21 - મદદનીશ / કિશોર જાદવ


   એના મકાન આગળ એ પહોંચ્યો. ખુલ્લા બારણામાંથી જોયું તો, આગલા ખંડમાં, કરોળિયાની જાળની જેમ પથરાયેલા પ્રકાશ તળે, ટેબલની ફરતે ટોળે વળીને મુલાકાતીઓ બેઠા હતા- વિચારહીન દશામાં જાણે ઘોરતા હોય એમ. એમનાથી વીંટળાઈને, ટેબલ પર માથું ઢાળી રાખી, પોતે બેસતો હતો એ ખુરશીમાં, કોઈ અજાણી વ્યકિત કશાક કામમાં મગ્ન બેઠેલી જણાઈ. એક ક્ષણ ગમ ખાઈ એ ઊભો રહ્યો. ને બાદમાં પેલા પ્રકાશની જાળમાં ગૂંથાતો, એમની છેક નજીક આવીને થંભ્યો; પણ મુલાકાતીઓના ચહેરા ટેબલ પર પાથરેલા કશાક નકશા તરફ જાણે લબડી રહ્યા હતા. કોઈ હાલ્યું સુદ્ધાં નહિ. ત્યારે ખુરશીની પીઠ પાછળથી બેવડાઈ વળેલા એક મુલાકાતીની ડોક, પેલી અજાણી વ્યકિતના ખભા પર લદાઈ રહી હતી. એથી એના ગાલ પર ઘસાતા પેલાના શ્વાસોચ્છવાસના લીધે, એણે હાથની ઝાપટ મારી-જાણે એના ચહેરા પાસે બણબણતા જીવડાને ઝાપટ મારતો હોય એમ. એ ક્ષણે અદ્ધર ઉંચકાયેલા એના ચહેરાને એણે જોયો. કંઈ કેટલીય રાત્રીઓના અખંડ ઉજાગરા અને થાકને લીધે, એની આંખો ફૂલી ગઈ હોય એમ લાગ્યું ને એકાએક એને ખ્યાલ આવ્યો. કયારેક, કવેળાએ એના મકાનનાં બારણાં કોઈકે ખટખટાવ્યાં હતાં. કદાચ સુપ્રિયા હશે, ધારીને બારણાં ખોલતાંની સાથે, હાંફતાં આગંતુકે હાથમાં ચિઠ્ઠી ધરી. લખેલુ હતું: “આપની તાકીદની આવશ્યકતાને લક્ષમાં રાખીને આવનાર વ્યક્તિને આપના અંગત મદદનીશ તરીકે રોકવામાં આવે છે. લિ... કંપની.' ત્યારબાદ, ધીમેધીમે આ મદદનીશ દ્વારા પોતાને વ્યકત કરવા, પોતાને રજૂ કરવા, એને સુપ્રિયા પાસે એ અવારનવાર દોડાવતો; કેમકે એમની વચ્ચેનો સંબંધ કથળી રહ્યો હતો-કંઈક નજીવા કારણને લીધે, ચારે દિશાઓને રૂંધીને પથરાયેલા બોદા પહાડોને લીધે યા તો કંપનીના અસંખ્ય નકશાઓને લીધે એથી, પોતાની મુલાકાત સુપ્રિયાને સ્વીકાર્ય નહોતી. ને એને ત્યાંથી સ્ફૂર્તિભર્યા પગલે, પણ હતપ્રભ મૌન લઈને, પાછો ફરતો એનો મદદનીશ, અત્યારે પેલી ખુરશીમાં સાવ ભિન્ન કોઈ અજાણી વ્યકિત હોય એમ લાગતો હતો.

