હતો-હું ત્યાંથી ચાલતો થયો. એકલો, આડેધડ. સામે અફાટ વેરાન પથરાયેલું હતું. ચોપાસ, પવનને લીધે, મુલાયમ અને લિસ્સી થઈ ગયેલી લાગતી રેતના લાંબા ઢૉલાવની ગડીઓ, ઊંધમુખે સૂતેલી આરબ સ્ત્રીઓના નગ્ન વાંસાઓની જેમ અમળાતી પડી હતી. ક્યાંક ક્યાંક વગડાઉ ઝાડના સોટાઓ દેખાતા હતા. આકસ્મિક, ઓળખીતી બે વ્યક્તિઓ ભેટી પડી. એમાંના એકના ચહેરા પર શીળીના ડાધ હતા. એ તવાંગથી આવતો હતો. હિમ-પ્રદેશમાં થીજી રહેલું તવાંગ, અરબસ્તાનમાં વસેલું હશે એમ મેં વિચાર્યું. કેમ કે એની સજ્જનતાને લીધે એને હું ચાહતો. મારી આ મજલનો ઇરાદો એને જાણે વિદિત હતો. પણ અત્યારે એના પર મને ચીઢ ચડી. સાથે, પેલી બીજી ઘાટા કદની વ્યક્તિને એ લઇ આવ્યો હતો. ‘ખરાબ આદમી’ હું બોલવા કરતો હતો ત્યાં પેલી બીજી વ્યક્તિએ મને ખભેથી પકડ્યો. એનો વ્યાપાર ધીખતો હતો. એની સાથે મારો, કશીક ચીજવસ્તુની આપલેનો વ્યવહાર હતો. જાણે મારી ચારેતરફ મારા સ્વજનો ઘૂમી રહ્યા હોય અને તેઓ અમારી વાતચીત સાંભળી જશે એ ભીતિથી, પેલાને આસ્તેથી બોલવા મેં ઈશારો કર્યો. પણ આડકતરી નજરે મારા પ્રતિ જોતાં, બુલંદ અવાજે એ બોલી ઊઠ્યો : ‘મારી સાથે તારે હિસાબ ચૂકવવાનો છે.’-જાણે સમસ્ત જગત સાથે મારે કહ્સીક લેણદેણ ચૂકવવાની હોય એમ. પ્રત્યુત્તર વાળ્યા સિવાય, ચંપાતા, દબાતા પગલે હું ત્યાંથી પાછો ફર્યો.
* * * * *


0 comments


Leave comment