23 - એક વાદળ આભમાં જયારે ગરજતું હોય છે / ઉર્વીશ વસાવડા
એક વાદળ આભમાં જયારે ગરજતું હોય છે,
લાખ સ્પંદન આપણી ભીતર સરજતું હોય છે.
બાળપણની શેરીમાં કેવી રીતે પાછો ફરું ?
આંખમાંથી ક્યાં હવે વિસ્મય ટપકતું હોય છે.
કોઈ સુંદર ચિત્ર જોઈ દાદ દેનારા સમઝ,
એક સર્જકનું હૃદય કેવું તડપતુ હોય છે.
રૂપના અર્થો તમે દર્પણને પૂછો ના કદી,
કોણ છે સામે નિહાળી એ સંવરતું હોય છે.
જિંદગીભર એક સપનું પામવા ભટક્યા પછી,
એકપળની ઊંઘમાં એ સ્વપ્ન ફળતું હોય છે.
0 comments
Leave comment