2.14 - દક્ષિણ ગુજરાતના અર્થપૂર્ણ-મર્મપૂર્ણ ખાયણાં ગીતો / બળવંત જાની


લોકસાહિત્ય જીવનના કોઈને કોઈ સંદર્ભ સાથે હંમેશા સંકળાયેલું રહે છે આ સંદર્ભને સમજીએ-લક્ષમાં લઈએ તો જ ખરા અર્થમાં એને માણી-પ્રમાણી શકાય. સૌરાષ્ટ્રમાં જેમ શ્રમહારી ગીતોની પરંપરા છે એવી જ શ્રમહારી ગીતોની પરંપરા સમગ્ર ભારતમાં છે. મૂળ તો શ્રમ કરતા કરતા લોકગીતગાન સાથે કાર્યરત રહે ત્યારે પોતાના મનની વાતને વહેતી મૂકે. એવી રીતે મૂકે કે કામ પણ થાય, એમાં ગતિ રહે થાક ન લાગે અને કહેવાનું છે તે કહેવાઈ જાય.

દક્ષિણ ગુજરાતના લોકસાહિત્યમાં ખૂબ જ પ્રચલિત એવો પ્રકાર છે ખાયણાં દુહા, સોરઠા, સાખીની માફક બે-ત્રણ પંક્તિમાં જીવનના મર્મને-રહસ્યની અભિવ્યક્તિ એમાં પ્રાપ્ત થતી હોય છે. ડાંગર ખાંડતા-ખાંડતા એ સામસામા બોલાતા હોય ત્યારે એમાંથી સાંભળનાર પોતાને લગતો ઉપદેશ ગ્રહણ કરી છે અને સાંભળવાનું સાંભળીને પોતાને ઉદ્દેશીને કહેવાયું હોય તો ખરી વાત કાને પહોંચાડવાનો પરિતોષ માનીને પરોક્ષ રીતે પોતાને કહેવું હતું એ કહી દીધાનો પરિતોષ ખાયણાં રજૂ કરીને માને. દક્ષિણ ગુજરાતના લોકસાહિત્યના ઊંડા અભ્યાસી જયાનંદ જોશીએ આ અંગે ઘણું કામ કર્યું છે.

એનું લઘુ સ્વરૂપ દુહા જેવું જ છે પણ તેમ છતાં એ જાપાનીઝ કાવ્ય પ્રકારનું હાયકું કે તાન્કા જેવું કે આપણાં જોડકણાં કે પાંચીકડાં કે કડિયા જેવું પણ કોઈને લાગે. કોંકણીના દુરપદની સાથે પણ એનો નજીકનો સંબંધ લાગે છે. ગુજરાતમાં પણ ધાન ખાંડતી વખતે ખાયણાં ગાવાની પરંપરાના નિર્દેશો મળે છે. પ્રમાણમાં - કદમાં લઘુ હોવાને કારણે તે ઝટ દઈને સ્મરણમાં જકડાઈ જાય છે. એની ચોટ પણ યાદગાર હોવાને કારણે ખાયણાં ઝટ દઈને સ્મરણમાં સચવાઈ જતા હોય છે.

પિયરગૃહે આનંદ, ઉલ્લાસ, સ્વતંત્રતાને મહાલતી સ્ત્રીને જ્યારે શ્વસુરગૃહે જવાનું થાય ત્યારે એને સમજાય છે કે બસ આ ઉછળકૂદની નિરાંતની અવસ્થાની હવે પૂર્ણાહુતિ. એટલે આ બાબત તથા શ્વસુરગૃહે પ્રાપ્ત થવાનું પતિસુખ. આ બન્ને અવસ્થિતિ વચ્ચે ઝોલા ખાતી-અવઢવમાં અટવાતી મુગ્ધા વયલબ્ધા યુવતી ખાયણાં દ્વારા પોતાના એ મનોભાવને ભારે બળકટ રીતે રજૂ કરે છે.

આજ તો રાંધુ કેવડિયો કંસાર
દુનિયાનો સંસાર
મારે વેઠવો.

શ્વસુરગૃહે ગયા પછી ત્યાંના સુખ-દુઃખની વચ્ચે સતત કોઈની રાહ હોય તો ભાઈની વીરાની. એ અવશ્ય આવશે. એના ભણકારા નિશદિન અનુભવતી યુવતીની હૃદયભાવના ખાયણાં દ્વારા વાચા પામે છે:

પાણી ભરું ને આંઢણી મારી ફરકે
પાદરે ટોપી ઝળકે
કે મારા વીરની.

આંખ ફરકવાને, અંગ ફરકવાને બદલે આંઢણી ફરકે છે અને મનમાં શ્રદ્ધા જાગે છે કે અવશ્ય કંઈક સારું થશે. આ શુભનિશાની વાટ જોતી પાદરે પાણી ભરીને ફરતા જ વીરાની ટોપી જુએ છે. પણ આ ટોપી ઝળકતી-ચળકતી લાગે છે કારણ કે એ એના સાત ખોટના ભાઈની ટોપી છે. લાંબાગાળે મા-દીકરી મળે ત્યાં શું વાતો થાય? ના, ત્યાં શબ્દો વિરામ પામતા હોય છે, સ્પર્શ દ્વારા, આંખ દ્વારા ભાવ વહેતા હોય છે. આવા ભાવને ભારે કરુણ અને બળકટ રીતે ખાયણાંમાં સ્થાન મળ્યું છે.

