10 - બેઠાં’તાં / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
સૂરજ બેઠો ધરતીકાંઠે,
આંબો બેઠો તળાવકાંઠે.

કોયલ આંબે બેઠી’તી.
કાચી કેરી ખાતી’તી,
મીઠું ગીત ગાતી’તી.

તળાવ બેઠું ગામ ભાગોળે,
વડલો બેઠો તળાવ પાળે.

માછલી છબછબ નાતી’તી,
મમરા લબલબ ખાતી’તી,
મોતીડાં વરસાતી’તી.

રાજા બેઠો મ્હેલ મિનારે,
રાણી બેઠી સરવર પાળે.
પોપટ પાણી પીતો’તો,
મેના સામે જોતો’તો,
ભીનાં પીછાં લોતો’તો.

માડી બેઠી જૈ હિંડોળે,
બહેન બેઠી માડી ખોળે.

વીરો ઘોડો રમતો’તો,
જાંબુ દાડમ જમતો’તો,
મા દીકરીને ગમતો’તો.0 comments


Leave comment