1 - પ્રવેશક / કોયલ બેઠી આંબલિયાની ડાળ / ડૉ. નરેશ વેદ


ભાઈશ્રી બળવંત જાની પાંચાળ પ્રદેશના જસદણ તાલુકાના નાનકડા ગામ કમળાપુરથી આવે છે. ત્યાં એમનો જન્મ અને ઉછેર એ પંથકના કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબમાં થયેલો છે. એમનો વંશીય વ્યવસાય ગોરપદાનો હતો. એમના દાદા એ પંથકમાં વસતી કાંટિયા વરણની અનેક જ્ઞાતિઓના આદરણીય ગોર હતા. એટલે બળવંતભાઈને એ લોકવરણના સામાજિક અને ધાર્મિક વ્યવહાર-ત્યહવારે દાદા સાથે જવાનું અને એ પ્રજાની જીવનપ્રથા અને પરંપરાને નિકટતાથી નિહાળવાનું સૌભાગ્ય નાનપણથી મળેલું. મોટપણે ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક તરીકે અધ્યયન-અધ્યાપનનો વ્યવસાય પ્રાપ્ત થયો ત્યારે એમના કુળસંસ્કાર અનુસાર, સ્વાભાવિક રીતે જ, એમનું વલણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય અને ધર્માન્તરિત પ્રજાના સાહિત્ય તરફ વિશેષ રહ્યું. પી.એચ.ડી.ની પદવી માટે એમણે ગુજરાતી નવલકથામાં નાયક અને નાયિકાની વિભાવના જેવો વિષય પસંદ કર્યો હોવા છતાં પછી એ દિશામાં આગળ વધવાને બદલે એમણે પોતાનાં રસ, રુચિ અને અભ્યાસનાં ક્ષેત્રો તરીકે ઉપર્યુક્ત વિષયોમાં કામ કરવાનું ખાસ પસંદ કર્યું. એ કારણે એમની પાસેથી એ વિષયનાં કેટલાંક મહત્વના પુસ્તકો પ્રાપ્ત થયાં છે.

લોકવિદ્યાનું ક્ષેત્ર તો ઘણું મોટું છે. ઘણાં વર્ષો સુધી આ ક્ષેત્ર અભ્યાસીઓ દ્વારા ઉપેક્ષિત રહ્યું. પરંતુ પછી ઝવેરચંદ મેઘાણી, પુષ્કર ચંદરવાકર, કનુભાઈ જાની, ખોડીદાસ પરમાર, જોરાવરસિંહ જાદવ, ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ. હસુભાઈ યાજ્ઞિક દ્વારા મુખ્ય રૂપે બીજા કેટલાક અભ્યાસીઓ દ્વારા આંશિક રીતે અધ્યયન વિષય બન્યું. નવી પેઢીમાંથી બળવંતભાઈએ આ ક્ષેત્રમાં રસ લઈ ક્ષેત્રકાર્ય, મુલાકાતો, વિદ્વતજનો સાથેની ચર્ચાઓ, સામગ્રી સંચય વડે આ વિષયમાં વાંચવા, વિચારવા, લખવાનું શરૂ કર્યું હતું. એમ કરતાં એમની પાસે જે વસ્તુસામગ્રી એકઠી થઈ, એને વિષયવાર અને સ્વરૂપ અનુસાર વિભાજિત કરી, એને સંશોધિત કરી, સંપાદિત કરવાની કામગીરી એમણે આરંભી હતી. એનાં એક ફળરૂપે લોકગીતના આસ્વાદ અને અવબોધનું આ પુસ્તક લઈને સહૃદયી અભ્યાસીઓ સમક્ષ તેઓ ઉપસ્થિત થઈ રહ્યા છે.

