1 - કાચું કપાયું / બિપિન પટેલ


   સર્વિસનો છેલ્લો દિવસ છે, પણ સહેજેય ઉદ્વેગ નથી. કાલ સવારે શું કરીશું એનો લગીર સરખો ભય નથી. ઘણાને તો દરરોજનો સંચો અટકી જશે તો બધું ખોટવાઈ જવાનો ડર હોય, પણ આપણે તો છેલ્લા દિવસ માટે તૈયાર, સાચું કહું તો ઉત્સુક. બીજાઓની જેમ સવારના સાડા દસે વીલા મોઢે રૉયલ ચૅરમાં બેસી નિસાસા નાખે એ આ જણ નહીં. બકરાની જેમ સૂંઘતાં સૂંઘતાં ઓફિસ જવાની નોબત ના આવે એવું પ્લાનિંગ કરી રાખ્યું છે. મારા વિસ્તારના પ્રબુદ્ધ જનોનું એક મંડળ રચ્યું છે. વિસ્તારના નાનામોટા પ્રશ્નો તો ખરા જ, પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરની સમસ્યાઓનો પણ હલ શોધવો, વિકલ્પો સુઝાડવા, લોકમત જાગ્રત કરવો. મને વિશ્વાસ છે કે જો ચારપાંચ સાચુકલા માણસો ભેગા થઈને વિચાર-વિમર્શ કરે તો જગતની કોઈ સમસ્યા ઉકેલવી અઘરી નથી. તમને થશે, આખી જિંદગી સાવ કોરો રહ્યો અને નિવૃત્તિના આરે ક્યાંથી આ ઍક્ટિવિઝમ પ્રગટ્યું? સાચી વાત છે, મને જીવનમાં બધું સહજક્રમે મળ્યું છે, એમ કહોને અનાયાસ. શહેરની પ્રતિષ્ઠિત શાળામાં ઉત્તમ શિક્ષણ, બાપુજી વાંચવા, વિચારવાના શોખીન. ‘કુમાર', 'કવિલોક', નિયમિત મગાવે. સંસ્કારસિંચનથી જીવનની કટોકટીની પળો ઝેલી શકાય એમ માનતા. વાંચતાં-વિચારતાં આપણે બી કલમ ચલાવી શકીએ એવો વહેમ આવી ગયો. રિસેસમાં નદીકિનારે બેસીને ચિંતન કરું. સરસ શબ્દ, વાક્ય કે પ્રસંગ સૂઝી આવતાં મન ઝંકૃત થતું. એક દિવસ કલમ ઉપાડી.

   જોતજોતામાં દસ-પંદર એક્સર્સાઇઝ નોટબુકો ભરી દીધી. સહેજે ત્રણચાર નવલકથાનો સંભાર ભેગો કર્યો. પણ વાંચ્યા કરવાની આ જ રામાયણ. તમને થાય ચેખોવ, સિંગર, જોયસ, પ્રુસ્ત જેવા દાદાઓ લખે છે તે વાંચીને જલસા ના કરીએ? આપણે એવો તે કેવો વાઘ મારવાના છીએ તે લખી લખીને છપાવીએ? એ સમયે પણ મુનશી, પન્નાલાલના ઓજસથી પ્રભાવિત. મોટાભાઈના હાથમાં નોટો આવી ગઈ હશે તે કહે ‘પ્રેમલા પ્રેમલીનું લખો છો, પણ કલમમાં તાકાત દેખાય છે. ચાલ તારી નોટો દલાલસાહેબને બતાવીએ.’ મેં કહ્યું હતું, એમાં શો ફેર પડવાનો? આમેય નિજાનંદ માટે જ સાહિત્ય રચાય છે ને? લખ્યું ને આનંદ થયો, બસ. શું પ્રતિષ્ઠા કે શું કીર્તિ. એની ખેવના જ નહીં. ઇવન મિની સ્કેલ પર પણ ચમકવાની એવી ખાસ ઇચ્છા નહીં. બાંધો એકવડિયો, હાઇટ ગુજરાતીઓની હોય છે તેમ ઓછી. મોટાભાઈ કાયમ મને ટેણી કહેતા. પણ સ્કૂલમાં પીટીની પરીક્ષામાં સો મીટર દોડ રેકર્ડ ટાઇમમાં પૂરી કરી. ધોરણ-૬ના વિદ્યાર્થી માટે આ સિદ્ધિ કહેવાય. સાહેબે ખાસ રસ લઈ મોટાભાઈને કહેવડાવ્યું હતું, છોકરો તેજ છે. પોષક ખોરાક સારી પેઠે ખવડાવો તો ઊગી નીકળશે. છેવટે ગુજરાત લેવલે તો પહોંચશે જ એવી મને દૃઢ શ્રદ્ધા છે. બાપુજીએ રસ લીધો હતો. પણ મને થયું, નંબર અને કેરિયરથી શું? આપણામાં પોટેન્શિયાલિટી છે એ ખબર પડી એટલે થયું. સમાજનાં માપિયાંનાં ધોરણે ખરા ઊતરીએ તો જ જીવનનો અર્થ છે એવું મને તો નથી લાગતું.

