37 - આ લહરી જલસાગરની / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
આ લહરી જગસાગરની,
કો લીલા કીમિયાગરની,
આ લહરી જલસાગરની.

અહીં રૂમઝૂમે રંગમયી કૈં
પતાલપરીની પગલી,
અહીં ઊછળતાં જલમોતનની
સોનલ રૂપલ ઢગલી.
આ લહરી જલસાગરની.

અહીં પ્રભાતે મધ્યાહને
સંધ્યાએ દેવદિવાળી,
અહીં છલકતી નવરસવંતી
રામપ્રસાદિત થાળી.
આ લહરી જલસાગરની.

અહીં જનમતી જલવાદળીઓ,
વીજ રમે લઈ તાળી,
અહીં ગરજતા ઇન્દ્રઘોડલા,
શંખ બજે વનમાળી.
આ લહરી જલસાગરની.

અહીં જોયું મેં બિન્દુબિન્દુથી
શી વિધ સિન્ધુ રચાયા,
અહીં પળમાંહે શાશ્ર્વતશાયી
પ્રગટ થતા હરિરાયા.
આ લહરી જલસાગરની.


0 comments


Leave comment