    ‘હું કોઈની સાથે વાતચીત કરવા માંગતો નથી.’ મદદનીશ બોલ્યો. એ સાથે, અંદરોઅંદર ઉગ્ર ચર્ચામાં પડેલા મુલાકાતીઓ ચૂપચાપ ઊભા થઈને એક પછી એક વિદાય થયા. એકાએક એને ભાન થયું. એ૦ મુલાકાતીઓ એની કંપનીના સભ્યો હતા. એ વેળા ખુરશીની પીઠ પાછળથી પેલો શબ્દ ઊછળી આવીને આવેશમાં રૂક્ષ અવાજે બોલ્યો : ‘કાલે પણ હું આપની પાસે આવ્યો હતો.' સાંભળીને મદદનીશ ઘડીભર એના પ્રતિ ફાટી નજરે વિમાસી રહ્યો. પેલો શખ બોલવામાં ગફલત કરતો હોય એમ એને લાગ્યું-મદદનીશને નહિ, પણ કાલે આ ખુરશીમાં બેઠેલા એને પોતાને કદાચ એ મળવા આવ્યો હતો. એ કંઈક કહેવા મથ્યો. પણ મદદનીશ અડસટ્ટે બોલી ઊઠ્યો : ‘યોજના બદલી નાખો.’

   ‘શું...?' એના ગળામાંથી ચકિત અવાજ સરી પડ્યો. જાણે એને પોતાને સંબોધીને કહેવામાં આવ્યું હોય એમ; કારણ કે, એમની કંપની ‘રેલવે લાઈન’ નાખતી હતી-પેલા બોદા પહાડોને નાથીને, ઊંચાઈએ વસેલાં છૂટાંછવાયાંમાં શહેરોને એકબીજા સાથે સાંકળી લેવા. એમ કરવા જતાં, પહાડો પરથી માટી ખર્યા કરતી હતી. ભેખડો લપસી પડતી હતી. એથી રસ્તાઓ પરની સઘળી અવરજવર કયારેક થંભી જતી. શહેરો વચ્ચેનો સર્વ વ્યવહાર ખોરવાઈ જતો. ને ‘રેલવે લાઇન'નો બંધાતો આધાર તૂટી પડતો હતો. એ સમયે જાણે સમસ્ત જગતથી વિખૂટા પડી જઇને, કયાંક પેલા બોદા પહાડોની ભેંકાર નિર્જનતામાં રઝળી પડયા હોય એમ લાગતું. આ બધું એને અસહ્ય થઈ પડતું. એ અસહ્યતામાં સુપ્રિયાને મળવાની પ્રબળ બની ઊઠતી ઉત્કટતા, એને જાણે કોરી ખાતી હતી. તાબડતોબ સુપ્રિયા પાસે વળી મદદનીશને એ દોડાવતો-જાણે પહાડોની ઊંચાઈ પર બે શહેરો વચ્ચેના તૂટી ગયેલા સંપર્ક સાધવા. ને હવે અત્યારે, એ મદદનીશને એકાંતમાં ઈચ્છતો હતો. પણ હજી એ બન્ને કશીક રકઝક કરી રહ્યાં હતાં. આખરે પેલો શખ્સ ત્યાંથી ચાલતો થયો. ને જાણે પોતાને સ્પર્શતી કશીક સ્પષ્ટતા કરવા, બહાર એની પાછળ એ દોડયો. અંધકારમાં લિંપાઈ ગયેલા એના ઓળાને પકડવા, કયાંય વાર સુધી એ બહાર આથડતો રહ્યો. વળી એ પાછો ફર્યો. અણધાર્યા મકાનનાં ભિડાઈ ગયેલાં બારીબારણાં જોઈ જડવત્ એ થંભી ગયો. એણે બારણાં ઠોકયાં-જાણે મદદની ધા નાખતો, કવેળાએ પેલા મદદનીશની જેમ એના મકાનનાં બારણાં ખટખટાવી