   આમ મને આઉટડોર ગેઈમ્સમાં ખાસ રસ ન પડે. આખો દિવસ વાચન. વાંચવાનો સહેજ પણ કંટાળો ન આવે. વાંચનમાંયે પરીક્ષાલક્ષી નહીં. આખી શિક્ષણપ્રથા સામે તીવ્ર વિરોધ. બાળકને કેદ કરે છે, સાલા, સાવ પપેટ બનાવે છે, તમારી આ સડેલી સિસ્ટિમ. આઈ ડૉન્ટ બિલીવ ઇન રેઇટિંગ્સ. સ્પર્ધા મનુષ્યને રાગાવેગમાં ઘસડી જાય છે, તમારી આ સિસ્ટિમ મનુષ્યને પંગુ બનાવી દે છે. એટલે જ વિષયમાં પ્રવેશ કરું. ફન્ડામેન્ટલ્સ બરાબર સમજું, પણ ગોખણ-પટ્ટીથી દૂર રહું. નંબર-ક્લાસની પરવા નહીં. એટલે સળંગ પાસ ક્લાસ મેળવ્યો હતો તેનો રતીભાર રંજ નહીં. ઇન્ટરવ્યુમાં સાહેબે મજાક પણ કરી હતી, તમે પાસ ક્લાસ જાળવી રાખવામાં ખાસ્સી જહેમત ઉઠાવી છે. જે હોય તે. સિદ્ધિનાં સોપાન સર કરવાં, સમાજમાં ઊંચકાઈ જઈએ, એવો કૅરિયર બનાવવાનો સંમોહ જ ન મળે અને ઇતિહાસનું અવગાહન કરીએ તો શું બદલાયું? કેટલાય સમાજસુધારકો આવ્યા. સમાજનો એક અંશ પણ સુધર્યો છે? આજે પણ મહાભારતકાળના દુરિતો નિર્ભયપણે વિચરે છે, કશું સુધરી શકતું નથી. કોઈને સુધારવાની જરૂર નથી એવી માન્યતા એ સમયે દૃઢ હતી.

   એટલે તો નોકરીમાં પણ ચોકસાઈથી, રસ લઈને ખંતથી કામ કરું. પણ સિસ્ટિમમાં ગોઠવાઈને. તમને થશે, આ તો આંતરવિરોધ થયો. શિક્ષણની સિસ્ટિમ સામે બળવો અને નોકરી મળતાં જ બકરી મેં થઈ ગયો? બચાવમાં એમ નહીં કરું. ડુ આઈ કૉન્ટ્રાડિક્ટ, યસ, બટ આઈ કન્ટેઇન મેગ્નિટ્યૂડ. કૉલેજ છોડીએ, ઘર-સંસારમાં ગોઠવાઈએ, નોકરીમાં સ્થિર થઈએ કે તિખારો બુઝાઈ જાય છે. બધું ગોઠવાઈ જાય છે.

   વિધિ-વિધાન એ સમય અને દ્રવ્યનો વ્યય છે એવી દૃઢ માન્યતા, તોય શર્મિષ્ઠાના પ્રેમાગ્રહથી ભૂમિપૂજન સમયે અને બાએ માનેલી સત્યનારાયણની કથામાં મૂક હાજરી આપી હતી, આપવી પડી હતી. પછી તો નાનાંમોટાં વિધિ-વિધાનોનો દોર અને બધામાં મારી સામેલગીરી રહેતાં રહેતાં બધું કોઠે પડી ગયું. મિ. ‘શાંતિ’લાલની છાપ દૃઢ થતી આવી. ઓફિસ અને ઘરમાં ઉચ્છિષ્ટ બની ગયો. અન-અસ્તિત્વની સ્થિતિમાં મુકાઈ ગયો. ઑફિસમાં પ્લાનિંગ વિભાગમાં સફળ કારકિર્દી. કેટલાય ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓને પ્લાનિંગનો અબક શિખવાડ્યો. લોકોએ ઍક્સ્પર્ટાઇઝનો અલગ અર્થ કર્યો, ક્યાંય ચાલે તેમ નથી એટલે પ્લાનિંગમાં બેસાડી રાખ્યો છે. બધું મનમાં ઘોળાયા કરે. પણ લેશમાત્રની મહેચ્છા નહીં એટલે આ સ્થિતિ સ્વાભાવિકતાથી સહ્યે ગયો.

