14 - આવી ગયાં / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
મારા ઘરમાં ચકીબાઈ આવી ગયાં,
અને નાની ચરક એક મૂકી ગયાં.
ફદૂક ફદૂક કૂદતાં આવ્યાં,
નાની ડોક ડોલાવતાં આવ્યાં,
ચકક ચકક બોલતાં આવ્યાં,
ફરૂર કરીને ઊડી ગયાં.

મારા ઘરમાં કુરકુરભાઈ આવી ગયાં,
અને કાદવમાં પગલાં મેલી ગયાં.
બબે પગથિયાં ઠેકતા આવ્યાં,
ડિલના વાળ ખંખેરતા આવ્યાં,
ડાઉફ ડાઉફ ભસતા આવ્યાં,
જીભ ઝુલાવતા ચાલી ગયાં.

મારા ઘરમાં મંગી મામી આવી ગયાં,
અને મીઠાઈનો પડિયો મેલી ગયાં.
લીલી સાડીએ લહેરતાં આવ્યાં,
‘ભાણો, ભાણો મારો’ બોલતાં આવ્યાં,
સોડમાં કૈંક સંતાડતાં આવ્યાં,
બચી ભરીને મને ચાલી ગયાં.
અને મીઠાઈનો પડિયો મેલી ગયાં.0 comments


Leave comment