26 - હું પવન / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
હું પવન, વન વન ભમું,
હું પવન, ઘર ઘર રમું,
હું પવન, તરુ પર ચડું,
ડુંગર ચડું,
શિખરે શિખરે કઈ અડું.


હું રમું જલલહર સંગે,
હું રમું સાગર તરંગે,
હું જઈ કુમળાં પરણને
કરણ માંડું વાતડી,
એ વાતમાં ને વાતમાં
આખી વિતાવું રાતડી.


હું જઈ ચડું,
કો ઝૂંપડે,
કો ખતરે,
કો ગોંદરે,
કો કોતરે,
મારો દડૂલો ખેલતો,
સહુ બાળ સંગે ગેલતો,
સમ સમ કરી દોડ્યો જઉં,
હું પવન, વન વન ભમું,
મન મન ભમું.
જન જન તણે ઘર ઘર રમું.
હું પવન રમતો રમું,
ભમતો ભમું,
હું પવન...
હું પવન...0 comments


Leave comment