   નોકરીનાં બેત્રણ વર્ષ બાકી રહ્યાં ત્યારે રૂટિનમાં પ્રમોશન મળ્યું. પોસ્ટિંગ ત્યાંનું ત્યાં જ. થોડાં અભિનંદનોથી આંદોલિત થયો, પણ ખાસ કશી હલચલ ન મચી. પાછો એ જ રાબેતો, ગોઠવાઈ જવાનો. નિવૃત્તિ જેમ નજીક આવતી ગઈ તેમ મન વિક્ષિપ્ત થવા લાગ્યું. આમ તો ચાળીસ પછી જિંદગીના જમા-ઉધારનું સરવૈયું માંડવું જોઈએ, પણ આપણ બંદાને એની પણ ખેવના નહીં. નિવૃત્તિના છેક છેલ્લા વર્ષની એક રાત્રિએ ઝબકાર થયો : સાવ અનનોટિસ્ડ, કશું કર્યા સિવાય આમ ચૂપચાપ ચાલી જવાનું ? નોકરીમાંથી, દુનિયામાંથી? આખી રાત પલકારો માર્યા વગર બેસી રહ્યો. બુદ્ધ અને પ્રબુદ્ધો શું આમ બેસી રહે ? શક્તિનો સાગર છલકાતો હોય એની એક છાલકેય સમાજ પર ન ઉડાડવી? મારું તો માનવું છે કે હરેક મનુષ્યના ઊંડળમાં કંઈક પડ્યું હોય છે. એ બહાર કાઢવાની દરેક મનુષ્યની ફરજ છે. તે થકી જ સમાજ ઉન્નત થશે અને મનુષ્ય ગર્વોન્નત થઈને ફરી શકશે. CIPHER બનીને જિંદગી બસર કરવી એના કરતાં તો – ના, એ રસ્તો કાયરનો, શૂરાનો નહીં. મને થયું આટલો અર્ણવ ઉલેચ્યો છે તો મંથન કરીને સત્ય શોધીએ, સમાજને પણ અર્પીએ, પણ એ સત્ય તો મારું સત્ય, મારા ખૂણેથી કાઢેલો નિચોડ.

   રાત્રીના પાછલા પહોર સુધી મથ્યો. બેના ડંકા પડ્યા. કૂતરાંના સામૂહિક રુદને વિક્ષુબ્ધ કરી દીધો. બાજુના મકાનમાં ફ્લશ ખૂલતાં પાણીનો ધોધ સંભળાયો. ધોધ અટકતાં ઊંડેથી ઝૂમ ઝૂમ અવાજ. મનમાં ઝબકારો થયો. તપેલાના ગંદા પાણીમાં સાત-આઠ વર્ષના કિશોરને વાળ પકડી વારંવાર માથું ડુબાડતો બરાડતો ચા-વાળો, બોલ કપ કેમ ફોડ્યા, ફાડ્યા પૈશ્યા મફત આવે છે? કૉલર પકડીને ઊંચો કરી એને નીચે ફેંક્યો અને છૂટા આઠ આના ફેંક્યા. યસ ધેટ્સ ઇટ, ધેટ્સ ઇટ. બાળમજૂરો માટે કંઈક કરી છૂટવું જોઈએ. સદીઓથી સડતા, સબડતા આવે છે. રાજકારણીઓ પાર્લમેન્ટ ગજવે પણ અમલના નામે અલ્લાયો. કેન્દ્રના, રાજ્યના બાળમજૂરધારાનો અભ્યાસ શરૂ કર્યો. રાજ્યસ્તરે આ ક્ષેત્રમાં પ્રવૃત્ત આવી સંસ્થાઓનો ડેટા ભેગો કરવો શરૂ કર્યો. ખાસ કશું કામ થયું હોય એવું ના લાગ્યું. મને થયું ખાબકીએ ત્યારે, નાનો અમથો તિખારો થશે તોય ધ્યાન ખેંચાશે. તમને થશે, આ કીર્તિ-પ્રતિષ્ઠા માટે જંગ આદર્યો છે. સાવ એવું નથી. હૃદયમાં એ લોકો માટે કંઈક દાઝયું હશે ત્યારે આમ આંદોલિત થયો હોઈશ ને?

