36 - ઝીણું ઝરણું / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
આ એક અહીં ઝીણું ઝરણું,
કો વનપરીનું ભમતું ચરણ,
આ એક અહીં ઝીણું ઝરણું.

કો પંખીડું કલકલ ટહુકે,
કો વેલ લચી ફૂલ ફૂલ ઝૂકે,
મારું મનડું માઝા આંહીં મૂકે.
આ એક અહીં ઝીણું ઝરણું.

કો સૌરભ વહી લાવી લહરી,
કો છલકી શી મધુની ગગરી,
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
આ એક અહીં ઝીણું ઝરણું.


ઓ સારસ જોડ ઊડી ગગને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
આ એક અહીં ઝીણું ઝરણું.0 comments


Leave comment