15 - નસકોરી / કિશોર જાદવ


   દાદરો ચઢીને ઉપર આવતાંવેંત નીલાદેવી બારણાં આગળ થંભી ગયાં. એમની વિસ્મયકારક નજર આજુબાજુ ફરતી, સામેના દિવાનખાનામાં ઘૂમી વળી. ઘસઘસીને ચકચકતી કરેલી રંગબેરંગી ફરસ, સુઘડ અને વ્યવસ્થિત ગોઠવેલી એકેએક વસ્તુને જોઈ એ પ્રફુલ્લતા અનુભવી રહ્યાં. એ સાથે, ખૂણામાં પાણીનું પોતું ફેરવતી મંછા કયારની ય પોતા તરફ ટીકી રહી હતી એનું ભાન થઈ આવતાં એ બોલ્યાં :
   “ આંખો ફાડીને શું જોઈ રહી છે, તું આમ? બહુ ડાહી...” કૃત્રિમ રોષભર્યા અવાજે બોલતાં, એમના ચહેરા પરની રેખાઓ સંકોચસહ ખીલી ઊઠી.
   “ બા, બધું પરવારી રહેવા આવી છું. હવે...એ કયારે આવશે...?”
   “ જો... બહુવાર નહિ લાગે એમને આવતાં. રાત્રે એ અહીં જ જમવાના છે. અને તારે આજે સાંજની છુટ્ટી...!”
   “ શું... બા...!'

   ઉત્સુક મંછાને આશ્ચર્ય પામતી જોઈ, ન સમજી શકાય એવી ભીની લાગણી એના પ્રતિ નીલાદેવીને થઇ આવી. ને એ મૂંગાં મૂગાં દીવાનખાના તરફ આગળ વધ્યાં. વળી આકસ્મિક થઇ આવેલા ક્ષોભથી એ ત્યાં ઊભા રહી ગયાં. કંઈક વધુ પડતું ખુલ્લેખુલ્લું બોલાઈ તો ગયું નહોતું ને ! એથી, અત્યારે એ શબ્દો, એમને કંઇક આવેગમાં-બેધ્યાનપણે ઉચ્ચારાયેલા લાગ્યા; કારણ કે મનમાં કલ્પી રાખેલા એ વિલક્ષણ પ્રસંગની તીવ્ર ક્ષણોમાં, મંછાની ઉપસ્થિતિ આવકારદાયી હતી યા અગવડરૂપ-એ વિષે પ્રથમથી એમણે કશું જ વિચાર્યું નહોતુ. ને કંઇક નક્કી કરે તે પહેલાં, એ દીવાનાખાનામાં દાખલ થયાં. એકાએક ત્યાં ફરી ખચકાયાં-કયાંક મંદિરમાં, પગરખાં સહિત, અબૂઝની જેમ એ ઘૂસી જતાં હોય એમ લાગ્યું. અત્યંત ચંપાતા પગલે, કબાટ પાસે ગયાં. હાથમાંની “બ્રોન્ટે” ની નવલકથાને એમાં ગોઠવી. ઝડપભેર બહાર આવીને, “વોશબેઝીન' આગળ પહોંચ્યાં, હાથ-મોં ધોઈ-લૂછીને, ફરી એ દીવાનખાનામાં આવી પલંગ પર સહેજ આડાં પડ્યાં.

   પાસેની ખુલ્લી બારીમાંથી ઉની લૂ આવતી હતી. એનાથી રજાઈ સહેજસાજ ગરમ થઈ ગયેલી લાગી. ને એ અકળાઈને ઊભાં થયાં,
   “ મંછા, આ ચાદર બદલી નથી તેં ? “
   “ આવું છું, બા...”
  
   કંટાળીને એ સોફામાં ગોઠવાયાં. હમણાં જ એ બહારથી આવ્યા હતા, વાંકીચૂંકી ગલીઓમાં બફાતા મૂગાં જીવોને એમણે જોયાં હતાં. અહીં પણ એટલી જ ગરમી હતી. એટલો જ ઉકળાટ. એ સમયે, મછાએ ચાદર પાથરી,
   “ બરાબર, બા ? ”
   “ હં...હવે તારાં આ ભીના કપડાં બદલી નાખ. અને જો... પેલી ચાંપ દાબતી જા.”
 
