2.15 - ગુજરાતી ભીલીગીત : સ્વરૂપવિમર્શ અને આસ્વાદ / બળવંત જાની


સાહિત્ય તત્વવિચારણામાં કોઈપણ સ્વરૂપનું પૂર્ણ ઘડતર અને પ્રાકટ્ય એ એક બહુ લાંબી પ્રક્રિયા છે. વિપુલ માત્રામાં વૈવિધ્યપૂર્ણ, વિવિધ સમય અને પ્રકારની રચનાઓ એકત્ર કરીને એની પ્રકૃતિ અને બંધારણની તપાસ કરીને, એનું વિશ્ર્લેષણ કે વર્ગીકરણ કરીને એની આગવી-પોતીકી મુદ્રા સંશોધીને નિયત કરવી એ ઘણી ધીરજ અને સમય માગી લે એવી બાબત છે. અહીં વિવિધ સંપાદકો દ્વારા સંપાદિત ગુજરાતની ભીલ પ્રજા દ્વારા પ્રસ્તુત થતાં ગીતોને કે લોકગીતનોને ‘ભીલીગીત’ એવું નામકરણ કરવું, શા માટે અનિવાર્ય બની રહે છે એની ચર્ચા કરીને ભીલી ગીતોના ભાવવિશ્વનો પરિચય કરાવીને પછી એના સ્વરૂપને તારવવાનો ઉપક્રમ જાળવ્યો છે.

***

ગુજરાતી લોકગીતોને પ્રસ્તુત કરનારી પ્રદેશ અને જાતિગત વિવિધ પરંપરા છે. એમાં રબારી, કોળી જેવી તળપદી લોકસંસ્કૃતિ ધરાવતી પ્રજા દ્વારા પ્રસ્તુત થતાં ગીતો પણ લોકગીતો જ બની રહે છે. ભીલીગીતને એ રીતે લોકગીત પ્રસ્તુત કરનારી વિશિષ્ટ જ્ઞાતિના અને લોકગીતના જે વિવિધ પ્રકારો છે એવા કોઈ પ્રકાર તરીકે ઓળખાવી શકાય તેમ નથી. વનવાસી-આદિવાસી કે ભીલી પ્રજા દ્વારા પ્રાપ્ત થતાં ગીતો માટે લોકગીતને ભીલીગીત એવી સંજ્ઞા અને નામકરણ પ્રયોજવા પાછળનું કારણ વિપુલ માત્રામાં ભીલી રચનાઓ પ્રાપ્ત થાય છે, તેના ભાવવિશ્વ અને પ્રસ્તુત કરવાના આગવા ઢંગને કારણે પ્રાપ્ત થતું આગવું-અનોખું રૂપ છે. ગુજરાતમાં જે મુખ્ય ૨૫ જેટલી વિવિધ આદિવાસી જાતિઓ છે તેમાં કેટલીક જાતિઓ ભીલેતર ગણાય, પરંતુ એમનાં ભાષા કે બોલી અને તેમાં વહેતી પરંપરાનો પ્રત્યક્ષ અનુબંધ તો ‘ભીલી’ સાથે જ છે. આમ, ભીલી છે તો જાતિગત સંજ્ઞા પરંતુ એનો સીધો જ અનુબંધ પછીના તબક્કે જે જે ક્ષાત્ર અને અન્ય વર્ગની જાતિઓના કેટલાક એકમો ભીલોમાં ભળ્યા અને વનવાસી થયા એમનાં બોલી અને તેમાં અભિવ્યક્ત થતાં ગીતો-કથાઓ કે નૃત્યો, વાદ્યો વગેરેનો અનુબંધ પણ ભીલી સાથે જ છે. આથી જ, જુદા જુદા ક્ષેત્રના આદિવાસી પેટા એકમો જેમની બોલીઓમાં તથા જાતિગત મૂળમાં ક્યાંક કેટલીક ભિન્નતા છે તેમ છતાં એમાં પ્રબળ તત્વ કે પ્રભાવક ‘ભીલી’ જ છે. આથી જ ડૉ. શાંતિભાઈ આચાર્યે આવા પ્રાદેશિક કે જાતિગત ભાષા/બોલી એકમની માતૃભાષાને ભીલી-૧, ભીલી-૨, ભીલી-૩ એવી રીતે ઓળખાવવાનું પસંદ કર્યું છે. આમ, ‘ભીલી એક વિશિષ્ટ જાતિ અને બોલી ઉપરાંત એક વ્યાવર્તક ને વિશિષ્ટ એવી પરંપરાને દર્શાવતો પર્યાય છે. આ વ્યાપક અર્થમાં જ અહીં ‘ભીલી' એવો પ્રયોગ છે, જેમાં જાતિગત-બોલી કે ભાષાગત ચૌધરી, કુકણા, ગામીત, રાઠવા વગેરેનો પણ ક્યાંક કેટલોક સમાવેશ થાય છે.

વીસ-બાવીશ વર્ષોથી મેં આ સાહિત્યનો આસ્વાદ લીધો છે. વનપટ્ટીની વનવાસી પ્રજાના સાહિત્ય વિશે ઘણું લેખન સંપાદન પણ કર્યું છે. આમ, મારો થોડો જાતઅનુભવ અને વધુ તો સ્વાધ્યાય અહીં મને સ્વરૂપ નિર્ધારણચર્ચામાં ખપમાં લાગેલ છે.

મને આદિવાસી-ભીલી પ્રજાના સાહિત્ય અને સંસ્કૃતિનો પહેલવાસુકી ભેટ કરાવનાર એ સમયનો મારો ખરો ભેર ભાઈ હરેન્દ્ર. વનવાસી ભીલીનૃત્યોના ફોટોગ્રાફસ, ‘વીરડો’ના અંકોની સામગ્રી અને હરેન્દ્ર સાથે કલાકો સુધીની વાતડિયું. મારા જીવનનું મીઠું સંભારણું છે. પછી મધુભાઈ પટેલનું ‘સ્વરાંકિત લોકગીતો’ સંપાદન, એનાં પરનાં અવલોકન અને પછી વાંચેલાં-તપાસેલા તડવી દંપતીનાં ખાસ કરીને શંકરભાઈ તડવી અને રેવાબહેન તડવીનાં દશેક જેટલાં સંપાદનો. આ બધાં સંપાદનોમાંથી પ્રાપ્ત ઉદાહરણોને કારણે આદિજાતિનું ભીલી પ્રજાનું લોકસાહિત્ય આગવું, અનોખું અને પૂરું અણિશુદ્ધ જણાયેલું. આપણા ગુજરાતી લોકગીતોમાં ઘણું બધું સભ્યતાથી અને વિકસિત સંસ્કૃતિની અસર રૂપે (રચના) ટેક્સ્ટ અને પ્રેઝન્ટેશન (પ્રસ્તુતીકરણ) એમ ઉભય સંદર્ભે-પક્ષે પણ ઈન્ટરપોલેશન થયેલું દ્રષ્ટિગોચર થાય છે. આ વાતનો-વિગતનો વધુ સાચો ખ્યાલ તો મળ્યો ડૉ. શાંતિભાઈ આચાર્ય, જયંતીલાલ સોમનાથ દવે, જયાનંદ જોશી, ભગવાનદાસ પટેલ અને વીરચંદ પંચાલનાં સંપાદનોમાંથી. આ ઉપરાંત નાનજી મહેશ્વર પાઠક, કૃષ્ણરામ વકીલ, મધુભાઈ પટેલ, પુષ્કર ચંદરવાકર, લાલચંદ નીનામા, ડાહ્યાભાઈ વાઢુ, નવજી ડાભી, ફાધર રેમંડ એ. ચૌહાણ, પ્રભુ ચૌધરી અને પુંડલિક પવાર આદિનાં ભીલીગીતોના પચ્ચીસેક જેટલા સંપાદન ગ્રંથોનો અભ્યાસ મારી માન્યતાને દ્રઢ કરનારો રહ્યો. મને પ્રાપ્ત દ્રષ્ટાંતોમાંથી મેં તારવેલી આ વિચારણા કે સૈદ્ધાન્તિક વિભાવનાને મેં મારા ‘તોળી રાણીની વારતા’ અને ‘રૂપાંરાણીની વારતા’ના આદિવાસી લોકસંતચરિત્રકથાકાવ્યના મારા અભ્યાસલેખમાં ઉદાહરણો સાથે મૂકી આપી, મારી એ તો માત્ર સંકલના હતી-ખ્યાલ હતો. આદિવાસી સાહિત્યની સ્વાયત્ત મુદ્રા સંદર્ભે પહેલવારુકો ગુજરાતીમાં સૈદ્ધાન્તિક પક્ષ કોઈએ સ્થાપી આપ્યો હોય તો એ ડૉ. હસુ યાજ્ઞિકે. ‘લોકવિદ્યાવિજ્ઞાન’ (૨૦૦૧)નામના એમના લોકસાહિત્યની અધુનાતન વિચારણાથી મંડિત એ ગ્રંથમાં એમણે એક આખું પ્રકરણ ‘આદિવાસી લોકવિદ્યા’ નામથી આલેખીને એમાં નિરૂપ્યું છે –

