16 - આગંતુક / કિશોર જાદવ


   ધસી પડતી ઈમારતોની જેમ પવન કયાંક તૂટતો હોય એમ એને લાગ્યું. એ વેળા, શહેરના ટાવરમાં છના ડંકા બજી ઊઠયા. એના રણકારના બુદબુદ હવામાં ઊઠીને શમી ગયા. એણે ક્ષણાર્ધ સ્તબ્ધતા અનુભવી-રણઝણતાં અસંખ્ય વાજિંત્રો એકાએક થંભી ગયાં હોય એમ. સામેથી ઢસડાઇ આવતાં, આસ્તે આસ્તે એની તરફ ધપતાં પગલાંનો અવાજ વરતાયો. ‘કોણ...?' એના હોઠ ધ્રૂજી ઊઠયા. પણ બીજી જ ક્ષણે, સાવ એની નજીક આવે તે પહેલાં, જાણે વળ ખાઈને એ પગલાં પાછાં ધકેલાઈ ગયાં. અહંકારનાં મોજાં, એ બબડી. એ બેઠી હતી એ દિશામાં, સામે નિ:સીમ અંધકાર એકધારું ગજર્યા કરતો હતો-વનાખંડીમાં ગર્જતા સિંહની જેમ. કયાંક સફરે જઈને પાછાં વળેલા વહાણનો કાફલો, એ અંધકારના કિનારા પર જાણે નાંગર નાખતો હોય એવો અવાજ સંભળાયો. ડાબી બાજુએ, સતત વરાળ ઓકતી ફેકટરીની ચીમનીએ તેણી ચીસ નાખી. થોડી ક્ષણો બાદ, ત્યાંથી છૂટેલા માણસોનાં ટોળાનો કોલાહલ, ચોપાસ વેરાતી કોલસીની કણેકણની જેમ વરેવિખેર થઈ જતો લાગ્યો. એની પાછળ, એક યુગલની વાતચીતનો ગણગણાટ હવે બંધ થઈ ગયો હતો. એ ચાલ્યા ગયા હશે યા તો ચુપકીદીની સોડમાં લપાઈ ગયા હશે, એણે વિચાર્યું. પણ પેલા વિરાટ અંધકારની સામે, અહીં આ ભીની ખારાશભરી રેતમાં બેસી રહેવું એને ગમ્યું. શહેરની પછીતે, સરુના વનમાં વીંઝાતી, ચીરાતી એકલતાનો સુસવાટ હવે સંભળાતો હતો. એમાં, એના ઊંચા મકાનના બીજે મજલે, પાછલી બારીએ એ ઊભી હતી. નીચે, મકાનની લગોલગ, રસ્તાનો કાળો પ્રવાહ કયાંક દૂર રેલાતો જતો હતો. એમાં એક પગે કૂદતા જતા લંગડાની લાકડી તણાયે જતી હતી. વેગભેર દોડતી “ફિયાટ ની પાંખની અડફેટમાં ઝપટાઈ જતાં એ બચી ગયો. લંગડો જોઇ શકતો હતો. ચાલી શકતો નહોતો. એને હસવું આવ્યું. બારીને એક હાથે પકડી રાખી, નિષ્પલક નજરે હજી એ ખડી હતી. એણે પ્રફુલ્લ સામે ગરદન ઉઠાવી : “ પ્રફુલ્લ, તારા ચહેરા પર બેઠેલા બે પંખીઓ આમ ટગર ટગર શું જોયા કરતાં હશે ? જો, જાણે પિંજરામાં પુરાયેલા બે પંખીઓ. એમની સામે હું આંગળી ચીધું છું, એમ એ પાછા હઠતા જાય છે.” પિંજરામાં કેદ થયેલાં બે પંખીઓ શી એની અવાચક આંખો. ‘તું બોલતો કેમ નથી ? તું અમૂંઝાય છે.કશી વાતની પીડા...?'

   “ આંગળીઓથી ઘણુંબધું સારવી લેવાય. એમ તેના પોલા ભાગમાંથી ઘણુંય સરી પડતું હોય છે. જે કંઈ સરી પડે, તે તેની પાછળ વત્તીઓછી પીડા તો મૂકતું જાય. એમાંથી ઉગરી જઈએ, કે તુર્ત એ પંખીઓ પાંખો ફફડાવી....'

