112 - તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું ! / અનિલ વાળા

રાત આખી જેમ કે આ હાથ ઝરમરતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !
શ્વાસ ઊંડાં એક મીઠું ગીત ગણગણતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

ગામને પાદર ઉગેલા એ બરફનાં વૃક્ષને પણ કુંપળો ફૂટી હતી
ને ડાળખી તૂટી હતી રે સાંવરે,
વૃક્ષને બદલે ખરેખર મૂળ હણહણતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

આપણે ઊગવાં વિશેની એ ફિકરમાં કેટલું ઝૂર્યા હતાં
ને તે છતાં ઊગ્યાં નથી એ સાવ કડવું સત્ય છે,
ઘાસમાં માણસપણાંનાં ખ્યાલ ફરફરતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

પ્રેમની વાતો કરી ને ફ્રેમની વાતો કરી
ને વ્હેમની વાતો કરી’તી એ ક્ષણોને સાંકળે બાંધ્યા પછી,
એમનાં ભોળાં હૃદયનાં તાર ઝણઝણતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

એમને આશા હતી કે આપણે આંખો વતી બોલ્યાં કરીશું આ ગઝલ,
ને સંભળાશે એમને પણ આંખથી
દોસ્ત ! ઝીણી વેદનાથી જીવ વલવલતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

આ તરસની જાતને રાજી કરી દેવા આપે ઘૂમ્યાં હતાં
કૈં કૈં સરોવર, વાવ ને કૂવા વળી ઝરણાં બધાં,
ત્યાંય સૂક્કાં ઝાંઝવાં જળદાર ખળખળતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

જે લખેલું તે લખી ફાડીય નાખ્યું ને ફરી પાછું વળી
લખવા કર્યું તો જોઈ લીધું કે હજી એવું જ છે,
બેઉ હાથે શબ્દ જેવા શબ્દ કરગરતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

વાતમાંથી જાતમાં ને જાતમાંથી જીવમાં
ઝટ્ ખૂલવાની જાતરા નોખી હતી ને એટલે તો હોંશથી
આઠ પ્હોરે સામટાં લખલૂંટ પરહરતાં હતાં
ને તે ઘડીથી આપણે અજવાસને નામે કર્યું’તું આયખું !

0 comments

Leave comment