119 - મારું શરીર ખોવાઈ ગયું રે / અનિલ વાળા


વહેલી સવારે આજ મારાથી અરીસામાં જોતાં જોવાઈ ગયું રે...
મારું શરીર ખોવાઈ ગયું રે !

હતાં ગઈ કાલ સુધી મારે પણ
હાથ-પગ, છાતી ને આંગળાની લૂમ;
એક રાત વીતી છે માંડ ત્યાં તો
અરે ! અરે ! થઈ ‘ગ્યું રે ક્યાં બધું ગુમ ?

રડવું ન્હોતું ને તોય સગપણને સંભારી રોતાં રોવાઇ ગયું રે...
મારું શરીર ખોવાઈ ગયું રે !

આંખો ને મન બેઉ રે’શે અકબંધ
એવી પહેલેથી જાણ મને હોત...
તો એકલવાયું રે સાવ મારું શરીર
હું જોઈ જાણીને કેમ ખોત ?

‘અનિલ’ નામેરી એક અંગત ખાતાનું પાપ જળમાં ધોવાઈ ગયું રે...
મારું શરીર ખોવાઈ ગયું રે !


0 comments


Leave comment