5 - ના ગમે તો…. / બિપિન પટેલ


   શિયાળો પૂરો થયો હોય, વસંત પણ ચાલી ગઈ હોય. ઉનાળો બેસું બેસું થતો હોય, ધોમધખતા તાપની આ શહેરને નવાઈ નથી, પણ શરૂઆતનો એનો ખોફ સહ્ય હોય છે. એવે સમયે સાંજના પાંચ વાગ્યે સોસાયટીના ઇન્ટર્નલરોડ પર છાપાંના કાગળ, પ્લાસ્ટિક કોથળીઓ અને ગુટખાનાં પાઉચ દોડાદોડ કરી જાહેરાત કરતાં હોય એમના માલિકની. બારીબારણાં બધે બંધ હોય. સહુ જંપી ગયાં હોય કે જાગતાં હોય. એ પણ સોસાયટીના કલ્ચર પ્રમાણે જંપી ગયાનો વેશ ભજવતાં હોય. ચોકીદાર મકાનનો છાંયડો શોધીને ખુરશીમાં હાંફતો બેઠો હોય. ‘ફેરિયાઓ ને ફાલતુ માણસોએ પ્રવેશ કરવો નહીં. – હુકમથી’ એવું લખેલું પાટિયું ઝૂલતું હોય. ચોકીદાર નવોસવો હોય તો તમને ફાલતુ ગણે પણ ખરો. ચાહો તો પવન સાથે સંવાદ સાધી શકો એવી શાંતિ હોય રોડ પર, માઇલસ્ટોન પર, વૃક્ષના છાંયા તળે - વૃક્ષ તો ક્યાંથી હોય નવતર શહેરના આ નવતર રોડ પર – કોઈ બેઠું ન હોય, એવે સમયે તમે બહાર નીકળ્યા છો કોઈ દિવસ? નહીં? કશો વાંધો નહીં.

   પણ એ કહો. ચાંદની રાતે, બરાબર બાર વાગ્યે, દૂધિયો પ્રકાશ રેલાતો હોય એકસરખો, કશાય ભેદભાવ વગર, મહેલો ને મકાનો પર. આછા, ઘેરા, ગાઢા સઘળા રંગોને અજવાળતો હોય. પ્રકાશનો પૂંજ ઓછો પડતો હોય તે કોઈક મકાનને ટ્યૂબલાઇટ અજવાળતી હોય કે કોઈકમાં ઝાંખો પીળો, ઝીરો બલ્બનો પ્રકાશ હાંફતો હોય. બહારની નિઃશબ્દ શાંતિને કોક બારીની તિરાડમાંથી ધસી આવતા, ન સમજાય તેવા શબ્દો વીંધતા હોય, ચોકીદાર જો જાગ્રત હોય તો દંડો પછાડીને ‘કૌન હૈ?’ નો પડકાર ફેંકીને ગભરાતાં ગભરાતાં તમારી નજીક આવે. ઓળખી જતાં, ‘લ્યો સાહેબ, તમે સો? અમ ઓમ રાતે વરઘોડો કાઢ્યો સ?’ તમે જવાબ આપો, ઊંઘ નહોતી આવતી યાર. ઘરમાં ખડભડ કરીએ તો... એ બરાબર ન કહેવાય એટલે હુંય તારી જેમ રોન મારું છું. પણ હું તમને પૂછતો હતો કે આવી ચાંદની રાતે, આમ રોન મારવા નીકળી પડો? ક્યારેક, ક્યારેક નીકળ્યા છો ખરા?

