43 - ૧૬ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


  કહેવાય છે કે અતિ સ્નેહ એ શંકાનું કારણ છે. લાગે છે, મુંબઈ ગઈ હતી એ વૃંદા પાછી નથી આવી. આજે સવારે પોણા અગિયારે મમ્મીએ સ્કૂલમાં ચાર્જ લીધો અને હું અમદાવાદ આવવા નીકળી ગઈ. થયું કે નોનસ્ટોપ મળી છે તો વૃંદા પાસે જલદી પહોંચાશે. પોણા ત્રણે હોસ્ટેલ પહોંચી, યુનિવર્સિટીથી ચાલતી. આમ તો શિયાળો છે, પરંતુ બપોરનો તડકો મે-જૂન જેવો તીખો. મનમાં હતું કે રૂમ પર જઈને વૃંદાના હોવાની પણ ઠંડક મળશે. પરંતુ જોયું તો રૂમ પર તાળું. બાજુમાં ઓગણચાલીસ પણ બંધ. આડત્રીસમાં જઈને ઉજ્જવલાને ઉઠાડી, ભરઊંઘમાંથી. ત્યાં એણે કહ્યું કે વૃંદા તો ઓગણચાલીશમાં શિફ્ટ થઈ છે. આજે સવારે શુભાંગી સ્ટડી-ટૂરમાં જામનગર પાસે પીરોટન ગઈ છે. મહિના પછી આવશે. ત્યાં સુધી વૃંદા એની રૂમમાં રહેશે. સાંભળીને દિગ્મૂઢ... કળ વળતાં થયું, આટલી બધી ઉતાવળ ?... હું આવવાની હતી છતાંય કેમ બહાર જતી રહી... અનેક શંકા-કુશંકાએ મને નીચોવી નાંખી... સાંજે સાત વાગ્યા સુધી વૃંદાની રાહમાં અહીંતહીં ડોલતી રહી. આવ્યા પછી પણ મને ટાળતાં કહે, ‘તું થાકી હોઈશ, આરામ કર. અચ્છા પછી મળીએ.’

   શું એ મારાથી દૂર જવા માગતી હશે ? જાણું છું. પરીક્ષા નજીક આવે છે. વળી એની તૈયારી પણ ખાસ નથી થઈ, પણ.....
(ક્રમશ :...)0 comments


Leave comment