22 - તારે નામે ગીત ગઝલ ને મારે નામે કોરા ખત / ઉર્વીશ વસાવડા
તારે નામે ગીત ગઝલ ને મારે નામે કોરા ખત,
કોણ સંબંધોમાં સર્જે છે આવા આવા ભેદ સતત ?
ચહેરા જેવું એક ઉખાણું ઉકલી જાશે પળભરમાં,
દર્પણ સામે આંખ મીલાવી ઊભો રહે તું એક વખત.
કેમ પૂરી થાશે ક્યાં એની ખબર પડી છે આજ સુધી,
જીવતર નામે માંડી છે આ પકડદાવની રમત.
વ્યર્થ કરે છે તું ચિંતાઓ આભ ફૂલો ને તારાની,
તું હો કે ના હોય ધબકતું રહેવાનું આખુંયે જગત.
સપનાંઓ વાવ્યાં’તાં મેં આ આંખોમાં ગઈકાલ સુધી,
આજ હવે ચાલી નીકળ્યો છું મૂકી દઈને એ જ મમત.
0 comments
Leave comment