   ત્યારે ફરી, પેલી કુમાશભરી લાગણી એ અનુભવી રહ્યાં, ને બટનનો પટ્ટ... અવાજ થતાં ચમકયાં. જોયું તો માથા ઉપરના પંખાએ ચક્કર લગાવવાં શરૂ કરી દીધાં હતાં-અદ્ધર આકાશમાં ઊડતા બાજપક્ષીની જેમ. ધીમે ધીમે એની ગતિએ વેગ પકડાયો. એમ એનો તીક્ષ્ણ ધમધમાટ, વાતાવરણને જાણે ભીંસવા લાગ્યો. બારીમાંથી આવતી ઉની લૂ એની અડફેટમાં આવી જતાં રહેસાતી હોય એમ લાગ્યું. પલંગ પરની ચાદરના લપેટાઈ ગયેલા બન્ને છેડાઓનો ફડફડાટ વધી પડયો ચકલી ગોટાની જેમ.

   ને એ ઊભાં થયાં. હવે પોતાના અસ્થિર અને વિહ્વળ હદયના ધબકારને, એ સ્પષ્ટપણે સાંભળી શકતાં હતાં. પોતાની તત્પરતાને એ કયાંક કથળાવી નાખશે એ ખ્યાલે, એ વધુ અસ્વસ્થ બન્યાં. અને વિશ્વંભર પરની ચબરકીમાંના એમના પેલા વાકયને મનમાં ઉલટાવવા પ્રયત્ન કર્યો. “ આમ, આપણા વિતંડાવાદને જે ઉવેખી નહિ નાખીએ, તો કદાચ બન્ને કયાંના ક્યાંય ફેંકાઈ જઇશું !, એમાં નરી સંસ્કારિતા તરવરી રહી હતી. સાથે, લુખ્ખાશ હતી, પણ અનિવાર્ય પૂરતી જ. છતાંય એમાંથી નિર્ભીકતાનો શ્વાસ લઈ શકાય એમ નહોતું, એ જાણતાં હતાં. જે છત્રછાયામાં પોતાની જાતને સંગોપી લીધી હતી એને કોઈ છેદી નાખીને, પોતા પરથી ફગાવી દે તો? ને એ આછો કંપ અનુભવી રહ્યાં, અણજાણપણે, કશી પણ પૂર્વતૈયારી વિના, એ પ્રસંગના આહૂવાન માટે હામ ભીડવી, એ વિચાર કેટલો દયાજનક હતો ! પણ બીજી જ પળે એમને લાગ્યું કે કદાચ પોતે એ પ્રસંગને વધુ પડતું મહત્વ અર્પતા હોય એમ પણ બને ! મનમાં એને ઘૂંટ્યા કરવાથી, એ વધારે ભયપ્રદ બનતો જતો હોય ! એ ખ્યાલથી એમણે સખતપણે નિશ્ચય કર્યો. “ એ વિષેના અત્યારે ઊગતા જરા સરખા ય વિચારને તરત દમી નાખવો. “