   બાંકડાપરિષદમાં વિચાર મૂક્યો. તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન ન થાય? છાયાનો મત હતો, યાર આખી જિંદગી ગધ્ધામજૂરી કરી, હવે તો આરામ કરવાનો આપણો હક બને છે. કપિલરાયે હાથમાંનું દળદાર પુસ્તક ઊંચું કરીને કહ્યું, ઇટ ઇઝ ધ સોલ થિંગ ઓફ લાઇફ, એલિકઝર ઑફ લાઇફ, તો દીવાનને કશું કહેવાપણું જ ન હતું. એજ્યુકેશન સોસાયટીમાં માનદ સેવા આપતા હતા. આવડા મોટા સંગઠનના તંત્રમાં પડેલા માણસની નજર આટલે નીચે પહોંચે તે અશક્ય હતું. તોય કરવા ખાતર વાત કરી.

   આ બાળમજૂરી રાજ્યમાંથી, રાજ્યમાંથી જ કેમ, આખા દેશમાંથી નાબૂદ કરવી શક્ય છે. એક તો એમની મજૂરી બંધ. બીજું કામ કરતાં કરતાં ભણતર અને રળતર એમ બે વાનાં સિદ્ધ થઈ શકે એવી યોજના મેં બનાવી છે. આપણા અમદાવાદની વસ્તી તમે કેટલી ધારો છો? માનોને કે આશરે ચાળીસ લાખ. પરીખ મૂળે સેન્સસ ઑફિસવાળા તે બોલ્યા, '૯૧ના સેન્સસ પ્રમાણે પિસ્તાળીસ લાખ ચુમ્મોતેર હજાર એકસો પાંત્રીસ. મેં આગળ ચલાવ્યું, ચોક્કસ આંકડો ન હોય તોય ચાલશે. એટલે આશરે દસ લાખ કુટુંબો અમદાવાદમાં વસે છે એમ કહી શકાય. દરેક કુટુંબ સાબુનો પાઉડર તો વાપરે જ. સમજો ને કે અઠવાડિયે એક થેલી તો વાપરે જ અને સાબુની થેલીની કિંમત તમે શું ધારો છો? એક રૂપિયાની પડતર. એના ઉપર એક રૂપિયો ચડાવો તોય બે રૂપિયે આસાનીથી વેચી શકાય. જ્યારે બજારમાં મળે છે. પાંચ રૂપિયાની. જો અમદાવાદની તમામ ઝૂંપડપટ્ટીઓ ટેપ કરીએ, રેલવેસ્ટેશનો પર ફરી વળીએ, લારીગલ્લાના ટેણિયાઓને પકડી લાવીએ તો આખું અમદાવાદ કવર કરી શકાય. એમ શક્ય ન બને તો શરૂઆતમાં પુલની આ તરફનો વિસ્તાર ટાર્ગેટમાં રાખી શકાય. આપણા આ છોકરા સવારમાં આઠ વાગ્યે કેન્દ્ર પર આવી જાય. પ્રથમ ભણતર ગીતો ગાય અને ત્યાર બાદ નીકળી પડે થેલી વેચવા. પાછા આવી જમે. આરામ કરે. રમતો રમે. થોડું ભણવાનું, મોજમજા ને સાંજે સહુ સહુના ઘેર. તમને થશે, એમને વળી ઘર કેવાં? સાચી વાત છે. એનો ઉપાય પણ છે. સરકાર પાસે ટ્રસ્ટના નામે જમીન માગવાની. ટીલાં-ટપકાંને જમીનો મળે છે તો આપણનેય મળી રહેશે. બધાંનાં ડોકાં નકારમાં હલ્યાં. મેં નક્કી કર્યું, ટાગોરે સાચું ગાયું છેઃ એકલો જાને રે. એક બી.એસસી. ભણેલો બેકાર યુવક મળી ગયો એને લઈને ગુલબાઈ ટેકરે અને રામદેવનગરનાં ઝૂંપડે ઝૂંપડે ફરી વળ્યો. માંડ માંડ ચારપાંચ છોકરાં મળ્યાં. એય લાવવા-લઈ જવાનાં, બે ટાઇમ જમાડવાનાં. કંઈક સમજવાનું મન થયું હશે, કંઈક કરતાં પ્રવૃત્તિ ધમધમે છે. સાબુની થેલીઓ લઈને વૃંદાવન ફ્લેટમાં પહોંચી ગયા. શું સાંભળવા મળ્યું?
   ‘સસ્તી હોય એટલે કંઈક લોચો હોય.’
   ‘અમે તો સ્ટાન્ડર્ડ કંપનીની જ લઈએ છીએ.’
   ‘ભઈસાબ, આ ભિખારાંને આઘાં રાખો.’

