2.16 - લોકદેવી ખોડિયારનું ચારણીગીત : આસ્વાદ અને અવબોધ / બળવંત જાની


કંઠસ્થ પરંપરાના ચારણીગીતો ગુજરાતી લોકગીત પરંપરા અને પ્રવાહનું એક વિશિષ્ટ પાસું છે. બીજું વિશિષ્ટ પાસું ભીલી વનવાસી પ્રજાના આદિવાસી લોકગીતો. આ બંને પરંપરાના ગીતો ગુજરાતી કંઠસ્થ પરંપરામાં બહુ ઓછા ચર્ચાયા છે. ચારણી ગીતો કોઈને કોઈ ચારણી છંદમાં રચાયેલા હોય છે તથા એના કર્તા નિશ્ચિત હોય છે. આ કારણથી એક છેડેથી કંઠસ્થ પરંપરાના ભજન સાથે અને અર્વાચીન પરંપરાના સોનેટ સાથે અનુબંધિત પણ છે. ચારણીગીતોમાં પાઠભેદ લગભગ અવલોકવા મળ્યા નથી એનું કારણ છંદનો ચુસ્ત રીતે વિનિયોગ તથા નાદનું પ્રાગટ્ય પ્રસ્તુતિકરણ વખતે યથાતથ પરંપરિત રીતે જળવાયેલું હોય એ જણાય છે. ચારણી ચરજ, બારમાસી, કવિત-ગીત ગુજરાતી કંઠસ્થપરંપરામાં મધ્યકાલીન અર્વાચીન સાંપ્રત સમય સુધી સર્જાતા રહ્યાં છે. ચારણી ગીતો બહુધા પ્રશસ્તિ ગુણસંકિર્તન કે સ્તવન પ્રકારના હોય છે. લોકદેવી, ચારણ આઈ વિશેના અને રાજવીઓ વિશેના ગીતોમાં પરચા, પરાક્રમ અને પુણ્યકાર્ય વિશેષ ભાવે નિરૂપતા હોય છે. પિંગળશી મેઘાણંદ ગઢવી, પિંગળશીભાઈ નરેલા, શંકરદાન દેથા, કવિ આપ, કવિ દાદ, તખ્તદાન અને જીતુદાન આદિના ગીતોનો વિશેષ રીતે આ સંદર્ભે અભ્યાસ થવો જોઈએ. અહીં ભાવનગરના રાજકવિ પિંગળશીભાઈ નરેલાની ખોડિયાર વિશેની લોકપરંપરાઓમાં ખૂબ જ લોકપ્રિય ભાખડી છંદમાં રચાયેલી રચનાનો આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે.

આપણાં દેવી-દેવતાઓનું સાહિત્ય પરચાઓથી વિશેષ પ્રભાવિત હોવા છતાં એમાં લોકમાનસ, લોકસંસ્કૃતિ અને તત્કાલીન સામાજિક પરિબળો પણ સ્થાન પામેલા હોય છે. નૃવંશવિદ્યાના – એન્થ્રોપોલોજીના અભ્યાસીઓ લોકોના અભ્યાસની સાથે આવા લોકદેવી-દેવતાઓનો પણ આ કારણે અભ્યાસ કરતા હોય છે.

શિષ્ટસમાજ માન્ય, પુરાણ પરંપરાથી પ્રચલિત દેવી-દેવતાઓ કરતા લોકસમાજ માન્ય અને પ્રાદેશિક પરંપરામાં પ્રચલિત લોકદેવી-દેવતાઓનું શાસ્ત્ર પણ સમજવા જેવું છે.

છેલ્લા બે-એક સૈકામાં જ્ઞાતિ કે લોકમાં સ્થાપિત દેવી-દેવતા સમગ્ર સમાજમાં પ્રસર્યા હોય, માન્ય થયા હોય એવા ઉદાહરણો તપાસવાનો પ્રારંભ કર્યો. તો લોહાણા જ્ઞાતિના સંત જલારામ ભક્ત હવે માત્ર જ્ઞાતિ પૂરતા જ નહીં પણ સમગ્ર સમાજના આરાધ્ય બન્યા છે. એટલું જ નહીં પણ એના મંદિરો પણ થવા લાગ્યા છે. એવું બીજું ચરિત્ર છે ચારણદેવી ખોડિયારનું. એ હવે પણ ચારણ જ્ઞાતિના જ આરાધ્ય નથી રહ્યા સમગ્ર સમાજના આરાધ્ય બન્યા છે. એના સ્થાનકો પણ ઠેર-ઠેર ઊભા થયા છે.

