4 - સ્પ્લિટ ઍ.સી. / બિપિન પટેલ


   ‘ભૈસાબ આ ગરમીથી તો તોબા. આ અમદાવાદમાં જ આવું હશે? બળ્યું એક છોકરું ફોરેઇનમાં સેટ થયું હોય તો? હવે તો કંઈક કરો ભૈસાબ!’ કહી ભાવિનીએ નાના સપૂતરા (ભાસ્કર લેડીઝ રૂમાલને આ નામે ઓળખાવે)થી મોં, હાથ અને ગળું લૂછ્યું. રૂમાલથી બોચીમાં સહેજ ખણી પણ લીધું. ભાસ્કર એના ક્ષારથી સફેદ થઈ ગયેલા બ્લાઉઝની બાંયને જોઈ રહ્યો. એણે ભાવિનીને ચીડવી, ‘બહુ ખારીલી છે તું.'

   ‘ઝેરીલી જ કહો ને? આખા કુટુંબમાં તમે ને તમારી માએ મને વગોવવામાં ક્યાં કશું બાકી રાખ્યું છે?’
   ભાસ્કરને થયું વધારે પડતું થઈ ગયું. એ મનમાં ગણગણ્યો, ‘જરા તેજ મિજાજ છે. એ તો જે કરે એ બોલે. બા બા કરતાં એમનાં બધાં કામ એ જ કરે છે ને ?’ ભાસ્કરે ગુસ્સે થયેલી ભાવિનીને, ‘અરે યાર તારામાં હાસ્યનાં સુકવણાં છે, ગુજરાતીઓની જેમ. એક મજાક પણ સહન નથી કરી શકતી.’

   ‘તમારે ઠીક છે, મજાકમાં વાત વેગળી મૂકવી છે તે.’
   ‘તે તું તારે વાગોળ્યા કર ને !’
   આમ તો એ ભાવિનીને આખી ગોળ ફેરવીને એની સામે ત્રાટક કરત ને એની આંખો ઢળતાં, ‘હો જાયેગા આજ ફેંસલા’ કહીને ફેરફુદરડી ફરત. પણ ભાવિનીનો આજનો મિજાજ જોઈ માંડી વાળ્યું. આમ પણ હવે એના મૂડને, રાધર એના આદેશોને ફૉલો કરવાની એક આદત પડી ગઈ હતી. થોડી વારના મૌન પછી ભાવિની કંઈક બોલવા જાય એ પહેલાં એણે કહ્યું, ‘તે એમ હોય તો ડ્રૉઇંગરૂમમાં બીજો પંખો મુકાવી દઈએ.’

   ‘અહીં તમારાં ભાખરાં ટીચવા શેકાઈએ છીએ તો ક્યાંથી દેખાય?’
   ‘તે રસોડામાં વોલફેન લગાડીએ.’
   ‘રસોડાનો સવાલ નથી. એટલું તો વેઠી લઈએ.’
   ભાવિનીને થોડો ગુસ્સો ચડ્યો. એને થયું. આ માણસ કંઈ સમજતો જ નથી.

   ભાસ્કરે ખુલાસો કરતો હોય એમ, ‘જો શરૂઆતમાં વેઠ્યું એ વાત સાચી. એ તો અમેય તે મશરૂની તળાઈમાં નહોતા સૂતા. મેઢા પર પૂળા ભર્યા હોય, લીંપણ ઉપર ઉંદરોનું દંગલ ચાલે. એક ખાટલામાં સાંકડમાંકડ’ ને આગળ બોલતાં પહેલાં ભાવિનીનો ચૂપનો ઇશારો જોઈ અર્ધેથી કાપી. ‘ને વળગણી પર મેળ આવે તો ગાભાને બદલે સાપ લટકતો હોય?’ સા....આ....પ..... બોલીને ભાસ્કરે ઇશારો કર્યો. ‘પણ ભઈએ જમીન વેચ્યા પછી પણ તું દુખણાં રૂએ એ વાત ખોટી. કોઈ વાતે કમી નથી રાખી. પણ તારા લોભનો થોભ નથી.’

