3 - લવ ધાય નેબર / બિપિન પટેલ


   સવારના સાત વાગ્યા છે. સામેના ઘરમાંથી શ્વેતકેશી વૃદ્ધ વરંડામાં આવ્યા. ઓટલાની ધારે ઊભા. પોઝિશન લીધી. એક હાથમાં લુંગીનો છેડો લીધો. બીજો હાથ પીઠ પર ભરાવ્યો. આખું શરીર તંગ કર્યું ને હાક થૂ. આ બાજુના ઘરમાંથી બર્મ્યુંડા પહેરેલો વીસ વર્ષનો છોકરો આવ્યો. એણે મોં પર હાથ મૂક્યો. જાણે એ થૂંક્યો હોય. ક્ષમાએ જમતાં કે વાત કરતાં મોં પર હાથ રાખવાનું મારી મારીને શિખવાડ્યું છે. એ બબડ્યો, અનકલ્ચર્ડ, વિલેજર, સાલાઓને વૉશબેસીન છે તો પણ – વૃદ્ધ સહેજ મુક્ત થતાં છોકરા સામે પ્રેમભરી નજરે જોઈ રહ્યા. છોકરો વ્યંગભર્યું હસીને થોડી વાર ઊભો રહ્યો. વૃદ્ધ અંદર જઈ બોલ્યા, આજેય કાળો ચડ્ડો પહેર્યો છે. હજુ બધાં ઊઠ્યાં નથી. ના, જો જો, પેલી પાછળની જાળી ખખડી. કોક ઊઠ્યું લાગે છે. ક્ષમાબહેન આટલાં વહેલાં નથી ઊઠતાં. એમની સવાર આઠ વાગ્યે થાય. સૌમિત્રે બૂટ પહેર્યા. હવે દોડવા જશે. પછી માજી તરફ ફરીને કહ્યું: લાય ત્યારે લોટો. કોગળા કરી લઉં. માજી ખોડંગાતાં ઊભાં થયાં. સોફાનો કડેડાટ સંભળાયો. વૃદ્ધ સોફા તરફ જોઈનેઃ સહેજ દયામાયા રાખો, ચીડથી કહ્યું. માજી એટલે કે વૃંદાબહેન નિરાશાના સૂરમાં બોલ્યાં, ના રે ના, એમ પગ પર કુહાડી થોડાં મારીશું. ઈના સહારે તો જીવીએ છી. લ્યો કોગળા કરી લ્યો પછી ચાનું કરીએ. જરા જોજો ને એ લોકો દૂધની કેટલી કોથળી લે છે.
   ‘તારે શું છે? –દયાશંકર.’
   ‘મને ભૂતોભઈનીય નથી પડી. આ તો પડોશમાં થોડી ખબર રાખીએ, માહિતી મળે. શહેરમાં રહેવું હોય તો પેક થવું પડે.’

   હા, એ તો ખરું, કહી દયાશંકર લોટો લઈને ફરી વરંડામાં આવ્યા. એમનું આંગણું ન પલળે તેમ બેત્રણ વાર થૂંકી કોગળા કર્યા. સોસાયટીના ખાંચાના નાકે પહોંચેલા સૌમિત્રના કાનમાં કર્કશ અવાજ અથડાયો: બાસ્ટર્ડ... રોજેરોજ શું કહેવું? બબડતો એ ઝડપથી દોડવા લાગ્યો.

   દયાશંકર ગ્રામીણ બેન્કના નિવૃત્ત કારકુન, નિવૃત્તિ પછી વતનમાં રહેવાને બદલે, મોટા શહેરનો લહાવો લઈએ કરીને અહીં આવ્યા. જોકે એમાં, બંગલાને મોહીને છોકરીનો હાથ ઝાલનાર મળી રયે – એવો ખ્યાલ પણ ખરો. મોટી વેમ્બલીમાં મઝા કરે છે. બીજવર છે તો શું થઈ ગયું? ફોરેઇન્નમાં છે, એમ આંતરેદિવસે વૃંદાબહેન બોલે. પડોશણો પણ હવે વૃંદાબહેન, વેમ્બલી બોલવાનું પૂરું કરે તે પહેલાં ફોરેઇનમાં છે, કહીને ઠીઠિયા કાઢે. વૃંદાબહેન હસતાં હસતાં આ બાજુના ઘરમાં જોવા લાગે. નાનીનો હજુ મેળ નથી પડ્યો.