“લોકવિદ્યાવિજ્ઞાનનો મુખ્ય ઘટક ‘લોક’ છે. તેનાં મુખ્ય ત્રણ એકમો તે આદિવાસી, ગ્રામીણ અને નાગરિક છે. કેટલીક સમાનતાઓ વચ્ચે પણ આ ત્રણ એકમોની જીવનરીતિ અને પરંપરામાં કેટલીક ભિન્નતા છે. લોકવિદ્યાવિજ્ઞાનનું રૂપ બંધાયું એમાં આ ત્રણે સ્રોતમાંથી વિશેષ સામગ્રી આદિવાસી અને ગ્રામીણમાંથી મળે છે. આથી લોકવિદ્યાવિજ્ઞાનમાં, આદિવાસી લોકવિદ્યા, એવો જુદો વિભાગ કરવાની આવશ્યકતા નથી અને તેમ આ વિજ્ઞાનને જુદું પાડવાનું ઉચિત પણ નથી, પરંતુ એક મહત્વની ધારા તરીકે, એનાં ગુણલક્ષણો, પ્રકારો, પ્રકૃતિ વગેરેથી પરિચિત થવાનું જરૂરી છે. આ ધારા જ પ્રકૃતિની વિશેષ નજીક છે અને જીવન અને જગતને જોવા-જાણવા-માણવાનો એમનો અભિગમ પણ બીજા સ્થાનીય સામાજિક એકમો કરતાં વિશેષ સાહજિક, આવરણ રહિત અને નિર્દભ છે. આથી એમાં કેટલુંક અત્યંત પ્રાચીન અને મૂળભૂત પણ જળવાયું છે. લોકવિદ્યાના પ્રકારો પણ પ્રશિષ્ટીકૃત એવી કલાઓ, એનાં શાસ્ત્રો, સામગ્રી અને ધારાધોરણની ક્યાંક પ્રગટ તો ક્યાંક પ્રચ્છન્ન અસર પડે છે. આને મુકાબલે આદિવાસી-ધારા પર આવી પ્રશિષ્ટીકૃત ધોરણો-વલણોની અસર ઓછી છે. આથી કોઈ પણ પ્રાચીનરૂપ જાણવું હોય કે કોઈ આદિસ્રોત જાણવો હોય, ત્યારે આદિવાસી ધારાની સામગ્રી જ વિશેષ ઉપયોગી અને નિર્ણાયક બને છે.”
(‘લોકવિદ્યાવિજ્ઞાન’, પૃષ્ઠ-૧૫૧)

• આધાર સામગ્રીનો પરિચય : :

ભીલીગીતોના સ્વરૂપવિમર્શની મારી ચર્ચામાં મેં આધારભૂત સામગ્રી તરીકે જે મહત્વનાં ભીલીગીતોનાં સંપાદનો ખપમાં લીધાં છે તેની સૂચિ આ પ્રમાણે છે :

(૧) મહત્વના સંપાદનો

(૧) ‘ભીલોનાં ગીતો’ (૧૯૧૫) નાનજી મહેશ્વર પાઠક
(૨) ‘ભીલનાં ગીત’ (૧૯૧૫) કૃષ્ણલાલ સૂરજરામ વકીલ
(૩) ‘દક્ષિણ ગુજરાતનાં લોકગીતો’ (૧૯૫૧) મધુભાઈ પટેલ
(૪) ‘નવો હલકો’ (૧૯૫૬) પુષ્કર ચંદરવાકર
(૫) ‘ગુજરાતી લોકસાહિત્યમાળા’ મણકા-૧ થી ૧૪ (૧૯૫૯)
(૬) ‘બનાસકાંઠાના લોકસંસ્કાર અને સંસ્કૃતિ’ (૧૯૯૦) જયંતીલાલ સો. દવે
(૭) ‘ગિરિમાળાના ટહૂકા’ (૧૯૯૪), વિજય ભગોરા
(૮) ‘ખેડબ્રહ્મા વિસ્તારના ગોઠિયા ગોઠણના ગીતો’ (૨૦૦૦) વરચંદ પંચાલ
(૯) ‘સોખલા ગરાસિયાના લગ્નગીતો’ (૨૦૦૧) નવજી ડાભી
(૧૦) ‘ભીલોડી રામાયણ’ (૨૦૦૨) લાલચંદ નીનામા
(૧૧) ‘સોખડા ગરાસિયાનાં દિવાળી ગીતો અને વાતો’ (૨૦૦૫) નવજી ડાભી
(૧૨) ‘સોખલા ગરાસિયાના હોળીગીતો’ (૨૦૦૫) વરચંદ પંચાલ
(૧૩) ‘ગરાસિયા લોકોત્સવ ગોર’ (૨૦૦૫) વરચંદ પંચાલ
(૧૪) ‘ડાંગી લોકગીતો’ (૨૦૦૬), પુંડલિક પવાર
(૧૫) ‘રાઠવા સમાજના લગ્નગીતો’ ભાગ-૧, ૨, ૩ (૨૦૦૯-૨૦૧૦) નીતા રાઠવા નારણ રાઠવા, વીકેશ રાઠવા
(૧૬) Tribal Literature of Gujarat (2009), નિશાંત ચોકસી