   મૉર્નિર્ગ વોક તો મોજથી કે વખાના માર્યા, ડૉક્ટરની ધૌંસથી અથવા કોઈ મનગમતી સરસ કંપની ખાતર મેં, તમે, સહુએ કર્યું હોય એ નવાઈની વાત નથી. ઘેર બેઠાં ગંગાની જેમ સોસાયટીમાં જ સવારે ચાલવું અને આજકાલ પ્રિસ્ક્રિપ્શનના ફાયદા-ગેરફાયદા હજાર રીતે સમજાવે – તેમ સોસાયટીમાં ચાલવાના ફાયદા મહેસાણાના લોકોની જેમ ઑથોરિટીથી સમજાવે. એક તો મેઇન રોડથી અંદર એટલે પોલ્યુશન ફ્રી હવા, બીજું શેરીનાં કૂતરાં આપણને ઓળખે એટલે કરડવાનો ભો નહીં ને છેલ્લી વાત આંખ મીંચકારીને સમજાવે કે ચાલતાં ચાલતાં ટૂ લાગે તો ફટ ઘરમાં દોડી જઈને હળવા થવાય. પણ ખરી મજા પાર્કમાં આવે. ટ્રેક પર કોક ઈશ્વરે રચેલા વિશ્વને મારે શું – એમ આસપાસ ને આગળપાછળ કંઈ જોયા સિવાય નીચું જોઈને એકધારી ગતિથી ચાલે, કોક ચાલવાની કસરતના એક આયામથી સંતુષ્ટ ન થાય તે બે હાથ દેખાય તે સર્વ દિશામાં એવા એવા ફંગોળે કે આસપાસ ચાલનારાં સૌ ‘ચેતતા નર સદા સુખી’નું સૂત્ર ગાંઠે બાંધે, કેટલાક એમના વ્યક્તિત્વની જેમ જ, હોઠ બીડી, સ્મિત સહેજ પણ ઊછળી ન આવે એમ જડબેસલાક મૌન ધારણ કરીને તમે હાથ ઊંચા કરો, સ્મિત ફરકાવો ને સદ્ભાગી હો તો એમના મસ્તકનો હકાર પામો ખરા. સફેદ ઝભ્ભા-લેંઘામાં સજ્જ એક વૃદ્ધ વીરત્વનું પ્રમાણ આપતા હોય એમ તેજ ગતિથી ચાલતાં એમનાં પત્નીને ક્યાંય પાછળ રાખી દે ને એમનાં પત્ની, સાંભળો છો ? સાંભળો છો? – એમ બોલતાં ઘસડાતાં ચાલે. મૉર્નિંગ વૉકમાં સર્જાતાં આવાં મનોહારી દૃશ્યોની વાતો તો પાર ન આવે એટલી હોય છે. પણ મારી વાત કરું તો એક પ્રહર એવો છે કે જ્યારે ઘર બહાર સ્વેચ્છાએ નીકળું છું. ચિત્ત શાંત હોય છે, એકંદરે હૈયે હામ હોય છે. હા, એટલી કાળજી રાખવી પડે ખરી, બિલ્લીપગે બાથરૂમ સુધી જવાનું, બ્રશ નહીં કરવાનું કારણ કે પાણી ખળખળ કરતું ગટરલાઈનમાં ખખડે. તેથી હાથમાં ચાંગળુક પાણી લઈ આંખ, મોં અંદર-બહારથી ધોવાનાં, વસ્ત્રો બદલી ચોર જેટલો પણ અવાજ કર્યા સિવાય બારણું બહારથી આડું કરી, પગ માથે મૂકી ચાલતા હોઈએ એમ ખાંચાની બહાર પહોંચીને સ્પીડ વધારવાની. આપણેય ત્યારે સમજીએ. પાર્ટીઓમાંથી મધરાતે આવ્યા હોય એમને સવારે સવારે ડિસ્ટર્બ કરીએ એ બરાબર કહેવાય? તમે જ કહો, પણ રિપીટ થાય તો ભલે થાય, ફરી એક વાર કહી દઉં, મૉર્નિંગ વૉકમાં બહુ મજા પડે છે.