   બે-ત્રણ પરિચિતોએ, તમે આવ્યા છો એટલે – એમ કહીને થેલીઓ લીધી. બપોરના એક વાગ્યે થેલા લઈને પાછો આવ્યો ત્યારે પડોશના મધુભાઈએ શું બાપુ વેપાર શરૂ કર્યો કે શું? હવે તો જંપીને બેસો.
   નીચું જોઈને મારા રૂમના ખૂણામાં થપ્પી મારી. પત્ની થપ્પી સામે ધૃણાથી જોઈને રસોડામાં ગઈ. થોડા દિવસો એમ ને એમ ગયા. વળી વિચાર આવ્યો, માણેકચોકના ભાવે, શાકભાજી વિતરણ કરું. હોમ ડિલિવરી. અમદાવાદની આળસુ પ્રજા જબરદસ્ત પ્રતિભાવ આપશે અને માણેકચોકમાં ભીડ ઘટશે. આ વાતને કુટુંબીઓએ મૂળમાંથી ડામી દીધી. ઢળતી ઉંમરે આવાં બકાલાં કંઈ નહીં કરવાં, ઈમ આપડી આબરૂની પત્તર ફડઈ જઈ.

   આવી અનેક યોજના મનમાં રમવા માંડી. મને થયું હવે કોઈ પણ પ્રયોગ કરતાં પહેલાં પરફેક્ટ પેપરવર્ક કરું. એમ આડેધડ ખાબકવાથી મેળ નહીં પડે. બપોરે બે-ચાર કોળિયા ખાઈને પેપરવર્ક શરૂ કરી દીધું. આખું આયખું આયોજનમાં ગાળ્યું હતું, તેથી બે કલાકમાં ‘ચણતર’ ટ્રસ્ટનાં પેપર્સ તૈયાર કરી દીધાં. સાંજ પડતાં પહેલાં તો દરખાસ્ત પહોંચાડી દીધી સરકારમાં.

   એ પછીના દિવસોમાં ઘરની કોઈ વ્યક્તિ નજરમાં ન આવે. પડોશીઓની કૉમેન્ટ્સ સુલભાએ પહોંચાડી, ચકવા-ચકવીમાં ટાઈ પડી છે. હમણાંથી સવાર-સાંજ રસોડામાં જોવા મળતાં નથી. સાંજે બાંકડે જવામાંય અનિયમિત. રેલવે સ્ટેશન, ડામર રોલરવાળા પાસે, ચાની લારીઓ પર એમ ઠેર ઠેર ફરીને છોકરાઓનું લિસ્ટ બનાવ્યું. બપોરની વામકુક્ષીની વાત બાજુએ રહી, રાત્રે બાર વાગ્યા સુધી કામ ચાલ્યા કરે. ઊંઘમાંય ઓકસ્ફામ એજન્સીના પ્રતિનિધિઓ સાથે ધાણી ફૂટે એવી અંગ્રેજીમાં ચર્ચા કરું. પહેલાં પાંચ વર્ષની સહાયનું પાકું થઈ ગયું. સવારે વહેલાં ઊંઘ ઊડી જાય. પાંચ વાગતાંમાં તો ચાલવા નીકળી પડું. બધાં જાગે તે પહેલાં જાતે બનાવેલી ચારપાંચ કપ ચા પિવાઈ જતી. મારો આ ફેરફાર જોઈ દીકરો અને વહુ ગુસપુસ કરતાં હતાં એવી સુલભાએ જાણ કરી, પણ બંદાને કોઈની પરવા ન હતી. બસ, એક ધૂન. બાળમજૂરી માટે કંઈક કરીને રહીશ. આઈ વોન્ટ પાસ અવે અન-નોટિન્ડ.

