2 - નવી સડક / ગુણવંત વ્યાસ


   ખાઈને આડે પડખે થતા લખુભા રોંઢો ઢળતાં જ ખેતરે જવા ઊપડતા. આમ તો હવે કંઈ નહોતું; પણ વળગણ કોને કહે ! લખુભાના એકાંતમાં હોંકારો ભણતો અડીખમ આંબો ને સાક્ષીરૂપ છેટે ઊગેલા બે-પાંચ છોડવા. માથે પાઘડી મૂકી, મૂછે વળ દેતા લખુભા પાદર વટાવતા ને નવી બનેલી સડકને ઓળંગી ખેતરે આવતા. સડકની ધારે આવેલા ખેતરના ઘેઘુર આંબાના છાંયે પડેલી ખાટલીની ગોદડીને ખંખેરતાં તે ઘણીવાર બબતાય ખરા : ‘આ સડકે તો દાટ વાળ્યો સ. નો'તી ત્યારે કેવી શાંતી હતી ! ને હવે આ ધૂળ, ધુમાડો ને ઘોંઘાટ...!’ - ખેતરને ભરડો લઈને ભીંસતી આ નવી સડક પોતાની થોડી જમીન તો ગરક કરી જ ગયેલી; હવે એ, આ બધુંય હડપ કરીને જ જંપશે એવું એમને હમણાં-હમણાં લાગવા માંડેલું. જેની એક કાચી કેરી ય દીકરાના દીકરાને તોડવા નહોતા દેતા એની સોનાવરણી સાખોને વેડીને વહી જતાં વાહનો પર તેમનો ગુસ્સો ને ઝનૂન, બંને ઠલવાતાં ને ક્યારેક વિનાકારણ તે શે'ર ભણી જતા કોઈ વાહનની પાછળ કાંકરીચાળો કરી બેસતા.

   પોતાના દાદાબાપુએ ઊઝરેલો આ આંબો ! દાદાબાપુ જેવી જ ખમીરી ને ખુમારીથી ઝૂલતો તે, લખુભાની ખાટલીને એ રીત ઠારતો, જાણે દાદાબાપુના આશીર્વાદ ! હાજરાહજૂર દાદાબાપુ જાણે ! રાજવંશનું ગૌરવ ! કોઈ પાન તોડે ને હચમચી ઊઠે લખુભા; કોઈ ડાળ બટકાવે ને જલી ઊઠે એમનો અંતરાત્મા ! હળાહળ લાગી આવે ને એ જ પળે ગમે તેને ગમે તેવું કહી બકે. પછી ભાન ભુલાઈ જાય. પુત્ર કે પુત્રવધૂના સંબંધોય વીસરી જાય. જે આંબો ફળમાં લચી પડતો એ હમણાં- હમણાંથી વાંઝિયો જણાતો તેમને. સડકે વેડી લીધો હોય એમના આંબાને, એમ એ નવી સડકને જોઈ રહેતા. ફળની જગ્યાએ આજે એ જ આંબે ધૂળે ધામા નાંખ્યા હતા. ખખડધજ આંબો ખખડી ગયેલો લાગતો તેમને; ને એ ઠરીને બેસી ન શકતા. ઊભા થઈ ગામ તરફ ચાલતા થતા. શેર ભણી જતી સાપણ જેવી સડક પર થુંકતાં, ગામ ભણી જવા સડકને કચડતા આગળ ધપતા. આજે એ બધી વિધિ પતાવી, સડક ઓળંગવા જતાં ચમક્યા. પાછળથી ધસમસતા આવતા ટ્રકના કાન ફાડી નાંખતા હોર્નથી તે ભડક્યા. લખુભાને બચાવવા ટ્રકે ચીચીયારી કરતી બ્રેક મારી. લખુભા પડી ગયા સડકની ધારે, ને બાજુમાંથી પસાર થતા ટ્રકના ડ્રાઈવરે કાનના કીડા ખેરવતી ગાળ બોલી ઊમેર્યું : ‘ડોહા, દેખતો નથી ? બાપનો રસ્તો છે ?! - માથેથી ઊડેલી પાઘડી ટ્રકની પાછળ એ રીતે ઢસડાઈ, જાણે રહી સહી આબરુ. લખુભા થાંભલો થઈ ગયા. કાપો તો લોહી ન નીકળે એવી એમની દશા ચીરીને મરચું ભર્યું હોય એવી લાલચોળ થઈ આવી. ભડાકે દૈ દેવા લોહી ઉકળવા લાગ્યું, ને બેઠાબેઠા જ બાજુમાં પડેલા ઢેફાને શે'રભણી જતા ટ્રક પાછળ ફેંક્યું. ઢેકું થોડે દૂર સડક પર પછડાઈને વેરાઈ ગયું. લખુભા ફરી જોરથી થૂંક્યા.