   એમ તો બંદા ઉનાળાની બપોરે પણ ઘણી ઘણી વાર નીકળી પડ્યા છે. મિત્રો રોકે, કહે જરા માપમાં રહો, ક્યાંક મૃત્યુઆંક વધારશો પણ હું મારી જાતને વૈશાખનંદન તરીકે ઓળખાવું છું. એની જેમ કલાકો સુધી બસસ્ટેન્ડ પર બસનું ધ્યાન ધરીને ઊભો રહી શકું. આજ સુધીનો આપણે ટ્રેક રેકર્ડ છે. ગરમીમાં કદી માંદો નથી પડ્યો. ગરમીમાં હોજરી સંકોચાતી હોય એમ લોકો ઓછું જમે. આપણે તો વિજ્ઞાનનો સિદ્ધાંત આગળ કરી એમ માનીએ કે ગરમીથી પદાર્થ ફૂલે – એમ મારી હોજરી પણ ફૂલે. તેથી ઉનાળામાં રસ-રોટલી બરાબર ઝાપટું. ઉનાળામાં બંદા ગોળમટોળ થાય, છેવટે પેટની ગોળીમાં તો વૃદ્ધિ નક્કી જ નક્કી. મારી આસપાસનાં સહુને થાય છે એમ તમને પણ પ્રશ્ન થતો હશે કે આમ ધોમ ધખતા તાપે કે શીળી ચાંદનીના છાંયે કેમ નીકળી પડતો હોઈશ. તો એક વાત સાફ સાફ કરી દઉં. ચોવીસ કલાકનો એક પ્રહર એવો નહીં હોય કે જ્યારે હું ઘર બહાર ન નીકળ્યો હોઉં. એનું વર્ણન અત્યારે માંડતો નથી. તમે કંટાળી જશો કદાચ પણ વેળા-કવેળા ઘર બહાર નીકળી જવાના કારણમાં તો શું કહું? તમારાથી છુપાવવાનો ઇરાદો પણ નથી, વાત માંડી છે ત્યારે. પણ મેં એક સમજણ કેળવી છે. કોઈ પણ વિષયની વાત હંમેશાં લો પ્રોફાઈલ રહીને કરવી, ચર્ચા ઉગ્ર સ્વરૂપ પકડે તે પહેલાં મૌન થઈને વાત છોડી દેવી. ભોગજોગે વિવાદમાં ઘસડાયા તો ચંપલ પહેરી, લાકડી હાથમાં લઈ ઉષ્ણ કટિબંધ છોડી દઈ ચાલી નીકળવું કુદરતના ખોળે.

   તમને થશે ખરો છે આ માણસ, કશું ફોડ પાડીને કહેતો નથી પણ એમ વાતે વાતે ફોડ ન પડાય. તોય લો, સાંભળો કહું છું :
   મારા એક ખાસમખાસ મિત્ર છે. એક જ થાળીમાં જમીએ છીએ. એવા ગાઢ મિત્રો છીએ. એ મિત્ર વાત વાતમાં કહ્યા કરે છે, એકેએક શબ્દ પર સ્ટ્રેસ મૂકીને, ‘જ્યારે ઇર્રેલેવન્ટ થઈ જઈશ ત્યારે જીવનનો અંત આણીશ.’ આ ઈર્રેલેવન્ટ થઈ જવું, અપ્રસ્તુત થઈ જવું એટલે શું. ચાલો આપણે બેત્રણ સિચ્યુએશન કલ્પીને સમજવા મથીએ.

   ૧. ઘરમાં તમામ નિર્ણયો તમારા પછીની પેઢી તમારાથી સાવ સ્વતંત્રપણે લે, તમને કશુંય પૂછ્યાગાછ્યા સિવાય. વેલ, ત્યાં સુધી ઓ.કે. કદાચ તમે જ એમને આવું સ્વાતંત્ર્ય બક્ષ્યું હોય, એમનો વિકાસ થાય, આત્મવિશ્વાસ વધે તે સારુ. જોકે કોક કિસ્સામાં સ્વાતંત્ર્ય ઝૂંટવીને પણ લેવાયું હોય પણ પછીથી તમને સ્વીકાર્ય બન્યું હોય. પરંતુ તમને અણસાર માત્ર ન આવવા દે, કહે સુધ્ધાં નહીં ને તમારે, એક સમયના નિર્ણાયક પરિબળ એવા તમારે, તમારી નજર સામે જે થાય તે જોયા કરવું પડે, થવા દેવું પડે. તમારી આજ્ઞા સિવાય, સંમતિ સિવાય, સંડોવણી સિવાય ત્યારે તમે એવું ફિલ કરો ખરા કે આપણે સાવ ઈર્રેલેવન્ટ થઈ ગયા છીએ? શક્ય છે તમને આ સ્થિતિ સ્વીકાર્ય બને તો પછી કોઈ પ્રશ્ન નથી.