   આ ઘરના લોકો આમ તો ડ્રૉઇંગરૂમનું બારણું બંધ રાખે પણ એમનાં બા સુભદ્રાબહેન આખા વિશ્વ સાથે સંવાદ સાધવો હોય એમ બારણું તો ખુલ્લું રાખે, બફારાના બહાને બારીઓ પણ ખોલે. છોકરાં ને ક્ષમાબહેન ચિડાય પણ છેવટે ઘૈડાંની જોડે કોણ બાખડી બાંધે, એમ મન મનાવી તાબે થાય. માજીનો સાઇલન્ટ કેમેરા નજર પહોંચે ત્યાં સુધી ફર્યા કરે. વૃંદાબહેનના ઘરના કોઈકની નજર પડે તો હાથ ઊંચા કરી, ભગવાન મળ્યાના ભાવથી માથું નમાવી વંદન કરે. પણ યતીનભાઈની બીકે હરફ ના ઉચ્ચારે. ક્ષમાબહેન કાયમ અકળાય: માજીને છૂટ આપીએ તો ગમે ત્યારે આપણને ભરાવી દે. ઘરની બધી વાત લીક કરી દે પાછાં. પારકી પડપૂછથી આપણને શો ફાયદો? એના કરતાં આપણે ભલો ને આપણું ઘર ભલું. પણ બા માને તો ને?

   સામેના ઘરની સવારની બેઠક શરૂ થઈ. બેન્કના સ્ટાફ તરફથી વિદાય વખતે મળેલા સોફા આ બાજુ ડબલ અને સિંગલ પેલી બાજુ એમ સામસામે ગોઠવવાને બદલે બારણા પાસે સળંગ મૂક્યા છે. આ ગોઠવણથી સમૂહ નજરનો લાભ મળશે એવુંય મનમાં ખરું. ત્રણેય ગોઠવાઈ ગયાં છે. ચા પિવાય છે પણ નજર સામે જ માંડેલી છે. છોકરી વૃથાએ માજીને કહ્યું, એ લોકોને ત્યાં હજુ ચા નથી થઈ. સૌમિત્ર દોડીને આવે પછી જ કરશે.

   ત્યાં જ દયાશંકર બોલ્યા, એવું દર વખતે નથી થતું. જતીનભાઈ ઘણી વાર વહેલી મુકાવે છે. સૌમિત્ર માટે થર્મોસમાં ભરી રાખે છે.
   ‘એમ? આટલી બધી તમને ક્યાંથી ખબર?’
   ‘કેમ એટલી ખબર ના પડે? એ તો જોઈએ તો બેઠાં બેઠાં બધું દેખાય. ત્યારે બીજું કરવાનુંય શું? આ ટીવીના સમાચાર જોઈએ. ચેનલો પર તો નાગી ધડંગ નાચતી હોય છે. એમાં આપણો મેળ નો ખાય. છોકરી મોટી થઈ હવે. એમ ત્યાં ડાચાં ફાડીને બધું જોતાં શોભતા હઈશું? એ લોકોની ચાલે ચાલીએ તો સત્તરના ભાવમાં તૂટી જઈએ, એ સુધરેલા કહેવાય. આપણું તો છાપું વાંચવાનુંય અર્ધા કલાકમાં ફિનિસ. બેઠાં કરતાં બજાર ભલી. નવી જગા છે એટલે મહેમાનોનો આવરો-જાવરો મારા ભઈ સમજ્યાં. અડોશપડોશમાં હજી આપણો પત્તો નથી પડ્યો. મારાં વાલાં હાથ ક્યાં મૂકવા દે છે? બારણું ખૂલે તો બારી બંધ ને બારી ખૂલે તો પડદો પાડ્યો જ છે. જે ઘરમાં તમારી જોડેય શી વાત કરવી? તમારું નોલેજ ક્યાં ને મારું?’
 