   બાપગોતરમાં કોઈનો તુંકારો નહીં સાંભળેલા લખુભાને એક ટ્રક ડ્રાઈવર ગાળ દઈ જાય ?! સડક ને સરકાર બેઉને શ્રાપ વરસાવતા તે ઊભા થવા જાય ત્યાં જ અવાજ સાંભળી ધસી આવેલું પાદર પ્રશ્નોથી વીંધતું વીંટળાઈ વળ્યું તેમને. આ બાજુ સીમ પણ સડકની આસપાસ એકઠી થઈ ગઈ. થોડીવારમાં તો ઝાઝું લોક ઝળુંબી રહ્યું લખુભા પર. લખુભાને થયું, ‘માર્યા ! નક્કી આ હંધાએ ડ્રાઈવરને હાંભળ્યો લાગે સ. જીવવું હવે ધૂળ બરોબર. સગા દીકરાને ય નો'તો સાંખી લીધો, ને આ એક મગતરું મને જેમતેમ કૈ જાય? મારી ને મારા બાપુની ઈજ્જતના આમ ફાલુદા ઉડાડે ? સડક હું, સરકારે ય હતી બાપુની; ને દાદાબાપુને તો રજવાડું ! રાજ હતાં રાજ ! ને આ, એક દોકડાનો ડ્રાઈવર, મારા ગામને પાદરે, મારી રૈયત હામે, આમ મને બે મોઢે ભાંડી જાય ? ખલાસ ! જીવવું હવે ઝેર બરોબર !!’ - લખુભાને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થઈ આવ્યું. એ ઊભા ન થઈ શક્યા. આ તરફથી ‘હું થ્યું? કોણ પડી ગ્યું? કેમ પડી ગ્યા? વાગ્યું? લાગ્યું ?' જેવાં પ્રશ્નો લખુભાને છોલતા રહ્યા, સતત. શું કહે ? એમ, કે એક મામુલી ખટારાવાળો શે'ર ભણી ગાડી હંકારતો ભાંડતો ગયો મને, ધૂળ ચાટતો કરીને ?! કે પછી, સડકે લપસી પડ્યો, એમ? – ઊભા થવાની તાકાત હણાઈ ગઈ જાણે ! ભોં પર બેસી પડેલા લખુભાને ઊભા કરવા ઓરા આવેલા બેત્રણ જવાનિયાને લખુભાએ હાથને ઈશારે રોક્યા, પણ ઈ માને તો ને ! નો જ માન્યા ને લખુભાને બાવડે ઝાલીને ઊભા કરવા લાગ્યા. થ્યું, આ ગરમ લોઈ માનતું જ નથી ને ! ને વળતાં થ્યું, માને કેમ નૈ? – તેમણે ઊભા થવાની ઈચ્છા જ ન કરી. જવાનિયાની મહેનત ખાસ લેખે ન લાગી. ભારે શરીર ભોં પર જ પડેલું રહ્યું. દૂર જતા ટ્રકનો અવાજ લખુભાના કાનમાં હજીયે ગોરંભાતો હતો. એ અંદર જ ગોરંભાતો રે'શે કે શું, એવું એમને લાગ્યું, પણ બહારનો ઘોંઘાટ લખુભાને અંદરથી બહાર ખેંચી લાવ્યો. એમણે એક ઊંડો શ્વાસ લઈને છોડ્યો. નજરને પહેલાં ડાબી કોર ને પછી જમણીકોર એ રીતે ઘુમાવી, જાણે ગરદન નકારમાં હલી. આ નકાર શાનો, એ ગામ કે સીમ, કોઈને ય ન સમજાયું; પણ કંઈક થયાનો કોયડો સડકની આસપાસ ઘુમરાતો રહ્યો. એ કોયડાએ પસાર થતાં વાહનોને પણ થોભાવ્યાં. કુતૂહલ સૌની આંખોમાં કળાતું હતું. ગામ તો ઠીક, બહારના ય, વાહનો થોભાવીને ‘એક્સિડન્ટ થ્યો ? વાગ્યું કોઈને ? લખુભા પડી ગ્યા ?!’ જેવા આશ્ચર્યપ્રેરી પ્રશ્નોથી ટોળાને મોટું કરી રહ્યા. લખુભાને થયું : ‘હવે ઊભું થાવું પડશે, વધુ લોક જાણે ઈ પે'લાં !’ – ને બીજી પળે તે થોડા સ્વસ્થ થયા. હાથને ઈશારે જ જુવાનિયાઓને આઘા કર્યા. ને કળ વળતી હોય એમ, જમીન પર હાથ ટેકવી કમરનો ભાગ અદ્ધર કર્યો. હાથ વડે જમીનને ધકેલતાં છાતીકટું માથું ઊંચું થયું ને હાથ છૂટા પડ્યા. હાથ ખંખેરતાં તેમણે કપડાંય ખંખેર્યા. ઊડીને છેટી પડી ગયેલી પાઘડીને પકડીને ક્યારના ઊભેલા સાગરિત લવાને એ એકધારું નીરખી રહ્યા. બાપુના સમયથી સાથી તરીકે રહી, ખેતર સંભાળતો લવો હવે લખુભાને ય સંભાળતો હતો. ખેતરે તો, આંબા સિવાય ખાસ કશું સંભાળવાનું રહ્યું નહોતું. આથી ઘરકામમાં ય મદદરૂપ થતો લવો આઈરાણીનું ય આશ્વાસન હતો. આઈરાણીની સૂકી આંખોમાં ઘણીવાર તે વાત્સલ્ય છલકાવાનું નિમિત્ત બનતો. લખુભાએ રજોટાયેલા હાથે પાઘડી ઝાલી. રફેદફે થઈ ગઈ હતી એ. ખંખેરી. પાઘડીને વળગેલી રસ્તાની ધૂળ આજુબાજુનાને ઊડી. ટોળું જરા પહોળું થયું. કોઈએ આંખો ચોળી તો કોઈએ માથા પર હાથ ફેરવી વાળ ખંખેર્યા. પાઘડીને આમ, અધવચ્ચે, શે'ર જતી સડક પર બાંધવાનો તો કોઈ પ્રશ્ન જ ક્યાં હતો હવે ! બસ, પાઘડી એમ જ હાથમાં ઝાલી એમણે ઘર તરફ જવા ડગલું માંડ્યું. પગ થોડો ખોડંગાયો. ઝપટ મારી લવાએ લખુભાને ઝાલી લીધા. બીજા બે જણાય મદદ આવ્યા; પણ લખુભાએ આ વખતે તો રોક્યા જ તેમને હાથોના ઈશારા ન સમજતું ગામ આંખોની ભાષા કળી ગયું. આંખોની કડપ બીજાને આશા રાખી શકી. જોકે, લવાએ એની નોંધ ન લીધી. પણ લખુભાએ એનેય છેટો કર્યો. જાતબળે જીવવામાં ગૌરવ અનુભવતા આપાને આ રીતે વહવાયાનો ટેકો લેવામાં નાનમ લાગી. ગોઠણેથી ફાટી ગયેલી ચોરણી કે લોહીની ફૂટી આવેલી બે-ચાર ટશરોની પણ એમણે નોંધ ન લીધી. ‘વાગ્યું લાગે સ’ એવી કોઈની ટકોર પાછળ બીજી જીભ ય સળવળી : ‘કોણી ય, જોને, સોલાણી લાગે સ.’ બે જણાએ લખુભાને દવાખાને લઈ જવા સમજાવ્યા. ન માન્યા. બીજા બેએ ડૉક્ટરને બોલાવાની વાત કરી. માને તો ને ! ખોંડગાતી ચાલે લખુભાની હઠ મૂંગી-મૂંગી જ ઘર તરફ ઢસડાતી રહી.