રહ્યો હોય એમ એને લાગ્યું. ક્રોધાવેશમાં જોરશોરથી અવાજ કર્યો. પણ કયાંય જરા સરખોય સળવળાટ વરતાયો નહિ. બંધ મકાનની આજુબાજુ ઘૂમવા લાગ્યો-નિદ્રામાં ઘેરાઈ ગયેલા સુરક્ષિત કિલ્લાની નીરવતા ફરતે આંટાફેરા લગાવતો હોય એમ. આખરે બહાર અલાયદા એક અવાવરુ ઓરડામાં એ આવ્યો. સડી ગયેલા સરસામાનને ખસેડી લઈને, મદદનીશ અર્થે અહીં રહેવાની એણે સુવિધા કરી આપી હતી. પણ મદદનીશ અહીં નહોતો. બત્તી જલાવી પથારીમાં લંબાવ્યું. દૂર દૂર પહાડો પરથી રહી રહીને ધસી પડતી, ગબડતી ભેખડોનો અવાજ સંભળાતો હોય એમ લાગ્યું. ને કંપની એના પર કશાક ‘કડક પગલાં’ ભરશે, એ ધાસ્તીભરી શંકાઆશંકામાં એ ડૂબી ગયો. બીજા દિવસે સવારમાં મદદનીશ સાથે કશું બોલવાનો મોકો મળે તે પહેલાં, એના મકાનનો આગલો ખંડ મુલાકાતીઓથી ખીચોખીચ ભરાયો હતો. ને પોતાના વિશિષ્ટ સ્થાનેથી પ્રથમ તો મદદનીશ ઝૂકી ઝૂકીને કંઇક ક્ષમા યાચી રહ્યો હતો. આ દરમ્યાન મુલાકાતીઓએ એક સામટા કશાક પ્રશ્નો ઠાલવ્યા-જાણે કયાંય કશું પણ અઘટિત બનવા પામ્યું ન હોય એવા ભાવ સાથે. એમની સમક્ષ પોતે નહોતો, પણ એનો એક મદદનીશ હતો, એનો કોઈને અણસાર સુદ્ધાં પણ ન હોય એમ. એકાએક એ બરાડી ઊઠશે એમ એને લાગ્યું. પણ હજી સુધી એના પર “કડક પગલાં લેવાયાં નહોતાં. અને મુલાકાતીઓના ચહેરા પર નરી સાહજિકતાભરી અભાનતા તરવરતી હતી. ધડાધડ ટેબલનાં સઘળાં ખાનાં ખોલી નાખ્યાં. કાગળો ફેંદીને ઊલટાપલટા કરી જોયા. પણ કવેળાએ મદદનીશે એને ધરેલી પેલી ચિઠ્ઠી ક્યાંક આડહાથે મુકાઈ ગઈ હતી. ચર્ચાગ્રસ્ત મુલાકાતીઓને કશો વિક્ષેપ પહોંચ્યો હોય એમ લાગ્યું નહિ. આકસ્મિક જોયું તો મુલાકાતીઓને પ્રત્યુત્તર વાળવા મદદનીશ કશું મહાપ્રયત્ન ઉચ્ચારવા જાણે ડચકાં ખાતો હતો. પણ એના બન્ને હોઠ ફફડાટ પામે એ પહેલાં જે કંઈ બોલવા મથતો હતો એ જાણે તુરત ભૂલી જતો હતો. આમ એ કંઈક બોલવા માંગતો હતો એમાંનું કશું જ વ્યકત કરી શકતો નહોતો. એથી જાણે તાણ અનુભવતો જમણો હાથ કૂદકા ભરતો ટેબલ પર વારંવાર પછડાયા કરતો હતો. એ હાથનાં અક્કડ આંગળાં ફાટેલા બેબાકળા મોંની જેમ પહોળા થતાં, જાણે કશીક વાચા પામતાં હતાં. એ આંગળાનો મૂકુ વાર્તાલાપ સાંભળવા એણે કાન સરવા કર્યા. એનું