   પંદરેક દિવસમાં સરકારમાંથી જવાબ આવી ગયો, તમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે. આપે માગેલ જમીન વિવાદી છે. મજકૂર જમીનના વારસોએ પુનઃ કબજો લેવા સરકારમાં લખાણ કરેલ છે.

   છોકરા માટે રેનબસેરા બનાવવાની યોજના માટે એક રૂપિયાની કૂપનો છપાવી હતી, બાંકડે બેસતા મિત્રો તો ખરા પણ સરકારી નોકરી દરમિયાન સંપર્કમાં આવેલા લોકોને પણ કૂપનબુક્સ પહોંચાડેલી. દરેક બુકમાંથી પંદરવીસ કૂપનો ફાટી ને બાકીની સાભાર પરત આવી. સાથે સાથે વાડી માટે, મંદિર માટે એમ પરસ્પર વહેવારની રીતે બીજી કૂપનબુક્સ આવી ગઈ. આવેલી રકમમાંથી પુસ્તકો પણ પૂરાં ન આવી શકે. મને થયું: નિવૃત્તિના પૈસા દાવ પર લગાવું. સમાજના પૈસા છે, સમાજના કામ માટે વાપરું, પણ શર્મિષ્ઠાએ એનાં મમ્મી-પપ્પાને બોલાવડાવી એ યોજના પહેલા તબક્કે જ ચોપટ કરી. કોઈ રસ્તો ન રહ્યો. પણ બાળમજૂરો વિશે રિસર્ચ ચાલુ રાખી. સંપર્કો કેળવીને પહેલાં ગુજરાતી પ્રેસ અને એમ કરતાં અંગ્રેજી પ્રેસને ટેપ કર્યો. હમણાં હમણાં વિકાસોન્મુખ સરકારને રોડ બનાવવાનો સોલો ચડ્યો. શહેરના બધા રોડ નવાનક્કોર થવા લાગ્યા. રાતોરાત ડુંગરપુર, ખાનદેશના મજૂરોની થાગડથીગડ ઝૂંપડીઓ કતારબંધ ઊભી થઈ ગઈ. તે રાત્રે ઊંઘ નહોતી આવતી તે લટાર મારવા નીકળ્યો. આખો રોડ જાણે બદલાઈ ગયેલો. નજર માંડતાં દૂર દૂર પથરાયેલો કાળો લિસ્સો પટ્ટો જોતાં આંખ થાકે, છોકરાઓ બૉઇલરમાં ઠાલવવા ડામરનાં પીપ ચડાવતા હતા. ડામર રોલર પર ચોંટેલી કપચી પતરાથી ઉખાડતા હતા. રોલર અટકતાં પૈડાં પરથી ગબડવાની મજા માણતા હતા. કાલે વાત છે, એમ બબડી પાછો ફર્યો. સતીશ પાસેથી કેમેરા લઈ આવ્યો. રાત્રે આઠ વાગ્યાનો સ્થળ પર બેસી ગયો. જેવું કામ શરૂ કરે કે કચકડે કંડારી લઉં એમની લીલા. ફટાફટ સ્નેપ લેવા માંડ્યો. સુપરવાઇઝરના ધ્યાન બહાર ગયું અને છોકરાઓને તાલ થયો. હાથ ઊંચા કરી ઊછળકૂદ કરતા. મોં વાંકાચૂકા કરતા રોલરના વ્હિલ પર નાચવા લાગ્યા. વધારે ફોટા ખેંચવા ગયો કે મજૂર બાઈઓએ આડા હાથ ધર્યા. અમ ગરીબ પર દિયા કરો. અમારા પેટના ખાડા તમી પુરશ્યો? મેં કહ્યું, થોડું દુઃખ વેઠી લો.

   સમાજ માટે તમારેય કંઈક યોગદાન આપવું જોઈએ. બાળકોના વિકાસ આડે ન આવો. ટૂંકા ફાયદા વિશે ન વિચારો. દીર્ઘદૃષ્ટિ રાખો. એમાં તમારો જ ફાયદો છે. કંઈ ન સમજાતાં બાઈઓ એક બાજુ જઈને ઊભી રહી. બાજુમાં ઊભેલો કૉન્ટ્રક્ટર લુચ્ચું હસતાં બોલતો હતો, બોલવા દ્યો તમતમાર. તૈણ દાડામાં હવા નેકળી જશ્યે.

