22 - ચાલ રમકડા / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’ચાલ રમકડા,
ચાલ રમકડા,
ચાલ રૂમકઝૂમ, ચલ બે છુમ છુમ,
ચાલ બચુકડા, ચાલ ટચૂકડા,
ચાલ ઠૂમક ઠૂમ, ચલ રે છુમ છુમ.

ચાલ રમકડા,
ચાલ સમુંદર, ચડીએ ડુંગર,
ચલ ડુંગરની ભીતર કંદર,
ચલ મેદાને,
ચાલ નદીના કલકલ ગાને,
ચાલ રમકડા,
ચાલ રૂમક ઝૂમક, ઠૂમમ ઠૂમક ઠૂમ.
ચાલ રમકડા.

ભણવા જઈએ,
રમવા જઈએ,
જમવા જઈએ,
સાંજ પડે પાણીમાં છબછબ
નાવા જઈએ,
કોકિલસંગે ગુપચુપ ગુપચુપ,
ગાવા જઈએ.

ચાલ રમકડા,
દોસ્ત રમકડા,
વનદેવી શું વાત કરીશું,
ચીત કરીશું,
હસતાં હસતાં એના રેશમ
કેશ સંગાથે
ગેલ કરીશું,
એના પ્રેમળ ખોળે બેસી
વ્હાલ કરીશું.

ચાલ રમકડા,
જાગ રમકડા, સૂરજ ઊગ્યો,
સૂરજ ઊગ્યો,
જઈ ડુંગરની ટોચે પૂગ્યો,
સૂરજ ઊગ્યો,
ડુંગર સોનારંગે રંગ્યો,
સૂરજ ઊગ્યો,
જઈ નદીઓનાં નીરે નાહ્યો,
સૂરજ ઊગ્યો,
જઈ મંદિર પર બેઠો ડાહ્યો.

ચાલ રમકડા,
વાય પવન આ,
ગાય ભમર આ,
જાય ઝરણ આ,
આવ રમકડા,
એની વાતો સુણતાં સુણતાં
મન મસ્તાનું ખૂબ કરીશું.
અને આપણી,
દોસ્ત રમકડા,
વાત આજ તો બંધ કરીશું.0 comments


Leave comment