સરોવરની પાળે માને દીકરી
મળીયાં
ડૂસકે ડૂસકે રડીયાં
કે સરોવર છલી ગયાં !

માત્ર દીકરી જ નહીં માતા પણ એટલું રડી કે સરોવર પણ છલકાઈ ગયું. ખાયણાંમાં આવા કરુણભાવની સાથોસાથ ભારોભાર ઉપદેશ પણ ભંડારાયેલો હોય છે. ખાંડતાખાંડતા ખાયણાં દ્વારા બાળક-બાળકીને સંતાનોને માતા કે પ્રૌઢ સ્ત્રીઓ જાણે કે શિખામણના અમૃતપાન પણ કરાવે છે.

પારકી વસ્તુ પત્થર સમ પરમાણો
આપણી હીરા સમ જાણે
ભલે હોય કોડીની.

માત્ર બાળકોને જ નહીં સમગ્ર સમાજને સંબોધતી સન્નારી ભારે મર્માળી વાત અહીં કહી જાય છે. બધા દુઃખનું મૂળ અસંતોષ છે એને ત્યજવાની સુખી થઈને જીવવા માટે ઉપદેશતી દક્ષિણ ગુજરાતની આદિવાસી સ્ત્રી ભલે અભણ હોય પણ એમાં ભારોભાર કોઠાસૂઝ અને જીવનનો અર્થ પડેલો છે. બીજા એક ખાયણાંમાં પણ આવો જ અર્થપૂર્ણ મુદ્દો રજૂ કરે છે.

વણ બોલાવ્યા પર ઘર તો નવ
જઈએ
ઉછાંછળા નવ થઈએ
કે રહીએ ભારમાં.

વગર બોલાવ્યે કોઈના ઘરે ન જવાની તથા વધુ પડતા ઉત્સાહી અને ઘમંડથી તોછડાઈભર્યું વર્તન કરવાવાળા ન થવાની તથા વિવેકપૂર્વક જીવવાની ભારમાં રહીને એટલે કે પોતાના વ્યક્તિત્વને જાળવીને રહેવાનું સૂચવતી સન્નારી ભારે મોટી વાત આ ત્રણ પંક્તિ દ્વારા કહી જાય છે.

જીવનને સુખ-દુઃખ કે જીવનબોધ જ માત્ર ખાયણાંમાં અભિવ્યક્તિ નથી પામ્યો; નણંદ-ભોજાઈ એટલે કે ભાભી-નણંદની વડછડ પણ એમાં સ્થાન પામી છે ભાઈ પરણે પછી પત્નીમાં અનુરુક્ત રહે છે અને બહેન સમક્ષ બહુ ખૂલે નહીં ખીલે નહીં સતત પત્ની પાછળ જ ઘેલો થઈને નવા સંબંધોથી ખુશ રહે એ જોઈને દોષિત તો ભાભી જ જણાય છે એટલે બહેન ગાય છે કે –

ભાઈ છે ભોળો ને ભાભી છે
ધૂતારી
હૈયેથી ઉતારી
વીરાએ બેનડી.

બીજા એક ખાયણામાં બહેન આગળ વધીને કહે છે કે–

ભોજાઈ મારી બધા કરમની પૂરી
વીરાને લીધો વારી
રુપાળી વાંદરી.

ચંચળ, સતત અહીંતહીં હુપાહુપ કરતી વાંદરી કહીને ભાભી પરત્વેનો અણગમો અહીં પ્રગટ થયો છે. ભાઈ તો ભોળો છે વાંક ભાઈનો નથી, ભાભીનો છે. સંસારમાં બધે જ જોવા મળતા આવા નણંદના શાશ્વત ભાવોને અહીં અભિવ્યક્તિ મળી છે. પણ ભાભી કાંઈ ઓછી ઉતરતી નથી. સરસ રીતે વિવેકપૂત વાણીમાં નણંદને સંભળાવે છે તે મર્મવચનો ખાયણાંની અને માનવભાવની એક ઊંચાઈનો પરિચય કરાવે છે.

નણદલ તમારો વીરો તે મારો ધણી
આવી અદેખી ન જાણી
બળેલી ભાખરી.

ભાભી આખરે વડીલ છે. એ ભારમાં રહીને કહે છે કે તમારો ભાઈ મારો ધણી છે તમે આવા અદેખાઈ-ઈર્ષ્યાવૃત્તિવાળા હશો એ તો આજે જ સમજાયું કહીને બળેલી ભાખરી સાથે એને સરખાવે છે.

સાદા-સરળ વાક્યો દ્વારા ખાયણાં માનવભાવને ધ્વનિપૂર્ણ અભિવ્યક્તિ પ્રગટાવે છે. માનવસ્વભાવના સનાતન તત્વો, માનવજીવનની શાશ્વત અવસ્થિતિઓ એમાં સ્થાન પામે છે એનું લઘુક રૂપ એને રૂપણીય બનાવે છે. આવા કારણે અર્થપૂર્ણ અને ખાયણાં હૃદયસ્પર્શી બની જાય છે.


0 comments


Leave comment