   ૨. આ જ સ્થિતિની કલ્પના જરા જુદી રીતે, બીજી રીતે કરીએ. આપણે ભલે ચૉઇસલેસ વિશ્વમાં મુકાયા પણ દરેકની કશીક ને કશીક ચૉઇસ હોય છે. ઍટલિસ્ટ એ ચૉઇસ પ્રમાણે જીવી શકાય છે એવો ભ્રમ આપણે સૌ સેવતા હોઈએ છીએ. તો તમે ગુજરાતી છો, ગુજરાતી હોવાનું અભિમાન ન હોય, અરે ગૌરવ પણ ન હોય, પરંપરાથી તમારી રગેરગમાં ઊતરેલી રહેણીકરણી – મારે જે કહેવું છે તે એક દાખલાથી સમજીએ - તો તમને ગુજરાતી ભોજન - ના, આ ઍક્સ્પ્રેશન બરાબર નથી. આઈ મીન, ગુજરાતી થાળી પસંદ છે એટલે કે ખટમીઠી દાળ, ફૂલકા રોટલી, ગળચટાં શાક, વાટીદાળના નહીં પણ નાયલૉન ખમણ. ઉપરાંત સ્વીટ ડિશ તો ખરી જ. આવી ગુજરાતી થાળી તમને ભાવે છે, ખૂબ ભાવે છે. હું તો મારી આ ગુજરાતી થાળીને પ્રેમિકાની જેમ રેલિશ કરું છું - એમ તમે વારે ને તહેવારે બોલતા હો અને હવે ઘરમાં બીજી પેઢી આવે છે. એમની સમક્ષ અવનવું અને પાછું મનગમતું આખું વિશ્વ ઊઘડી આવ્યું છે. એમને ગુજરાતી ફૂડ દેશી લાગે છે, સ્વીટ ડિશ લાગે છે. શરૂ શરૂમાં બહાર રેસ્ટોરાંમાં ટેસ્ટ કરેલા ફૂડના પ્રયોગો ઘેર થાય. પ્રયોગોની સંખ્યા પછી ક્રમશઃ વધતી જાય. છેવટે એ જ બહારની પંજાબી, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, ચાઈનીઝ વાનગીઓ એમની રોજિંદી થાળી બની જાય. જોકે શરૂ શરૂમાં તમારી ગુજરાતી થાળી અલગ બને પણ પછી તમારી પ્રેમિકા સમી થાળીમાંથી એક એક કરતાં ગુજરાતી આઇટમો ગુમ થતી જાય ને આ નવી ભોજનરીતિની સંમુખ તમે પૂર્ણપણે થઈ જાવ. કડવા ઘૂંટડા ઉતારતા હોવ, બલાત ઊબકા ન આવવા દેવા હોય એમ તમે ગોઠવાવા પ્રયાસ કરો, ગોઠવાઈ પણ જાઓ. પણ એક જ ફૂંકમાં તમારી રેલિશ કરવાની થાળી સ્વપ્નવત્ થઈ જાય ત્યારે એક જુદી જ લાગણી થાય તો ખરી ને?

   ૩. આમ તો આખો દિવસ તમે તમારા રૂમમાં ભરાઈ રહો, સવારસાંજ ફરવા સિવાય પણ ઘડીક પગ છૂટો કરવા ડ્રૉઇંગરૂમમાં બેસવાનું મન થાય ત્યાં બેસો એટલે વાતચીત થાય. પક્ષ અને પ્રતિપક્ષ રજૂ થાય. આમ તો સભાન પણ તમે અંતિમે જઈ બેસો નહીં કે વાતનું પૂછડું ન પકડી રાખો. પણ તમારી યુઝવલ સ્ટાઇલમાં બોલો ને બધાં એક પછી એક ચૂપ થતાં જાય, એકબીજા સામે ઇશારો કરીને અથવા તો આ વાતનું આગળ ઍક્ટેન્શન વિચારીએ તો જોરશોરથી તમારાં પ્રફુલ્લિત સંતાનો એમના મહેમાનો – મિત્રો સાથે વાતો કરતાં હોય. આખું વાતાવરણ કિલકિલાટભર્યું હોય ને તમારા પ્રવેશ સાથે સોપો પડી જાય. તમે પૂછો ને ‘કશું નહીં એ તો ખાલી’નો પ્રત્યુત્તર મળે ત્યારે તમને શું થાય? તમે માંડો તો પગલું કઈ દિશામાં માંડો? તમારા તમામ સંદર્ભો સહિત એ સર્વથી કપાઈ ગયાની અનુભૂતિ થાય કે ન થાય?

   વાતને ફરી પાટે ચડાવું તો આ પ્રકારની બધી પરિસ્થિતિના સાક્ષી બનવાનું થયું હશે, કે કોઈક એકાદના, એ બરાબર યાદ નથી. યાદ રાખીને કરવાનું પણ શું? ભૂતકાળને ખોદી શકાતો નથી કે ઊંચકી શકાતું નથી મૌન.