   ‘હા, હા.. બહુ થયું... હવે રાખો મારા સંતમહાત્મા ! તમે સાચા અને અમે ખોટ્ટાં. જમીન વેચે દસ તો થયાં ને ! લ્યો કો તમારા ભાગમાં શું આવ્યું. તમારો ભઈ ફેણ ફેલાવીને બેઠો છે ચરુ ઉપર. શા દાડા વળ્યા જમીન વેચીને? આપણે તો શકોરાં લઈને બેસી જ રહેવાનું ને? એ તો મેં રઢ લીધી ને તમે બી. એડ. કર્યું તે પગાર ને ઉપરના ટ્યૂશનના પૈસે વળી, માપમાં મજા કરીએ છીએ.’
   ‘એ તો ભઈ માપમાં મજા ને માપમાં દુઃખી એથી રૂડું શું? આપણને તો મધ્યમ માર્ગ ગમે.’
   ‘સારું જાઓ ત્યારે તમને તો એકેય વાતે ના પહોંચાય. જોઈએ છીએ જાતે સૂઝે છે કે નહીં. વેંત ભોંયે સૂઝતી કોઈ દહાડો ભાળી નથી. દીવો લઈને બતાડીએ તો સઉ ભાળે. આ તો ઉપરથી આંગળી ચીંધવી પડે.’
   ‘બહુ લાંબું કર્યું. હવે કહેવી હોય એ મૂળ વાત કઈ દે ને છાનીમાની !'

   ભાવિની હવે ઉત્સાહમાં આવી ગઈ. ‘મુદ્દા પર આવું તો...’ કહી હંમેશની ટેવ મુજબ ચપટી વગાડી. ‘જિગીષાનો ફોન આવ્યો'તો. બહેનો ભેગી થવાની છે.’
   ‘આ તમારા કુટુંબનું જબરું છે ! હાલતાં ને ચાલતાં ભઈઓની જેમ બહેનોએ ભેગા થવાનું.’ ભાવિની વચ્ચે બોલ્યા વગર ના રહી શકી, ‘હા, તમતમાર બોલો. એકલી બહેનો છીએ તે ભઈ વગર તમારા કયા વહેવાર બાકી રાખ્યા કહો તો?’

   ભાસ્કરે, ‘સાંભળ હવે, બધી ભેગી થાઓ એટલે ત્રિકમ, ખૂરપી જે સાધન પર હાથ બેઠો હોય તે લઈ કુટુંબના કોકનું ને કોકનું ખોદકામ કરવાનું એમ કરતાં થાક લાગે કે સમય બચે તો પહેલાં જાતને પછી ઘરને સજાવવાની વાતો. બીજું કંઈ આવડે છે એકેયને?’

   ‘તે તમે ચોપડાં ઉલેચીને કયો જંગ જીત્યા? બાપાની કૃપા ના હોત તો સાઇકલો ખેંચીને ડોહા થઈ ગ્યા હોત. અને મારાં વગર...' એને આગળ બોલવા ન દેતાં ભાસ્કરે એને અટકાવી. ‘આધુનિક મનુષ્યની જેમ તારી ભાષા પણ લપટી પડી ગઈ છે.’

   ‘બસ હવે આગળ જરાય ન બોલશો. અહીં બધું માથા પરથી બમ્પર જાય છે. અહીં તો નજરે ભાળીએ ને દેહથી ભોગવીએ એમાં જ મજા પડે. બાકી બધો ઠાલો... પેલું તમે શું કહો છો એને?’ ‘વાણીવિલાસ’ ભાસ્કરે પૂરું કર્યું.
(૨)
   ચાવી હલાવતાં હલાવતાં રીતીશ ત્યાંથી નીકળ્યો. નીકળતાં નીકળતાં મમ્મી-પપ્પાનો બબડાટ સાંભળી. ‘વૉટ્સ ધ પ્રૉબ્લેમ યુ ઓલ્ડ ગાયઝ. કિપ કૂલ, કિપ ફૂલ.'
   ‘ઊભો રે કૂલવાળા. ગાડી લઈને ક્યોં હેંડ્યા કુંવર? બાપને ઘેર તો તેલના કૂવા છે તે ઉલેચો. જોજે પાછો ટાંકી ખાલી કરી ન છાનોમાનો મેલી ના દેતો. અમારે માસીને ત્યાં જવાનું છે.’

