39 - માયા ઉતારી / ન્હાનાલાલ દલપતરામ કવિ


આવ્યો અષાઢ ગાઢ આભલાં છવાયાં;
આંસુડે ચીર સૌ ભીંજાયા:
સુહાગી દેવ !
એવાં શાં આળ રાજ ! માયા ઉતારી?

ચન્દાને સૂર્યમાં મ્હારાં જ્ય્હાં સદા સમાણા,
આંખોના તેજ એ હોલાણાં:
સુહાગી દેવ !
એવાં શાં આળ રાજ ! માયા ઉતારી?

પૃથ્વીનાં પુણ્ય જ્ય્હાં પ્રકાશતાં મેં દીઠાં,
આત્મામૃત ઓસર્યાં એ મીઠ્ઠાં,
સુહાગી દેવ !
એવાં શાં આળ રાજ ! માયા ઉતારી?

વિશ્વના વિલાસ જે ભ્રકુટિમાં વિરાજે,
નાચે ન નેણ એહ આજે,
સુહાગી દેવ !
એવાં શાં આળ રાજ ! માયા ઉતારી?

હૈયાના મેઘનો હિંચે છે જી હીંડોલો;
આશાનો એક બોલ બોલો:
સુહાગી દેવ !
એવાં શાં આળ રાજ ! માયા ઉતારી?
-૦-


0 comments


Leave comment