27 - વાદળી તુજ યાદની રાતે જ વરસી ગઈ હશે / ઉર્વીશ વસાવડા


વાદળી તુજ યાદની રાતે જ વરસી ગઈ હશે,
ફૂલચાદર આંગણામાં એટલે તો થઈ હશે.

આખી શેરીમાં ફૂલો મારા જ ઘર પાસે હતાં,
ચાતરીને મારું ઘર ખુશ્બૂ બીજે ક્યાં ગઈ હશે ?

પોતપોતાના જ કેદી છે બધા લોકો અહીં,
પૂર્વગ્રહની બેડીઓ પગમાં બધાના રહી હશે.

પાર સમજણની તપસ્વી કોક તો રહેતો હશે,
લાગણી ત્યાં અપ્સરાનું રૂપ લઈને ગઈ હશે.

એક કાગળ કેટલા વર્ષોથી હું વાંચ્યા કરું,
તોય લાગે નીતનવી એવી લિપિ આ કઈ હશે ?


0 comments


Leave comment