   ‘એના નાકે પકડાયા એટલે શૂટ...! કેટલી ધનાધન છોડી દીધી. ઓ. કે. ઓ.કે ઓલ્ડ લેડી ઓફ બોરીબંદર તમારો ખ્યાલ રાખીશું. જરૂર રાખીશું. ગાડી લઈ જાઉં એમાં એની પ્રૉબ્લેમ?’ કહીને રીતીશે પપ્પાને આંખ મીંચકારી. ભાવિની ત્રાંસી નજરે જોઈ, ‘હા, એ તો પ્રૉબ્લેમ કે બ્રોબ્લેમની ખબર પડશે. જાતે પરસેવો પાડશો ત્યારે. બડબડિયાં બોલી જશે. એક ફેરા કમાવા જાવ એટલે બધી ખબર પડશે.’

   ભાસ્કરે કાનમાં રૂનાં પૂમડાં દબાવતો હોય એમ ઇશારો કર્યો ને રીતીશ ધડધડાટ દાદરો ઊતરી ગયો.
   થોડી વાર ભાસ્કર-ભાવિનીની મૌનયાત્રા ચાલી. ‘લ્યો ત્યારે લગાર આડાં પડીએ.' એવો ઉદ્ગાર કરતી ભાવિનીને, ‘હા આયુર્વેદમાંય વામકુક્ષીનો મહિમા છે ખરો, પણ વામકુક્ષી કહી શકાય એવી વામકુક્ષીનો.’

   ‘પાછાં, એમાંય ઓડિટ? બેસો ને છાનામાના, અમે જાડાં છીએ તે અમને ભારે, એમાં તમારે શું? હરીએ ફરીએ છીએ, તમારા ને તમારી માના લૂંડાપા કરીએ છીએ. હા, એ તો હમણાં બે મહિનાની નિરાંત છે. હમણાં બીજા ઘરનો વારો છે તે. વળી, એક મહિને પાછાં આવીને બેસશે મારી છાતી પર.’ બોલતાં બોલતાં હાંફ ચડી. હીંચકે બેસીને પગનો હડસેલો મારી હીંચકો ચલાવ્યો. એને થયું પિયરમાં પાડાખાડું હાંક્યું છે વળી, મોટી તે નાનપણથી આખા ઘરનો ભાર પપ્પાએ મારા માથે નાખી દીધો'તો. ને અહીંય મેલ કરવત કાશીની જ છે. ભાસ્કરે વહાલથી ‘કેમ બેટા ચૂપ થઈ ગઈ?’ કહ્યું ને ભાવિની ખડખડાટ હસી પડી. ‘બળ્યું જાવ તમારી જોડે કેટલો કકળાટ કરવો ? ત્યારની વાત ત્યારે, શરીરમાં હેમત હશે ત્યાં સુધી સેવા કરીશું. એવા નગુણાં નથી કંઈ. આ બધી છન્નમછન્ના કોના પ્રતાપે છે એ નઈ સમજતાં હોઈએ?’

   ભાસ્કર ઘણું સાંભળ્યાના ભાવથી ટ્યૂશન માટે તૈયારી કરવા લાગ્યો. ભાવિની ‘ભીંત આગળ ભાગવત’ બબડીને સૂવાના રૂમમાં અંદર ગઈ.
   વાંચવાનું પૂરું થતાં ભાસ્કર ચાની રાહ જોતો બગાસાં ખાતો હતો. ભાવિની ઊઠે એટલે ગરમાગરમ ગટગટાવી ટ્યૂશનને પંથે જવાય એટલે તૈયાર થઈને બેઠો. ભાવિની ઊઠીને સીધી એના બાથરૂમમાં ગઈ. એના બાથરૂમમાં ગમે તે પેસી જાય તો ભીનું થાય ને લપસી જવાય. ત્યારે એ તો જેટલું સાચવ્યું એટલું પુન. મોટી ઉંમરે હાડકાં ભાંગે તો સંધાતાં વર્ષો લાગે. એવા એના તર્કને વશ થઈને ઈન, મીન, ને તીન હતાં પણ ભાવિની માટે અલગ બાથરૂમ કરાવ્યો હતો. ઘરના સભ્યો તો અદૃશ્ય તાળું કલ્પીને ન પ્રવેશે પણ અજાણ્યાઓનેય રોકવામાં ભાસ્કર કસર ન રાખે. ભાવિનીને અંદર જતી જોઈ ભાસ્કર મસાલેદાર ચા બનાવીને લઈ આવ્યો.