મારી દ્રષ્ટિએ આ કામ પડકારરૂપ છે. લલિતસાહિત્ય અને દલિતસાહિત્યની કૃતિઓને નાણવા અને માણવાનાં કેટલાંક ધોરણો અને માનદંડો નિશ્ચિત થયેલા છે. પરંતુ લોકસાહિત્યના સ્વરૂપની કોઈ કૃતિઓને નાણવા અને માણવાનાં આવાં કોઈ ધોરણો અને માનદંડો નિશ્ચિત થયેલાં નથી. મોટે ભાગે ઐતિહાસિક કે સાંસ્કૃતિક સંદર્ભમાં એની ચર્ચાવિચારણા થતી રહી છે. પરંતુ એક રસકીય પદાર્થરૂપે આકૃતિઓની ક્ષમતા કેવી છે, એનું ભાવવિશ્વ કેવું છે, એમાં યોજાયેલાં ઢંગ, છંદ-અલંકાર, કલ્પનપ્રતીક-રૂપક, રાગ-ઢાળ વગેરેની સમર્પકતા કેવી છે, એની ભાષા-બાનીગત વિશેષતાઓ કેવી છે, એમાંથી નિષ્પન્ન થતી વ્યંજનાભર્ગ રસાત્મકતા કેવી છે, વગેરે દ્રષ્ટિએ આ કૃતિઓની ચર્ચા-વિચારણા થતી નથી.

એનાં કેટલાંક કારણો છે. પહેલું કારણ તો એના કૃતિપાઠની પ્રવાહિતા, બીજું, એવા પાઠની પ્રાપ્યતા, ત્રીજું, એમાં મળતાં પાઠભેદો, ચોથું, લોકસમાજ અને લોકસંસ્કૃતિ સાથેના એના નાભિનાળ સંબંધને કારણે એની જાણકારીની જરૂર, પાંચમું, તળપદ ભાવોને પ્રગટ કરતાં બોલીગત દેશ્ય શબ્દો અને ઉક્તિપ્રયોગોના અર્થોની જાણકારીની જરૂર, છઠ્ઠું, એની અત્યંત લાક્ષણિક કહેતી, કહેણી અને રીતિના પરિચયની અપેક્ષા-એમ આ વિષયમાં કામ કરનાર પાસે આવી અનેક જાતની સજ્જતાની આવશ્યકતા રહે છે.

બળવંતભાઈ આ વાતથી પૂરા અભિજ્ઞ છે, એ વાતની પ્રતીતિ પુસ્તકના આરંભે એમણે મૂકેલા ‘ગુજરાતી લોકગીતો : આસ્વાદ અને અર્થઘટનની પ્રક્રિયાનું સ્વરૂપ’ એ લેખમાંથી મળી રહે છે. તેઓ એમાં જણાવે છે કે, લોકગીતના આસ્વાદ, અર્થઘટન-વિવેચનક્ષેત્રે આપણે ત્યાં બહુ ખેડાણ નથી થયું એની પાછળ આવી અભિજ્ઞતાનો અભાવ કારણભૂત છે, કાવ્યાસ્વાદો હજાર મળે છે પણ લોકગીતના આસ્વાદો પૂરા એકસો ઉપલબ્ધ નથી. મારી પોતાની અનેક અભિગમોને પ્રયોજવામાં વૃત્તિ છતાં હું એમ કરી શક્યો નથી. આ અઠ્ઠાવીસ જેટલાં ગીતો પસંદ કરવામાં, પાઠ મેળવતાં, એના અર્થને ખોલતાં મને પંદર-વીશ વરસ લાગ્યાં.’

ભારતીય કક્ષાએ અને ગુજરાતી ભાષાની કક્ષાએ પોતાના પુરોગામી વિદ્વાનોએ આ સમસ્યાનો સામનો કઈ રીતે કરીને શું કર્યું છે, એનો પહેલો પરિચય કેળવી, પછી પોતાને કેવી રીતે કામ કરવું જોઈશે, એ માટે એમણે વિચારણા કરી છે. એમને લાગ્યું છે કે, લોકગીતના આસ્વાદની પ્રક્રિયામાં મોટે ભાગે દરેક રચનામાં મારે ત્રણ ડગલાં ભરવાના રહ્યા.’ એ ત્રણ પગલાંનો નિર્દેશ એમણે આ વીગતે કર્યો છે : ‘લોકગીત અંતર્ગત નિરૂપાયેલ ભાવવિશ્વની ભાળ મેળવવી એ લોકગીતના આસ્વાદ માટેનું પ્રથમ ડગલું છે.’ ‘લોકમાનસની મુદ્રાને પામવી-સમજવી’ એ બીજું ડગલું છે. અને ત્રીજું ડગલું છે ‘લોકમૂલક તળપદી સંસ્કૃતિની અભિજ્ઞતાની ઓળખ’ પ્રાપ્ત કરવી અને કરાવવી. આ ત્રણ બાબતોને લક્ષમાં રાખીને આ પુસ્તકમાં એમણે અઠ્યાવીશ લોકગીતના આસ્વાદ-અવબોધ કરાવવાનો લોકસાહિત્યિક ઉદ્યમ કર્યો છે.