   ને એમણે પોતાની આસપાસ, દીવાનખાનામાં નજર ફેરવી. બધું કંઈક અજૂગતું જ લાગતું હતું. અસબાબની એકેએક વસ્તુ પર લસી રહેલી નિર્મળતાની ઝાંય, એ આકરા પ્રકાશમાં જાણે અવનવા રંગરોગાન ધરી રહી હતી. આ પ્રશિષ્ટ કૃતિઓના કલાગુરુઓ... પેલું બુદ્ધનું “બસ્ટ ‘-જાણે હજી ય સનાતન સત્યની ખોજમાં બીડાયેલાં એ નેત્રોમાંથી અગાધ શાંતિ વિસ્તરી રહી હતી અને એ બધાંને આવરી રહેલા વાતાવરણની નિમજ્જનતામાં અજબપ્રકારની ઉજ્જવલતામાં, એવું કશુંક ભળી ગયું હતું, કે જેની વિશિષ્ટતાને પકડી ન શકાય, એમ એમને લાગ્યું. એ મનમાં ખૂંચ્યા કરે એટલું જ એનું અસ્તિત્વ. એ સાથે, વિશ્વંભરનો ઓરડો એમને યાદ આવ્યો. પ્રથમથી જ ત્યાં જતાંની સાથે તમે જાણે કશાક ભારથી લદાઈ જાઓ-હવામાં જાણે પ્રમાદીપણાના થર જામી ગયા હોય એમ એ મનને કલેશ પહોચાડયા કરે અને એની કિલષ્ટતાના તીવ્ર ભાનમાં, તમે સાવ નંખાઈ જાઓ. એવી અર્ધભગ્ન અવદશાની હતાશા એમણે કેટલીવાર અનુભવી હતી ! એ સ્થિતિ એમને હવે અસહ્ય થઈ પડી હતી. કંઈક તો કરવું જ જોઈએ. નહિતર...

   ને જઈને એ ફરીથી સોફામાં ગોઠવાયાં. હાથ પર બાઝી ગયેલી પરસેવાની સેરને પાલવથી લૂછી નાખતાં, એમણે ફરીથી, આજુબાજુ ઝઝૂમી રહેલા વાતાવરણને તાગવા પ્રયત્ન કર્યો-કશીક અબદ્ધતાને પકડવા. અહીં જાણે અસંપ્રજ્ઞાતપણે એવું કંઈક વિસ્તરી રહ્યું હતું જે નવાગંતુકને જેર કરી નાખે ! પણ એ જરા જુદી રીતે ધી...મે ધી...મે, અગોચરપણે, એનું અસ્તિત્વ તમારી રગેરગમાં પ્રસરવા લાગે. એમ એ તમારા મનને ખોતરતું, ઊંડે ઊંડે ઊતરતું, તમારા આવેગને જર્જરિત કરી નાંખે-અંગેઅંગને શિથિલ કરી નાંખે. એ જ પળ પોતાને કદાચ સહાયરૂપ બની રહે! ઉશ્કેરાયેલી દશામાં પોતે, પ્રતિવ્યક્તિને જરા પણ આંચ ન આવે એ રીતે, એના પર પૂરતો પ્રભાવ પાડી શકે.

   પણ એકાએક વળી એ શંકામાં ફસાયાં. પોતાના મનની જ આ બધી ધૂર્તતા તો નહિ હોય ! આ આબોહવામાં, સાથે સાથે, પોતાના પણ અંગેઅંગ ગળાઈ તો નહિ જાય ! ને એ દ્વિધાગ્રસ્ત કંપ અનુભવતાં, કબાટ પાસે આવ્યાં અને પોતાને વધુ સ્વસ્થ બનાવવા પ્રયત્ન કર્યો. “ મંછા..”' એમનો અવાજ હવામાં ભરખાઈ જતો લાગ્યો. એમને ખ્યાલ આવ્યો. મંછા વિષે એમણે હજી કંઈ નિર્ણય કર્યો નહોતો.
ત્યાં એકાએક, અંદરના ખંડમાંથી મંછાનો અવાજ સંભળાયો “ બા... એ... આવતા લાગે છે.”

   “હં.” કહી, એ બેધ્યાનપણે પોતાના મનના થડકાર સાથે અફળાતાં વિશ્વંભરનાં પગલાંનો અવાજ સાંભળી રહ્યાં. જોયું તો, વિશ્વંભરના પગના પહોળા પંજા, ફરસ પર જાણે ધકેલાઈ આવતા હતા. દરોનાં ઝૂમખાં જેવાં પંજા. એમને જોતાંવેંત, નીલાદેવી બોલી ઊઠયાં :
    “તમે તો બધે ચકચાર મચાવી દીધી છે ને !”