   મારો પુત્ર પ્રથમેશ સમજણો થયો ત્યારથી મને કહ્યા કરતો, ‘મને દૂન સ્કૂલમાં મૂકો, દૂન સ્કૂલમાં મૂકો.’ એમાં બહુ દાદ ન આપી તો ‘આબુ’ની સ્કૂલ કે પછી ‘બાલાછડી’ સૈનિક- સ્કૂલમાં મોકલવા માટે બહુ વિનવણીઓ કરી. પણ એક કારણ સિવાય છોકરાને વેગળો કરવાનો જીવ ન ચાલ્યો. બાકી મેં તો એવાં માબાપ જોયાં છે કે ઘર પાસેનો રોડ ઓળંગીને પહોંચી જવાય એટલી દૂરની હૉસ્ટેલમાં છોકરાંને મૂકે. પાછું ‘ઘરથી અળગાં થાય તો જ છોકરાંનો વિકાસ થાય' એમ એમનું ગણિત આપણને સમજાવે. મને તો આ વિકાસ શબ્દ જ મગજમાં બેસતો નથી. બાકી વર્થ હોય તો મ્યુનિસિપલ સ્કૂલમાં ભણેલાં છોકરાંની કેરિયર પણ બ્રાઇટ બનેલી જોઈ છે. એટલે કૉલેજમાં આવ્યો ત્યાં સુધી પ્રથમેશને મારી પાસે જ રાખ્યો. બાર સાયન્સ પછી મારા આગ્રહથી રાજકોટની આર.ઈ.સી. કૉલેજમાં એડમિશન લીધું, બંદાને પગે પદમ વળગ્યો હતો તે છેવટે પહોંચ્યો ખરો. શરૂઆતમાં દર રવિવારે આવ્યો જ સમજો પણ પછી ક્રમશઃ પખવાડિયે, મહિને અને અંતે – હવે હું એકલો રહી શકું છું, એકલા રહેવાની મજા પડે છે. મને તો, તમે નહીં માનો સહેજ ધક્કો લાગ્યો હતો આ સાંભળીને.

   પછી તો મિડટર્મ બ્રેક વખતે ઘેર આવે તો કંઈ પૂછીએ તોય ‘હા’, ‘ના’ અને ‘બરાબર’ થી વધારે વાત ન કરે. આપણને એનું ઘણુંય દાઝે પણ એકેય વાત સાંભળે તો ને. વાત શરૂ કરું ને, ‘તમે યાર બહુ લાંબું કરો છો. હમણાં હમણાંથી તો એકની એક વાત ચારપાંચ વાર ફટકારો છો.’ એમ કહીને ઊભો રહે, ઠરીને બેસે જ નહીં. એના રૂમનું ડ્રૉઇંગરૂમમાં ખૂલતું બારણું ચપોચપ બંધ થાય તે ખૂલે જ નહીં. પાછળના બારણેથી બારોબાર ગચ્છન્તિ કરી જાય. એ રૂમમાં હોય તો કેલિપ્સો, જાઝ ને એવું કાન ફાડી નાખે એવું મ્યુઝિક પાંચમા ઘરે સંભળાય. આપણો બાપનો જીવ તે ઝાલ્યો ન રહે. એનું હિત હૈયે વસેલું તે? પણ વાતો તો બંધ થયેલી એટલે આપણે ચિઠ્ઠીઓ લખવી પડી.
પ્રિય પ્રથમેશ,
તા.૩-૫-૯૫
તમે એન્જિનિયરિગની લાઇન છોડી દીધી તે સારું નથી કર્યું. એટિકેટી તો આવે કોઈ વાર. નિષ્ફળતાથી એમ કંઈ થાકીહારી ન જવાય. ફાઇટર હંમેશાં જીતતા હૈ. સાવ સાદી બી.કોમ.ની ડિગ્રી લઈને શું વળશે? આજકાલ ગ્રેજ્યુએશનની કોઈ વેલ્યુ નથી. સી.એ. કૉસ્ટ એકાઉન્ટિંગનું ભણવાનો નિર્ણય લો તો તમારા હિતમાં છે. બાકી તો તમને ઠીક પડે તેમ કરશો.
પપ્પાના આશીર્વાદ

