45 - શાને / અશોક ચાવડા 'બેદિલ'
મને હજીય ન એ વાતની ખબર શાને?
ઉદાસ હોઉં છું હું કારણો વગર શાને!
ઊડી ગયાં જ હશે પાંચ-સાત નળિયાંઓ,
મેં એકલું જ મૂક્યું ગામડામાં ઘર શાને?
બહુ જ ક્રૂર થઈ ફૂલને મેં મસળ્યાં'તાં,
છતાંય હાથ આ ખુશબૂથી તરબતર શાને?
વીતી ગયાં છે વરસ કૈં મને થયે પથ્થર,
જરૂર આજ પડી સ્પર્શની અસર શાને!
તને મળું ન કદી એ જ તારી ઇચ્છા છે,
પછી વિદાયમાં 'બેદિલ' ભીની નજર શાને!
0 comments
Leave comment