   વિશ્વંભર, પલંગ પર બેસતા હસ્યા.
   “ એવું કંઈ નથી.”
   ત્યારે, મંછા પાણીના ગ્લાસ 'ટિપોઈ' પર મૂકી ગઈ.
   “તમે તો... અરે પણ... હં...તમારી “પોએટિક-ટી' લેશો કે..? “
   “ બહુ ઘામ થાય છે.” એમણે છાતી પરનાં બટન ખુલ્લા કર્યા.
   “ તો મંછા, બેએક ગ્લાસ શરબત બનાવી નાખ જોઈ. અને જે, સામેથી બરફ લઈ આવજે, પહેલાં.”
   “હં...બા...”

   અત્યારે, કેમ જાણે, એ સંબોધનથી એમને મંછા પર સહેજ ચીઢ ચડી. પણ પોતાની વિવસ્ત દશામાં, એ વ્યવસ્થિત રીતે ત્યાં હતા. એનો એમને સંતોષ થયો.
   “ હં...હું શું...? હા...રસ્તા પર છડેચોક થતી સંસ્કારી સ્ત્રીઓની ગંદી મશ્કરીઓ, અડપલાં, બળાત્કાર... કેટલું હીન... એના પર પ્રહારો કરવામાં તમે બાકી નથી રાખ્યું...' એમના અવાજમાં ધસી આવતો ભારોભાર ઉશ્કેરાટ જોઈ, એમને જ નવાઈ લાગી.
   “પણ મને હવે એનો રંજ થયા કરે છે-કે મારે એવું નહોતું લખવાનું.”

   સાંભળીને, નીલાદેવીએ વિસ્ફારિત નજરે જોયું તો, ‘ટિપોઈ’ નીચે ગોઠવાયેલા પોતાના એક પગ તરફ વિશ્વંભર એકીટસે તાકી રહ્યા હતા. એમની વિલક્ષણ ટેવ જ, નીલાદેવીને ત્રાસદાયી લાગતી હતી. જાણે એકત્રિત કયા પોતાના સર્વસ્વ બળને એમ એ શોષી લેતા ન હોય ! એ વિચારે, એ સહેજ ધૂંધવાયાં.
   “ એનો અર્થ તો એમ ઘટાવાય કે, ઉભય પક્ષોની સંમતિથી એ બધાં કૃત્યો સજાર્ય છે. એકબીજાના વ્યકિતની હૂંસાતુંસીમાં એ જરા જુદા જુદા નામે ઓળખાય, એટલું જ ! આ તો તમારી જ હાંસી. '
   બોલ્યા પછી લાગ્યું કે એમણે ભૂલ કરી નાખી હતી. “ નહિ. આવા કાંડો પર ટીકા કરવી, એ હવે મને તમારી જ, અરે, મહિલા-જગતની હાંસી થતી લાગે છે.”

   વિશ્વંભરના છેતરામણા, ઢીલા-ગદગદ અવાજનો નીલાદેવીને ડર લાગ્યો. વળી એમને ભાન થયું. પેલો પગ જાણે મરણતોલ દશામાં ધ્રૂજી રહ્યો હતો-ગોળીએ વિંધાયેલા કોઈ રાની પશુની જેમ. એને બળજબરીથી, ટિપોઈ નીચે વધુ સરકાવવા, છુપાવવા એ મથ્યાં.

   મંછા ત્યાં આવી. આકસ્મિક એના હાથમાંથી “શરબતના ગ્લાસ” પડતા રહી ગયા. એને નીચે જ ગોઠવી દેતાં, વળી એ ચક્કરી ખાતાં બચી ગઈ. ને એ રૂંધાતા અવાજે બોલી ઊઠી : “બા...”
   “શું થયું...મંછા...?'”

   એમણે જોયું તો મંછાના નાકમાંથી, લોહી દડદડી રહ્યું હતું. વિશ્વંભર પણ સફાળા ઊભા થઈ ગયા. મંછા, નીલાદેવાના ખભે વળગી પડી, એથી તો એ વધુ ગભરાઈ ઊઠયા. પોતાની જાતને એનાથી છોડાવવા જતાં, એ વિષમ પરસ્થિતિમાં મુકાયાં. પણ વિશ્વંભરે જાણે એમને ઉગારી લીધાં. મંછાને પલંગ પર નાખતાં, નીલાદેવીની સાડીનો આગળનો ભાગ લોહીથી ખરડાયો. ફરસ અને પલંગ પર પણ લોહીનાં ટીંપાં વેરાયાં. “ ત્યાં... આગળ... નળ પાસે એને....'ભયવિહૂવળ અવાજે એ બોલ્યા.