(૨) રેવાબહેન તડવી, શંકરભાઈ તડવીના સંપાદનો

(૧૭) ‘નીંદણાનાં ગીતો’ (૧૯૬૭)
(૧૮) ‘આદિવાસી લોકનૃત્યો’ (૧૯૭૮)
(૧૯) ‘તડવી લગ્નગીતો અને વિધિઓ’ (૧૯૮૧)
(૨૦) ‘કેસૂડા કામણગારાં’ (૧૯૮૩)
(૨૧) ‘પરદેશી પરોણલો’ (૧૯૮૪)
(૨૨) ‘રાધા ગોરી ને કહાન કાળો’ (૧૯૮૫)
(૨૩) ‘મૂછો મેં માળો’ (૧૯૮૭)
(૨૪) ‘સાહેલી રે આંબો મહોરિયો’ (૧૯૮૮)
(૨૫) ‘રાજલ પાતળી’ (૧૯૯૩)
(૨૬) ‘ઝરણું’ આદિવાસી લોકસાહિત્યનું સામયિક (૧૯૬૩)
(૨૭) ‘વીરડો’ આદિવાસી લોકસાહિત્યનું સામયિક (૧૯૮૩)

(૩) ભગવાનદાસ પટેલના સંપાદનો

(૨૮) ‘લીલા મોરિયા’ (૧૯૮૩)
(૨૯) ‘ભીલોનાં હોળીગીતો’ (૧૯૯૯)
(૩૦) ‘ફૂલરાંની લાડી’ (૧૯૮૩)
(૩૧) ‘ભીલ લોકોત્સવ ગોર’ (૧૯૯૪)
(૩ર) ‘ભીલોના હગ અને વતાંમણા’ (૧૯૯૫)
તડવી દંપતીના, ડૉ. ભગવાનદાસ પટેલ અને ઉપર્યુક્ત નિર્દ્રિષ્ટ સંપાદનો ઉપરાંત ભીલીગીતોના અભ્યાસનિષ્ઠ સંપાદક શાંતિભાઈ આચાર્યના ગુજરાંનો રેલોના સમીક્ષિત પાઠના સંપાદનોમાંથી પ્રાપ્ત ભીલીગીતો, જયંતીલાલ સો. દવે, જયાનંદ જોશી સંપાદિત ‘રાજના છેલીયા’ ગીતો, ડાહ્યાભાઈ વાઢુ, હરેન્દ્ર ભટ્ટના વીરડોના સંપાદનો જેવા આઠ દશ સંપાદકોના ત્રીસેક જેટલા સંપાદનોની સામગ્રીને મેં અહીં ભીલી લોકગીતના સ્વરૂપની ચર્ચા માટે એના ભાવજગતને આધારે સ્વરૂપગત લાક્ષણિકતાઓ તારવવાનો પ્રયાસ કર્યો છે. સિદ્ધાન્ત વિચારણા એ પશ્ચાતવર્તી પ્રવૃત્તિ છે. એનું મૂલ્ય પણ ખૂબ છે પરંતુ જે-તે સ્વરૂપની વિપુલમાત્રામાં રચનાઓ પ્રાપ્ત થાય પછી જ સ્વરૂપલક્ષી સૈદ્ધાન્તિક અવધારણા શક્ય બનતી હોય છે. લોકમહાકાવ્યની સ્વરૂપ અવધારણા પછી આજે ‘ભીલીગીત’ની અવધારણા સ્થાપવાનું કે રચવાનું બને છે.

• પ્રજા અને પંચમહાભૂતથી પરિપ્લાવિત- ‘ભીલીગીત’ ::

આપણા સમયના ભીલી લોકવિદ્યાના વરિષ્ઠ વિદ્વાન અને લોકવિદ્યાશાખાના સંન્નિષ્ટ સંશોધક ડૉ. હસુ યાજ્ઞિકે એમના ‘લોકવિદ્યાવિજ્ઞાન’ ગ્રંથમાં આદિવાસી લોકવિદ્યાને સ્વતંત્ર અને સ્વાયત્ત ધારા તરીકે ઓળખાવી તર્કપૂત રીતે કારણો દર્શાવીને એના આગવાપણાનો-અનોખાપણાનો પરિચય કરાવ્યો એ ગુજરાતી લોકવિદ્યા અભ્યાસક્ષેત્રની એક ઐતિહાસિક અને સીમાસ્તંભક બાબત છે. ગ્રામીણ લોક અને ભીલઆદિવાસી લોક આ બન્ને પ્રકૃતિ અભિમુખ છે પણ એમાં સતત પ્રકૃતિને ખોળે જ વસતી વનનિવાસી-વનવાસી પ્રજામાં પ્રકૃતિનો પ્રતિઘોષ વિશેષ માત્રામાં સંભળાય છે અને દ્રષ્ટિગોચર થાય છે.

આદિવાસીલોકની માન્યતા છે કે ધરતીમાતા-પૃથ્વી પ્રથમ જળરૂપે જળમાં હતી. એનું બીજ સાતમે પાતાળે અગાધ ઊંડા જળના નિવાસી વાસુકિનાગની ફણામાં હતું. ત્યાંથી એને મુક્ત કરાવી, મેઘને ઈન્દ્રદેવ માનવાનું વલણ, પર્વતને દેવ માનીને એની બાધા-માનતા રાખવાનું વલણ, અગ્નિ અને વાયુ પરત્વે પણ આવો જ ભાવ પ્રગટે છે એમના વ્યવહાર અને વર્તનમાંથી. જમીનને ખોદતાં પહેલાં તેની ક્ષમા પ્રાર્થતું ગીત-મંત્ર સમાન છે. જળની પણ આવી જ પ્રાર્થના છે. અથર્વવેદની ઋચા ‘માતા: ભૂમિ પુત્રોડહં પૃથીવ્યા:’ ભૂમિ ધરતી માતા છે અને પૃથ્વીનો હું પુત્ર છું નો ભાવ અહીં વનવાસી પ્રજાના વિધિ, વિધાન અને વ્યવહાર-વલણમાંથી પ્રગટતો દ્રષ્ટિગોચર થાય છે. પર્યાવરણ સાથેનું તીવ્ર જોડાણ એમાંથી પ્રગટે છે.

રેવાબહેન તડવી સંપાદિત ‘નીંદણાનાગીતો’ (૧૯૬૭) અને ‘કેસૂડો કામણગારો’ (૧૯૮૩)માંના પ્રકૃતિમૂલક અને પ્રકૃતિકેન્દ્રી ભીલીગીતો એનાં બળવાન ઉદાહરણો છે. ‘સાહેલી રે આંબો મહોરિયો’ પણ રૂપકાત્મક પ્રકારનું ભારે હૃદયસ્પર્શી ઉદાહરણ છે. બીજા પણ એક ભીલી ગીતનાં ભાવવિશ્વનો પરિચય મેળવીએ.

‘હે સરસ્વતી માતા તું અમારા મંડપમાં રમવા પધાર. મારા હૈયા ઉપર ભજનની લહેર મૂક, મારા તંબૂરના તારમાં ઊતર અને મારા બોળિયાના કંઠના તાળા ખોલ.’ ભાવ, ભાષા, ઉપમાનમૂલક ઉક્તિઓ તો શ્રવણથી જ સાચી રીતે પમાય પરંતુ એનું આ ગુજરાતી રૂપ પણ ઓછું આનંદપ્રદ નથી.