   વળી એને હસવું આવ્યું. જેની પાંખો જકડાઈ ગઈ હતી, એ પંખીઓ કેવી રીતે ઊડી શકવાનાં હતાં ! એ બારીએ અટલ ખડી હતી. એની પીઠ પાછળથી, વિનાયકે બે હાથ વડે એની આંખો દાબી દીધી. એના બદનમાંથી કશીક ખારી વાસ આવતી હતી. આસપાસ જાણે ચાંદનીમાં સહેલાણીઓનાં ટોળાં ઉમટ્યાં હોય એમ એને લાગ્યું. પેલા વિસ્તૃત અંધકારની ભરતીનું તોફાન હવે સમજાયું. આ ચાંદનીને એ કદી સ્પર્શી શકતી નહોતી. ડગલે ને પગલે એને અફળાતા અથડાતા અંધકારને એ સાંગોપાંગ સ્પર્શી શકતી હતી. આકાશમાં કયારેક ઊડતાં પારેવાં શો અંધકાર, જળમાં ફેલાતી તરંગાવલિઓ જેવો કરચલીવાળો અધંકાર, ખુરશીના ગોળાકાર હાથા જેવો કકરો અંધકાર...

   “ સમુદ્ર વીંઝાય છે ને તાંડવ મચ્યું છે. સમુદ્રમાં ચઢેલી ભરતીનું આ અંધબળ હશે, વિનાયક ! કે પછી તારી છાતીનો ધબકાર...!”
   ‘તુ ખીલી ઊઠી છે, એટલે. પણ તું ઝંખવાય કે તુર્ત આ સઘળી તાંડવ લીલા સંકેલાઈ જવાની...'
   કોલસાની એક ઝીણી કણી, એની પહોળી રહી રહેલી આંખમાં ફૂંકાઈ હતી. ને વિનાયકે બન્ને હાથ વડે એની આંખોને હજી દાબી રાખી હતીઃ “તારી આંખો ખોલી નાખતાં, એમાં મને શું દેખાશે, કહું? “
   “કહે...”
   “વહાણનો એક ફાફલો, ક્યાંક અનંતતામાં તરતો જતો...”

   અંધકારના કિનારા પર નાંગરેલાં એ વહાણ હવે કયાંય જઈ શકવાનાં નથી. વિનાયકે બન્ને હાથના પાટા એની આંખો પરથી ખોલી નાખ્યા હતા. એણે આંખો પટપટાવી. ખૂંચતી કણીને આંગળી વડે બહાર કાઢવા પ્રયત્ન કર્યો. સાડીના છેડાથી આંખની નીચલી ધારને વારંવાર લૂછયા કરી. આંખો ચૂવ્યે જતી હતી. એમાંથી અંધકાર ચૂવ્યે જતો હતો. એ ઊભી થઈ. હવામાં હાથ પસારી, પેલા લંગડાની લાકડીના આધારે જાણે માર્ગ શોધતી આગળ વધી.

