2.10 - તળપદી સંસ્કૃતિમાંથી પ્રગટતી વૈશ્વિકતા / બળવંત જાની


લોકગીતમાંથી તળપદા ભાવ, તળપદી ભાષા અને તળપદી અભિવ્યક્તિને અનુષંગે તળપદી સંસ્કૃતિનો ખરો પરિચય પ્રાપ્ત થતો હોય છે. લોકગીતો લોકઢાળ લોક ઉત્સવ થઈ રજૂ થાય છે અને જનમનરંજન થાય એવા સીમિત ઉદ્દેશ ધરાવતા નથી એ તો થયું એનું સરફેઝ સ્ટ્રકચર એનું તૂર્તમાં નજરે ચડતું એવું દેખીતું પ્રથમ કાર્ય. પણ એના ડીપસ્ટ્રકચરમાં હોય છે લોકસંસ્કૃતિ, શાશ્વત સત્યો અને સનાતન મનોભાવો. જે તૂર્ત જ માં ઝટ દઈને નજરે ચડતા નથી. એનો મર્મ, એનો ધ્વનિ અને સંગોપિત સત્ય ગણગણતા-ગણગણતા નિરાંતે જ્યારે લોકમન વિચારે ચઢે ત્યારે એનો મર્મ આપોઆપ પામે છે અને પછી પોતાની ઉક્તિમાં, કથનમાં અને વડછડમાં એને વણી લઈને લોકગીતના ધ્વનિને સંક્રમિત કરે છે સમાજ સમક્ષ.

લોકસંસ્કૃતિ સાથે ભળેલ છે કૃષિ સંસ્કૃતિ કે અન્ય લોકવ્યવસાયો. સ્વાભાવિક છે કે આવા કારણે આ લોકવાતાવરણ જ લોકગીતમાં પડઘાય અને સ્થાન પામે. વાત ભલે પ્રાદેશિક લોકજીવનની હોય પણ એને પટ મળે છે, પરિમાણ મળે છે ભારે મોટું. એ કારણે લોકકવિતા-સંઘગાન-વૈશ્વિક ભાવનું ઉદ્દગાતા બની રહે છે અને ચિરંજીવપણાને પામે છે. મહત્વબળનું- તાકાતનું છે. બળિયાના બે ભાગ. બાવડાના બળે જ બધું પ્રાપ્ત કરી શકાય. આ બળ ધરતીમાં કેવી રીતે દ્રષ્ટિગોચર થાય છે એની વાત કરતું લોકગીત કોઈપણ પ્રદેશ કે ભાષાનું લોકગીત બની રહે એ સ્વાભાવિક છે. વધાવો એ શબ્દ તળપદો છે. મંગલ પ્રસંગની જાણ, વધામણી, વધાઈની વાત લોકગીતમાં કેવી રીતે વ્યક્ત થાય એનું ઉદાહરણ એક ખૂબ જ પ્રચલિત લોકગીતના ઉદાહરણથી સમજીએ. લોકની પ્રસન્નતાને લોકભાવનાને અહીં મંગલ પ્રસંગે અભિવ્યક્તિ સાંપડી છે. કેવું બૃહદ વિચારે છે લોકમાનસ એનું ઉદાહરણ આ લોકગીત છે.

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં,
એક ઘરતી ને બીજું આભ....વધાવો રે આવિયો. ૧

આભે મેહુલા વરસાવિયા,
ધરતીએ ઝીલ્યા છે ભાર...વધાવો રે આવિયો. ૨

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં,
એક ઘોડી ને બીજી ગાય-...વધાવો રે આવિયો. ૩

ગાયનો જાયો રે હળે જૂત્યો,
ઘોડીનો જાયો પરદેશ–... વધાવો રે આવિયો. ૪

ધરતીમાં બે બળ સરજ્યાં બે જણાં,
એક સાસુ ને બીજી માત....વધાવો રે આવિયો. ૫

માતાએ જનમ જ આપિયો,
સાસુ એ આપ્યો ભરથાર....વધાવો રે આવિયો. ૬

વાત તો વધાઈના સમાચારની છે, મંગળ ઘડીની છે. એ સમયે નાયિકા, કરે છે પૃથ્વીને. એણે બે બળવાન સર્જ્યા. એક ધરતી અને બીજું આકાશ. આકાશમાંથી વરસાદ વરસ્યો અને ધરતીએ ભાર ઝીલીને પાણીદાર બની અન્ન-પાણી આપ્યું.

