28 - પત્રમાં શું શું લખ્યું છે મેં નવું / ઉર્વીશ વસાવડા


પત્રમાં શું શું લખ્યું છે મેં નવું,
તું કહે તો કાનમાં આવી કહું.

જેમ માળી સાચવે છે ફૂલને,
એ રીતે મેં સાચવ્યું છે ઝાંઝવું.

કોઈ પાસે પથ્થરો ના હોય જ્યાં,
કાચનું ઘર ત્યાં બનાવીને રહું.

કેદ છું આ માનવીના દેહમાં,
હું પછી ઝરણાં સમું ક્યાંથી વહું ?

અર્થ મૃત્યુનો છે કેવળ એટલો,
બિંબનું દર્પણ તજી નીકળી જવું.


0 comments


Leave comment