   ‘ઊઠ્યાં કે રાણી ? ફ્રેશબેશ થાઓ ને ગટગટાવો મસાલેદાર ! કોંટો ચડી જશે.’
   ‘મૂવી તમે તો ડ્રાઈવરો જેવી બનાવો છો.’
   ‘એમ હોતાં હશે? આપણી ચા એટલે કડક, મીઠી ને....’ અટકેલા ભાસ્કરને ‘કડવી’ કહો એટલે પતે !
   ‘ના રે ના મારી મીઠડી, મધુર ક્ષણોને આમ તો શે પૂરી કરાય?’
   ‘મારે ભૂતોભઈને એમ પૂરું નથી કરવું. એમ છોકરાં ના ફોહલાવશો.’
   ‘સારું ત્યારે. વધુ આવતા અંકે. સાંજનો કાર્યક્રમ ફિક્સ છે ને ? ગાબડું નથી પડ્યું ને !'
   ‘ગાબડાં પડે તમારા કુટુંબમાં. મારી બહેનો એટલે એકદમ વ્યવસ્થિત. નથી ખબર આટલાં વર્ષોથી ?’

   ભાસ્કરને ખબર હતી પિરિયડના પ્રૉબ્લેમને કારણે વારે વારે અકળાઈ જાય છે. એકે ઉપચાર કામ નથી કરતો, ઘણી વાર તો ક્રાઇસ્ટના કાંટાળા તાજ જેવો બેલ્ટ ચસચસાવીને બાંધી ઘરમાં ફર્યા કરે. ભાસ્કર માથું દબાવવાનું કહે તો ભાવિની ના, ના, ના, કરતાં ધૂણતી હોય એમ માથું હલાવે. ‘તમે ભૈસાબ છાલ છોડો.’

   ભાસ્કરે ધીમેથી કહ્યું, ‘આપણે ક્યાંય ગાબડાં નથી પાડવાં. આપણી વચ્ચે ગાબડું ના પડે એટલે બસ.’
(૩)  
   જિગીષાને ત્યાં એ બંને સહુથી પહેલાં હતાં. જિગીષાએ એમને જોતાં જ, ‘સાહેબ એટલે સમયસર જ હોય. આવો જીજાજી, આજે મોટીબહેન તો ફુલ ફોર્મમાં હશે.’
   ‘ના, રે ભઈ ના. એમાં ફોર્મ શું, ત્યારે ધીમે ધીમે સગવડ તો કરવી પડે ને. બે પૈસા છે તે વાપરીએ. ત્યારે એમ ટેકરા કર્યે જઈએ ને એમને એમ ઘરડાં થઈને ક્યાં વાપરવાના, દવાની ગોળીઓમાં ? એના કરતાં....’

   દિલીપે ‘આવો' કહીને, ‘ભાવિનીબહેનની વાત સાચી છે, એ તો પૈસા હોય તો મોભા પ્રમાણે રહેવું પડે.’
   ‘ના, મોભાનો સવાલ નથી, પણ ગરમીમાં રહેવાતું નથી. બળ્યું દહાડે દહાડે ગરમી વધતી જાય છે કે પછી મને એકલીને...’

   અધવચ્ચે ધીમા સૂરમાં ભાસ્કરે કહ્યું, ‘વળી, ઘેરાવાનો પ્રશ્ન પણ ખરો ?’
   ‘મૂવા પૈડા ડોહા થ્યા પણ, વોંકું બોલવાનું નથી મેલતા.’

   ત્યાં જ નાની માલા સપરિવાર આવી ગઈ. છોકરાંઓ બધાં કાગારોળ કરતાં છેલ્લા રૂમમાં ગોઠવાઈ ગયાં ને ડ્રૉઇંગરૂમમાં એ.સી. બેઠક શરૂ થઈ. કોઈ કંઈ પણ બોલે તે પહેલાં ભાવિનીએ શરૂ કર્યું:
   ‘જુઓ વૉશિંગમશીન વખતે તમારા બધાનું માનીને સેમિઓટોમેટિક લાઈ'તી પણ આ વખતે...!
   માલાએ કહ્યું, ‘એ તો મોટીબહેન તમારે ત્રણ જણને ત્રણ કિલોનું જોઈએ ને એમાં ફુલ્લી ઓટોમેટિક ક્યાં આવતું હતું?’
   ‘એ જે હોય તે પણ તમારાં બધાંનું માન રાખ્યું'તું ને ? પણ એ.સી. તો દોઢ ટનનું જ જોઈએ. બેડરૂમ મોટો તોતિંગ કર્યો છે તે લગાર મોટું વસાયું હોય તો રૂમ બરાબર ઠંડો થાય.’ ‘ને તારું મગજ પણ’ ભાસ્કરે ટાપસી પૂરી. ભાવિનીએ ત્રાંસી નજરે છાંછિયું કરીને આગળ ચલાવ્યું, ‘જુઓ બધ્ધી તપાસ કરી રાખી છે. આ તો ટ્યૂશનમાંથી ઊંચા નથી આવતા. ને એમનો ઇરાદોય થોડો મોળો ખરો. પણ આ ફેરા તો ખઈખપૂચીને પાછળ પડી ગઈ'તી. એ.સી. જોવે એટલે જોવે. ના, ના, આખું ગામ મોજશોખ કરે ને આપણે શ્યુ લેવા સાધુડાં થઈને રહીએ!’