   બીજે દિવસે છાપાંએ મસાલેદાર ભાષામાં ફોટા ચમકાવ્યા. મને થયું સવારના પહોરમાં કમિશનરનો ફોન આવશે. ચારેક કલાક ફોન પાસે બેસી રહ્યો. સોશિયલ કોઝ માટે સતત જાગ્રત રહેતા સતવાણીનો ફોન આવ્યો. Public interest litigation ઠોકી દઈએ. કોઈક કારણસર પહેલી બે મુદત સુધી સતવાણી હાજર ન રહી શક્યા. કમિશનરને ટાઇમ મળી ગયો. એફિડેવિટમાં કૉર્પોરેશને એજન્સીને કામ આપ્યું છે. કૉર્પોરેશનની સીધી જવાબદારી નથી બનતી. બધો બ્લેઇમ કૉન્ટ્રક્ટરને ઓઢાડ્યો. એ પણ ન્યાયતંત્રની બલિહારીથી છૂટી ગયો.

   દિવાળી વખતે ફટાકડા સામે જેહાદ જગાવી. ફટાકડા ઉત્પાદિત કરતી શિવાકાશીની બધી ફેક્ટરીઓમાં બાળમજૂરોનું શોષણ થાય છે. ચર્ચાપત્રો લખ્યાં, હેન્ડબિલથી ઘર ઘર સંદેશો ગુંજતો કર્યો. ‘બાળવિરોધી પ્રવૃત્તિમાં સહભાગી ન થાઓ. આવો રચીએ ઘોંઘાટ પ્રદૂષણ અને શોષણમુક્ત સમાજ.’ બાળકોને કેવી રીતે નારાજ કરાય? એ બહાને મૂળ વાત ભુલાઈ ગઈ અને આ વર્ષે કર્ણમુક્તેશ્વર પંથવાળાઓ પણ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ઠેર ઠેર ધૂમ વેચાણ કરવા લાગ્યા.

   ધીરે ધીરે મને સમજાતું ગયું કે સુધાર સારુ, ક્રાંતિ માટે સમાજ પૂરેપૂરો પક્વ નથી થયો એટલે આવનારી પેઢી માટે મારા વિચાર શબ્દબદ્ધ કરતો જાઉં. સઘન રિસર્ચ કર્યું. પ્રેસ પાસે વારંવાર પહોંચી જાઉં. રાત-દિવસ થાક્યા સિવાય કામ ચાલુ રાખ્યું. તાલુકાકક્ષાના છાપામાં આ વિષયમાં ચમકેલા મારી સંસ્થાના સમાચારનાં કટિંગ કાપી કાપીને ફાઈલો બનાવી. “A'થી ‘O' સુધી ફાઈલો ભરાઈ. કોઈ ચોક્કસ થીસિસ બાંધી ન શકાઈ કે ન લખાયું ઠોસ પુસ્તક. પણ આટલી વાતેય નાનીસૂની ન ગણાય. છાપાંઓનો રસ ઘટતો ગયો. પણ દેશની ટોચની સંસ્થાઓ સાથેનો મારો સંપર્ક ચાલુ રહ્યો. પેન્શન આવતું હતું એટલે આર્થિક ચિંતા ન હતી. પણ પ્રવૃત્તિ માટે બહારથી ગ્રાંટ ન આવતાં પેન્શન પણ વપરાતું. આટલી નાની શી વાતમાંય ગૃહમોરચે રણાંગણ સર્જાયું. મને થયું સમાજને ન પડી હોય ત્યારે આપણે શું કરીએ ? વળી પાછું બધું ગોઠવાતું જતું હતું.

   અને એક દિવસ દીવાનરાયનો ફોન આવ્યો : હમણાં તમારી પ્રવૃત્તિમાં ઓટ આવી હોય તો જોડાઈ જાઓ મારી સાથે. આંદોલન છેડ્યું છે. સ્વદેશી સરકારને ક્યારેક ગ્લૉબલાઇઝેશન સપનું આવે છે. નવરંગપુરાની શાળા નં. ૭ એક જર્મન મૅડમને ટોકન ભાડાથી આપવાનો ઠરાવ કરી દીધો છે. મેં, બાલુકાકા અને એડવોકેટ શશી ઓઝાએ સમિતિ બનાવી છે. તમારું નામ સંમતિની અપેક્ષાએ ઉમેર્યું છે. આજે બપોરના ત્રણ વાગ્યે તાકીદની બેઠક બોલાવી છે. તમે જરૂર આવજો.

