53 - ૨૦ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


દરેક પુખ્ત વ્યક્તિને પોતાની જિંદગી વિશે ગમે તે નિર્ણય લેવાનો હક છે, વૃંદાને પણ. પરંતુ કોઈ ત્રાહિતની જેમ મને એનો નિર્ણય જાણવા મળે તો સ્વાભાવિક છે કે મન દુભાય. આજે સાંજે મેસમાં હું, વૃંદા અને ઉજ્જવલા સાથે થઇ ગયાં. ઉજ્જવલા મારી પાસેની ખુરશી ખાલી છોડીને બેઠી. પરંતુ વૃંદા હાથ ધોઈને જાણી કરીને સહેજ મોડી આવી અને ઉજ્જવલાની સામે બેઠી. એક ક્ષણ તો થયું, જો હું હવામાં ઓગળી શકતી હોત તો કેટલું સારું ? ઉજ્જવલાએ કહ્યું પણ ખરું, ‘ક્યોં દો હંસો કા જોડા... કેમ વૃંદા આવતે વર્ષે અહીં રિસર્ચ જોઈન કરવું છે ને ?’

‘ના, કદાચ મુંબઈ જઈશ. મારા જીજાજીના મિત્ર છે ડૉ.અજિત, એમણે સજેસ્ટ કર્યું છે.’ જવાબમાં વૃંદાનો ઠંડો અવાજ સંભળાયો. મને હતું કે વૃંદા દૂર જઈ રહી છે પણ આટલી બધી ? સાહજિક પરિસ્થિતિ એને દૂર ખેંચી ગઈ કે મારો કોઈ વ્યવહાર ? કે પછી એને હવે મારી જરૂર નથી ?0 comments


Leave comment