‘રૂપાંરાણીની વારતા’માં નાયિકાના રૂપને હોળીની જ્વાળા જેવું તેજસ્વી, દાહક અને છતાં હુંફ આપવાવાળું વર્ણવ્યું છે. આ બધા વર્ણનો અને ઉપમાઓ પ્રજાની કલ્પનાશક્તિના તથા પ્રકૃતિ સાથેના તાદાત્મ્યના દ્યોતક છે.

મને દોઢેક દાયકાપૂર્વે વનવાસી ભીલી ગીતોના પ્રસ્તુતકર્તા હરમાબહેનના બુલંદ કંઠમાંથી વહેતી આ ગરવીવાણી-વાકધારાનું શ્રવણપાન કર્યાનો પૂર્ણ સંતોષ છે. આજે ભીલીગીતોના સ્વરૂપનું આલેખન કરવા બેઠો છું ત્યારે એ ગાતા અને હાથના ઉલાળા લેતાં વયોવૃદ્ધ હરમાબહેન તાદ્રશ થાય છે. ભાઈ નિરંજન રાજ્યગુરુએ ત્યારે કહેલું કે આવા તાલ અને ઢાળ ગુજરાતી લોકગીતોમાં ક્યાં? મેં કહેલું કે, આવા અસલ મિજાજના ગાયિકા પણ કયાં? હવે આજે સમજાય છે તાલનો-લહેકાનો પ્રશ્ન સૈદ્ધાન્તિક પીઠિકાની પાર્શ્વભૂ સમો હતો પણ એ અંગુલિનિર્દેશ અસંપ્રજ્ઞાતપણે આ ધારાની ઈન્ડિજીનસ મદ્રા મારા ચિત્તમાં ઉપસી આવી હશે.

ગાથા સપ્તશતીની એક ગાથાનો ડૉ. હરિવલ્લભ ભાયાણીએ અનુવાદ કર્યો છે :

‘વિરહની રાત હોય
કે
મિલનની રાત હોય
નિદ્રા તો હોતી જ નથી.’

આ પ્રકારની પુરાણી-ગાથાની ભાવસામગ્રી સંદર્ભે અહીં ભીલી ગોઠિયાના પ્રેમ સંદર્ભે ગોઠણનો ઉદ્દગાર અવલોકીએ–

‘નાંનકી ઓતી રોવરાવતો લા ગોઠા,
અવ રોવરાવે મજા આવેલા રા ગોઠા.’
હું બાલિકા હતી ત્યારે મને રડાવતો પણ હવે પુખ્તવયની થયે પણ તું મને રડાવે છે (સહશયન સુખથી અથવા વિરહથી).

વેદનશીલ અને દુર્નિવાર દારુણ-કરણને નિષ્પન્ન કરાવતા ગોઠણના ગીત ઉદ્દગારો ભારે કરુણ છે –
‘તેળુમાં લોટી લોટી રમતા રે કાળા,
મગરાં-માળા જોતા મરિયે કાળા
કેટાં રોકતાં માયા લાગી રે કાળા
મગરાં-માળા જોતા મરિયે કાળા
ખોળામાં માથું મેલી રમતા રે કાળા
મગરાં-માળા જતા મરિયે કાળા.’

ધૂળ-રેતમાં ઊંઘવાની રમત રમતા’તા, ઘેટાં ચરાવતાં-ચરાવતાં તારી સંગત થઈ, માયા લાગી. એકબીજાના ખોળામાં માથું મૂકીને રમતા’તા, એના સાક્ષી સમાન આ ડૂંગરો, વોંકળાઓ છે એને અવલોકતા-અવલોકતા અને દ્રશ્યને મનમાં ભરીને મૃત્યુને ભેટીએ. એમની અપેક્ષા-આકાંક્ષા સિસૃક્ષા તો પ્રકૃતિને સાથે કાયમ સંગાથે રહીએ એ રીતે મૃત્યુને ભેટવાની છે.

હોળીગીતોમાં, હોળી માતાની સ્તુતિમાંથી ઉપસતી ભીલ પ્રજાની કલ્પનાશક્તિ કેટલી મૌલિક અને સદ્યોગામિતા સભર છે તેનો ખ્યાલ તૂર્ત જ ગીત સાંભળતા જ આવી જાય છે.

‘ઓળી માતા મેંગસંણ ઉતરો રે
માથે મેલો ઝાલરિયો ટોપ રે
સોવની થાળીઓમાં દીવા ઝળ રે
લીલે નાળે રે નૂતરાં કરાં રે
ઢોલરાંને ઘૂમરે માતા આવે રે.’

હે હોલિકામાતા તમે પર્વત ઉપરથી નીચે પધારો માથે ઝગમગતો-ઝગારા મારતો મૂગટ ધારણ કરો, સુવર્ણ થાળમાં દીવડાઓ ઝગમગે છે. લીલા નાળિયેરે અમે તારાં વધામણાં કર્યા છે. ઢોલીડાના ઢોલના ધબકારે માતા તમે પધારો.

હોળીગીતમાં પરિવાર સંકલ્પનાનો પરિચય કરાવતું કુટુંબજીવન મીઠી મહેક પ્રગટાવતું એક ગીત તો ભારે હૃદયસ્પર્શી છે એનો એક અંશ આસ્વાદીએ.

‘પેંરણા હું હું વોરી લાઓ રે
લાઓ હોનું હોળમું રે
પેંરણા હું કેમ પેરુ એકલી રે
અમે નણદીન પોઝાઈ
વોટી વેંચીને પેરીએ રે....’
હોળી પ્રસંગે નાયિકા પૂછે છે : પતિદેવ મારા માટે શું ખરીદી લાવ્યા ?’ પતિ કહે છે કે, ‘હું તો સોળવલું સોનું લાવ્યો.’ નાયિકા કહે છે કે, ‘હું એકલી કઈ રીતે ધારણ કરું? મારે નણંદ અને ભોજાઈ પણ છે, અમે બધા વહેચીને ધારણ કરીશું. પહેરીશું ને મહાલશું.’

ગોઠિયા-ગોઠણનાં ગીતોના ભગવાનદાસ પટેલે ચાર પ્રકાર પાડ્યા છે -
૧. પૂર્વરાગ
૨. મિલન સમાગમ
૩. વિરહ
૪. જારપ્રેમ / પરકીય

આ ગીતોમાં કથનકેન્દ્ર મહિલા છે. રેવાબહેન તડવી સંપાદિત ભીલી ગીતોમાં પણ અનેક ઉદાહરણો ભગવાનદાસના વિભાગીકરણને સમર્થિત કરનારાં છે. જયાનંદ જોશી અને અન્યના ભીલી ગીતોના સંપાદનોમાંથી પણ વિરહગીતોની ભાવસામગ્રીના વિપુલ ઉદાહરણો મળે છે.

ભીલ સમાજની ગીત સંપદામાં દામ્પત્યજીવનના પ્રસંગોને આલેખતા કે આલોચતા ગીતો પ્રાપ્ત નથી. પ્રેમભાવના પ્રસંગો માત્ર ને માત્ર ગોઠિયા-ગોઠણના જ નિરૂપાયા છે. રૂડું દામ્પત્ય અને તેની વડછડ અહીં લગભગ બધા સંપાદકોના સંપાદનોમાં અનુપસ્થિત છે.

