118.4 - કીડી / અનિલ વાળા


મારું ઓશિકું
જાણે એનો ધોરી માર્ગ હોય એમ
એ જાય છે પૂરપાટ.
કીડીને જોઈને મને કીડીઓ ચડે છે.
મારું ઓશિકું એ કાંઈ
ધગાવેલો લોહસ્થંભ નથી
છતાં, હું કેમ બાથ ભરું છું ઓશિકાને ?
ને,
અચાનક –
બચપણથી આજ સુધીમાં
પગ તળે કચડાઈ ગયેલી
હજાર હજાર કીડીઓ
એક સામટી મને સાંભરી આવે છે.

મેં કોઈ સામે
ક્યારેય નિશાન તાક્યું નથી
તોય કીડી કેમ ચટકો ભરે છે મને જ ?
કીડી સીડી ઉપર ચડીને
કૂદકો મારે છે –
આત્મહત્યા કરવાં.
ને ........
આપણે શરમાઈ જઈએ છીએ
આવી વાત કહેતાં !


0 comments


Leave comment