   મંદારે ભાવિનીને અટકાવી કહ્યું, ‘કેમ ઓગણત્રીસ ઇંચનું સોની કલર ટીવી લાવ્યાં જ ને અને એય તમારા બેડરૂમમાંથી જોઈ શકાય તેવા રિવોલ્વિંગ સ્ટેન્ડવાળું.’
   ‘એ રિવૉલ્વિંગનો આઈડિયા મારો હતો.’ દિલીપે ઉમેર્યું, ‘હા, પણ મારી કેડનાં ઠેકાણાં નથી. એટલે સોફામાં બેઠાં બેઠાં પેઇન થયા કરે એટલે ડ્રૉઇંગરૂમમાં બેસીને તો જોઈ શકાય નહીં અને આખો દિવસ બેઠાં બેઠાં શું કરીએ? વાંચવાની ભોડાકૂટ આપણને ફાવે નહીં’, ‘ભાસ્કરે ઉમેર્યું, ‘સર્કિટો બળી જાય કેમ?’ હા, હવે જે થાય તે. એટલે દિલીપકુમારે સરસ આઇડિયા બતાવ્યો. રીતીશિયો રાખ ને ધૂળ જોયા કરે એના કરતાં આપણા હાથમાં રિમોટ સારું. પટ દઈને ચેનલ બદલી દઉં છું. – રિમોટ હાથમાં ને હાથમાં જ રાખું છું. તમારે ઠીક છે. મારાં બહેન-બનેવીઓ હાજરાહજૂર છે. કોઈ વાતે દુઃખ નથી. નઈ ઊભા રે’તા હોય તમારા ભઈઓ? ખાવા-પીવાના જલસા કરો એટલે ખિખિયાટા કાઢતા ઊભા રયે, ને કોમની વાત આવે એટલે ચોરની જેમ નાહી જાય.’

   વાત અહીં ફંટાવા લાગી એટલે જિગીષાએ કહ્યું, ‘હા, તો મોટીબહેન એ.સી.ની તપાસ કરી રાખી છે તે કઈ કંપનીનું? ભાવ-તાલ બધું કહે તો ખરી?’
   ‘ભાવની મારે શી પડપૂછ. એ બધું આ માસ્તર ન હોંપ્યું. મેં તો એમને કીધું ટીવીમાં રોજ દસ વાર જાહેરાત આવે છે. છાપામાં છેલ્લું પાનું ભરીને રોજ આવે છે. મારે તો એલ. જી. લેવું છે. વિન્ડો એ.સી. ઘણું થઈ પડશે. કહે છે કોરિયાની કંપની છે. આપણને ચાલુ કંપનીઓનાં પેલાં ભેગાં કરેલાં, ભાસ્કર મદદે આવ્યો. ‘એસેમ્બલ્ડ' બોલ્યો ને ભાવિનીએ ડોકું હલાવી સહમતી આપતી હોય તેમ પૂરું કર્યું, ‘ના ફાવે.’