   અમે બધાએ કૉર્પોરેશનને બરાબર લડત આપી. કમિશન નિમાયું. શાળાનાં બાળકોની બીજી એક શાળામાં વ્યવસ્થા કરાઈ. જ્યાં પૂરતા ઓરડાની શું વાત કહું, બ્લેકબોર્ડ પણ નહીં. રમતના મેદાનનું તો પૂછશો જ નહીં. સમિતિએ વાંધો લીધો. કોર્ટે સ્ટે આપ્યો. એટલે અમે તો હતા ત્યાં ને ત્યાં જ. શાળા તો ગઈ જ, વધારામાં શાળાના દરવાજે તોતિંગ તાળાં વાગ્યાં.

   અકળાઈને એક દિવસ બધાએ તાળાં તોડવા વિશે વિચાર્યું. લાંબી ચર્ચાને અંતે રવિવારે સવારે ચાર વાગ્યે તાળાં તોડવાનો કાર્યક્રમ નક્કી કર્યો. તે મિટિંગમાં એડવોકેટ શશી ઓઝા હાજર ન હતા. મને થયું લાવ એને મળતો જાઉં. મોડી રાત સુધી બેઠા. તેણે કહ્યું: સ્ટે છે એટલે તાળાં તોડવાનું મોકૂફ રાખો. કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ થશે. બહુ મોડું થયું હતું. એટલે મિત્રોને જાણ ન થઈ શકી.

   બીજે દિવસે સવારમાં ઊઠી છાપું લીધું. હવેના નિત્યક્રમ પ્રમાણે જાહેરખબરનું પાનું પહેલું વાંચું, રસપૂર્વક. લોકો પાસે પોતાનો માલ વેચવાની કેટલી વિધવિધ રીતો છે? પછી રાજકારણના સમાચાર, ફિલ્મો વિશે, કાર્ટૂન, જોક્સ અને છેવટે ક્રમશઃ મારા કટિંગ્સની ફાઈલ્સ ઝાંખા, પીળા પડી ગયેલા ફોટા-ચશ્માં કાઢી, ફાઈલ નજીક લઈને જોતો હતો ત્યાં ફોનની ઘંટડી વાગી:
   ‘દીવાનરાય ગયા. વહેલી સવારે.’
   ‘હેં? શું થયું?’
   ‘હાર્ટએટેક.’
   ‘ક્યાં, ઘેર કે પછી હૉસ્પિટલમાં?’

   મ્યુનિ. શાળા નં. ૭ના ઝાંપે આપણો તાળાં તોડવાનો કાર્યક્રમ હતો. મારા ધબકારા વધ્યા. અમે પાંચે પહોંચી ગયા હતા. તમારી અને ઓઝાની રાહ જોઈ હતી. કોર્પોરેશને મોટું કટક ઉતાર્યું હતું. અમે શાળાને બચાવવા અડગ હતા. કોઈ પણ હિસાબે આ શાળા વિદેશી સંસ્થાના હાથમાં જઈને ન પડે તે માટે. તમને તો ખબર છે, ઝઝૂમતા હતા. હલ્લો દરવાજા સુધી પહોંચે તે પહેલાં તો ઇન્સ્પેક્ટરે ખિસ્સામાંથી કાગળ કાઢીને, હવે સહેજ પણ આગળ વધશો તો કન્ટેમ્પ્ટ થશે. તમે સ્તો સ્ટે લઈ આવ્યા છો. સાંભળતાં જ દીવાનરાયને પરસેવો વળી ગયો. સાલું કાચું કપાઈ ગ...યું, બોલતાં ખેલ ખલ્લાસ. સવારે દસ વાગ્યે કાઢવાના છે. હું ફોન મૂકતાં બબડ્યો, ઓ નો. મારે જાણ કરવી જોઈતી હતી. ફરી ફાઈલમાં મારો ફોટો જોઈને ફાઈલ ઘોડામાં ગોઠવી. ચંપલ પહેર્યા ને ઘરમાં કોઈને કહ્યા સિવાય નીકળી પડ્યો.
(‘ગદ્યપર્વ', મે, ૨૦૦૦)


0 comments


Leave comment