   ઢોલિયો ઢળાણો, ધડકી પથરાણી, તકિયો મુકાણો ને લખુભા પૂગે એ પે'લાં પાણીનો કળશ્યો લઈને ખડે પગે ઉંબરે ઊભેલા લવાને ઓરડામાંથી આઈએ બે-ત્રણવાર ટપાર્યો; પણ જાણતો હોય તો જણાવે ને ! લવાએ આઈને એટલું જ કહ્યું : ‘સડકે બેહી પડેલા. ખબર નૈ પણ ગોઠણે ને કોણીએ થોડા ઉઝેડાયા સ.' ઉપરતળે થતો ઓરડો આતુરતાથી, ઊભડક જીવે લખુભાની રાહ જોતો રહ્યો. સડકે ચડેલી ડમરી પાદરે ને ત્યાંથી દરબારગઢે થઈ ડેલે આવીને થોભી. ખોબા જેવડા ગામ વચાળે જૂના જમાનાની યાદ અપાવતા મુઠ્ઠી જેવડા દરબારગઢના ડેલાના બે તોતીંગ દરવાજા પર કોતરાઈને થીજેલા હાથી- ઘોડા- ઊંટને ધૂળેટી કાળાશે ઘેરી લીધા હતા. ડેલાને વીંધીને આવતા ખીપા જેવા ખીલાના કાટ પર ચાંચ ઘસતો કોઈ કાગડો ક્યારેક ડેલાના કિચૂડાટ જેવો જ અવાજ કરી ઊડી જતો ત્યારે ઓરડામાં કોઈ પંખીનો ફરફરાટ સંભળાતો. દીવા જેવી બે આંખો દીવા જેવા બે દીકરાની રાહ જોતી ડેલે મંડાયેલી રહેતી ને સાંજ સુધીમાં ગડગડતા હોકાના ધગધગતા ધુમાડા વચ્ચે મનગમતા ચહેરા ચીતરતી, ઝંખવાણી થઈ ચોમાસું લઈ આવતી ઓરડામાં. એ આંખો આજે ફરી ડેલે મંડાણી હતી. લંગડાતા લખુભાને જોતાં જ એ આંખોમાં ભેજ વળ્યો. દોડીને ઝાલવા જાય ત્યાં પાછળ ટોળું જોયું ! આંખો ઓરડામાં જ અટવાતી રહી. પણ જીવ સડકને મારગે શે’ર ભણી ચાલ્યો. આ જ સડક એના બે રતનને શે’ર ભણી ખેંચી ગઈ હતી, એના કુટુંબ- કબીલા સહિત; અને પાછળ રહી ગયાં હતાં એ બે, એકલા-અટૂલાં જેવાં. સડકે ઘર ને ખેતરની વચ્ચે એક લકીર ખેંચી દીધી હતી, અને આંબો એનું નિમિત્ત બન્યો હતો. આંબો વઢાયો હોત તો ?! તો કદાચ આ માળો વિખાતો બચી ગયો હોત ! પણ હાય રે, વળગણ ! ભૂતકાળ સાચવતાં ભવિષ્ય પીંખાયું. રે, ભાગ્ય ! એક ઊનો નિસાસો ઓરડામાં વમળાતો રહ્યો. શું કરે? તોય કરવા જેવું તો કર્યું જ : થોડા દિ' પેલાં જ સડકની ધારો ધોવાઈ ગયાના ખબર મળતાં જ લવા પાસે આંબા નીચેની માટી ખોદાવીને સડકની બેઉ ધારે નંખાવેલી. લખુભાને નહોતું ગમ્યું. પણ ચૂપ રહેલા. આજે એ જ માટીએ લપસ્યા તો નૈ વોય ને ?! ગભરુ ઓરડો પાંખ વિહોણા પંખીની જેમ ફફડતો રહ્યો.

