2.17 - તરુણ યુવતીની વિવેકપૂત વિનવણી / બળવંત જાની


પ્રશ્ન એવો થાય છે કે મર્યાદાશીલ ગ્રામીણ કન્યા એના મનોભાવોને વડીલો સમક્ષ કઈ રીતે વ્યક્ત કરતી હશે? લોક-સમાજ કે જ્યાં અત્યંત મર્યાદાથી રહેવાનું વલણ હોય, કોઈ વડીલ સાથે વાતચીત કરવાનું શક્ય જ ન હોય. આવી વિષમ પરિસ્થિતિમાં જ કદાચ બાલિકાવસ્થામાંથી તરુણાવસ્થા તરફ ડગ માંડતી કોઈ કુમારિકાએ એના મનોભાવને એટલે લોકગીતમાં ઢાળી દીધા હશે. ભલેને મોઢામોઢનો સંવાદ નથી પણ એ લોકગીતોમાંથી પરોક્ષ રીતે ઘણુંબધું પ્રગટે છે.

આપણી લોકગીતસૃષ્ટિમાં નારીહૃદયના મનોભાવોને અભિવ્યક્તિ અર્પતા લોકગીતો વિશેષ માત્રામાં મળે એનું કારણ એમનાથી પ્રત્યક્ષ સંવાદ સ્થાપી શકાય એવી સામાજિક વ્યવસ્થા જ ન હતી એ છે. એવી પરિસ્થિતિમાં નારીહૃદયના મનોભાવાને તારસ્વરે અભિવ્યક્તિ અર્પણ આવા લોકગીતો પ્રગટ્યા હશે.

એક ઊંચો તે વર નો જોશો રે દાદાજી
ઊંચો તે નિત્ય નવાં ભાંગશે...૧

એક નીચો તે વર નો જોશો રે દાદાજી
નીચો તે નિત્ય ઠેબે આવશે...૨

એક કાળો તે વર નો જોશો રે દાદાજી
કાળો તે કુટુંબ લજાવશે...૩

એક ધોળો તે વર નો જોજો રે દાદાજી
ધોળો તે આપ વખાણશે...૪

એક કેડે પાતળિયો તે મુખ રે શામળિયો
તે મારી સૈયરુએ વખાણિયો...૫

એક પાણી ભરતી પનિહારીએ વખાણિયો,
ને ભલો રે વખાણિયો ભાભીએ...૬

તરુણ કુમારિકાઓનો સમૂહ ઘેરે - ધીર ગંભીર નાદે આ ગીત ગાતું હોય ત્યારે પુરુષવર્ગ તો ઓટલે પરસાળમાં બેઠો બેઠો ચલમ-હુક્કામાં અને બીજી ત્રીજી પારકી પંચાતમાં રત હોય, એટલે અહીં ઉદ્દબોધન પિતા સમક્ષ નથી એવું નથી. લોકસમાજ વ્યવસ્થામાં બાળકોની ચિંતા પિતા કરતા દાદાને વિશેષ હોય છે. છોકરાંઓને પણ પિતા કરતા દાદા તરફ વિશેષ પ્રીતિ અને આદર હોય. કારણ કે એમનો ઉછેર એમના દ્વારા થયો હોય. જો કે લાભશંકર પુરોહિત દાદા એટલે પિતા ગણવાનું સૂચવે છે. મારા વ્યક્તિગત અનુભવો અને ગ્રામીણ લોકકુટુંબવ્યવસ્થાના જાત નિરીક્ષણથી મને લાગે છે કે દાદાને જ અહીં સંશોધન અભિપ્રત છે. લાભશંકર પુરોહિતના નિરીક્ષણ પણ માની શકાય. આખી કુટુંબવ્યવસ્થા જ હવે ભાંગતી જાય છે અને નવી પેઢી તો ઘોડિયાઘરમાં ઉછરી રહી છે એમને આ મધ્યકાલીન લોકસંસ્કૃતિ અને લોકસમાજવ્યવસ્થાની કલ્પના પણ ન આવે. આમ, દાદાના ખોળામાં ઉછરેલ પણ બાલ્યાવસ્થા પછી સતત ઘરકામમાં જ અને સ્ત્રીસમુદાય વચ્ચે જ જેને ઉછરવું પડ્યું છે તેવી તરુણ બાલિકાનું અહીં દાદાને ઉદ્દબોધન છે. આપણા બધા જ લોકગીતો અને લગ્નગીતોમાં દાદાને જ ઉલ્લંધન છે એનું આ રહસ્ય ધ્યાનમાં લેવું જોઈએ.