ભાવનગરના રાજ્યના રાજકવિ પિંગળશીભાઈ નરેલા ચારણી સાહિત્યના બહુ મોટા ગજાના કવિનું સ્થાન-માન પામેલા છે. એમના વિપુલ સાહિત્યનો ચારણી પરંપરાનાં સંદર્ભમાં કોઈએ અભ્યાસ કરવા જેવો છે. ચારણ છંદો પરનું તેમનું પ્રભુત્વ અનન્ય છે. તેમણે ખોડિયાર માતાનું સ્તવનકાવ્ય ભાખડી છંદમાં રહ્યું છે એ મને વિશિષ્ટ લાગ્યું છે. ખોડિયાર વિષયક ચારણ ધારાનું અને અર્વાચીન કવિઓ દ્વારા રચાયેલી ધારાનું સાહિત્ય વિપુલ માત્રામાં છે એમને કસેટસ પણ વિપુલ છે, એમના વિષયે રાસ-ગરબા અને ભક્તિસ્તવન રચનાઓનો અભ્યાસ કરવાથી લોકસંસ્કૃતિનો પરિચય મળી રહે. ભાખડી છંદ લાંબે રાગે ગવાતો હોય, એમાંના જી કે જેવા લટકણિયા પણ લંબાવાતા હોય અને આવર્તનો રૂપે પંક્તિઓ ઉલટાવીને પુન: પ્રસ્તુત થતી હોય ત્યારે આંખથી અને હાથથી હાવભાવ જન્માવાતા હોય છે એનો તો પ્રત્યક્ષ શ્રવણપાનથી જ પરિચય મળી રહે. અહીં ખોડિયારને મગરના વાહનવાળીને બદલે સિંહ વાહનવાળા કહેવાયા છે, ભાવનગરના ગળધરા નામના પાણીના ધુનાને ગંગાધારા સમાન ગણાવીને લોકદેવીને પુરાણ દેવીની કક્ષાએ મૂકીને એના પરચા-પરાક્રમોની ગૂંથણી આ સ્તવનકાવ્યને વિશિષ્ટ પ્રકારની ચારણ ભક્તિકવિતાનું બિરુદ સ્થાપે છે.

થાનક ઠાકરે જી કે દીપત ડુંગરે,
સુંદર સરવરે જી કે ધ્રુપદ ગળઘરે
ગળધરે ધ્રુપદ વહે ગંગા, નાય અંગા અધનશે;
કંઈ અંધ પંગા કરે ઓળગ; હરે દુઃખ સુખથી હસે;
કામળી કાળી ત્રિશુળાળી, સિંઘ સવારી શોભણી;
ખોડિયાર ખ્યાતા અન્ન દાતા, જગત માતા જોગણી...૧

હે ખોડિયાર માતા તમારા બેસણાં પહાડો પર સરોવરમાં કે નદીના ધુનાઓમાં શોભે છે. એમાંયે ગળધરા ધુનામાં તો સાક્ષાત ગંગાજીનો પ્રવાહ વહે છે. તેમાં સ્નાન કરનારાં પાતકો નાશ પામે છે, અનેક અપંગ અને અંધ માણસો આપની સેવા કરે છે. તેમનાં દુઃખોનો તમે નાશ કરો છો કાળી કામળી અને ત્રિશૂળ ધારણ કરનારાં સિંહ સ્વારી વડે શોભાયમાન એવાં પ્રખ્યાત ખોડિયાર માતા જગતનાં અન્નદાતા છે અને માતૃસમાન છે.

દીપક તૂષરાજી કે ઘૂમરા ધૂપરા :
વર્ણન રૂ૫ રા જી કે એમ અનૂપરા
અનુપમ અંગ શોભત ઉજળ, જોત ઝળહળ જોવતી;
કર ચૂડ ખળહળ હાર હિંડળ, ઉગ્ર કાંતિ ઓપતી
ઘૂઘરી ઘમ ઘમ સૂર છમ છમ, રાસ રમઝમ રમણી
ખોડિયાર ખ્યાતા અન્ન દાતા, જગત માતા જોગણી...૨

જેમની પાસે ધૃત દીપકો પ્રકાશી રહ્યા છે. ધુપની ધૂમ ધૂમરી છવાઈ રહે છે. એવાં માનાં અનૂપમ રૂપનું વર્ણન છે. એમનું ઉપમા રહિત ધવલ અંગ શોભે છે. તેમની રૂપ જ્યોતિ શોભામયી છે. તેમના કરોમાં ચૂડીઓ ખમકે છે. ગળામાં હાર ઝૂલે છે માનું તેજ ઉગ્ર છતાં શોભાયમાન છે જેનાં નૂપુરોની ઘૂઘરીઓ ઘમકારનો ધ્વનિ રેલાવે છે, એવા રાસ રમનારાં મા ખોડિયાર જગતનાં યોગેશ્વરી અન્નદાતા જગતમાત્રનાં માતા સમાન છે.