   ગામના પ્રતિષ્ઠિત, મોભાદાર અને રજવાડી વંશજનું આ રીતે ઘવાવું ગામ માટે ચિંતાનો વિષય હતું. લખુભા ગામના સરપંચ ને એમના બાપુ તાલુકે પાંચમાં પૂછાતા જણ. દાદાબાપુના સમયમાં તો રજવાડું હતું, રજવાડું ! આ ખોરડું એમના પૂર્વજનો વારસો: આજે ય સમય સામે બાથ ભીડતો અડીખમ ઊભો રહેવા ઝઝૂમતો જણાય, એમ જ, એ જ અવસ્થાએ. પૂર્વજની સાખને સાચવી રાખવા લખુભાએ એમાં કોઈ ફેરફાર નહોતો કરાવ્યો. આ એના પરિણામે જ ગયા વરસે ટીવીવાળા આવેલા ને ! કહે, ‘ડૉક્યુમેન્ટ્રી બનાવવી છે ! ‘ઓસરતાં અજવાળાં' શ્રેણી માટે રજોટાતાં રજવાડાંને દૃશ્યાંકન કરવાં છે !'

   – ‘કરો ! સે ઈ થોડું જતું રે'વાનું સ, ક્યાંય !’ – તે દિ' લખુભાએ અસલનો રજવાડી પોષાક પહેરી, માથે સાચા હીરથી ભરેલો ઝરીવાળો ઝગમગતો છોગાળો સાફો બાંધેલો; જાણે ખાનદાની રાજપૂત જ જોઈ લો ! દીવાલે ચાકળા ને બારણે ટોડલિયાં- તોરણિયાંમાં ભરતે ગૂંથાયેલાં મોર- પોપટ- મેના ટહુકી ઊઠેલાં, તે દિ! ઓરડામાં આઈરાણીનો ય વટ પડી ગયેલો. કમરે લટકતી તલવાર ને ચાંદી મઢેલા દરબારી હુક્કાના પાઈપને હાથમાં ઝાલી, આ જ ઢોલિયે, અહીં જ બેઠેલા લખુભાનું ઈન્ટરવ્યુ ટીવીવાળાએ લીધું ત્યારે લખુભા કોળાઈ ઊઠેલા, આંબાની જેમ ! આંબો ત્યારે ય વચ્ચે આવતો રહેલો; ઓરડાને વારેવારે હચમચાવી મૂકતો. લખુભા આ સ્મરણોને સાચવવા વારે-તહેવારે ડેલે ડાયરો ભરતા. પાણીના કળશ્યા વહેતા થતા, ચાની અડારીઓ અથડાતી ને કસુંબા ઘુંટાતા. કસુંબલ કેફમાં ભૂતકાળ જિવાતો રહેતો.