આ અઠ્યાવીશ લેખોને એમણે બે ખંડોમાં વિભાજિત કર્યા છે. પ્રથમ ખંડમાં જે ચાર આસ્વાદો કરાવ્યા છે તેમાં એકાદ લોકગીતના ભાવવિશ્વની આસપાસ એને સ્પર્શતા દ્રષ્ટાંતો રજૂ કરી, એમાંથી એ કૃતિનો શું અર્થ થાય છે, એનો એમણે નિર્દેશ કર્યો છે. લોકગીતોમાં બહુધા ગ્રામીણ નારીની ભાવસંવેદનાઓનું અન્યોક્તિથી નિરૂપણ થતું હોય છે. પોતાની સંવેદનાને સીધેસીધી કહી નાખવાને બદલે કોઈ આલંબન લઈ, એને આધારે આડકતરી કે તિરછી રીતે વાત રજૂ કરવાનું એમાં વિશેષરૂપે હોય છે. તેથી લોકગીતોમાં કોયલ, મોર, પોપટ, પારેવા, હોલો, ચકા-ચકી જેવી પંખીસૃષ્ટિનું ભાવનાગત નિરૂપણ એમાં કેવી અર્થવત્તા ઉમેરે છે. એ પ્રથમ ખંડના પ્રથમ ત્રણ લેખોમાં બતાવ્યા પછી, એ જ રીતે લોકગીતોમાં ઘોડા, બળદ, હરણ, ઘોડી વગેરે પ્રાણીસૃષ્ટિના પ્ર-યોજનનું મહત્વ એક લેખમાં બતાવ્યું છે. દાદાના આંગણામાં ઊગેલા આંબાનું કૂણેરું પાન અને લીલી વાડીમાં લીલો આંબલો અને તેમાં કોયલડીનો વાસ-એટલે શું એ સ્પષ્ટ કરી લોકનારીના ઉરભાવોને કેવી ત્રેવડ અને કેવી વ્યંજકતાથી વ્યક્ત કરવામાં આવ્યા છે. એ વાત એમણે રસપ્રદ બનાવીને કહી છે.

