53 - જગતના ભાસ / ન્હાનાલાલ દલપતરામ કવિ


જોજો, જોજો જગતના આ ભાસ, જન સહુ ! જોજો રે,
ઉંડો ભાળી અનન્ત ઉજાસ લ્હોજો રે.

કાળાં વાદળ ઉલટે અગાથ ભર્યો અન્ધકારે રે,
ત્હો યે અનુપમ તેજસોહાગ દિશાઓ પ્રસારે રે.

સૂની શોકની માઝમ રાત ઘેરી ઉતરશે રે,
મંહી ચન્દ્રની અમૃતભાત ઝીણી ઝગમગશે રે.

અયિ ! દુઃખ તણી મહા રેલ ક્ષિતિજ ફરી વળશે રે,
દૂર દૂર ક્ષિતિજને મહેલ સુખડાં સુહવશે રે.

જોજો, જોજો વિધિના આ ફંદ, અલૌકિક જોજો રે,
ઊંડો ભાળી અખંડ આનન્દ આંસુડાં લ્હોજો રે.
-૦-


0 comments


Leave comment