પ્રિય પ્રથમેશ,
તા. ૧-૭-૮૮
પરિણામ એકંદરે ઠીક લાવ્યા. સેકન્ડ ક્લાસ ચાલી જાય. કમસે કમ બેન્ક, એલ.આઈ.સી.ની કૉમ્પિટિટિવ પરીક્ષામાં બેસવા માટે એલિજિબલ ગણાશો. રાષ્ટ્રીયકરણ પછી તો બેન્કોના પગારો પણ સારા થયા છે. એલઆઈસીના પગાર તો બેન્કોની સરખામણીએ પણ સારા ગણાય. જોકે આ બંને પરીક્ષાઓમાં ખાસ્સી કૉમ્પિટિશન હોય છે. તનતોડ મહેનત કરવી પડશે. તમને અંગ્રેજી છાપું વાંચવાની ટેવ મેં પહેલેથી પાડી છે એટલે ઇંગ્લિશ, જી. કે.માં વાંધો નહીં આવે. મેથ્સમાં તમારે જોર લગાવવાનું છે. બીજું તો શું કહું, જાહેરાતની રાહ જોયા સિવાય આજથી કેસરિયાં શરૂ કરી દો.
તમારા પિતાના જયહિંદ

તા.ક. : તમે ૨૫-૬-૮૮નાં છાપાં જોયાં? બધાં છાપામાં જાહેરાત આવી છે, આખું પાનું ભરીને. સરકારમાં ઢગલાબંધ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, એસ.ટી.ઓ. લેવાના છે. આ નોકરીઓનો એક મોટો ફાયદો, ઉપરના પૈસા ધૂમ મળે. મૂલ્યોમાં સહેજ આઘીપાછી કરવાની ત્યારે જરૂરથી અરજી કરજો.
* * *
મારા જિગર પૃથુ,
તા. ૧ર-૩-૯૦
અભિનંદન, પાસ થયેલા ઉમેદવારોમાં તમે આવી શક્યા એ બહુ સરસ કહેવાય. તમારા મિત્રો સાથે વાતો કરતાં એંસીમાં ક્રમાંકે પાસ થવા બદલ તમને શરમ આવે છે, એમ કહેતા હતા, પણ પાંચ હજાર પરીક્ષાર્થીઓમાં એસીમો નંબર લાવવો – એ જેવી તેવી સિદ્ધિ નથી. આ સફળતાથી એમ સમજો ને કે તમારી કેરિયર બની ગઈ. મારો અને તમારાં માનો આનંદ હૈયે સમાતો નથી. ફરી વાર અમારા અભિનંદન.
તમારાં મમ્મી-પપ્પા

પ્રિય પ્રથમેશ,
૧-૧૦-૯૨
નોકરીએ લાગ્યે બે વર્ષ થયાં. લગ્ન અંગે કાંઈ વિચારો છો ખરા? હવે તમારી મેરેજબલ એઇજ થઈ ગણાય. પ્રેમબ્રેમમાં પડ્યા હોવ તો નિઃસંકોચ કહેશો. આપણા કુટુંબમાં જ્ઞાતિનો બાધ નથી. તમારી પસંદગી અયોગ્ય લાગશે તો પણ હૈયું કાઠું કરીને અમે સહમત થઈશું. અમને કંઈક કહો તો ખબર પડે ને? તમારી રજા હોય તો મનેશચંદ્ર નહીં પેલા રાધનપુરવાળા, એમની દીકરી દીપ્તિ માટે પૂછ્યા કરે છે; તો જોવાનું ગોઠવીએ? આખરે તમે કહેશો તેમ કરીશું. કંઈક દિલ ખોલો તો ખબર પડે.
તમારાં મા-બાપુ

પ્રિય પ્રથમ,
અત્યારની જનરેશન મૉડર્ન છે એટલે એ વાતે વિશેષ કહેવાનું ન હોય, પરંતુ ઉપરના રૂમમાં પુસ્તકોના ઘોડામાં ચોથી લાઇનની પાછળ બે પુસ્તકો આડાં મૂકેલાં મળી આવશે. એ પુસ્તકો લગ્નજીવનની શરૂઆતમાં ઘણાં ઉપયોગી થશે એમ મને લાગે છે.
પપ્પા

