2.13 - નાજુક નારીહૃદયનું કરુણરૂપ : શ્રમહારી લોકગીત / બળવંત જાની


સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને સંતસંસ્કૃતિના ઊંડા જાણકાર અને સંગ્રાહક શ્રી જયમલ્લ પરમાર સાથે એક વખત સૌરાષ્ટ્રના તળપદા લોકગીતોના નામકરણ વિષયે હું વાતો કરતો હતો. મારી નજર સમક્ષ દક્ષિણ ગુજરાતના ‘ખાયણાં’ હતાં. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રના ટિપ્પણી સમયના ગીતોને તાલ અને ઢાળની દ્રષ્ટિએ મૂલવવા જેવા છે. આ બધા એક રીતે શ્રમહારી લોકગીતો છે. ખેતરમાં લળણી સમયે કે શેરડીનો વાડ પીલાતો હોય ત્યારે જે ગીતો ગવાય છે એ શ્રમનું હરણ કરનારા છે. એમની વાત મને સાચી લાગે છે. આ બધા લોકગીતો થાકને ઓગાળનારા છે. ગીતના તાલની સાથે કહો કે ગીતની સાથે શ્રમકાર્યમાં ઝડપ પ્રવેશે છે અને કઈ કેટલીયે અકથ્ય બાબતોને આ નિમિત્તે અભિવ્યક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. સાગરખેડૂઓ હોડીને ખેચતી વખતે જે ‘હેલ્લારી’ ગાતા હોય છે એની પાછળ શારીરિક શ્રમને ભૂલવાનો અને સમૂહમાં ઝડપથી કામ સારી રીતે પૂર્ણ કરવાનો આશય નિહિત હોય છે.

કામ કરતા કરતા લોક જો આડી અવળી વાતોમાં ચડી ગયું તો કામ તો ન ઉકેલે પણ વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય, ખરું છે આ લોકસંસ્કૃતિ અનુપ્રાણિત વ્યવસ્થાપનતંત્ર. કોઈ આધુનિક મેનેજમેન્ટના અભ્યાસીઓએ આ લોકવ્યવસ્થાપનનો પણ વિચાર કરવો પડશે.

ગુજરાતના જુદા-જુદા વિસ્તારમાં વિવિધ પ્રકારના થોડાં શ્રમહારી ગીતોનું એકત્રીકરણ કર્યું છે. એ બધામાંથી એક ધાન ખાંડતા-ખાંડતા દેરાણી-જેઠાણીના સંવાદરૂપે અને પોતાના પ્રિયતમ સાથેના પ્રશ્નોત્તરના સ્વરૂપમાં નારીની નાજુકતાને અભિવ્યક્તિ અર્પતું ગીત મને સમગ્ર કંઠસ્થ પરંપરામાં કથન અને વર્ણન સંદર્ભે અત્યંત વિશિષ્ટ જણાયું છે. એના આસ્વાદ અને અર્થઘટનનો ઉપક્રમ સેવ્યો છે. અહીં કેન્દ્રસ્થાને છે નારીહૃદય, સૌરાષ્ટ્રનું એ શ્રમહારી લોકગીત આસ્વાદીએ.

દેરાણી – જેઠાણી ખાંડે ધાન, મેં સાંભળ્યું'તું કાનોકાન...(ટેક)

મેં ચૂંટી ચંપાની કળી, તો દસ મહિને પેચૂટી ટળી,
મારા પિયુજીને પૂછું એમ, કે ખડ વાઢે ઈ જીવે કેમ. દેરાણી-જેઠાણી...(૧)

મારા માથે ફૂલનો દડો, મેં જાણ્યું પાણીનો ઘડો,
મારા પિયુજીને પૂછું એમ, કે પાણી ભરે ઈ જીવે કેમ દેરાણી-જેઠાણી...(૨)

મેં પહેર્યા'તાં હીરના ચીર, ને તોય છોલાણાં મારા ડીલ,
મારા પિયુજીને પૂછું એમ, કે જાડાં પહેરે ઈ જીવે કેમ. દેરાણી-જેઠાણી છે...(૩)

મેં તો ખડી સાકરનો શીરો કર્યો, તોયે ન મારે ગળે ઉતર્યો,
મારા પિયુજીને પૂછું એમ, કે ખીચડી ખાય ઈ જીવે કેમ. દેરાણી-જેઠાણી...(૪)

મારી પાડોશણ દાળ છડે, ને મારા હાથમાં ભંભોલા પડે.
મારા પિયુજીને પૂછું એમ, કે દરણા દળે ઈ જીવે કેમ. દેરાણી-જેઠાણી...(પ)