મન વહાલથી ભરાઈ આવ્યું. એ હાથનાં વાચાળ આંગળાં જાણે એનાં પોતાનાં હોય એમ લાગ્યું. અજાણપણે ઊંચકાઈને એ હાથ બાજુમાં નીચે વળ્યો. બહાર પાથરેલા ખાનાને ટેબલમાં ધક્કાવીને યથાવત્ એની જગ્યાએ ઠેરવાયો. એની જાણ બહાર મદદનીશની શંકાસ્પદ નજર, એની પાતળી હિલચાલ પર સતત પહેરો ભરતી હતી-પોતે મદદનીશની વિરુદ્ધ પેંતરો રચવાની પેરવીમાં હોય એમ. ને પોતે, પેલા હાથની જેમ કશુંક બોલવા કરતો, માત્ર તરફડી રહ્યો હતો. મદદનીશના ગળામાં છૂરી પરોવી દેવાની એક મધુર સંવેદના થઈ આવી. દિવસભરની એમની આ પ્રવૃત્તિઓના અંતે કશીક આદરેલી મહાયોજના કારગત નીવડી રહી હોય એમ, સ્મિત ફેલાવતા મુલાકાતીઓ વિખેરાઈ ગયા. હવે બન્ને એકાંતમાં હતા. પણ એને લાગ્યું કે સુપ્રિયાને મળવાની એની પ્રબળ ઇચ્છા વિલાઈ ગઈ હતી. એનાં સર્વ ગાત્રોમાં અદ્રશ્ય કળતર અનુભવાતી હતી. ત્યારે કંપનીએ રોકેલો “બુઢ્ઢો' નિત્યક્રમને જારી રાખતો, વાયોલીન સાથે આવી પહોંચ્યો-દિવસની અંતપળને બહેલાવવા. આ પહેલાં વાયોલીનને ચગાવતા બુઢ્ઢાને-કાલે પોતે ચૂકી ગયો હતો કદાચ એ કારણે-કદી જોવા પામ્યો હોય એમ લાગ્યું નહિ. દીવાલ તરફ પીઠ ધરીને એ ટટ્ટાર ખડો રહ્યો. અદ્ધર જાણે કોઈ વિશાળ વૃક્ષની ઘટામાં ક્ષણવાર નિષ્પલક નજરે તાકી રહ્યો. ને હળવેકથી તારકામઠીને વાયોલીનની છાતી પર એણે ઝીંકી. ટકરાતા તારમાંથી તણખા ઝબૂકી ઊઠશે એમ એને લાગ્યું. મદદનીશ કાર્યરત હતો. બુઢ્ઢો સૂરોના ઘાવ પર ઘાવ કર્યે જતો હતો-કયાંક ઊંડાણમાં વૃક્ષના મૂળ પર ઊપરાતળી વીંઝાતી કુહાડીના ઠચાકા સંભળાતા હોય એમ લાગ્યું. એને યાદ આવ્યું. કંપનીની શાખાઓ માઇલો સુધી વિસ્તરી રહી હતી. બુઢ્ઢો ધનુષ્યની જેમ ખેંચાઈને વળી રહ્યો. એની બરછટ નજરમાં પોતે નહોતો. મદદનીશ નહોતો. સૂરોને કસકસાવી, અવરોહ આપ્યો. રૂંધાઈ ગયેલા રસ્તાઓ પર ખોદકામ ચાલતું હતું. એમાં પોતે ખોદાતો હતો. મદદનીશનો કંપનીના કાગળોમાં પોઢી ગયેલો પેલો હાથ, આ ક્ષણે હમેંશા પોતાના ઉચકાતા હાથની જેમ, ધીમે ધીમે જાગ્યો. એક આંગળીએ ઊભા થઈને, બુઢ્ઢાની નોંધ લીધી. જાણે એક વા-વંટોળ સર્જીને બુઢ્ઢો ચાલતો થયો. મદદનીશને લીધે, એણે સહેજ રાહત અનુભવી. પણ બીજી જ પળે, એનો આ વિચાર છેતરામણો