118.2 - ભૂંડ / અનિલ વાળા


આવ, ભાઈ હરખા !
ભૂંડની નજરમાં સહુ સરખાં.
જગતમાં ભૂંડામાં ભૂંડું ભૂંડ છે !
હોકાયંત્ર પણ નક્કી ન કરી શકે –

એની દિશા
એની દશા
કશા પણ વળગણ વિનાં
ભૂંડને નિરખવું-એ
બહુ મુશ્કેલ છે.
ઊકરડો ફેંદતાં ભૂંડને
આાંખ સામે
ઊકરડો થઈ જતું જોવું
-એ કાંઈ નાનીમાનાં ખેલ નથી !

બારણાં વગરનાં
જાહેર સંડાસમાં મ્હોં ઘાલી
ભૂંડ ગોતે છે આપણાં કક્કો અને બારાખડી !
ભૂંડનાં દંતશૂળ ઉપરની પૃથ્વી
બરાડે છે : 'ॐ सहनाववतु’ નો શ્લોક.
ભૂંડની ડોકમાં ગલગલિયાં કરે છે :
“કાનમાં કહેવાનાં જોક”
ને
થોક - થોક ભૂંડ,
હોજરી ચીરી - બહાર આવી
મશ્કરી કરે છે : આપણી !


0 comments


Leave comment