   ” સ્મિતા.. સ્મિતા...” પિયાનાનો વિખૂટો પડી ગયેલો એક તીણો પ્રલંબ સૂર, આસપાસની સઘળી હિલચાલને જાણે વીંધતો- કૂદતો એની નજદીક આવતો લાગ્યો. એ નાનકડી વિભાનો અવાજ હતો. આવતાવેંત એણે ઘણું ઘણું અસંબધ્ધ બોલી નાખ્યું. આખરે, એની એક આંગળી પકડીને એમના મકાન તરફ એને દોરી.
* * *
    એણે બારી બંધ કરી. પણ સમુદ્રનો એકધારો ઘૂઘવાટ, હાડમાળખા શા આ મકાનના પોલાણમાં ફૂંકાતો હતો. પોતાની જાતને એણે ખુરશીમાં પસારી. ને કેટલીય ક્ષણો સુધી, એમ એ આસ્તે આસ્તે તેના થાકને નિરાંતે વાગોળવા લાગ્યો. ખસી કરેલા આખલાની જેમ. એમ એ થાકનું એને જાણે ઘેન ચઢતું ન હતું. એ ઘેનના નશામાં ચકચૂર, ઉશ્કેરાઈ ગયેલી હાલતમાં બહાર કયાંક વગડામાં, ચાંદનીની પાછળ, વિનાયક ભમતો હતો. આવી જ દશામાં કયારેક રસ્તા પર પસાર થતાં, ઘસાઈ ગયેલી ‘ફિલ્મ' ના પોસ્ટર જેવો વિનાયક એને યાદ આવ્યો. એકાએક એ ઊભો થઈ ગયો. હમણાં જ, પિયાનાની સાથે અડપલું કરીને વિભા ભાગી ગઈ હતી. પેલા વણથંભ્યા ઘૂઘવાટમાં, પિયાનાના સૂર જાણે ડૂબતા હતા. સામે દીવાલ પર વિદ્યુત ઘડિયાળમાં એણે જોયું. એકાએક તે જાણે અહીંના પ્રકાશની તીક્ષ્ણતાએ એની નજરને અધવચ્ચેથી કાપી નાખી- કાચને કાપી નાખતી હીરાકણીની જેમ. કયાંક ઝખ્યા કરતા નિઃસ્તબ્ધ પહાડમાંથી રહીરહીને ટપકતા પાણીનાં ટીપાં શો ઘડિયાળનો અવાજ એ ઘડીભર સાંભળી રહ્યો. એની આસપાસ તલસતા સ્મિતાના બે હાથ જાણે એને શોધતા, એટલામાં ફર્યા કરતા હોય એમ એને લાગ્યું.
    “તુ હંમેશા આમ શું શોધ્યા કરે છે? “
   “કૂતોબા શિયોબા ખૂબ ભૂલકણો હતો. એના ખમીસની ચાળ પર શાહીથી એ લખેલું નામ પાણીમાં ધોવાઈ ગયું હતું. એટલે એ પાણીમાં એના નામને ખોળ્યા કરતો હતો. મારું નામ આ અંધકારમાં ધોવાઈ ગયું છે ને તે શોધ્યા કરું છું.'
   “તો મને કહેતી કેમ નથી ? ચાલ, હું પણ એ નામને ખોળવા લાગી જાઉં.”
   “પણ એ નામને તો હું જ ઓળખું. તું ના ઓળખે.”
   “એટલે તો હું તને કહ્યા કરું છું કે તારો થોડો અંધકાર મને તું આપ.'

   જોયું તો, એના સિવાય ત્યાં કોઈ નહોતું.
   આજુબાજુ, ચારે દીવાલો પર સતત આંટા મારતા સ્મિતાના બે વાચાળ હાથને એ જીરવી શકતો નહોતો. એથી આ ધારદાર પ્રકાશ અને જાણે હરહમેશાં પજવતો હતો-પ્રશાંત જળની સપાટી પર ફરકીને વિલાઈ જતી લહેરોના જેવી, સ્મિતાના કૌમાર્ય પર પ્રફુલ્લે સર્જેલી ગલીપચીઓના પજવતા ધૂંધળા ખ્યાલની જેમ. ત્યારે સામે ઘડિયાળમાંથી ટપકતાં પાણીનાં ટીપાં શો અવાજ, ધીમે ધીમે જાણે પ્રવાહરૂપે ચારે તરફ ફેલાઈ રહ્યો હતો-જાણે કાળનો વિદ્યુત પ્રવાહ. અણજાણપણે સ્મિતાના હાથે એમાં ઝબોળાઈ જશે તો ! એ સહેજ પાછળ હઠયો. જોયું તો, બહાર કયાંક ઉપડવાની તૈયારીમાં બાંધી રાખેલો મુસાફરીનો સરસામાન અને આ મકાનની ચારે દીવાલો, સર્વ કાંઈ પેલા પ્રવાહમાં ભાગતું હતું. રેલાતું હતું. વારંવાર કશાક દાહક આચંકાઓ ખાઈને, ભયવિહ્વળ બની એ પાછળ હઠતો જતો હતો. વિભાની રમકડાની આગબોટ ડૂબતી હતી આ પ્રકાશના જુવાળમાં, કાળના વિદ્યુતપ્રવાહમાં પોતે ડૂબતો હતો. એણે ત્રાડ નાખી, છલંગ ભરી. સમુદ્રના ઘૂઘવાટની પીઠ પર એ ઠેકાયો-એની અટલતા પર ખડા રહીને, પેલા શત્રુને જાણે જેર કરવા. પણ બીજી જ ક્ષણે જોયું તો, કશાક ભીષણ બળથી, એને ઊંચકીને, પેલો ઘૂઘવાટ હજારો માઈલ દૂર સમુદ્રના અંધકારની અનંતતામાં દોડી રહ્યો હતો. ને આકાશ તરફ ઊછળતો, તાંડવની વીંધતો, એ જાણે તોફાને ચઢયો હતો. ક્યાંક પેલા વિદ્યુત-ઘડિયાળનું ખોખું વિભાની રમકડાની આગબોટ, ઘરનો અસબાબ, આસપાસ હિલોળાતા, તરતા દેખાતા હતા. ને એમની સાથે એ જાણે અહીં કશીક રમત રમી રહ્યો હોય તેમ જાણી, વિભા પવનમાં પડઘા પાડતી હતી : “હું... આવું, હું... આવું ? ” હવે એક ક્ષણ પણ એ થંભી શકતો નહોતો. આ અફાટ અંધકારને ભેદતો, જાણે કાળને પડકારતો, દિગંતને ગજવી રહ્યો હતો. સૃષ્ટિ ધ્રુજી ઉઠી હતી...

