114 - કાયદો / અનિલ વાળા
એક કુંવારકાએ પ્રસૂતિ બાદ
કાયદાને કચરાની સાથોસાથ જ
ઊકરડે ફેંકી દીધો.
અહીં તહીં રખડતું ભૂંડ
તાજાં ટામેટાં જેવો કાયદો જોઈ
ત્યાં દોડી ગયું !
પહેલાં તો એણે કાયદાને સૂંઘ્યો
ચારેબાજુથી ફેરવીને સૂંઘ્યો
આ વખતે કાયદાની ધાર
એનાં નસકોરાં પાસે વાગી અને...
રઘવાયેલાં ભૂંડે કાયદાને ચૂંથી નાખ્યો.
દૂરથી ઘૂરકિયાં કરીને આ બધું નિહાળતાં
ખાખી કૂતરાએ પહેલ વહેલાં જોયું કે –
પોતાનાં સગા એવા કાયદાને હાડકાં નથી હોતાં !
એણે લાગ જોઈને ભૂંડને ફાડી ખાધું.
ભૂડનાં લોહીમાંથી કાયદાનો ટેસ્ટ
બરોબર આવતો હતો.
બાકી બચેલાં ભૂંડનાં માંસમાંનો
કાયદો શુદ્ધ રહી જાય તો –
પોતાનાં સગપણનું શું ?
એવી ગર્ભિત બીકથી
કૂતરાએ પોતાનો એક પગ ઊંચો કરી
ભૂંડનાં કંકાલ પર...
કૂતરાની આ સાહસિકતા માટે
એનાં સાહેબે એનો સન્માન સમારંભ
યોજ્યો છે....
લાંબા ગાળાથી વિધુર બનેલો ભાંડ
કાયદાની માને-બારોબાર ઉપાડી જઈને
પ
ર
ણી
ગયો.
0 comments
Leave comment