118.3 - અશ્વ / અનિલ વાળા
મેં
વર્ષો પહેલાં
આદરેલો અશ્વમેઘ યજ્ઞ
હજુયે પૂરો થયો નથી.
હું રાહ જોઉં છું
મારા ઘોડાનાં મરવાની.
પહેલાં એ યજ્ઞમાં જતો
હવે જાય છે રેસમાં.
પુરાતન કાળમાં
અશ્વશાળામાં રહી ચૂકેલો
કરબલાનાં મેદાનમાં વિંધાઈ ચૂકેલો
રામાયણ - મહાભારતના અશ્વદળોમાં રખડેલો
રઝળેલો - તાજો - માજો - સાવ સાજો
મારો ઘોડો
બંદૂકનો ઘોડો પડતાંની સાથે
ગોળીની જેમ ભાગે છે, હવે.
ક્યારેક,
મારામાં – તમારામાં – આપણાંમાં
ઓચિંતું હણહણીને
યાદ દેવડાવે છે :
આપણી આદિમ અવસ્થાની.
0 comments
Leave comment