   માલા, ‘હવે તો ભારતની બધી કંપનીઓ સાથે ફોરેઇનની કંપનીઓનાં કોલાબોરેશન હોય છે. પણ એલ.જી.ની ઠંડક સખત હોય છે.’
   ભાવિનીથી ના રહેવાયું, ‘કાળા ઉનાળેય થથરી જવાય. ધાબળો ઓઢવો પડે. શાંતાબહેન કહેતાં'તાં.’
   ભાસ્કરે ચૂપ જ રહેવાનો નિર્ણય કર્યો હતો પણ ના રહી શક્યો, ‘એના કરતાં ખાદીનો સદરો પહેરીને ખુરશીમાં લાંબા થઈને વરંડામાં ના બેસીએ ? હવાની લેરખી આવે ને થઈ જાય એ.સી. આખા દેહમાં.’
   ‘ચાડિયા જેવા શોભતા નહીં એટલે તો ઍ.સી.નો પ્લાન કર્યો છે, આખો દહાડો બહાર ન બહાર પગ લબડાઈ ન બેહી રો” છો તે ઘરમાં તો રહો.’
   ‘ભલાં તમે તાકોડી, તર્કનાં ભલાં તમે તાકોડી’ ભાસ્કર બોલ્યો ને બધાં ખડખડાટ હસી પડ્યાં.

   સહુથી નાના બનેવી મંદાર, એન્જિનિયરને ભાવિનીએ એક્સ્પર્ટ ઑપિનિયન આપી ફેંસલો કરી દેવા કહ્યું. મંદારે વિન્ડો એ.સી.વાળી વાત કેમ યોગ્ય નથી તે સમજાવતાં કહ્યું, ‘જુઓ વિન્ડો ઍ.સી. થોડું સસ્તું પડે એ વાત સાચી પણ અવાજનો પ્રોબ્લેમ તો રહેશે જ. પછી ભલેને કંપનીઓ દાવા કરતી હોય, નોઇઝ ફ્રી, લાઇફ ટાઈમ નૉઇઝ ફ્રી.’ એમનું ચાલે તો ફોરેઇનનું સાઈલેન્સર બેસાડ્યું છે – એવી વાતો પણ કરે, પણ આજકાલ લેટેસ્ટ સ્પિલ્ટ એ.સી. ગણાય છે. એનાં બેત્રણ કારણ છે. એક તો મકાનના કોઈ પણ ભાગમાં....’ એને અટકાવીને માલાએ, ‘મોટીબહેનને તો સ્વતંત્ર બંગલો છે, કેમ ભૂલી ગયા?’ ઉમેર્યું એ સ્વીકારતાં, ‘હા, બંગલાની ગમે તે બાજુ બહાર લગાડી શકાય. એટલે અવાજનો પ્રૉબ્લેમ સોલ્વ્ડ? વધારામાં પાઇપ દ્વારા રૂમમાં ઠંડક પ્રસરે એટલે રૂમની એકેય દીવાલ રોકાય નહીં અને આર્કિટેક્ચરલ પૉઇન્ટ ઑફ વ્યૂથી પણ રૂમની ડિસન્સી બગડે નહીં. અને સૌથી મહત્ત્વની વાત, વધારે રૂમમાં, કમસે કમ બે રૂમમાં ઠંડક થઈ શકે. ગેસ્ટરૂમમાં પંખાથી ચલાવી લેવાય. બોલો, તમારા વિન્ડો એ.સી.માં મળે આટલી ફેસિલિટી? હા, કમ્પેરેટિવલી વીસ ટકા જેટલું મોંઘું ખરું, પણ ભાવિનીબહેનને ક્યાં અડે એવી છે?’

   ‘ના, ના, એવું કંઈ નથી. પૈસાની સગવડ છે – એ વાત સાચી. પણ પૈસા કંઈ એમ ગમે તેમ ફેંકીય ના દેવાય ! વળી, હમણાં અમારા રૂમમાં હોય એ પૂરતું છે. રીતીશનાં લગ્નની હજુ વાર છે. અને તમે નથી કહેતા, છોકરાંઓને અભાવમાં રહેતાં શિખવાડવું જોઈએ? એ માગે તે બધું ફટાફટ મળી જાય તો એમનું ઘડતર ના થાય.’ કહીને ભાસ્કર સામે જોયું.

   ભાસ્કરે નાછૂટકે ટાપસી પૂરી. ‘હા, આમ તો તારી વાત સાચી છે ને વળી, રીતીશને તો વારેવારે શરદી થઈ જાય છે.'
   ભાવિનીએ ‘હા’ કહેતાં, ‘એમ તો મારો કોઠોય શરદીનો ખરો, પણ આ ગરમી સહેવાતી નથી. અને રીતીશને હમણાં ચાલશે. પૈણશે ત્યારે જોયું જશે.'
   ‘કેમ મોટીબહેન એ પરણશે ત્યારે તમારો માસ્ટર બેડરૂમ તો ભાણાને જ આપીશ ને?’ માલાએ કહ્યું.
   ‘તો તો ભાવિનીબહેનનું પતન થાય.’ દિલીપે ઉમેર્યું ને વાત વણસે તે પહેલાં ભાસ્કરે, ‘એનું ને મારું અવતરણ થાય, કેમ ભાવિની ખરું ને?’ ઉમેરીને એને ખુશ કરવા પ્રયાસ કર્યો.