પ્રિય પ્રથમેશ,
મને ખબર છે તમને આમ ચિઠ્ઠીઓ મોકલું છું એની સખત નફરત છે. તમે એ અંગે તમારાં મા દ્વારા મનાઈહુકમ પણ ફરમાવ્યો છે. પણ મને કહેવા દો કે તમારું વલણ જીવનમાં પ્રોપર પ્લાનિંગ કરવા તરફ નથી. તમારા એકલાના પગારમાં બે છોકરાં મોટાં નહીં કરી શકો. દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. પાછું વ્યાજના મોહમાં પેન્શન સ્કીમને બદલે સીપીએફ સ્વીકારીને બેઠા છો એ તો નફામાં. આ સાથે ત્રણ ફોર્મ મોકલ્યાં છે. એમાં તમારી અને દીપ્તિની સહી, નામ સામેની ચોકડી પર કરીને ટેબલ પર મૂકી દેશો. પૈસાની તમારે ચિંતા કરવાની નથી. હું બધું મેનેજ કરી લઈશ.
પપ્પાની શુભાશિષ
   હરપળ પ્રથમેશની નાની નાની વાતમાં કાળજી લેવાની ટેવ પડી ગઈ છે. હું તો એનું હિત વિચાર્યા વગર નથી રહી શકતો. પણ મને ‘ટેવ પડી ગઈ છે’. ઘણી વાર એ અકળાઈને કહે છે You are an intruder. તમે મારી પ્રાઇવેટ લાઇફની પત્તર ફાડી નાખો છો. આમ હવે વર્ષે માંડ બે-ત્રણ ચિઠ્ઠી જ સરકાવું છું, એ પણ રહી ન શકું ત્યારે.

   હમણાં જ જુઓને, ગાર્ડનમાં હીંચકે ઝૂલતો હતો ને બંને કાનમાં ચચરવા લાગ્યું. એકાદ મિનિટ સુધી તમ્મર આવી જાય એવો ચચરાટ થયો. પછી કાનમાં તમરાં બોલતાં હોય એવી ફીલિંગ થઈ. બે દિવસ સતત તમરાં બોલ્યાં જ કર્યા. પ્રથમેશ એના બિઝી શેડ્યૂલમાંથી ટાઇમ કાઢી મને ઈ. એન. ટી. સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયો. ડૉક્ટરે ઓડિયોગ્રામ લીધો. નિદાન કર્યું કે ડાબા કાનમાં એંશી ટકા ને જમણા કાને સિત્તેર ટકા ડેમેજ છે. દાદાને સાંભળવામાં તકલીફ થશે. ક્રમશઃ સાંભળવાનું બંધ પણ થાય. આ દવા કાનમાં મૂકજો. એનાથી તમરાં બોલતાં બંધ થઈ જશે. બાકી વાઇરલ ઇન્ફેક્શનનો કોઈ ઈલાજ નથી. હજારે એક કિસ્સામાં કાન પાછા આવે છે. બાકી રામ રામ. આમેય દાદાને નિવૃત્તિમાં એક જંજાળ ઓછી.

   શરૂ શરૂમાં બહુ મૂંઝવણ થાય. ગુણિયલનું બોલેલું બરાબર સમજાય નહીં. કાનમાં પેઠેલા અવાજ ઘરર ઘરર થયા કરે. ઘરનાં બધાં બરાડા પાડી પાડીને થાક્યાં. હું બેઠો હોઉં ત્યાંથી ભાગે. હું પૂછું તો છોકરાંય મારા વાલા ‘દાદા આ રફ નોટ છે. લીટા પાડશો તો વાંધો નહીં.’ એમ બોલીને રફુચક્કર. એક મારી ગુણિયલ બચારી મને કંઈક સંભળાવવા તત્પર હોય પણ એય જ્યારે હાથ પકડીને નજીક બેસે ત્યારે એના હોઠના હલનચલનથી ઉકેલાય એટલા શબ્દો ઉકેલું. પ્રથમેશ તો સવારે અને રાત્રે એક વાર ‘બધું ઓલરાઇટ ને ?’ પૂછીને વાયુવેગે ચાલી જાય.

   હવે હું પ્રથમેશના રૂમમાં વસું છું. ગુણિયલ પણ મારા આખા દહાડાના બરાડાથી કંટાળીને વધારે વખત છોકરાંઓ જોડે રહે છે. સંવાદ અટક્યો એટલે ચિઠ્ઠીઓ પણ અટકી. સાચું કહું તો રિસીવિંગ ઍન્ડ પર આવી જવાયું છે. પહેલાં હું લખતો હતો, હવે મારા રૂમમાં ચિઠ્ઠીઓ સરકાવાય છે, ‘જમવાનું થઈ ગયું છે.’, ‘વેવાઈ આવ્યા છે', ‘મેચ જોવી છે?’