હતો એમ લાગ્યું. પેલા અલાયદા ઓરડામાં આવ્યો. મુલાકાતીઓના ત્રાસમાંથી કયારેક બચાવા, એકાંત શોધવા, મદદનીશ અર્થે નહિ પણ આ ઓરડો એણે પોતાના માટે તૈયાર કરાવ્યો હતો, ને સવારે, અર્ધઊંઘમાં બહાર કોઈકે બૂમ પાડીને, સમાચાર ફોડયા. ચારે તરફ રસ્તાઓ ખુલ્લા થઈ ગયા હતા. થંભી ગયેલા વાહન-વ્યવહારનાં ચક્રો ગતિમાં આવ્યાં હતાં. ‘રેલ્વે લાઈન’નો આધાર હસ્તગત થયો હતો. ને કંપનીએ હવે તેને તાત્કાલિક પોકાર્યો હતો. સફાળો એ બહાર આવ્યો. ત્યારે રસ્તા પર અર્ધા પહેરેલા ખમીસની બાંયમાં હાથ ચઢાવવા મથતો મદદનીશ, કંપનીના ખેપિયાની સાથે હાંફળોફાંફળો દોડતો જઈ રહ્યો હતો. ફરીથી છૂરીના પેલા રૂપેરી ખ્યાલને મનમાં રમાડવાનું એને ગમ્યું. પણ એ વિસામણમાં પડ્યો, કંપનીએ હવે એને પોતાને જ પોકાર્યો હતો કે કેમ એ અનિશ્ચિતતામાં, કશીક અપેક્ષા સેવતો, જાણે ખેપિયો ફરીથી આવી પહોંચશે એમ એની રાહ જોતો એ બેઠો. એ દિવસે મુલાકાતીઓ ફરકયા નહિ. મદદનીશ પણ દેખાતો નહોતો. મકાનમાં અરાજકતા વ્યાપી રહી હતી. અચાનક પાછલા ભાગમાં કંઈક ફૂસકૂસાટ સંભળાયો. જઈને શયનખંડમાં જોયું તો એકઠા થયેલા નોકરો, પથારીને ઘેરી વળીને, મૂઢ બની ઊભા હતા. પથારીમાં મદદનીશ યોદ્ધાની જેમ ચત્તો પડ્યો હતો. દરવાજા તરફ પીઠ ઢાળીને, મદદનીશ પર નમી રહેલી સુપ્રિયા, મોંમાં આંગળાં નાખી, અસ્પષ્ટ બબડી રહી હતી-જાણે મનોમન કશાક પ્રશ્નો પૂછયા કરતી હોય એમ. પણ મદદનીશની આંખો, એના પહોળા ફાટી રહેલાં મોની જેમ, તરડાઈ ગઈ હતી. ત્યારે સુપ્રિયાની દષ્ટિમાં એ આવવા માગતો નહોતો; કારણ કે, પેલા ઓરડાના ભેજમાં એ ખરડાયો હતો. ને મદદનીશને સંબોધવા, સુપ્રિયાએ જાણે ભૂલથી પોતાના નામનું વારંવાર ઉચ્ચારણ કર્યું. “નિરુપાય છું. માફ કરશો.”

   "હું મૃત્યુ પામ્યો છું.” મદદનીશના હોઠ સળવળીને થીજી ગયા. ત્વરિત વેગે, સુપ્રિયા ત્યાંથી બહાર દોડી ગઈ. આગલા ખંડમાં બુદ્દો વાયોલીન છેડતો
   ‘એ બંધ કરો...' ચીસ નાખતો, એ બુઢ્ઢા તરફ દોડ્યો. વાયોલીન ખૂંચવી લઇને, દીવાલ પર અફાળ્યું. ત્યારે, વર્ષોથી જાણે ભેંટયા ન હોય એમ પેલા સ્તબ્ધ થઇ ગયેલા નોકરો, એના પ્રતિ તાકી રહ્યા.
* * * * *


0 comments


Leave comment