24 - ચાલો ખેતરે / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’ગરાસ ઘમકે છે ગોળીમાં, ચાલો ખેતરે જઈએ,
ઝોળીમાં સામાન ભરીને ચાલો ખેતરે જઈએ.
હો, ચાલો ખેતરે જઈએ.

તરણે તરણે ઝાકળ ટીપાં કોઈ ગયું છ પરોવી,
મારગ વાડે કંથારાંની ભરચક વસ્તી જોવી. હો, ચાલો...

પહોળાં ખેતરમાં ડોલે છે જુવાર પોંકે લચતી,
ચીભડીઓને વેલે કુમળી કાકડીઓ કૈં છૂપતી. હો, ચાલો...

વાડીમાં વેંગણ છે તાજાં, ગલકાં સમડે લટકે,
જમરૂખ ખાવા મોડી મોડી વાગોલો હજી ભટકે. હો, ચાલો...

ઊડતી વઈઓ આવે ઊમટી, ગોફણ ગાંગો વીંઝે,
ઝોળીમાં હીંચંતું બાળક માના ગીતે રીઝે. હો, ચાલો...

પોંક પડે છે ડૂંડાંમાંથી સબળ સાટકા દેતાં,
શહેરી ભૈયા, જમો સમાલી, નામ વૈદનું લેતાં. હો, ચાલો...0 comments


Leave comment