   વૃંદાબહેન સહેજ મોં વાંકું કરી, હા એ તો બધી ખબર છે. બેન્કની એકેય પરીક્ષા પાસ કરી છે ?
   ‘પરીક્ષાનો પ્રશ્ન જ નથી. પ્રમોશન મળે તો બદલી બીજા રાજ્યમાં થાય. અહીં આપણા મુલકમાં ફાવવાના વાંધા છે ત્યાં પારકા મુલકમાં શી વલે થાય?’
   વૃથા સોફામાંથી ઊભી થઈ. બોલી, સૌમિત્ર આવી ગયો. આજે એણે વાદળી મોજાં ધોવા નાખી દીધાં. આજે ત્રીજો દિવસ થઈ ગયો. આમ તો બે દિવસ નથી થવા દેતો. હવે એ પીળું (ઇકોનોમિક ટાઈમ્સ) છાપું વાંચશે. જતીનકાકા અંગ્રેજી છાપું લેશે અને કાકી આપણા જેવું.
   ‘ઈને નૉલેજ કહેવાય. નૉલેજ. દયાશંકર.'
   આ ઘરનો ડ્રૉઇંગરૂમ ખાલી થઈ ગયો. ક્યાંક કોઈક દેખાય ને અલોપ. સામેના ઘરના સોફાય થાક્યા. થોડી વારે સોફા ખાલી થયા. રોજિંદાં કામ તો કરવો જ પડે ને? કપ-રકાબી ને બે-ચાર વાસણોનો ખખડાટ ને ફરી સોફામાં જમાવટ.

   દયાશંકરે સોફામાં બેઠાં બેઠાં જ, સુ ઑફિસે હાલ્યા વડીલ? કહી જતીનભાઈને દેખાય એમ હાથ ઊંચો કર્યો. જતીનને પેલો પારસી ગમતો. બારણું ખૂલતાં કે ખાંચામાં મળી જાય તો સ્મિતની આપ-લે એ જ માપ. જ્યારે આ લોકો ઝડપવા તૈયાર જ હોય. કંટાળાથી જતીન હં, કરીને આગળ ચાલ્યો. દયાશંકર ઉત્સાહપૂર્વક બોલ્યા, આજે બૅલ્ટ પહેર્યો છે. બૂટ પણ ઠઠાડ્યા છે. કાં મિટિંગ હશે, કાં બહારગામ જવાનું હશે. કાં....
   ‘મૂકોને લપ, વૃંદાબહેને વાત કાપી. જતીન ક્યારે નીકળી ગયો એની સરત ન રહી. વૃથાનું ધ્યાન બંધ બારણા તરફ જતાં એ બોલી, લ્યો, આ બધાં તો ગયાં.’

   દયાશંકરે કહ્યું, ત્યારે આપણેય ચાલો ઘડીક જંપીએ. વૃંદાબહેનને એ ન ગમ્યું. એમણે તક ઝડપી જોઈ. બારણું બંધ હતું પણ બારીમાંથી ડાઈનિંગ ટેબલ દેખાતું હતું. હં – પેલી તેજમિજાજ છૂટકીએ રિમોટ હાથમાં લીધું. બારીઓ ધડાધડ બંધ કરી. એટલાથી સંતોષ ના થયો તે પર્દો ફેલાવી દીધો. જરાતરા દેખાતી દુનિયા પણ અલોપ થઈ. નારાજગી સાથે વૃંદાબહેન થોડી વાર બેસી રહ્યાં. બગાસાં આવતાં ઊભાં થયાં. દયાશંકરે શેષશય્યાના વિષ્ણુની મુદ્રામાં સોફામાં લંબાવ્યું. વૃથાએ બારણું બંધ કર્યું.