   બીજા ખંડમાં આવી એણે સોફામાં લંબાવ્યું, અને ધીમે ધીમે એના થાકને વાગોળવા લાગ્યો-એ થાકનું એને આમ મધુર ઘેન ચઢતું હતું.
* * *
    કશીક અજ્ઞાત ઝંખના એને થઈ આવી. નાની વયે, નિત્ય એ ઘીના દીવા પેટાવતી-એની કોઈ મહેચ્છાને ફળીભૂત કરવા. એ દીવાની જલતી જયોત શી ઝંખના એના રોમેરોમને પ્રજવાળી રહી હતી. પેલા ઘીના દીવા, સદંતર હોલવાઈ ગયા હતા. ને ખુશખુશાલ વિભા, અહીંતહીં દોડાદોડ કરતી, સરસામાનમાં રખે કશું ભૂલી તો ગયા નથી, એની ખાતરી કરતી, શોર મચાવી રહી હતી- આ વેળા, એમની મુસાફરીનો દોર જાણે એણે હાથમાં લીધો હોય એમ.એમને મળવા આવેલો પ્રફુલ્લ, અગાસીમાં વિનાયક સાથે બેઠો હતો. એમની અસ્પષ્ટ બોલાશ ઘડીભર એ સાંભળી રહી. ત્યારબાદ એમની વચ્ચે એકાએક ઊતરી આવેલા મૌનમાં, કશીક અપેક્ષા સેવાતી હોય એમ એને લાગ્યું. એ ક્ષણે પ્રફુલ્લના હાથની મુલાયમ આંગળીઓ, હંમેશની જેમ એકબીજામાં પરોવાતી, છૂટતી, વળી ગૂંથાતી હોય એમ એણે અનુભવ્યું. એ આંગળીઓ આમ નિરંતર જાણે કશાક રેશમી તંતુઓને ગૂથ્યાં કરતી હતી-રેશમના કીડાની જેમ. એમ પ્રફુલ્લની આજુબાજુ અપારદર્શક રેશમી આવરણ રચ્યા કરતી. એ સુંવાળા આવરણની હૂંફમાં અજબનું આકર્ષણ હતું. પણ આ બધું માત્ર એક ક્ષણ પૂરતું જ અનુભવાય. બીજી જ ક્ષણે, એ આકર્ષક સુંવાળપતા પરથી સરકી પડાય. જેમ પોતે સરકી પડી હતી. એમની વચ્ચે જે કંઈ બન્યું હતું એ સરકી ગયું હતું. ને હવે એમની વચ્ચે જે કંઈ બન્યુ હતું એ એક ભ્રાન્તિ હતી-પ્રફુલ્લા છે અને વિનાયકની. એ ભ્રાન્તિના ખ્યાલથી બંને એકમેકને જાણે વળગી રહ્યા હતા. એથી જ પ્રફુલ્લ એમને આમ મળવા કયારેક આવતો. કદાચ એની એ મુલાયમતાના ઢગ એને વીંટળાઈ વળ્યા હતા, ઘેરી વળ્યા હતા.