મામડ તાતરી જી કે મીણલ માતરી,
ખેતલ ભ્રાતરી જી કે ચારણ જાતરી,
જાતરી ચારણ શાખ માદા, અસુર મારણ અવતરી,
કવિ ભક્ત કારણ સુખ વધારણ, વંશ તારણ વિસ્તરી,
શરણે ઉગારણ ધર્મધારણ, પાપ જારણ પરવણી
ખોડિયાર ખ્યાતા અન્ન દાતા, જગત માતા જોગણી...૩

હે માતા ખોડિયાર મામડિયા માદા અને મીણલદેનાં પુત્રી ખેતલિયાનાં (ક્ષેત્રપાળ)નાં બહેન એવા આપ ચારણ જ્ઞાતિનાં હતાં. માદા શાખનાં એ દેવીદૈત્યોને સંહારવા અર્થે અવતરેલાં, કવિજનો અને ભક્તો માટે સુખ વૃદ્ધિ કરનારા એ જગદંબાએ પોતાનો મહિમા વધાર્યો. એ ધર્મને ધારણ કરનારા અને શરણાગતનું રક્ષણ કરનારા જગદંબા પાપોને પ્રજાળનાર પર્વરૂપ છે એવાં એ આઈ ખોડિયાર જગતનાં અન્નદાતા, યોગેશ્વરી તથા જગતનાં માતા સમાન છે.

દિન નવરાત શ જી, કે મંદિર માતરા,
પોર પ્રભાત રા જીક, કે જબરી જાતરા,
માતરાં જબરા લોક ઝાઝા, મહારાજા ત્યાં મળે,
જય જય અવાજ બજે, સરે કાન્ત ભય ટળે;
તન હોય તાજી, પૂન્ય પાજા, પયવંશ થટ પોખાણી,
ખોડિયાર ખ્યાતા અન્ન દાતા, જગત માતા જોગણી...૪

જ્યારે નવરાત્રિના દિવસો હોય છે ત્યારે માના દેવાલયમાં યાત્રાળુઓની ભારે ભીડ જામે છે અને ભાવનગરના મહારાજાનો પણ ત્યાં મેળાપ થાય છે. ત્યાં જય જયકારનો ધ્વનિ થાય છે. ભક્તોના મનોરથો પણ ત્યાં સિદ્ધ થાય છે. તેમ ભક્તોને સંકટનો ભય પણ રહેતો નથી. કાયા નિરોગી બને છે. પુણ્યનો સેતુ રચાઈ જાય છે. એ માતા યાત્રાળુઓના સમૂહનું પોષણ કરનારાં છે. એ મા ખોડિયાર જગતનાં અન્નદાતા, યોગેશ્વરી તથા સમગ્ર સંસારના માતા સમાન છે.
બાંધે બારણાં જી, કે પુત્રો પારણાં,
કરે જુવારણાં જી, કે લેવે વારણાં;
વારણાં લેવે વંઝ વનિતા, સુતવણી થઈ સંચરે,
ચંદ્રમા પૂરે શાખ સવિતા, કવિતા પિંગલ કરે;
ભક્તા સકલ ને લાભકારી, માત સો પારસમણી,
ખોડિયાર ખ્યાતા અન્ન દાતા, જગત માતા જોગણી...૫

ખોડિયાર માતા પોતાના ભક્તોને ઘેરે પુત્રનાં પારણાંઓ બંધાવનારા છે. આથી નિઃસંતાન નારીઓ પુત્રવતી થઈ, માનતા પૂરી કરીને માતાનાં ઓવારણા લે છે. એ માના મહિમાની તો સૂર્ય-ચંદ્ર સાક્ષી આપે છે અને કવિ પિંગળશી નરેલા માતાના એ મહિમાનું કાવ્યમાં સ્તવન કરે છે. આ રીતે ભક્તોના સર્વ મનોરથોની સિદ્ધિ અર્થે ખોડિયાર માતા પારસમણી સમાન છે. માતા ખોડિયાર જગતનાં અન્નદાતા, યોગમાયા તથા સકળ સંસારની જનેતા છો.

સમગ્ર વિશ્વની જનેતાની ઉપમા આપીને લોકદેવી ખોડિયારને પુરાણ પ્રસિદ્ધ દેવી-દેવતાની કથાઓ સ્થાપેલ છે. લોકદેવી ખોડિયાર લોકસંસ્કૃતિની અધિષ્ઠાતા બને છે એ જ્ઞાતિની-લોકની સીમારેખા ઓળંગીને, લોકત્ર વર્તુળને ત્યજીને બૃહદ્રવ્યાપક વૈશ્વિક પરિસરમાં પ્રવેશે છે એની પાછળ આવા સ્તવન કાવ્યોનો મહિમા પણ ઓછો હોતો નથી.


0 comments


Leave comment