બીજા વિભાગના ચોવીસ લેખોમાં ભાવસંવેદનોનું વૈવિધ્ય છે. જેમકે, પ્રિયતમાને પામી ન શકતાં, એને નજર સામે રાખી, દર્શનસુખ પામવા ઈચ્છતી નારીની ઝંખના, લગ્ન પ્રસંગ નિમિત્તે અનેક કામો ઝાઝા હાથોના સહિયારા સાથથી પાર પાડવાના નિમિત્તે લગ્નોત્સવનો આનંદઉલ્લાસ માણતાં નારીવૃંદનો ભાવસંપુટ, અમૃતભરી આશાઓ સાથે લગ્નજીવનમાં પ્રવેશતી અને હોલા જેવો પતિ પામતાં હતપ્રભ થયેલી, છતાં પડ્યું પાનું નિભાવી લેવાની ખેવના દાખવતી ગ્રામીણ નારીની વેદનશીલ સંવેદના, પરણવું એટલે પ્રભુતાના દેશમાં પગલાં પાડવાના અનુભવને બદલે પ્રતિષધોના પ્રદેશમાં ગૂંગળાતી ગ્રામીણનારીની અકળામણ, પરદેશ કમાવા ગયેલા પિયુને કારણે અન્ય છેલબટાઉ ખલપુરુષોની કુદ્રષ્ટિનો ભોગ બનતી અને વિરહાવસ્થામાં તીવ્ર ખાલીપો અનુભવતી નારીની વિરક્ત મનોદશા, પતિથી પળવાર પણ અળગી ન રહેવા ઈચ્છતી પત્નીની ભાવસંવેદના, રણસંગ્રામમાં પતિ શહીદ થતાં રગતું ઝીલતી નારીની મનોવ્યથા, દામ્પત્યજીવનમાં મીઠી વડછડ, અનુભવતી નારીની મનોદશા. વર સાથે ઘર અને પરિવાર મળતાં પ્રસન્નતાનો ભાવ અનુભવતી નારીની મનોસુષ્ટિ, રાધાકૃષ્ણની પ્રસન્ન વડછડને પછવાડે, લગ્નજીવનની માધુરીનો નિર્દેશ કરતી નાયિકાની લાગણી, પોતાના લગ્નની વધામણી આવતાં પ્રસન્નતા મૃદુતા અને સુખનો અનુભવ કરતી નાયિકાની ચિત્તસૃષ્ટિ, પરિવારના કોઈ મંગલપ્રસંગે લગ્ન કે એના જેવા કોઈ શુભ અવસરે ગણેશ સ્થાપન કરતી વખતે પોતાની સુખની વિભાવના વ્યક્ત કરતી નારીની કુશળતા સંયુક્ત કુટુંબને કારણે ઢસરડાબોજને કારણે થાકીને લોથ થઈ જતાં છતાં એના વિશે કોઈને કશું કહી ન શકતી અને સહનશીલ થઈને ખમી ખાતી નારીની પણ અકળામણ, નણંદનાં છણકા, મહેણાંટોણાથી દુભાતી, મનોમન એને ભાંડતી નારીનું ભાવજગત-એમ અનેકવિધ ભાવસંવેદનો અને વિષયો કેવાં ગૂંથાયા છે, એમને ઉજાગર કરવા લોકકવિએ આજુબાજુના જગતમાંથી કેવા કેવા ઉપમાનો, દ્રષ્ટાંતો અને રૂપકો લીધાં છે, એમની સમર્પકતા કેવી છે એ બધી વાતનો સુંદર રીતે આસ્વાદ-પરિચય કરાવ્યો છે.

આસ્વાદ અને અવબોધ કરાવવા માટે અહીં વિષયની જેમ સ્વરૂપ દ્રષ્ટિએ પણ વૈવિધ્ય છે. અહીં ચારણીગીત છે, ભીલી ગીત છે, ખાયણાં છે, લગ્નગીત છે, રાસડો છે, થોડી અલગ-અલગ ભાવોની રચનાઓ પણ એમણે લીધી છે. જેમકે પોતાના માટે કેવો વર પસંદ કરવો એ માટે આડકતરી રીતે વડીલને વિનવતી કોડભરી કન્યા, ભાઈને પરણાવવા ઉત્સુક પણ એને મનગમતી અને ઉત્તમ યુવતી જોડે પરણાવવા ઈચ્છતી બહેનની લાગણી, જે ચૂંદડી ઓઢીને સાસરે જવું છે ત્યારે વણકર, રંગારા, દરજી, કસબી વગેરેને વિનવતી લગ્નોત્સુક યુવતીની ભાવદશા, એવી ચૂંદડી દ્વારા સભર લગ્નજીવનની આકાંક્ષા વ્યક્ત કરતી નારીની કુશળતા, આણે તેડવા પતિ જ આવે, એ માટે હઠ કરતી યુવતીનું ભાવજગત, અને લગ્નપ્રસંગે વરપક્ષને હળવા કટાક્ષથી ઉડાવતી અને એમ ફટાણું ગાઈને આનંદોલ્લાસ માણતી માંડવા પક્ષની સ્ત્રીઓની મનોદશા-એમ અનેકવિધ ભાવોની રમણાનો અહીં આસ્વાદ લેખોમાં અનુભવ થાય છે. લોકગીતનાં વિવિધ સ્વરૂપો અને વિષયોના ચયનમાં બળવંતભાઈની વૈવિધ્યમાં રાચતી રસદ્રષ્ટિનો પરિચય થાય છે. લોકગીતોના અભ્યાસથી નારીના મનોજગતનો કેવો લાક્ષણિક પરિચય મળે છે એ એમણે સદ્રષ્ટાંત સાબિત કર્યું છે. લોકગીતોમાં ગ્રામીણપ્રદેશની નારીની વિવિધ અવસ્થિતિઓનો આહલાદક પરિચય થાય છે. એક રીતે જોઈએ તો આ લોકગીતો લોક ઈતિહાસનું એક એક પ્રકરણ બનવાની કેવી ક્ષમતા ધરાવે છે, એ વાત તરફ બળવંતભાઈએ અંગુલિનિર્દેશ કર્યો છે.