   સાંજની ચા વખતે આ ઘરના દરવાજા બંધ જોયા. મૂંગા મૂંગા ચા પિવાઈ. ચાના સડાકા સિવાય બધું સ્તબ્ધ. માથા પર ધીમો ફરતો પંખો, પીપળાનાં પાનનો સહેજ સંચાર, બાકી હવાય જાણે સ્થિર. ત્રણેય ઘડીક આ ઘરના બારણા સામે જુએ તો ઘડીક એકબીજા સામે. એટલામાં આ ઘરના બારણાની સ્ટૉપર ખૂલવાનો અવાજ થયો ને બધાં સચેત. ક્ષમાબહેન માથું સરખું કરતાં, આંખો ચોળતાં બહાર નીકળ્યાં. વૃંદાબહેનને સહેજ સ્મિત આપ્યું. ઓટલે બેઠાં ન બેઠાં ને કંઈક યાદ આવતાં પાછાં અંદર ગયાં. થયું પતી ગયું. વળી ડ્રોઇંગરૂમ, રસોડું, રસોડામાંથી દેખાતું બીજું, ત્રીજું ને એમ છેલ્લા રસોડા તરફ નજર ઠેરવી. કંઈ મેળ ન પડ્યો હોય તેમ ત્રણેય નજરો પંખા પર, ભીંત પર, ફર્શ પર એમ જ્યાં જગા મળે ત્યાં અથડાઈ. ધીમે ધીમે સંચાર થયો. વૃંદાબહેન ને વૃથા ઊભાં થયાં. દયાશંકર સવારની જ પોઝિશનમાં સોફાના એક ભાગ પર માથું, બીજા ભાગ પર પગ, લુંગીને સંકોરીને ટીવી સામે જોવા લાગ્યા.

   તડાકાની તીખાશ ઘટી. પડછાયા વૃક્ષો પરથી ઊતરીને અગાશીની પેરાપિટને અડ્યા ન અડ્યા ને ધાબામાં અલોપ થઈ ગયા. આ ઘરનો ડૉઇંગરૂમ પણ હવે ખાલી થયો. રાત પડતાં સામેના ઘરનો ડીમલાઇટ લેમ્પ હાંફતો હાંફતો બળવા લાગ્યો. ટીવીનાં કિરણો સોફા પરના મનુષ્યોને પળ બે પળ અજવાળે ને બીજી પળે ચહેરા પર પીળો અંધકાર પથરાતો. બધાંનો ઉત્સાહ ક્રમશઃ ઘટ્યો. સોફામાં સહેજ ઊંચાંનીંચાં થયાં. દયાશંકરે ઊભા થઈ વરંડાની ધારે આવી નિયત ક્રમ મુજબ હાક થૂ કર્યું અને બારણું આવનારી બીજી વધુ સારી સવારની પ્રતીક્ષામાં બંધ થયું.