   આજે એવો જ ડાયરો ભરાણો હોય એમ લોક ઢોલિયાને ઘેરીને બેઠું છે. કોઈ માથાની પાઘડીને પોતાના જ હાથ વડે સાચવતું ઊંચી ડોકે પાણી ગટગટાવે છે, તો કોઈ વીંખાયેલી મૂછને વળ ચડાવતું ગડાકુને ચલમમાં ભરે છે. લવો દરેકને ઘટનાનો ટૂંક સાર કહેતો ચાની વ્યવસ્થામાં જોતરાયો છે. લખુભાને વાગ્યું છે એ ગામ જાણે છે, પણ લાગ્યું એ લખુભા એક જ જાણે છે !.. ઘા ઉપર છલ્લો નથી જ ! દીકરા શે'રમાં ગયા ત્યારે ય આવી પીડા નો'તી ભોગવી કે જમીનનો ટુકડો હડપ થયો ત્યારે ય નહીં ! લડેલા તે છેક કચેરી સુધી. તાલુકે ત્રણ ધક્કા ખાઈ આવેલા. આંબો કપાય જ કઈ રીતે ! નથી જોતી આવી સડક ! સુધારાને લાત મારું ! મામલતદાર, ને પછી તો કલેક્ટરે ય સમજાવેલા લખુભાને : ‘આંબો બચાવતાં અધઝાઝેરી જમીન જતી રહેશે તમારી !’ લખુભાનો એક જ જવાબ હતો : ‘જવા દો !' બબ્બે છોકરાનું ય ક્યાં માનેલા ! અંતે છોકરા પણ ગયા, સડક સાથે શે'રમાં. લખુભાની હઠ. આ પહેલાં અનેકવાર નડેલી; આ એનો અંતિમ પડાવ બની રહ્યો. ઓરડો ભીંજાઈ ગયેલો. ત્યારે પણ લખુભા અડગ રહેલા. આંખોમાં ભેજ ય ન જોવા મળે. એ આજે ભાંગી પડ્યા, એક મામૂલી ડ્રાઈવરના થોડા શબ્દ ! જે શબ્દ, એ જીવતરમાં ઝાઝીવાર બોલેલા યે ખરા, કોઈને ઉદ્દેશીને; પણ પોતાને ઉદ્દેશીને કોઈ બોલ્યું હોય એવો આ પહેલો ઘા. જનમતાં જ ભા અને ભાઈનું બહુમાન મળેલું. જાત ને જાતિ વિશેનું અભિમાન તો ગળથૂથીમાં જ ગાંઠે બંધાવેલું, ગલઢેરાઓએ ! આજે એ બધાને આમ કચડીને ટ્રક જતો રહે ?! કાપી નાંખું ઊભેઊભો ! ખીંટીએ લટકતી તલવાર પર નજર ચોટી રહી. કેટલા દિ’થ્યા ઊતરી નહોતી. આજે કામ આવત, જો સાથે હોત તો ! – એવું વિચારતા એમણે આંખો મીંચી, ગણગણાટમાંથી ઊઠીને આવતો એક ઊંચો સૂર લખુભાને કાને અથડાયો : ‘ઘા ઊંડો લાગે સ, નઈ તો આઘાત આટલો ઘેરો નો વોય !’ – લખુભાને ય થયું : હા, ઘા બવ ઊંડો સ ! લખુભાએ આંખો ખોલી. ચલમ, બીડી ને સીગરેટના ધુમાડામાં ઝાંખા કળાતા ચહેરાઓ પરના ભાવ કળવા કઠિન હતા. એ ઢોલિયે ઢળ્યા. લંબાવ્યું જરા. ડાયરો કસુંબલ કેફમાં ડોલતો રહ્યો. અડારી ખખડી, એંઠી થઈ ને ઓટલો ધીરે-ધીરે ખાલી થયો. લખુભા ગુંગળાતા રહ્યા ઢોલિયે. દેહ તો કળ જોગો થયો, મનને કળ ન વળી. અંધારું લીંપાઈ રહ્યું હતું બધે. ઓરડો ક્યારનો ય આવકારવા આતુર હતો, પાસે બેસીને ખબર અંતર લેવા ય ટળવળતો હતો; પણ એ પે'લાં તો લખુભા ઊભા થયા. હાથમાં કોદાળી ઝાલી. લવો આગળ થાય એ પહેલાં જ એને ‘રેવાં દે’ કહી મોજડી પહેરી; ને ઓરડો રોકે એ પહેલાં અંધારામાં લંગડાતાં, ડેલાની બહાર નીકળી પડ્યા. ઓરડે કાજળઘેરી ભીનાશમાં અંધારું ઘુંટાતું રહ્યું, ને દૂર સડક પર ઘા ઠોકવાના અવાજો સંભળાતા રહ્યા સૌને, રાતભર ! ચોતરફની ચૂપકીદી વચ્ચે ઘાના થડકારે થડકારે કંપતો રહ્યો આંબો પળપળ... એકલો, અટૂલો.. સાવ નોધારો...!
* * * * *


0 comments


Leave comment