લગ્નગીતો તો ભારે વૈવિધ્યપૂર્ણ છે. એના કથનકેન્દ્રમાં પણ મહિલા છે. જમણાં (જમવાનાં) ગીતો અને જગાડવાનાં-પ્રભાતિયા જેવાં કુકરિયા ગીતો ઉપરાંત પીઠીનાં, ચોરીનાં અને કન્યાવિદાયનાં ગીતો, બાધાનાં ગીતો, વધામણીનાં ગીતો, હોળીનાં ગીતો, ગોરનાં ગીતો, ખાસ કરીને રેવાબહેને, ભગવાનદાસે અને પુંડલિક પવારે ખૂબ જ વિગતથી આ પ્રકારના ભીલીગીતો વિપુલ માત્રામાં એકત્ર કર્યા છે. ભીલી પ્રજાનો આ પ્રસંગનો ઉત્સાહ પણ ઉદ્ધૃત વાક્ય ‘ઝીવરા રાઝૂ થઈને કિલોલ કરે છે’ માંથી મળી રહે છે. ‘રોઈ રોઈ મારા ડોળા દુખે’ ઉદ્દગાર આજીવન વિરહને જીરવીને જીવતી, ગોઠવાતી નારીચિત્તનો કરુણભાવનો વ્યંજક છે – ‘એ દનરા સેતે આવેલા ગોઠા કાળા મગરે કેટા રોકતાંલા ગોઠા’ એ દિવસો સદાય યાદ રહેશે કે આપણે કાળાડુંગરે કેવું અને કેટલું રોકાતા. એમાંથી પણ દ્રવે છે કરુણ.

‘ડુંગરા રોહે, જાળા રોહે, મોટા
મોટા રુખા રોવરાવિયાં
ગોઠિયા હો રો રેજેલા.’

માત્ર આપણે જ રડશું એમ નહીં પરંતુ જ્યાં મળતા એ ડુંગર, જાળા, જાખરાં અને મોટામોટા વૃક્ષો પણ રડશે આપણે જુદા-છૂટા પડ્યાથી.
વનવાસી, ગુફાવાસી અને વલ્કલધારી, માંસાહારી અને મત્સ્યાભક્ષી માનવ સમુદાય દ્વારા ચમત્કારિક રીતે દશેક હજાર વર્ષ પૂર્વે કૃષિ સંસ્કૃતિની શોધ થઈ આ કારણે એ વલ્કલધારીમાંથી વસ્ત્રધારી બન્યો તથા માંસાહારી મટીને અન્ન આહારી થયો, એ સાથે જ એ વનવાસી મટીને ગ્રામવાસી અને પછી સમય જતાં નગરવાસી-વિદેશવાસી બનવા સુધી વિકસ્યો. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ ઔદ્યોગિક ક્રાંતિને ટેકનોલોજીકલ વિકાસને લીધે મહાનગરો અસ્તિત્વમાં આવ્યા અને સ્થળાંતરણની પ્રક્રિયાએ ગતિ પકડી.

આમાં પ્રારંભનું વનવાસી રૂપ ભીલ પ્રજાના ભીલીગીતોમાં અકબંધ રહ્યું. ત્યાંથી જાવન હતી પણ આવન ન હતી. ગ્રામીણ અને નગર વચ્ચે આવન-જાવન રહી. ગ્રામીણની ગતિ પણ નગર તરફની રહી, એટલે ગ્રામીણની પરંપરા એકદમ અકબંધ ન રહી. વનવાસી ભીલી પ્રજાની જ રહી. એમાં ઈન્ટરપોલેશન એકદમ નહીવત.

• સમૂહજન્ય અને સમૂહભોગ્ય કલાસ્વરૂપ - ભીલીગીત : (કોલાબરેટિવ અને કોમ્બિનેટિવ આર્ટ) ::

ભીલ સમાજના ગીતોના ભાવવિશ્વ અને અભિવ્યક્તિના સ્વરૂપમાંથી પસાર થતા મને જણાયું છે કે એ ખરા અર્થમાં સમૂહલક્ષી-સંઘલક્ષી છે. ધાર્મિક અનુષ્ઠાન-વિધિવિધાન હોય કે કોઈ તહેવાર-પર્વ પ્રસંગ, ઉત્સવ હોય ત્યારે જ આ ગીતો સમૂહ સમક્ષ, સમૂહ દ્વારા પ્રસ્તુત થાય છે. ગ્રામીણ લોકગીતો તો એકલદોકલ પણ ગાય ને સાંભળેય ખરા જ્યારે ભીલીગીતોની પ્રકૃતિ સમૂહજન્ય અને સમૂહભોગ્ય છે.

સમૂહ દ્વારા જ જન્મતું અને સમૂહ દ્વારા ભોગવાતા આ ભીલી ગીતના પ્રસ્તુતિકરણમાં શરીરના અવયનોની લચક, હાથના, પગના હલન-ચલનમાંથી ઉપસતો અભિનય અને એકબીજાના હાથને જોડીને એમાંથી પ્રગટાવાતી સંવાદિતા માત્ર દ્રશ્યાત્મકતાનો જ નહીં પણ એકતાનો અને અખંડિતતાનો અર્થ પણ રચી આપે છે. સ્ત્રીસત્તા-માતૃસત્તાનો સ્વીકાર, સહયોગ અને સહકારિતાના ભાવનું પ્રગટીકરણ ગીત પ્રસ્તુત કરનારા ગાતા સમૂહનો અભિનય છે. સ્ત્રીપુરુષ સંયુક્ત રીતે ગીત ગાય છે, અને પ્રસ્તુત કરે છે એનું ધ્યાન ધરતીમાતા સમક્ષ અથવા તો આકાશ સમક્ષ છે. કોઈ ઈશારા, લલચામણા, લોભામણા, ઈમ્પ્રોવાઈઝેશન એમાં દેખાતાં નથી. સમૂહ જુએ છે એની પરવા કર્યા વગર જાત સાથે સીધું અનુસંધાન સાધીને નિજાનંદ જ જાણે નાચતા-ગાતાં ગીતોને રજૂ કરતો આ સમૂહ સામેના સમાજ-સમૂહની દરકાર કર્યા વગર પ્રસ્તુત થાય છે. આ આખી બાબત દ્રષ્ટા જોઈ રહેલા સમૂહની દરકાર-પરવા કર્યા વગર કોઈને સારું લગાડવા કે સારા લાગવા કે દાદ લેવા માટેની અહીં કોઈ પ્રક્રિયા નથી. મને આ ભીલીગીતોને ગ્રામીણ લોકગીતોની પ્રસ્તુતિથી જુદું પાડતું આ ઘટક ખૂબ મહત્વનું લાગ્યું છે.
આવા પ્રસ્તુતીકરણને કારણે ખરો-નર્યો નિજાનંદ જ અહીં સમાવિષ્ટ છે. એ રીતે જાત સાથેનો, ભીતર સાથેનો સંવાદ ભીલીગીતો છે. લોકગીતના દાંડિયા, તાલી છે મટુકી રાસ જેવા પ્રકારો અહીં નથી. કારણ એ કે મોટા ભાગના ભીલીગીતો નાટ્યાત્મક પણ હોય છે ખાસ તો સમૂહ ગેય. અહીં છે માત્ર સ્પર્શ, જોડાજોડનો-સજોડેનો સ્પર્શ અને એકબીજાની ઉપર ઊભા-ઊભા નૃત્યની મુદ્રા પ્રગટાવવાનું વલણ. એમાં ચિચિયારી-કિકિયારી ઢોલનો ધ્વનિ પ્રસન્નતાની ક્ષણોને પરાકોટિએ પહોંચાડે છે. એ રીતે પણ ભીલીગીતો અનોખાં, આગવા અને અનન્ય છે. ભીલીગીતો એ સ્થૂળ રીતે સમૂહ દ્વારા પ્રસ્તુત થતાં ન લાગે પણ નર્યા જન્મતા કે સહજ રીતે પ્રગટતાં લાગે. સામૂહિક રીતે રસ મેળવતો, નૃત્ય જોતો અને ગીત સાંભળતો સમૂહ ખરા અર્થમાં એકલીન-તલ્લીન બની રહે. ભીલીગીતો માત્ર ગોળાકારે નહીં પણ પંક્તિબદ્ધ ચારેબાજુ ઘૂમતા-ફરતા રહેતા હોવાને કારણે અવલોકવા માટે અર્થાત્ સમગ્ર સમૂહને ભોગ્યતારૂપે ખરું અનુકૂળ બની રહેતું લાગે.