   ને એ બન્ને, મંછાને બાવડેથી લગભગ ઊંચકીને “વોશબેઝીન” નજીક લઈ ગયાં. વિશ્વંભરે, પાણીથી એના મોંને સાફ કર્યું. આંખ આગળ આવી ગયેલી એક લટને ઉપર ચઢાવી. બરફ લાવીને, નીલાદેવીએ એના માથા પર ધસ્યો. ધીમે ધીમે લોહી અટકતાં, મંછાને કળ વળી. એને ત્યાં ફરસ પર જ સૂવાડી. ત્યારે વિશ્વંભરની પેલી વિવશ, છતાં કાતિલ નજર મંછાના ચહેરા પર ખોડાઈ રહી હતી. એ ક્ષણે, નીલાદેવીને લાગ્યું કે હજીય પોતાના અંગેઅંગ થરથરી રહ્યાં હતાં.
   “ તમે જાઓ. અત્યારે...તમે..”
 
   પ્રથમ તો વિશ્વંભર ગુંચવાયા. “ પણ, તમે આ શું...? ” ચકિત અવાજે એ બોલ્યા.
   “ નહિ, તમે અત્યારે જાઓ ! “
   “ એ તો હમણાં બધું ઠીક થઈ જશે. એમાં ગભરાવા જેવું કંઈ નથી. એ તો એ નસકોરી..”
   " એમના અવાજમાં આછી આર્જવતા હતી. પણ નીલાદેવી આકૃષ્ટ અવાજે... ‘ના.. નહિ’ કહેતાં, એમને છેક દાદરા સુધી દોરી ગયાં. એ પળે, મંછા સંપૂર્ણપણે સ્વસ્થ બનતાં બોલી: “ બા...મને હવે સારું છે...”
   “ હં... કહીને એમણે કતરાતી નજરે એના તરફ જોયું. “ સારું થઈ ગયું હોય તો તું હવે ઘેર જા. અને જો, કાલથી તારે કામ કરવા અહીં આવવાનું નથી. ”

   સાંભળીને, મંછા સજ્જડ થઇ ગઇ. “બા-“
   એના ફાટેલા આવાજથી તો એ જાણે વધુ ઉગ્ર બન્યાં.
   “ મેં કહ્યું નહિ ? તું જા. તારે હવે અહીં આવવાનું નથી.”

   એમની અત્યારની કઠોરતા જોઈને, મંછા ફફડી ઊઠી.
   “ પણ બા, મેં શું કર્યું..? પછી હું.. બીજે એકદમ કયાં..? કેવી રીતે...? હું હવે બરાબર મન દઈને બધું કરીશ, બા ! “ એમ એ રડમસ અવાજે બોલ્ય ગઈ. પણ નીલાદેવી એને લગભગ ધકેલતાં બહાર લઈ ગયાં. ને જોરથી બારણાં ભીડી દીધાં. આવીને, દીવાનખાનામાં પલંગ પર ફસડાઈ પડયાં. થોડી પળો, એ ત્યાં પોતાના આખા શરીરને આમતેમ ફંગોળવા લાગ્યાં. આખરે ધીમે.. ધીમે. એ શાંત થતાં ગયાં. એ સાથે જ, અત્યાર સુધી જાણે અશ્રુતપણે હાસ્ય વેરતી, ઓરડાની એકએક વસ્તુઓ, એમની ધાકથી ચપોચપ મૂક થઈ.

   વળી પેલા ડાઘનો ખ્યાલ આવતાં, છળી પડ્યાં. પહેરેલી સાડીને બદલી નાખીને ખૂણામાં ફગાવી. ને ફરસને પગ નીચે કચરી નાખવા મથતાં, ગુસ્સામાં અને વ્યગ્રતામાં, પોતાની જાતને દોષતા એ બહાર ધસી આવ્યાં.
* * * * *


0 comments


Leave comment