58 - ૨૫ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


હવે મારે પણ કહી દેવું જોઈએ, ના મારે ય વૃંદાની કશી જરૂર નથી. આજે ‘સિદ્ધાર્થ’ ફિલ્મનો છેલ્લો દિવસ હતો. વૃંદાને પૂછ્યું તો કહે, ‘વાંચવું છે.’ કાલે ઉષા સાથે ફિલ્મ અને ડિનર માણ્યાં ત્યારે સમય નહોતો બગડ્યો ? ના, એની વાતનું દુઃખ લગાડી મારે મારી નબળાઈ જાહેર નથી કરાવી.

થયું કે એકલી જઈશ. ત્યાં ઉજ્જવલા સાથે થઈ જો કે મને એની મતિ પર બહુ ભરોસો ન હતો. એક વખત ‘નદી કે દ્વીપ’ વાંચવા લઇ ગયેલી. અર્ધી-પર્ઘી વાંચીને કહે કે આ ભુવન તો બાયલો છે. રેખાને પ્રેમ કરવાને બદલે રડવા બેસે છે. હવે એને કેમ સમજાવું કે એ શા માટે રડે છે ? સુંદર અનુભવના નંદવાઈ જવાની કલ્પના પણ સંવેદનશીલ માણસને હચમચાવી મૂકે છે.

છેવટે એ જ થયું, જેનો ડર હતો. ભર્તુહરિએ કહ્યું છે, ‘અરસિકેષુ કાવ્યનિવેદનમ્ સિરસિ મા લિખ, મા લિખ...’ હું આજે કહું છું, ‘અરસિકસંગે સૌંદર્યદર્શનમ્ શિરસિ મા લિખ, મા લિખ.’ સિદ્ધાર્થ-કમલાના સંબંધને એ કેવલ જૈવિક સ્તરે જોતી હતી.

જીવનની એક સુંદર ઘટના. સ્ત્રી-પુરુષ, પોતાનાં આંતરમનની કોમળ લાગણીઓની શરીર દ્વારા પરસ્પર આપ-લે કરે. આ એક સંવાદ છે, સંપ્રેક્ષણની શોધ છે. અવનવી કથનભંગિમાઓના પ્રયોગો દ્વારા સંવેદનાના અનેક અજાણ્યા પ્રદેશ ઊઘડે. એ સહજ છે, સ્વાભાવિક છે અને એ સુંદર છે.

લખતાં-લખતાં લાગ્યું. જાણે હું સેક્સનું તત્વજ્ઞાન ડહોળવા લાગી. ફિલ્મમાં સિમ્મી ગરેવાલ અને શશી કપૂરનો અભિનય જોઈ મન પ્રસન્ન થઇ ગયું. પણ્યાંગના કમલાની અનાવૃત્ત દેહયષ્ટિ... મધ્યકાલીન શૃંગાર કાવ્યની સાલંકારા છંદોબદ્ધ પંક્તિ... લય અને માધુર્યથી મંડિત.... શશી કપૂરના અભિનયમાં નિર્દોષતા અને સત્ય મેળવવાની ઝંખના સાકાર દેખાઈ. કમલાને જયારે એ પ્રથમ ચુંબન કરે છે એ દૃશ્ય... એક કોરી પાટીની ચેતના અને અનાધ્રાત સંવેદના અભિનયમાં લાવવી... ખરેખર, એક ચેલેન્જ હતી.

યાદ આવ્યું, હજારીપ્રસાદ દ્વિવેદીની નવલકથા ‘અનામદાસ કા પોથા’નાં નાટ્ય રૂપાંતરની ભજવણી કેટલો મોટો પડકાર બની જાય ?

જીવનમાં પહેલી જ વાર કોઈ પુરુષ, સ્ત્રીને જુએ તો શું અનુભવે ?0 comments


Leave comment