ધરતીએ બે બળ સર્જ્યા. એક ગાય અને બીજી ઘોડી. ગાય દ્વારા ખેડ માટે બળદ મળ્યો અને ઘોડીથી પ્રાપ્ત ઘોડો તો યુદ્ધમાં પરદેશ વિજેતા બનાવવા માટે ખપ લાગ્યો. ધરતીએ બે સ્ત્રી જન્માવી. એક માતા અને બીજી સાસુ. માતાએ પુત્રી રૂપે જન્મ આપ્યો અને સાસુએ સ્વામી આપ્યો.

લોકગીતને અંતે ખ્યાલ આવે છે કે અહીં નાયિકાના પોતાના લગ્નની વધામણીની-વધાવવાની વાત છે. પણ પોતાની વાત કરતી વખતે એની દ્રષ્ટિ ધરતી, આકાશ, બળદ, ઘોડી સુધી ઘુમી વળે છે. ગૃહસ્થાધર્મમાં જે કંઈ મહત્વાકાંક્ષા છે એના પ્રતીકો અહીં ભારે સહજતાથી ગોઠવાઈ ગયા છે. સતત વધાવો આવ્યોનું અનુરણન મહત્વનું છે.

લોકગીતનું માળખું પણ ભારે વિશિષ્ટ છે જેનો પ્રથમ ઉલ્લેખ છે એનો પછીની કડીમાં બીજી પંક્તિમાં નિર્દેશ થાય છે ધરતી, ઘોડી અને સાસુના નિર્દેશ કડીમાં પ્રથમ છે પણ પછીની કડીમાં વાત આભ, ગાય અને માતાથી કરી છે. પછીની કડીમાં એમના પ્રદાનની વાત કથાઈ છે. કહેવાની આ પણ એક રીત છે.

લોકને સભર બનાવનાર શાશ્વત તત્વોની-ઘટકોની અહીં વાત છે. વધાવો આવ્યો હોવાને કારણે પોતાનો સંસાર શરૂ કરવાના સ્વપ્ન જોતી નાયિકા પોતાની હૈયાની વાત કેવા માધ્યમથી, કોના આધારે રજૂ કરે છે અને એના મનની ભૂમિકાનો એ પરિચય કરાવે છે. લોકગીતમાં નિહિત આ ભાવ લોકગીતને સાંભળતા કે રાસ લેતી નાયિકાના કંઠે સાંભળતા-જોતા મનમાં આપોઆપ જ ઉકેલાઈ જતો હોય છે. એ માટે મનને સ્થિર કરીને ભાવમાં રહેલ સંદર્ભને સમજવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો. લોકગીતમાંથી પ્રગટતી લોકસંસ્કૃતિ, લોકમનોભૂમિકા આખરે તો ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ્’ની જ વાત કેવી સહજતાથી સુંદર રીતે કરી જાય છે. આપણી સંસ્કૃતિના મૂળભૂત આધારબીજ રૂપ તત્વોનો અહીં ભારે લાઘવથી મહિમા કર્યો છે, સંસ્કૃતિનો પ્રસાર, પ્રચાર કે જતન સંરક્ષણ કે સંવર્ધન જેના ઉપર અવલંબિત છે એને રાખીને રચાયેલું આ લોકગીત એમાંના ભાવવિશ્વને કારણે પણ મહત્તા ધારણ કરી છે. આના કારણે લોકગીત પ્રદેશગત, જાતિગત કે જ્ઞાતિગત સીમારેખામાં બંધાઈ રહેતું નથી હોતું. આ ભાવને સમજવો-સમજાવવો આજની આવશ્યકતા છે.


0 comments


Leave comment