20 - આ જગત એને સંન્નીપાત કહે / ઉર્વીશ વસાવડા


આ જગત એને સંન્નીપાત કહે,
તું જો તારાં દુઃખોની વાત કહે.

તું ફેરવી લે આંખ સૂરજથી,
ભરબપોરે તું કાળી રાત કહે.

એક વર્તુળમાં છે ઘટનાનો ક્રમ,
તું કહે અંત કે શરૂઆત કહે.

ફૂલ ફેંકે એ ત્વચા પર તારી,
તું છતાં એને વજ્રઘાત કહે.

જાણીબૂઝીને ઝેર જે પીએ,
શિવ કહે એને કે સુકરાત કહે.


0 comments


Leave comment