44 - તલાવણી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
તળાવને કાંઠે રહેતી તલાવણી,
ગાતી ગોવિંદની લાવણી.
તલાવણી રે રહેતી તળાવને કાંઠડે.
દુનિયાના શહેર મહેલ આઘાં ભલે રિયાં,
મીઠાં તળાવ મારે લહેરિયાં. તલાવણી...

આ રે તળાવડી સૂકી ભરેલી,
મારે હૈડે એ ઠરેલી. તલાવણી...

ભરી તળાવડીમાં પીએ સૌ ઢોરાં
સૂકીમાં ખેલશે છોરા. તલાવણી...

દુનિયામાં કાળ કે મોતીની લાવણી,
મારે કાયમની નીંદણી. તલાવણી...

દુનિયાને ઘેર ફૂલ મોતીની છાબડી,
મારે શકોરું ને રાબડી. તલાવણી...

દુનિયાના મહેલ ભલે આભલાને બાઝિયા,
મારે તો ઝૂંપડાં છાજિયાં. તલાવણી...

દુનિયાને ઘેર ભલે મખમલ સુંવાળી,
મારે પરાળની પથારી. તલાવણી...

દુનિયાના સુખ દુઃખ મારે શા કામનાં,
મારે ગાવાં ગાણાં રામનાં. તલાવણી...

આ રે જનમ હું જનમી તલાવણી,
હું સીમસેઢાની રાણી. તલાવણી...


0 comments


Leave comment