• મનમનામણાંની કલાનું પ્રતિબિંબ – ભીલીગીત : (મેકબિલિવઆર્ટ) ::

ભીલીગીતોનું પ્રસ્તુતીકરણ મોટેભાગે નાટ્યાત્મક પણ છે. હનુમાન, ગણેશ જેવાં ચરિત્રો વેશધારી બનીને ગીતના પ્રસ્તુતીકરણ વખતે સામેલ થયેલા હોય. ઘણાં ચરિત્રો પૌરાણિક કે ઐતિહાસિક પ્રસંગને ઊપસાવતાં હોય એ પણ વેશધારી બનીને છૂટથી હરતાં-ફરતાં શ્રોતા સમુદાયમાં ભળીને જાત-ભાતનાં અભિનય, કૂદકા દ્વારા મનોરંજન પૂરું પાડવાનું જ નહીં પણ મન માની જાય એવી કલાની કક્ષાએ આપણને પહોંચાડે છે. ‘ઢાઢીલીલા’માં દ્રષ્ટિગોચર થતાં ઘણાં તત્વો કે ઘટકો ભીલીગીતોમાં જળવાયા છે એ રીતે આ ભીલીગીતો લોકનાટ્યની સમીપ પહોંચી જાય છે. ભીલીગીતનાં પ્રસ્તુતીકરણમાં અભિનય કરતા ચરિત્રોની સામેલગીરી અને ગ્રામીણ લોકગીતોથી નોખું વ્યાવર્તક બનાવે છે.

તડવી દંપતિના સંપાદનો ભગવાનદાસ પટેલ, વીરચંદભાઈ પંચાલ અને નવજી ડાભી સંપાદિત ખેડબ્રહ્માના હોળી ગીતો, ડાંગનાં ડૉ. જયાનંદ જોશી સંપાદિત તથા પંડલિક પવાર સંપાદિત આદિવાસી હોળી ગીતો પ્રજાના નાટ્યાત્મક પ્રસ્તુતીકરણના પરિચાયક જણાયા છે. ભીલીગીતોના ગાયક આ ચરિત્રોએ ગાયન, નર્તન ઉપરાંત અભિનય કરવાનો છે અને ગીતના વાતાવરણને પ્રેરક-પોષક બની રહેવાનું છે. કહો કે ગીતના ભાવને અનુરૂપ-અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવાનું છે. નાટ્યાત્મકતા ભીલીગીતોમાં નથી પણ એના પ્રસ્તુતીકરણમાં છે. વ્યાખ્યાનમાં કે સંપાદનમાં ક્યારેય કોઈએ ક્યાંય અભિનયનું માર્ગદર્શન સૂચન કર્યું મેં જોયું-જાણ્યું કે સાંભળ્યું નથી. એટલે કોઠાસૂઝથી આપમેળે-આપબળે ભીલીગીતના પ્રસ્તુતીકરણ વેળાએ અભિનયતાનું તત્વ જાતિગત પરંપરામાં જન્મેલું જણાય છે. એ રીતે ભાવકોના મનને મનાવતું, આંશિક રીતે નાટકની સમીપ પહોંચાડતું ભીલીગીતોનું આ વિશિષ્ટરૂ૫ એનું આગવું રૂપ છે-સ્વરૂપ છે. એ કારણે આ આગવું એવું ઘટક તત્વ પણ ભારે મહત્વનું છે. ભારતીય પરંપરામાં સંગીત એ પર્યાય જ કેવળ ગાયન-વાદન પૂરતો સીમિત નથી. એમાં ગાયન, વાદન, નર્તન ત્રણે સંયોગી છે. આ પ્રાચીન પરંપરા ભીલી ગીતોમાં જોવા મળે છે. આ ગીતોમાં નર્તન, અભિનય અને ગાયન એ ત્રણે અંગો કેવળ આગંતૂક કે પૂરક જેવાં નહીં પરંતુ સહજન્મા જણાય છે.

• વિધિવિધાન સાથે પ્રગાઢ સંલગ્નતા ધરાવતું સ્વરૂપ - ભીલીગીત : (રિલેટેડ વીથ રિચ્યૂઅલ્સ) ::

સંખેડા, છોટા ઉદેપુર વિસ્તારના તડવી દંપતી સંપાદિત, દક્ષિણ ગુજરાતના જયાનંદ જોશી, ડાહ્યાભાઈ વાઢુ, પુંડલિક પવાર સંપાદિત કે ઉત્તર ગુજરાતના અને ભગવાનદાસ પટેલ, સંપાદિત ભીલીગીતોને અવલોકતા એક ઉલ્લેખનીય બાબત તો એ ધ્યાનમાં આવી કે આપણે ત્યાં લગ્ન કે જનોઈના, સીમંતના-રાંદલનાં ગીતો વિધિવિધાન સાથે સંકળાયેલાં થોડાં ગીતો પરંતુ વિધિવિધાન સાથે ન સંકળાયેલા હોય એવા ગીતો વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે જ્યારે ભીલી પ્રજામાં તો ગોર, લગ્નપ્રસંગ, વધામણાં, મેળા ધાર્મિક-સામાજિક ઉત્સવ પ્રસંગે બહુધા વિધિવિધાનના એક ભાગરૂપે જ ભીલીગીતો પ્રસ્તુત થતાં હોય છે.

મેળામાં ગવાતાં ગીતો સાથે ઢોલ વાજિંત્રરૂપે સંકળાય છે જ્યારે ઉત્સવ પ્રસંગે સાંગ નામનું ચર્મવાદ્ય સંકળાતું હોય છે. મેળામાં ગવાતાં ગીતોનો વિષય સામાજિક હોય છે જ્યારે દિવાળી જેવા ઉત્સવ-પર્વ પ્રસંગે ગવાતા ગીતોનો વિષય ધાર્મિક તથા કથાસંલગ્ન પણ હોય છે. આમ, વાદ્ય અને વિષયસામગ્રી સંદર્ભે મેળાના-ઉત્સવના કે ધાર્મિક પ્રસંગના વિધિવિધાનની સાથે સંકળાયેલ ગીતો અલગ અલગ પ્રકારનાં હોય છે. ધાર્મિક વિધિ સાથે સંકળાયેલ ગીતોમાં પુરાકથાઓ વિશેષરૂપે પ્રયોજાયેલ દ્રષ્ટિગોચર થાય છે. નાનજી મહેશ્વર પાઠક સંપાદિત ‘ભીલના ગીતો’ (૧૯૧૫), પુષ્કર ચંદરવાકર સંપાદિત ‘નવો હલકો’ (૧૯૫૬), રેવાબહેન તડવી સંપાદિત ‘તડવી લગ્નગીતો અને વિધિઓ’ (૧૯૮૧), ભગવાનદાસ સંપાદિત ‘ભીલોનો લોકોત્સવ ગોર’ (૧૯૯૪), ‘ગિરિમાળાના ટહુકા’ (૧૯૯૮) વિજય ભાગોરી અને જયંતીલાલ સો. દવેના ‘બનાસકાંઠાના લોકસંસ્કાર અને સંસ્કૃતિ’ જેવા ગ્રંથોમાંથી અનેકવિધ પ્રકારના વિધિવિધાનના નિર્દેશો સાંપડે છે.