   થાકીહારીને બોલતી હોય તેમ, ‘હા, ભઈ હા, તમે બધાં કહો છો તે ખરું, તે માસ્ટર બેડરૂમ એને આલીશું ત્યારે સ્પિલ્ટનું નહીં વિચારાય? એ વખતે આપણે જોઈશે ને?’ આટલું બોલી થોડી વાર સૂનમૂન બેસી રહી. આંગળીઓના ટચાકા ફોડ્યા. મોટું બગાસું ખાધું. બાકીનાં બધાંય કોઈ મુદ્દો ન રહ્યો હોય તેમ મૂગાં મૂગાં ઘડીક એકબીજા સામે ને ઘડીક બારીમાંથી બહાર તાકી રહ્યાં. જિગીષા મૂગાં મૂગાં જ્યુસના ખાલી ગ્લાસ લઈ ગઈ. મંદારને પોતાની પ્રપોઝલથી વાતાવરણ ખરડાયું હોય એમ લાગ્યું. બધાંના મનમાં થયું, આના કરતાં મોટીબહેનની વાત માની લીધી હોત તો, હંમેશની જેમ? છેવટે વાતાવરણનો ભાર હળવો કરવા માલાએ ભાવિનીનો હાથ પકડીને, ‘કંઈ નહીં મોટીબહેન, તારી વાત ખોટી નથી. પૈસાની થોડી બચત થાય ને વીજળીનું બિલેય જોવાનું તો ખરું ને કેમ જીજાજી?’કહીને ભાસ્કર સામે જોયું.

   ભાવિનીને મનગમતું થાય છે એમ માની મંદારે ઊભા થઈને બે હાથ ઊંચા કરીને કહ્યું: ‘તો ફાઇનલ કે પછી વધુ એક બેઠક જોઈશે ?’
   ભાસ્કરે તરત જ ઝુકાવ્યું. ‘એમાં વળી, બીજી બેઠક શેની ? ભાવિનીની વાત તાર્કિક રીતે ખોટી નથી. રીતીશનો દાંડો ઘરમાં ક્યાં ટકે છે ? રાતેય બાર પહેલાં ઘરમાં આવે છે ક્યારેય ? વર્ષમાં આઠ મહિના તો ધાબે પડ્યો રે છે. એટલે મને તો સર્વે પાસાઓનો વિચાર કરતાં એમ લાગે છે કે હાલ પૂરતું વિન્ડો એ.સી. જ બરાબર રહેશે. અને આમેય એ.સી. એ મારી તો જરૂરિયાત નથી. તો પછી ભાવિનીનું મનગમતું કરવામાં શો વાંધો ? અને મંદાર એન્જિનિયર છે એટલે આપણા કરતાં એનું ટેકનિકલ નૉલેજ વધારે એ વાત સાચી, પણ આપણે માણસનો પણ વિચાર તો કરવાનો ને?’ ભાસ્કરના વાક્યે વાક્યે ભાવિનીનો ચહેરો બદલાતો જતો હતો. હોઠ સહેજ હસું હસું થયા. એ પોતાની જગ્યા પર ઊંચીનીચી થઈ. ભાસ્કરે જ્યારે ભાવિનીના સામે જોઈને પૂછ્યું : 'કેમ ભાવિની, બરાબર ને?’ ત્યારે ભાવિની સફાળી જાગી હોય તેમ બેઠાં બેઠાં જવાબ આપવાને બદલે ઊભી થઈને કહ્યું, ‘મારે તો તમે બધાં રાજી એટલે થયું ! ના, ના, એમાં મારો કક્કો ખરો કરવાની વાત નથી. તમે બધાં કહો છો તો વિન્ડો એ.સી. બરાબર છે. પછીથી કહેતાં નહીં મારે કારણે.... તો હેંડો હવે વાત ઊંચે મૂકો.’
(‘શબ્દસૃષ્ટિ : જાન્યુઆરી : ૨૦૦૫)


0 comments


Leave comment