29 - તૂટેલી ક્ષણોમાં કરું રાતવાસો / ઉર્વીશ વસાવડા


તૂટેલી ક્ષણોમાં કરું રાતવાસો,
સ્મરણનો જ કેવળ અહીં છે દિલાસો.

ન પહોંચ્યા અમે તો કશે એ જ કારણ,
હતા એક વર્તુળની ધારે પ્રવાસો.

અમે હાર માની લીધી દાવ પ્હેલાં,
હતા એની પાસે શકુનિનો પાસો.

ન પૂછો તમે સ્પર્શનો અર્થ સૌને,
પ્રથમ ટેરવાં આંગળીનાં તપાસો.

આ મોસમ ભરોસાને લાયક નથી કૈં,
એ ટહુકા રૂપે મોકલે સૌને જાસો.


0 comments


Leave comment