પોતાના માટે કેવો વર-પતિ- ન શોધવો એના કારણો કેટલા સરસ રીતે અહીં નિરૂપાયા છે. લાંબા-ઊંચાં, ટૂંકી-નીચા કદની વાત એ ઉપરાંત અન્ય પણ ઘણું સૂચવી જાય છે. કાળા-ધોળા દ્વારા પણ શું પ્રશ્ન થાય? એવો મુદ્દો રજૂ કરીને પછી અંતે પાતળો શામળો અહીં શ્રમપરંપરાને નિર્દેશ છે. પરંતુ ખરી મહત્તા તો પછી પ્રગટે છે. સૈયરએ અર્થાત્ સખીવૃંદે વખાણેલ વર-યુવક તરફ પસંદગી ન ટાળવાનું સૂચવતી આ તરુણ યુવતીની કોઠાસૂઝ અહીં અંતિમ કડીમાં નિહિત છે.

એક જુદું અર્થઘટન પણ થઈ શકે કે ઊંચો અર્થાત્ અભિમાની, નીચો અર્થાત્ વિશેષ નમ્ર, કાળી અર્થાત્ કુટીલ, સફેદ અર્થાત્ ધુતારો એવા અર્થો પણ સૂચવી શકાય તેમ છે.

સમવયસ્ક સખીઓને એકસાથે ગમી ગયેલો યુવક. અહીં કોઈ એકાદ સખી નહીં પણ સયરુ શબ્દ સખીવૃંદનો સંકેત છે અર્થાત્ સામૂહિક રીતે સૌ કોઈને મનમાં વસી જાય એવો... પછીની કડીમાં તદ્દન અજાણ અને ત્રાહિત એવી પનિહારીનો અભિપ્રાય પણ કશા જ સંદર્ભોથી આવૃત્ત ન હોય એટલે એ સહજ અભિપ્રાયને ટાંક્યો છે. પરંતુ એ પછી ફૈબા નહીં અને માતા પણ નહીં ને ભાભી કેમ? પુત્રીની નિકટતમ કોઈનારી હોય તો સખી પછીનું સ્થાન ભાભીનું છે. વળી, નણંદ સુખી હોય તો પછી ભવિષ્યમાં કંઈ જ પ્રશ્ન પોતાના ભાગે ન આવે. માતા-પિતા તો કેટલો સમય ! ખરી ચિંતા તો ભાઈ-ભાભીને જ ને ! એટલે એના પ્રતિભાવનું પણ મહત્વ અહીં ભૂલાયું નથી. અન્ય કોઈ સગા-સંબંધીને અહીં સ્થાન નથી મળ્યું. કોઈપણ પ્રકારના સગપણ ધરાવતી સંબંધી વ્યક્તિમાં વિશ્વાસ ન મૂકતી આ તરુણ યુવતીની આ અંતિમ કડી એ સમયની તત્કાલીન કુટુંબ-સમાજ વ્યવસ્થાના કંઈ કેટલાય રહસ્ય તરફ અંગુલિનિર્દેશ કરે છે. તમામને પોતપોતાના વ્યક્તિગત સ્વાર્થ હોવાના જ. એક સમવયસ્ક સખીઓ એવી છે જેમાં યૌવનની અભીપ્સા પ્રગટે છે. અન્ય કશું જ નહીં, જ્યારે અન્યમાં તો કંઈ કેટલીય સાંસારિક એષણાઓ હોય છે. આ એષણામાંથી પર એવી પસંદગી શક્ય બને. સખીસમુદાય પ્રથમ નજરે જ મોહિત થઈ જાય એવા યુવકને પસંદ કરવા વિનવતી આ તરુણયુવતી એક વેદનશીલ અવસ્થિતિ તરફ કેટલો મોટો સંકેત કરી જાય છે ! સત્ય પણ કેવું તો સંયમ ધારણ કરીને, સરળ બાનીમાં અહીં પ્રગટયું છે. લોકગીતોની મહત્તા આ વિવેકમાં છે! ભલેને મોઢામોઢ સંવાદ શક્ય નથી પણ પરસાળમાં પડખા ફેરવતા દાદાજી આ લોકગીત સાંભળીને પુત્રીના દામ્પત્યજીવન માટે તટસ્થ અભિપ્રાય તરફ વિચારતા થાય છે. લોકગીતનો મર્મ એના મૂળસ્થાને પહોંચ્યાનો છે. એ માત્ર સમય પસાર કરવા માટે નથી, મનોરંજન માટે નથી એનો ઉદ્દેશ સમાજના શાશ્વતસનાતન પ્રશ્નોને વાચા આપવાનો છે. એના આ મર્મને કારણે તો એને કાળનો કાટ લાગ્યો નથી. આજે ભલે સમાજ-કુટુંબ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે પણ એનો મર્મધ્વનિ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. ગુજરાતી કંઠસ્થ પરંપરાના સાહિત્યમાંના બળકટ અભિવ્યક્તિ અને સાચૂકલા સંવેદનથી સભર આવા ઘર દીવડારૂપ ગીતો આછાં-આછાં અજવાળા પાથરતા રહીને, તરતા રહીને સમાજને માત્ર મનોરંજન જ નહીં પણ ઊંડી સમજણની દિશા ચીંધી જાય છે.


0 comments


Leave comment