આ લોકગીતોની ચર્ચા કરતાં તેઓ ક્યાંક અન્ય રચનાઓ અને લેખોના સંદર્ભો આપે છે. ક્યાંક કથનકળા સમજાવે છે, ક્યાંક પોતે ખપમાં લીધેલી આધારસામગ્રીની અને અન્ય અભ્યાસીઓને ખપમાં આવે તેવી સામગ્રીની સૂચિ આપે છે. ભીલીગીતની લાક્ષણિકતાઓ પ્રગટ કરી છે તેમ ક્યાંક ખાયણાંના, ફટાણાના કે રાસડાના સ્વરૂપની આછીપાતળી લાક્ષણિકતાઓ પણ નોંધી આપી છે. ચારણી ગીતની ચર્ચાવિચારણામાં પણ એનું અનન્યત્વ શામાં છે એ સ્પષ્ટ કરી આપ્યું છે. ઝાલાવાડી ધરતી અને ભોગાવા નદીના ભાવસંદર્ભો ખોલી આપ્યા છે. એમની રસગ્રાહી અને અર્થગ્રાહી નજર આવા સંદર્ભો અને એની ઉપકારકતા પર ફરતી રહી છે. ઝીણું જોઈએ તો એમની નજર આસ્વાદ (appriciation) કરતાં અર્થના અવબોધ (understanding) તરફ વિશેષ રહી છે. તેઓ પોતે પણ એ વાતથી અભિજ્ઞ છે. એક શિસ્તબદ્ધ સંશોધકની રીતે તેઓ પોતાની મર્યાદાઓથી પણ વાકેફ છે. એટલે તો તેઓ કહે છે : ‘મારા પરિચિત વિસ્તારના લોકસાહિત્યને જેટલું તીવ્ર રીતે હું માણી-પ્રમાણી શકું, એટલી તીવ્રતા-નીકટતાથી મારા અપરિચિત પ્રદેશના સાહિત્યને હું પ્રમાણભૂત રીતે મૂલવી ન શકું.’ શા કારણે એમણે ઝાઝાં ભીલીગીતો કે દક્ષિણ ગુજરાતનાં લોકગીતો લીધાં નથી એવી કોઈ ફરિયાદને તેથી કોઈ અવકાશ રહેતો નથી. ‘લોકગીતના વિવેચન- આસ્વાદમાં કવિતાના આસ્વાદ-વિવેચનથી એક વિશેષ પ્રકારનું કૌશલ્ય અનિવાર્ય છે’ એની આપણને પણ એમની જેમ પ્રતીતિ થાય છે.

લોકવિદ્યા અને લોકસાહિત્યના ક્ષેત્રમાં પાયાની સમજણને પ્રસ્તુત કરતું આ પુસ્તક એક ઉપયોગી ઉમેરણ છે. અનેક ઉગતા અભ્યાસીઓને એ માર્ગદર્શક બનશે. ‘સૌંદર્યાનુભવ કરાવનારું લોકગીતનું આગવું સૌંદર્યશાસ્ત્ર છે’ એવું પ્રતિપાદિત કરતા બળવંતભાઈ પાસે જ એવા સૌંદર્યશાસ્ત્રના નિર્માણની આપણે અપેક્ષા રાખીએ.

–ડૉ. નરેશ વેદ
ગુરુપૂર્ણિમા, ૨૦૦૨
વલ્લભવિદ્યાનગર


0 comments


Leave comment