   એક દિવસ કવર સરકી આવ્યું. મોટા દીકરા પ્રત્યૂષનો અમેરિકાથી પત્ર હતો. પ્રત્યૂષે લખ્યું હતું, ‘આમ પીડાવ છો એના કરતાં ઓછા ડેમેજવાળા કાનમાં મશીન મુકાવી દો.’ પત્રના અંતે પ્રથમેશે પૂછ્યું હતું – ‘ડૉક્ટર પાસે જવું છે? ક્યારે ?’ સાચું કહું તો ડૉક્ટર પાસે જવાની ઇચ્છા જ ન હતી. આ બહેરાશ ફાવી ગઈ હતી. કશું સાંભળવું નહીં એટલે કશાનો ઉચાટ કે ઉકળાટ નહીં. કોઈ આપણને પૂછે નહીં ને આપણે કોઈને કાંઈ કહેવું નહી. કદાચ બોલેલું કોઈ સાંભળે તો એનો જવાબ આપણને સંભળાય નહીં. આખો દિવસ વાંચ્યા કરતો. ટીવી પાસે ગોઠવાઈ જઈ ગેમ્સ જોઉં, ઇન્ટરનેટ પર સર્ફિંગ કરું. હમણાંથી તો ચેટિંગ પણ કરું છું. વિદેશનાં છોકરાંમાં વિવેક ભારે. ગ્રાન્ડપા ગ્રાન્ડપા કરીને આપણને પાણીથી પાતળા કરી મેલે. એટલે મજા મજા છે. મેં પ્રથમેશને કહ્યું, ‘કંઈ નથી જવું ડૉક્ટર પાસે.’ પ્રથમેશે નોટમાં લખ્યું, તમારે ઠીક છે. હું મોટા ભાઈની ફાયરિંગ રેન્જમાં આવી જાઉં. ડૉક્ટર પાસે બુધવારે જવાનું જ છે. સાંજે છ વાગ્યે તૈયાર રહેજો.’

   ડૉક્ટરે એમનાં યંત્રોથી વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા. મને કાનમાં કંઈક હરતુંફરતું હોય – એવું લાગે. એકાદ વાર કટ કટ પણ સંભળાયું. ફરી ઓડિયોગ્રામ લીધો. ખાસ્સા સમય પછી એમના કન્સલ્ટન્સી રૂમમાં લઈ ગયા. પ્રથમેશ સાથે એમણે કોણ જાણે ક્યાંય સુધી વાતો કરી. ડૉક્ટરે એમની પાસેનાં બેત્રણ કંપનીનાં બ્રોશરો ટેબલ પર પાથર્યો. એ બધું સમજાવતા હશે પ્રથમેશને. આપણને તો અક્ષરે ન સંભળાયો. છેવટે બે બ્રોશર રહેવા દીધાં ટેબલ પર, એક પર પોઇન્ટર મૂકીને એમના પેડમાં લખ્યું, ‘આ ઇન્ડિયન છે, સસ્તું થશે. એમાં ડિસ્એડ્વાન્ટેજ છે કે ઓછું સંભળાશે.’ આ મેઇડ ઇન જર્મની છે, એકાદ લાખનું થશે, પ્રથમેશના ફફડતા હોઠ પરથી લાગ્યું, પૈસાની ચિંતા નથી એમ બોલ્યો હશે – એમાં ક્રિસ્ટલ ક્લિયર સંભળાશે એનું મેઇન્ટેનન્સ પણ થોડું હાયર સાઇડ રહેશે. બોલો કયું લગાવવું છે? પ્રથમેશ બોલે તે પહેલા મેં ઇશારો કરી પેન-પેડ માંગ્યાં. ડૉક્ટરે મારી તરફ ખેસવ્યાં. ડૉક્ટરનું લખાણ વાંચ્યું. વાંચીને મેં લખ્યું, ‘બિલકુલ ન સંભળાય એવું મશીન’ ડૉક્ટરે ઇશારો કરી પૂછ્યું, ‘એમ કેમ ?’ હું હાલ્યા કે ચાલ્યા સિવાય બેસી રહ્યો.
(ખેવના', સપ્ટેમ્બર-૨૦૦૬)


1 comments

jaybarochiya

jaybarochiya

Feb 22, 2019 11:40:10 AM

nice

0 Like


Leave comment