118.1 - ઉંદર / અનિલ વાળા


કોર્યાં કરે છે યુગોના યુગોથી
અસ્તિત્વનાં પોટલાઓ....
રામાયણના રસાસ્વાદને
મહાભારતની મીઠાશને
વિવેચનની વિદ્વત્તાને
સર્જકતાની હાશ... ને –
લહેજતથી કોર્યાં કરવાનાં......

અલી, સાંભળ્યું ?
હજી તો ગયે મહીને જ લાવ્યો’તો
કેટલો કલર ગમી ગયો’તો મને !
ને આજે સાવ ઝળોમળો
મારો આ પીટર ઈંગલેન્ડ શર્ટ ? ? ?
માત્ર સાત પૂંછડી જ નહીં,
અસંખ્ય પૂંછડીઓનો ભાર લઈને ચાલવું
દુંદાલા દેવનો વજન... લાડું....
માથું નીચુંને નીચું ઘાલવાનું –
કશી લમણાઝીંક વગર
અનવરત દોડ્યે જવું, હાંફ્યે જવું,
કરકોલવું, થાકી જવું, જીવ્યે જવું,

પૂંછડીઓ પર પૂંછડીઓ ઉગાડ્યે જવું...
દૂધમાં ઊંઘની ગોળી નાંખી –
બિલાડીને ગળે ઘંટ બાંધી દેવો
શું છે એમાં જીવનની સાર્થકતા ?
સિંહ તો નથી જ બનવાનું ક્યારેય –
તો પછી કોણ શાપી રહ્યું છે :
पुनः मुश्चिको भव ।

અકબરે બિલાડી પાળવાનો
આદેશ આપવાનું છોડી દીધું છે.
(ને આદેશ આપે તોય શું ?
વિધાનસભા કે લોકસભામાંથી
ખરડો પસાર થવા દઈએ ત્યારેને ?)

દડલીથી દિલ્હી સુધી
ને અજમેર (જામ)થી અમેરીકા સુધી
બહોળો છે વિસ્તાર મૂષક-જીવનનો !


0 comments


Leave comment