વિધિ-વિધાન વધુ દિવસો સુધી અવિરતપણે ચાલનારાં હોય એટલે એ ગીતો પણ લંબાય છે. લોકકથાકાવ્યો કે એ પ્રકારના ગીતો બેઠાં-બેઠાં રજૂ થતાં હોવાને કારણે એમને ‘બેઠોર ગીતો’ કહે છે. ભીલીગીતોમાં આ એક વિશિષ્ટ પ્રકાર છે.

ગીતોનું પ્રસ્તુતિકરણ મનોરંજન માટે નથી પણ વિધિ સાથે સંકળાયેલું છે. મનોરંજન એ આડપેદાશ છે. મૂળે તો એમાંથી ઊપસતું જે-તે વિધાન સાથે સંકળાયેલ ભાવને ઊપસાવતું તત્વ ગીતને વિશેષ આસ્વાદ્ય બનાવનારું છે. ભીલીગીતોનું આવું વિધિવિધાન કે આ પ્રસંગ સાથેનું અનુસંધાન એને સાવ સામાન્ય બનતા અટકાવનારું તત્વ છે. એ ગમે તે સમયે, ગમે તેના દ્વારા રજૂ થતું નથી, એમાં પરંપરિત રૂપની પ્રસ્તુતિકરણની રીત જાળવવાની પણ હોય છે અને વિધિવિધાન સાથે જ એ અનુસંધિત હોય છે.

• આગવા પ્રકારનું પ્રસ્તુતિકરણ - ભીલીગીત : (ઈન્ડિજિનસ મોડ ઓફ પ્રેઝન્ટેશન) ::

અલિખિત શાસ્ત્રીયતાનું તત્વ આ ગીતોમાંથી પ્રગટે છે. કોઈપણ સામાજિક પ્રસંગે ચર્મવાદ્ય સાથે ભજન-ગીત-ગવાય-પ્રસ્તુત થાય. વિધિસંલગ્ન ભીલી ગીતોનું ગ્રામીણ પરંપરાથી જુદું પડતું લક્ષણ એ છે કે ભીલોમાં પ્રભાત સમયે આદિ-મધ્યઅંતથી બાંધેલી સળંગ કથાઓ ગણાતી હોય છે અને તેમાં કરુણાંત કથાઓ પણ ગવાય છે. ગ્રામીણ-નાગરિક લગ્નગીત પરંપરામાં ફુલેકા જેવા પ્રસંગે રામ, કૃષ્ણ, પાંડવકથા સલોકા રૂપે ગવાય કે પછી ચોરી જેવી વિધિ સમયે શિવ-પાર્વતી-લગ્ન ‘ઈશ્વરવિવાહ’ ગવાય છે. તેમાં સંક્ષેપમાં જ કથા હોય છે, અથવા તો સંબંધિત પૌરાણિક કથાનો કોઈ એક પ્રસંગને જ વિષય કરતી રચના ગવાય છે, જ્યારે ભીલી પરંપરામાં તો આવા પ્રસંગે પણ લગભગ પૂરી કથા, વર્ણનાશ્રયી ગદ્યનો તથા ભાવાશ્રયી નર્તનનો પણ અશ્રય લઈને ગાવામાં આવે છે. ખેડબ્રહ્માના ડુંગરી ભીલ આદિવાસીઓમાં લગ્ન સમયે પ્રભાતમાં ખૂતાંનો રાજવી, અરહીકુંવર, હોટી રાણી, ઢોલા-મારુણી, તરસિંહરાજ, વગેરેની સુદીર્ઘ કથાઓ ગવાય છે. (જુઓ, ‘ભીલ ગીત સંપદા’, ડૉ. ભગવાનદાસ પટેલ, માહિતી વિભાગ, ગાંધીનગર, ૨૦૦૮, પૃ.૪૦, અને પછીના પૃષ્ઠો). જો કે અહીં એ સ્પષ્ટતા કરવી જોઈએ કે ડૉ. ભગવાનદાસ પટેલે લગ્ન નિમિત્તે પ્રભાતે પણ ગવાતી સુદીર્ઘ જે કથાઓ આપી છે., ભીલ સાધુની પરંપરાની છે અને તેના માહિતીદાતા ખાંટ હરમાબહેન દેવાભાઈ છે. આથી સંભવ છે કે જે આદિવાસી કુટુંબમાં આવી બારોટી-પરંપરાના જ એક વિશિષ્ટ પ્રકાર એવા ભીલી સાધુ ગાયક કથાકારો ન હોય કે એમને બોલાવવાની જે લોકોને સુવિધા ન હોય તેમનાં લગ્ન પ્રસંગની વિધિમાં આખી દીર્ઘ કથાઓનાં ગાન ન પણ હોય. જો કે આથી ભીલી કે અન્ય આદિવાસી જાતિઓનાં લોકગીતોમાં, ખાસ તો વિધિસંલગ્ન લોકગીતોમાં કથાઓ, નૃત્ય હોય છે, એવું વ્યાવર્તક લક્ષણ તારવવામાં ક્યાંક ક્ષતિ આવતી નથી. કેમ કે, લગ્નમાં દીર્ઘ કે મધ્યમ કદની કથાઓના સનૃત્ય ગાન અને કથનની પરંપરાનું પ્રવર્તન સાર્વત્રિક રૂપમાં રહ્યું ન હોય તો પણ, આ તથ્ય ભીલી લોકગીતનું આગવું લક્ષણ છે જ. ડાહ્યાભાઈ વાઢુએ પણ ડાંગની સાળવાંની કથા આપી છે, તે પણ મૃત્યુ સમયે જ કહેવાતી કથા છે. આમ, લગ્નાદિ વિવિમાં ગવાતી કથાશ્રયી કૃતિઓ અને તેમાં સંતૃપ્ત ગાનને ભીલી લોકગીતનું વ્યાવર્તક એવું તત્વ કહી શકાય અને એ જ તો આદિવાદી ગીતોને સર્વસામાન્ય એવા ગ્રામીણ-આદિવાસી સ્ત્રોતના લોકસાહિત્યથી જુદું પાડે છે.