   બીજા દિવસની સવાર. સામેના ઘરનું બારણું ખૂલ્યું. બધી નજરો આ ઘર તરફ મંડાઈ ને દીવાલે માથું અફળાયું હોય તેમ ભોંઠી પડી. આ ઘરને બારણે તાળું લટકતું જોયું ન જોયું ને દયાશંકરનું હાક થૂ ગળામાં જ અટકી ગયું. ગૂંગળામણ થઈ આવી. વૃથાના હાથમાં સાવરણી જેમતેમ ફરવા લાગી. આંખો વારે વારે આ ઘરે ઝૂલતા તાળા પર અથડાવા લાગી. વૃંદાબહેન કંઈ ન સૂઝતાં સોફામાં બેસી પડ્યાં. દયાશંકરને કોગળા માટે લોટો જાતે ભરી લેવા આદેશ આપ્યો. ઉમેર્યું: જા આજ તો ચા મૂકવાનું મન નથી. પાવી હશે તો પાશે વૃથલી એના બાપને, પણ મારું હાળું જબરું કહેવાય. ન કંઈ ખબર, ન ખુલાસો, આ તે કંઈ રીતે કહેવાય પાડોશીની? સાંજે તો સંચાર સરખો ન હતો ને સવારે અધમણનું ખંભાતી? પરોઢિયે નીકળી ગયાં હશે મારા વાલા? ના એમ તો કાગાનીંદર છે મારી, અહીં ઊંઘ આવે છે જ કોને? સહેજ કૂતરું ભસે કે ગાડી ચાલુ થાય તો હડફ બેઠી થઈ જાઉં પથારીમાં. તો શું અધરાત- મધરાતે ગયાં હશે? આજ તો એના ભાઈ મોડે સુધી મેચ જોતા'તા. એમને ખબર પડ્યા વના ન રયે. આ બાજુ સચીનના છક્કાનો શોરબકોર થયો હશે અને ત્યારે જ ગાડી ઊપડી હશે. વખત છે ને એ મેચ જોતા કંટાળ્યા હોય. આંખ સહેજ મીંચાઈ ગઈ હોય. અરે એય વૃથલી, જો તો આગળપાછળ જોઈ આવ તો લગીર. ક્યાંક દાવ ના કરતાં હોય મારાં બેટાંવ. વખત છે ને અંદર જ હોય ને કોક મહેમાનને ટાળવા કારસો કર્યો હોય. બધી હોંજવેણ અંદર જ હોય ને બહાર ખંભાતી વળગાડ્યું હોય.

   દયાશંકરનો પિત્તો ગયો. સાલી બુડથલ છો. એમ તે કંઈ હોતાં હશે? એ તો પડોશમાં પૂછીએ તો બધી ખબર પડે. તારું નેટવર્ક કાચું છે. જા તો વૃથા !
   ‘ના બા, મને તો શરમ આવે. તારે શી પંચાત બાઈ? કો’ક મોઢું તોડી લે તો. એના કરતાં... બોલીને એ વરંડામાં આવી. હિંમત કરીને એ ઘરના વરંડામાં ગઈ. આંખોની બેય બાજુ હથેળી ઢાંકીને કાચમાંથી અંદર જોવા કર્યું. કદાચ કોઈક અંદર હોય તો મેળ પડી જાય. પછી ભલેને પકડાઈ જવાય. પાછા આવી એ મકાનની ડાબી બાજુ બગીચામાં ગઈ. છેક પાછળ પણ જઈ આવી. પાકી ખાતરી થતાં હાંફળાફાંફળાં ઘરના વરંડામાં આવીને ઊભી રહી. બાજુના ઘર તરફ જોયું. પવનથી ઝૂલતા બારીના પડદા દેખાયા. એની બાજુના ઘર તરફ ત્રાંસા થઈને જોયું – માત્ર બારીની ધાર જ દેખાઈ. પાછળ જોવાનો અર્થ ન હતો. દૂર દૂર તોતિંગ ફ્લેટ હતા. પાર્કિંગ પ્લોટમાં ગાડીઓ પથરાયેલી હતી.’

   દયાશંકરે, લે, ચા મૂક ત્યારે કહ્યું. વૃથા કંઈક પાછળ પડ્યું હોય એમ બબડતાં, ક્યાં જવાનાં છે, આજ નહીં તો કાલે સવારે વાત. બોલી રસોડા તરફ દોડી જવા કર્યું, પાછી વળીને અહીંથી ઊભી જ ન થવાની હોય તેમ સોફામાં બેઠી. ત્રણેય જણાં જરા આઘાપાછાં થઈને સરખાં નિરાંતે બેઠાં. સોફાનો કડડડ અવાજ થયો ને ત્રણેય નજરો ફરી એ ઘર તરફ સ્થિર થઈ ન થઈ તે નીચી ઢળી.
(‘ગદ્યપર્વ', મે, ૨૦૦૩)


0 comments


Leave comment