   વિનાયકના ખભે ટિંગાતી વિભા અવારનવાર પૂછયા કરતી હતી. ક્યારે જઈશું, ભાઈ ? “કયારે...હં? “
   “સ્મિતાને પૂછ...”

   ને વિનાયક, દૂર ક્ષિતિજની આરપાર, કોઈ આંગતુકની જાણે પ્રતિક્ષા કરતો, અનિમેષ નજરે ટીકી રહ્યો હતો.
   વિભા ચુપકીદીભેર સ્મિતા પાસે પહોંચે છે. ખુરશીમાંથી નીચે ઝૂલતા એના પગને એ બાથોડી લે છે.
   “આપણે કયારે જઈશું, સ્મિતા...?”
   “આપણે હવે નહિ જઈએ.”
   કેમ પણ...?”
   ‘ઘણી વાર જઈ આવ્યાં.'
   આકસ્મિક વાતાવરણ ધણધણી ઉઠે છે. વિભા ત્યાંથી ભાગે છે. કિલકારી નાખતી, “એ.. જાય.. એ.. જાય..” ઝડપભેર, અવાજનો એક લિસોટો ખેંચતું વિમાન, આકાશમાં ટપકું બનતું જતું અદ્રશ્ય થઈ ગયું. વળી એ પાછી ફરીને, સ્મિતાને વળગી પડી.
   “ચાલોને આપણે જઈએ...ખાલી ખાલી... અમસ્તા... જૂઠમૂઠ ચાલોને...”
   “જૂઠમૂઠ...? “
   “હા... અહીંથી આપણે નીકળીશું....લાંબી મુસાફરીએ, પછી બહાર થોડેક જઈ પાછાં ફરીશું.”
   “હું પણ તમારી સાથે આવીશ.” પ્રફુલ્લે સાથ પુરાવ્યો.
   “અચ્છા ભૈ. પણ એક શરત...”
   વિભા નાચી ઊઠી : “શું? “
   “જતી વેળાએ સંગીત વાગવું જોઈએ. ખરું કે નહિ ? એટલે તું પિયાનો બજાવ. પહેલાં તો હું જઈશ, ત્યારે મારી સાથે કોઈ નહિ આવે. હં...? હું દૂર નીકળી જઈશ. પછી તું બૂમ પાડજે... સ્મિતા... હું અવાજ આપીશ, “આવી જાઓ.' પછી તમારે આવવાનું. હાં...?”

   વિનાયક અગાસીમાં, મૂઢ જેવો ખડો હતો-વર્ષોથી જેની પ્રતીક્ષા કરતો હતો, એ કોઈ આંગતુક નીરવ પગલે આવીને, કશો પણ અણસાર આપ્યા વિના, એને જાણે આમ રવડતો મૂકીને ચાલ્યો ગયો હોય એમ.

   પિયાનાના સૂર, સમુદ્રનાં મોજાંની જેમ હીસકતાં હતાં. સ્મિતા, એના અંધકારની સુંવાળપતાને જાણે પંપાળતી આગળ વધી. એમ એ, ધીમે ધીમે, દષ્ટિમર્યાદાની બહાર નીકળી ગઈ.
વિભાએ જોરથી બૂમ પાડી : “સ્મિતા...સ્મિતા...'

   માત્ર સમુદ્રનો એકધારો ઘૂઘવાટ સંભળાતો હતો. ચોંકીને પ્રફુલ્લ દોડવા જતો હતો. પણ વિનાયકની વજ્ર્ર્ર્ર્ પકડમાંથી એ ચસી શક્યો નહિ. “એની સાથે કોઇએ જવાનું નથી. તેનો ઈલાજ શોધવા એ જઈ રહી છે.”
* * * * *


0 comments


Leave comment