એ જ રીતે મેળામાં ઢોલ સાથે ગોઠિયાનાં ગીતો રજૂ થાય. દીપાવલી પ્રસંગે ગવાતા ‘અરેલાં ગીતો’નો ઉપાડ અન્ય દ્વારા ન થાય, એથી દેવી-દેવતાની ગરિમાનું હનન થાય. મેળામાં ગવાતા ગીતોનો ઉપાડ અન્ય દ્વારા થાય. આમ, એક પ્રકારની શાસ્ત્રીયતા-સિદ્ધાન્તિક પીઠિકા આ પણ ભીલીગીતો ધરાવે છે. જે આપણા લોકગીતમાં ક્યાંય છે નહીં. આમ, વિષયસામગ્રી અને પ્રસ્તુતિકરણ માટેનું વાદ્ય ભિન્ન ભિન્ન પ્રકારના ગીતો સાથે ચોક્કસ પ્રકારના સ્વરૂપે જળવાયેલું રહે છે આ તેની સૈદ્ધાન્તિક પીઠિકા છે. પ્રસ્તુતિકરણની રીતો (મોડ ઓફ પ્રેઝન્ટેશન)માંથી એની સાથે સંકળાયેલા કેટલાંક સંદર્ભો સ્પષ્ટ થાય છે. એના ઉદાહરણોમાંથી-દ્રષ્ટાંતોમાંથી પ્રસ્તુત કરવાની રીતનો પરિચય પ્રાપ્ત થાય છે.

‘મેઘ ઓઝ ઝેંણા ધધમ’ મેઘની જેમ ધીમે-ધીમે ગરજો ‘હાકરિયાગીતોનો ગિતારિયો’ સાકર જેવા મધમીઠા ગીતોનો ગાનારો રિવરિયો – કિકિયારી - ચિચિયારીના ધ્વનિ સમૂહ-શ્રોતા-દ્રષ્ટા દ્વારા રેલાય. આ કારણે ગીતારિયાને-ગીત ગાનારને જો તેમ અર્થાત્ શૂરાતન, આવેગ, આવેશ અને પ્રસન્નતાના પૂર - ઊર્મિ ઓધ ઉછાળવામાં ચઢાવવામાં કારણભૂત હોય છે.

કિકિયારીના પણ વિવિધ અર્થ ગીત સંદર્ભે ખૂલતા હોય છે. કિકિયારીનો અર્થ તો ગીતના ભાવને આધારે જ ખોલી શકાય. કિકિયારી અર્થપૂર્ણ હોય એ ભીલી સમાજના લોકગીતની દેણગી છે. હર્ષાવેશની કિક્યિારી, શત્રુઓને લલકારતી કિકિયારી, દુ:ખ-વિરહને જન્માવતી કિકિયારી-એમ વિવિધ પ્રકારની કિકિયારીઓ ગીતના ધ્વનિને પુષ્ટ કરે છે અને શ્રોતાની ખરી-પૂરી સહભાગિતાનો પણ પરિચય કરાવે છે. આને આધારે જ પ્રેમભાવના ગીતો કે વીરરસના ગીતોમાંના શૃંગાર અને શૌર્યના ભાવને ઉદ્દીપન માટે પ્રારંભે જ કિકિયારીના ઉચ્ચારણથી ભાવકને સાબદા કરવામાં આવે છે.

***

ભીલીગીત ગુજરાતી લોકગીતના સંદર્ભે ભારે અણિશુદ્ધ વાચનાને કારણે તો અનોખું છે જ, એમાં ઈન્ટરપોલેશન નહીંવત્ છે. અન્ય સભ્યતા પ્રભાવ રૂપે એમાં ભળી નથી એ કારણે ગુજરાતના ઉષાકાળની આરંભની ભીલીગીત રચનાઓ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. એમાંનો રૂઢ અને તીવ્ર રૂપનો પ્રકૃતિ પરિવેશ અને વેદ-ઉપનિષદની વાણીના અનુસંધાન રૂપની રચના તરીકેના સ્થાન અને માન અપાવે છે.

ભીલી પ્રજા અને પર્યાવરણના પ્રમાણભૂત તત્વો સાથેનું તીવ્ર જોડાણ, એની સમૂહભોગ્યતા અને સમૂહજન્યતા, મનમનામણાની કક્ષા તથા વિધિ-વિધાન સાથેની અનિવાર્ય એવી સંલગ્નતા તથા આગવું-અનોખું પ્રસ્તુતિકરણ એને ગુજરાતી લોકગીત કરતા અનેક રીતે નોખી મુદ્રા-અનોખી છબિ પ્રદાન કરે છે. ભીલી લોકગીતોમાંથી પસાર થતા અહીં થોડાં નિરીક્ષણો મને તૂર્ત જ ધ્યાનમાં આવ્યાં અને જણાયાં એ તારવ્યા છે.

આ બધાં નિરીક્ષણો, તારણો વગેરેથી જેને આપણે સમગ્રરૂપમાં આદિવાસી કહીએ કે પછી ભીલી કહીએ તેની પરંપરાના લોકગીતોનું સ્વરૂપ તારવવાનું કેટલુંક દિશાસૂચન મળે છે. આને આધારે જ, જો આ પ્રવાહના લોકગીતનું સ્વરૂપ નિશ્ચિત કરવું હોય તો આવાં ગીતો-૧. ક્યા ક્યા નિમિત્તે ગવાય છે. ૨. એની રજૂઆત કેવી રીતે થાય છે. ૩. જીવનચક્ર-ઋતુચક્ર-સંસ્કારવિધિ-પર્વોત્સવ સાથે એનો ક્યાં-કેટલો અનુબંધ છે. ૪. એમાં જે Content આવી તેનાં મૂળ, સ્વરૂપ કેવાં છે અને ૫. એ Contex અને Contentથી એનું એક જાતિગતરૂપ બંધાય છે તે કેવું છે અને તે Genreમાં ગીતના ઊર્મિકાવ્ય, કથાકાવ્ય, મહાકાવ્ય, લગ્નગીત, હોળીગીત, ઉત્સવગીત, લૂંટધાડ જેવા પ્રસંગનાં ગીત, પ્રેમગીત, ઋતુગીત એવા અનેક પ્રકારો, એનાં Various Forms પણ દ્રષ્ટિમાં આવે. વિવિધ અભ્યાસીઓ દ્વારા પોતપોતાનાં ક્ષેત્રોમાં આ અંગે ઘણું કામ થયું છે તેને દ્રષ્ટિમાં લઈને કોઈ અભ્યાસી સ્વતંત્ર રૂમાં સઘન અભ્યાસ હાથ ધરે તો જ ભીલી લોકકાવ્ય કે પછી આદિવાસી લોકગીતનું વાસ્તવિક સ્વરૂપ અવગત છે. આપણી પાસે અત્યારે છે તે એક પ્રવાહ છે, એની જ સામગ્રી આપણને ભીલી લોકગીતના સ્વરૂપના અભ્યાસ સુધી પહોંચાડી શકે.

ભીલીગીતના આગવા-અનોખા-ઈન્ડિજીનસ-સ્વરૂપ સંદર્ભે થોડો વિમર્શ કેન્દ્રીય સાહિત્ય એકેડેમીના આ ભીલીગીતના પરિસંવાદમાં બીજરૂપ અભિભાષણ સંદર્ભે કરવાનું બન્યું એનું શ્રેય ભીલીગીતોના સર્વે સંપાદકોને અને આ સૂઝપૂર્વકના પરિસંવાદમાં મને નોતરવવા-જોતરવા બદલ ડૉ. વિનોદ જોશીને છે.


0 comments


Leave comment