વિધિની વક્રતા તો જુઓ ચંપાની કળી ચૂંટતા, માથે ફૂલનો દડો રાખતા હીરના ચીર ધારણ કરતાં કે ખડી સાકરનો શીરો ગળે ઉતારતાં જેને શ્રમિતપણાનો અનુભવ થાય છે એવી મારી આ બધી વાતડીયુંને તો ધાન ખાંડતા ખાંડતા કથી રહી છે. આથી શ્રમ કન્યાઓના સંવાદને જાતે જેણે સાંભળ્યો છે એણે આ વાત ગાઈ છે અહીં ગાનાર કથક નારી, નારી પાસેથી સ્વકર્ણે સાંભળેલ વાતને કહી રહી છે, ગાઈ રહી છે. ધાન એટલે ખીચડી પણ નહીં પરંતુ ઘણાં બધા કઠોળનું મિશ્ર રૂપ ખીચડો. ખીચડી તો કંઈક સારી પણ ખીચડો-ધાન પ્રમાણમાં રુક્ષ-ખરબચડું. એને એવા રુક્ષ ખાદ્ય પદાર્થને ખાંડતા-ખાંડતા કેવા ઋજુ ભાવને આલેખ્યા છે આ વિરોધાભાસ કે જકસ્ટાપોઝ પ્રકારની અભિવ્યક્તિ પણ કથનકળાનો જ એક ભાગ બની રહે છે. લોકગીતની કથનકલાનું આવું વિલક્ષણ વિગતે તપાસવા જેવું છે.

નારી સ્વસૂરગૃહે કોને પૂછી શકે ? નણંદ, સાસુ, સખિ કે દેરાણી-જેઠાણીને નારી હોવા છતાં નારી કશું કહી શકતી નથી. કારણ કે લોકવ્યવહારમાં આ અજુગતું ગણાય. ઘરની-મોટા ખોરડાની વગોવણી ગણાય. એટલે અહીં પોતાના પિયુજી સામે પ્રશ્નો ઠાલવ્યા છે. જવાબ મળતા નથી. પ્રિયતમ-સ્વામી ભલે સહાયભૂત ન થઈ શકે પણ ખરી સહાનુભૂતિ તો આ પ્રિયતમ પિયુજી પાસેથી જ મળે છે. એને ભારે લાડ લડાવાયા છે. લોકગીતોમાં પ્રિયતમની પણ ઘણી બધી મર્યાદા હોય પણ છતાં એને જ પેટની વાત કહેવાની, જ્યાં જાતને ઉઘાડી શકાય એવું સ્થાન માત્ર પ્રિયતમ છે, પતિ છે એવી શીખ પણ આ લોકગીત દ્વારા મળે છે.

નારીની નાજુકતાની પરાકાષ્ટા તો પાંચમી કડીમાં છે. પોતે શ્રમ ન કરે પણ કોઈ કરતું હોય એના થડકારાનો પણ થાક અનુભવે છે.

લોકગીતોમાં આવતા આવા બધા પ્રસંગો ભલે નર્યા તળપદા અને પ્રદેશ સાપેક્ષ કે પ્રાસંગિક લાગે પણ આખી પરંપરા છે. શામળની વૈતાલ પચ્ચીસીની ચૌદમી વાતોમાં અત્યંત કોમલાંગી સાત રાણીઓના પ્રસંગો વર્ણવાયેલા મળે છે. એક રાણી સૂર્યનું કિરણ પડ્યું તો એ દાહનો અનુભવ કરવા લાગી, બીજી રાણી વાદળના વર્ષાજલના બિન્દુ પડવાથી એમાં તણાવાનો અનુભવ કરવા લાગે છે. ત્રીજી રાણી પવનની ઝાપટથી આકાશમાં તણખલાની માફક ઊડવા લાગી. ચોથીને શય્યાસ્થાને પલંગથી જમીન પર પગ મૂકતાં ફોડલા થયા. પાંચમીના માથા ઉપર જૂઈ-ચમેલીનું ફૂલ મૂકતા જ એ જમીનમાં ઊતરવા લાગી. છઠ્ઠીએ માત્ર ખસખસનો દાણો ખાધો ત્યાં પેટ ભરાઈ ગયાનો અનુભવ કર્યો અને સાતમીએ પોતાના રાણીવાસથી સાતમા ઘરે ચોખા ખાંડવાનો અવાજ સાંભળ્યો ત્યાં પોતાના હાથમાં ફોડલા-ચાંદા થયાનો ભાવ અનુભવ્યો. લિખિત પરંપરાની વાર્તામાંના આ બધા પ્રસંગો હકીકતે કંઠસ્થપરંપરાની સામગ્રીમાં કથનમાં કેવી સહજથી ગોઠવાઈને ચિરંજીવ બની જતી હોય છે એનું પણ આ લોકગીત એ ભારે મહત્વનું ઉદાહરણ છે. આ લોકગીત એ રીતે ઓછામાં ઓછું એટલા સમય જેટલું તો જૂનું છે જ. સૌરાષ્ટ્રના શ્રમહારી લોકગીતોને આમ એના સાંસ્કૃતિક-સામાજિક સંદર્ભમાં અને પરંપરાના સંદર્ભમાં તપાસવા જેવા છે. એ રીતે તપાસીએ તો પરંપરાની ખરી ગરિમા ખૂલશે.

નાજુક હૃદયની નારીને કેવા સહનશીલ થઈને કેવા શ્રમમાં વ્યસ્ત રહેવાનું છે એનું ઘેરું કરુણ ચિત્ર અહીં ગોપિત છે. આપણે સાહિત્યમાં ગોપનનો મહિમા કરીએ છીએ એમ અહીં તો ભારે મર્યાદાથી-વિવેકથી બધું ગોપવીને રાખ્યું અને છતાં જે કહેલું છે તે તો કહ્યું જ છે. આવા બધાં કારણે લોકગીતો રસાનુભવ-કલાનુભવ કરાવનારા જણાયા છે.


0 comments


Leave comment